એકાંકી નાટકો/વૃષલ

વૃષલ

(ગંગાની ખીણ જ્યાં પૂરી થાય છે ત્યાં પાસે નિરંજના અને ફલ્ગુનાં નીર ખળ ખળ વહે છે. બન્ને નદીઓના મધ્યભાગમાં લીલીલીટી ટેકરીઓ ઊભી છે. પણ એકે ઝાડ દેખાતું નથી. સૂર્યના ધોમ તાપમાં એ રૂપેરી પટ્ટીઓ સુન્દર શોભે છે. વૃક્ષહીન એ ટેકરીઓ ઉપર સાધુ સિદ્ધાર્થર્ ચિંતન કરતા જણાય છે.) સિદ્ધાર્થ : ત્યારે કયો માર્ગ સાચો? ભૂતમાત્રની સેવાનો રસ્તો વિચાર્યો. શું જગત આપણી સેવા ઉપર આધાર રાખવા સર્જાયું છે? મેં જોયું કે એમાં તો આપણો અહંકાર જ પોષાય છે. પછી આ તપનો માર્ગ અજમાવ્યો. પણ એમાંયે કશો સાર નહીં નીકળે એમ ભાસે છે. ભૂખ વેઠવી પ્રથમ તો ભારે પડતી; પણ હવે એનું જરાયે કષ્ટ રહ્યું નથી. પણ આખું શરીર જાણે થોભી જાય છે. આ અંગો જાણે મારાં ન હોય એવો ભાસ થાય છે. બુદ્ધિ બહેર મારી જાય છે. હું શાને માટે જપ કરું છું એ જ ભૂલી જવાય છે. આ ઠંડાગાર હાથપગ તડકો ખાઈને કેવા રાજી થાય છે? શરીરને ભૂખે મારવાથી વાસના મટી નથી જતી. આ માર્ગ સાચો નથી. પણ બીજો માર્ગ પણ શી રીતે લેવો? શરીર ઢગલો થઈ જાય છે અને મગજમાં વિચાર પણ આવતા નથી. જાણે આખું જગત ચકડોળે ચઢ્યું હોય.... (મૂર્ચ્છિત થઈને ભોંય ઉપર પટકાય છે. સૂર્યનો પ્રખર તાપ તેમના મ્લાન વદનને વધારે કરમાવે છે. બાર વરસનો એક ચંડાલ બાળક પોતાની બકરી સાથે આમતેમ દોડતો, ગાતોગાતો ટેકરી ઉપર આવી ચઢે છે. બાળક : (ગાય છે.) અમે વગડાને વાટ વસનારા રે... અમે વગડાને વાટ વસનારા અમે ફૂલડાંની સાથે હસનારા રે અમે વગડાને વાટે વસનારા... અમેo ઊંચ-નીચ ભાવના ભેદ ભરેલા છાંડયા સમાજ વસવાટા : અમે હૈયાના હેત કરનારા રે અમે વગડાને વાટ વસનારા....અમેo ટેકરે તળ વડે વ્યોમ હરિહૈયે સમદરમાં સાથ ધસનારા : અમે એકતામાં ધસનારા રે અમે વગડાને વાટ વસનાર........અમેo (એ ગાય છે એટલામાં તેની બકરી, હરણી કૂદતીકૂદતી દૂર ચાલી જાય છે. ગાતાં ગાતાં એકદમ અટકી જઈને) હરિણી, તું બહુ તોફાની થઈ છે, હો! તારે પગે તો ખરી રહી પણ મારે પગે અંગારા ઊઠે છે. અહીં શા માટે આવી? અહીં નથી ઝાડ કે નથી પાંદડુ. (આસપાસ નીરખે છે. ચોંકતો) અરે! પણ આ શું? અહીં અત્યારે આમ કોણ સૂતું હશે! કોઈ મહાત્મા જપ કરતા હશે? હરિણી! ચાલ જોઈએ તો ખરા. (નિકટ જાય છે.) ના, ના. એ તો તમ્મર ખાઈને પડ્યા લાગે છે. મારા પગ આટલા દાઝે છે ત્યારે એમને શું થયું હશે? ચાલ એમના પર જરા છાંયડો તો કરી આપું. પણ અહીં ઝાડ છે જ ક્યાં ? (આમતેમ જુએ છે.) એ...