કાવ્યાસ્વાદ/૧૦

૧૦

એક કવિએ માતાપુત્ર વચ્ચેનો સંવાદ યોજ્યો છે. આ સંવાદ એક પથ્થરને નિમિત્તે થાય છે. પુત્રે પથ્થરને ઘેરો ઘાલીને પકડ્યો, એને કેદી બનાવીને કારાગારમાં પૂર્યો. એ કારાગાર એક અંધારી કોટડી હતી. એ પહેરેગીર બનીને કોટડીનાં બારણાં આગળ ઊભો રહી ગયો. માને આ જોઈને અચરજ થયું. એણે પૂછ્યું, ‘ભાઈ, આવું શા માટે કર્યું?’ દીકરાએ જવાબ વાળ્યો, ‘કારણ કે મેં એને કેદ પકડ્યો છે, કારણ કે મેં એને પકડ્યો છે.’ માએ કહ્યું, ‘જો, પથ્થર તો નિરાંતે ઊંઘે છે. એને તો ખબરેય નથી કે એ બાગમાં છે કે નહીં! શાશ્વતતા અને શિલા તો મા દીકરી, ઘરડો તો તું થઈ રહ્યો છે. શિલા તો આરામથી સૂઈ રહી છે.’ દીકરાએ એની એ વાત પકડી રાખીને કહ્યું, ‘પણ મા, મેં ધરપકડ કરી છે, મેં એનો કબજો લીધો છે.’ માએ એને ફરી સમજાવતાં કહ્યું, ‘પથ્થર તો કોઈનો થતો નથી, અરે, એ તો ખુદ પોતાનોય ક્યાં હોય છે! જિતાયો તો તું છે, તારે કેદીની ચોકી કરવી પડે છે, અને એ કેદી તો તું પોતે જ છે, કારણ કે હવે તને ઘર છોડીને બહાર જવાની બીક લાગે છે.’ પણ દીકરો કાંઈ સત્ય સમજવા તૈયાર નથી. એ જરા ધૂંધવાઈ ઊઠીને કહે છે, ‘હા, હા, મને ભય લાગે છે કારણ કે તેં કદી મારા પર વ્હાલ કર્યું જ નથી.’ મા સ્વસ્થતાથી કહે છે, ‘હા, તારી વાત તો સાચી છે, કારણ કે તારો ને મારો સમ્બન્ધ તારા ને પથ્થર વચ્ચેના સમ્બન્ધ જેવો જ રહ્યો છે!’