કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૩૭.સ્વપ્ન ક્યાં મોટા ગજાનું જોઈએ?


૩૭.સ્વપ્ન ક્યાં મોટા ગજાનું જોઈએ?

ચિનુ મોદી

સ્વપ્ન ક્યાં મોટા ગજાનું જોઈએ ?
જીવવા માટે બહાનું જોઈએ.

એક જણ સાચું રડે તો બ્હૌ થયું,
મૌન ક્યાં આખી સભાનું જોઈએ ?

એક પરપોટો ઘણો સુંદર હતો,
પણ હવાને, ચાલવાનું જોઈએ.

સીમમાંથી ઘર તરફ પાછા જતાં,
આ ખભે પંખી મઝાનું જોઈએ.

વાટ વચ્ચે લૂંટશે અધવચ તને,
જીવ, તારે ચોરખાનું જોઈએ.

આંસુ જ્યાં થીજી ગયેલાં હોય છે,
સાંભરણ એવી જગાનું જોઈએ.

તું કહે ત્યાં આવશે ‘ઇર્શાદ’ પણ,
એક ઢેફું આ ધરાનું જોઈએ.
(ઈનાયત : પૃ.. ૧૩)