પેલું આંબાનું ઝાડ દેખાય. હરિણી! ચાલ દોડ જોઉં. આપણે એ આંબાની થોડી ડાળો લઈ આવીએ. (ચાલવા લાગે છે. પાછો ફરીને) ના. છાયાની જરૂર નથી. એમની છાતી કેવી હલે છે? અને પેટનો ખાડો તો જાણે પાતાળે ગયો છે. એ તડકામાં છે એ જ સારું છે. તે વરસે દુકાળ પડ્યો અને ચારચાર દિવસના કડાકા થતા હતા ત્યારે તડકો કેવો મીઠો લાગતો? (થોડી વાર એકીટશે જોઈ રહે છે.) હવે તો સાસ લેવો પણ મુશ્કેલ થઈ ગયો છે. એમના પેટમાં કાંઈ નહીં જાય તો એ જીવશે નહીં. પણ શું ખવરાવવું? (થોડીવાર વિચારમગ્ન ઊભો રહે છે. કાંઈક સૂઝ્યું હોય એમ આંખો ચમકે છે.) હરિણી! આમ આવ. આજે તારા દૂધનો સાચો ઉપયોગ છે, હો! આવ બ્હેન, આવ! મને જરા દો’વા દે! (તાંસળીમાં થોડું દૂધ દોહે છે. દો’તાં વિમાસણમાં પડે છે.) પણ હું તો વૃષલ રહ્યો. મારી તાંસળીમાં આવા મહાત્માને દૂધ કેમ અપાય? તો-તો અધર્મ જ થાય; અને તેઓ કોપે તો મને શાપ આપે. ના, ના. મારાથી એમને અભડાવાય જ નહીં. પાછલા જન્મનાં કેટલાંય પાપે હું વૃષલ થયો; અને આ ભવે ફરી પાપ કરું તો તો કયે જન્મે આરો આવે? હિરણી! કહે તો ખરી, શું કરીશું? જીવતા માણસને આપણી આંખ સામે મરવા કેમ દેવાય? (એ જ વખતે હરિણી પોતાના પાછલા બે પગ પહોળા કરે છે) શાબાશ, હરિણી. તેં મને ઠીક સુઝાડ્યું. હરિણીના આંચળની સેર સીધી તેમના મોંમાં જ પહોંચાડું તો! કેવો સરસ વિચાર! (હરિણીને સિદ્ધાર્થ પાસે લઈ જઈ એમના કરમાયેલા મોંમાં ધારોષ્ણ દૂધની સેર છોડે છે. સિદ્ધાર્થ બેભાન અવસ્થામાં જ તેના ઘૂંટડા ઉતારે છે. દૂધ પાતોપાતો સિદ્ધાર્થના દર્શનમાં બાળક તલ્લીન બને છે.) કપાળ ઉપર રાજતેજની રેખાઓ છે. અને આંખો આકાશ જેટલી વિશાળ છે. મૂર્છામાંયે કેવા જાગ્રત ભાસે છે! આવા પવિત્ર પુરુષને ભૂલથી પણ અભડાવ્યો હોત તો મારું શું થાત? (સિદ્ધાર્થ પાસું ફેરવે છે. આંખો હજી બંધ છે. બાળક દૂર ખસી જાય છે.) સિદ્ધાર્થ : અંગેઅંગમાં જાણે નવું ચૈતન્ય સ્ફુરે છે. આ અમૃતધારા ક્યાંથી વરસે છે ? (આંખો ઉઘાડે છે.) બાળક : (હાથ જોડીને) મને ક્ષમા