કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૩૫. મુને વ્હાલું

૩૫. મુને વ્હાલું


મુને વ્હાલું ડુંગરનું ધામ,
એવાં મુને વ્હાલાં તળેટી ને ગામ.

કો’ક કો’ક ક્યે છે મુને ડુંગરિયે બેસ
હાથ જોડી, પલાંઠી વાળી,
વાર વાર ઊતરું હું હરખેથી હેઠો
મારા ગામની ગલી ગલી ભાળી;

ઘેર ઘેર ઘેલો હું ભટકું વેરાગી,
મારા શેરીયુંમાં રમતા શ્યામ. —

કો’કને ટપારું ને ડંકો દેખાડું, વળી
કો’કને તો હાથ લઈ ભેટું,
ઊભી બજારે એમ રમતો ચલું જી
મારે કોઈથી ન રાખવું છેટું;

મોઢું બગાડો કે મલકી ઊઠો,
મારી માળાને મણકે તમામ. —

બોલશો મા, કોઈ હવે ડુંગરિયે બેસ,
અને દેવને રિઝાવી લે, ભાઈ!
એનો હિસાબ મેં તો અંકે કર્યો છે
મારે તમ શું છે સાચી સગાઈ;

ડુંગરનો દેવ મારો ડોલી ઊઠે
જ્યારે હોઠે તમારું લઉં નામ. —

મુને વ્હાલું ડુંગરનું ધામ,
એવાં મુંને વ્હાલાં તળેટી ને ગામ.

૧૭-૧૧-’૬૪ (સંગતિ, પૃ. ૧૨-૧૩)