અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ `ઉશનસ્' નટવરલાલ પંડ્યા/મધુર નમણા ચહેરા

મધુર નમણા ચહેરા

`ઉશનસ્' નટવરલાલ પંડ્યા

મધુર નમણા ચ્હેરાઓની હવા મહીં પ્યાલીઓ
ગગન કરી દે કેફે રાતું કસૂંબલ આસવે;
નયન હજી તો હોઠે માંડે, પીધોય ન ઘૂંટડો,
નજીક ખુદ ત્યાં મારી પીવા જશી મદિરા બની
જતી લથડતી ધોરી રસ્તે પતંગ શી ફૂલ પે
વદન વદને ઊડે, બેસે, પીએ મધુ, ચીકણી
ઘણીય વખતે મારે એને ઉઠાડવી રે પડે,
નયન મીંચીને ઢીંચ્યે જાતી અસભ્ય ઊંઘેટ્ટીને.

મધુર નમણા ચ્હેરાઓનો ભવોભવનો ઋણી;
મુજ જીવનના પંથે છાયાદ્રુમો સમ જે હસ્યા,
નયન ઊતરે ઊંડે ઊંડે અતીત વિશેય, તો
મધુર નમણા ચ્હેરાઓના દીપે પથ ઊજળો!
જીવનવગડે કાંટામાં છો છૂંદાય પદો પડી,
મધુર નમણા ચ્હેરાથી તો ખસે જ ન આંખડી.

(સમસ્ત કવિતા, ‘રસ્તો અને ચહેરા’ સૉનેટ-ગુચ્છમાંથી, પૃ. ૨૭૨-૨૭૩)