કરો, મહારાજ! હવે તમને કેવું લાગે છે? કાંઈ આરામ જણાય છે? સિદ્ધાર્થ : (બેઠા થાય છે.) તેં મને દૂધ પાયું, બેટા? બાળક : મારા ઉપર રોષે ન ભરાતા, મહારાજ! મારી તાંસળીમાંથી મેં તમને દૂધ નથી પાયું. તાંસળીમાં કાઢ્યું પણ યાદ આવતાં કોરે મૂક્યું. સિદ્ધાર્થ : શું યાદ આવ્યું, બેટા? બાળક : કે હું વૃષલ છું. મારો સ્પર્શ અપવિત્ર છે. મારું પાત્ર અપવિત્ર છે. તેથી જ મેં હરિણીને પાસે આણી અને તમને જરાયે અડ્યા વિના એનો પ્રેમ તમારા મોંમાં રેડ્યો. એ દૂધ તો અપવિત્ર નહીં ગણાય ને? સિદ્ધાર્થ : (ઊભા થઈને) અને તું પણ અપવિત્ર નહીં ગણાય, બેટા! તું તો પ્રભુનું મુગ્ધ બાળક છે. ભૂતદયાનો મૂર્તિમન્ત અવતાર! (બાળકને છાતીસરસો ચાંપવા જાય છે. બાળક ગભરાઈને પાછળ ખસી જાય છે.) બાળક : અરે! મને અડશો નહીં, હું શૂદ્ર છું. સિદ્ધાર્થ : તું શૂદ્ર હોઈશ ક્ષુદ્ર તો નથી જ. જન્મથી કોઈ વૃષલ થતું નથી. જેમ જન્મથી કોઈ બ્રાહ્મણ પણ નથી થતું. (બાળકના ખભા ઉપર હાથ મૂકીને) લાવ તારું પાત્ર એ દૂધની સાથે ઊંચનીચના ભેદ પણ હું પી જાઉં. બાળક : ત્યારે શું હું અપવિત્ર નથી? મારા પાત્રમાંથી તમે દૂધ પીશો? અને તોય તમે અભડાઈ નહીં જાવ? સિદ્ધાર્થ : ઊલટો વધારે પવિત્ર થઈશ, બેટા! તું અપવિત્ર છે એ ત આજથી હૃદયમાંથી કાઢી નાખજે અને પછી તેને જગતમાં કોઈ હીન નહીં કહે. જેવો હું તેવો જ તું. જે-જે દ્વારો માટે માટે ખુલ્લાં છે તે-તે દ્વારો તારે માટે પણ બંધ નથી. બાળક : આપે મારો ઉદ્ધાર કર્યો હું આપને શરણ છું. (પગે પડે છે.) સિદ્ધાર્થ : પણ હજુ મને જ ક્યાં શરણ જડ્યું છે? સત્યને શોધવા હું ભટકી રહ્યો છું. કદચ તારા આ હૃદયધર્મમાંથી જ મને રસ્તો જડે. બાળક : તમે શું કહો છો તે મને નથી સમજાતું. પણ અરે! મારી હરિણી તો ચાલી. મનેય જવા દો. (ગાતો ગાતો જાય છે.) ટેકરે તળાવડે વ્યોમ-હરિહૈયે સમદરમાં સાથે ધસનારા : અમે એકતામાં ધસનારા રે અમે વગડાને વાટ વસનારા... અમેo આંબાની ડાળ પર બોલે કોયલડી; ઉરમાં બજે એક તારા : તમે હીન કહી કોણ હસનારા રે? અમે વગડાને વાટ વસનારા. અમેo સિદ્ધાર્થ : (બાળકને ક્યાંય સુધી એકીટશે જતો જોઈ રહે છે.) બેટા! તેં આજે મને બુદ્ધ બનાવ્યો. (ધીમેધીમે ટેકરીઓમાં અદૃશ્ય થાય છે.)