કાવ્ય-આચમન શ્રેણી – મનહર મોદી/૩૫. મનહર મોદીનો ‘બકવાસ’

'


સંકલ્પો
બંકલ્પો
ગપ્પીઓ લપ્પીઓ થપ્પીઓ
કહી દો કે મનહર મોદીનું નામ ઈશ્વર છે
અને ઈશ્વર તો ક્યારનોય મરી પરવાર્યો છે.
ઈશ્વરનું મૃત્યુ થયું ત્યારે તેની આંખો પહોળી થઈ હતી
અને જીભ તાળવે ચોંટી ગઈ હતી
તે જોઈને (બરાબર લાગ મળ્યો છે એમ ધારીને!)
એક કાગળના એક ડૂચામાં એક અંધારું એવું તો પુરાઈ ગયું
કે બસ
તે પછીથી સૂરજ ઊગ્યો જ નથી.
અને તેથી જ હવેથી મનહર મોદીનો સૂરજ ઊગશે
ત્યારે
મનહર મોદીની રાત નહિ પડે.
મનહર મોદીને ઊંઘવું હશે ત્યારે મનહર મોદી જાગશે
મનહર મોદીને ખાવું હશે ત્યારે મનહર મોદી પીશે
મનહર મોદીને ઊભવું હશે ત્યારે મનહર મોદી ચાલશે.
મનહર મોદી મનહર મોદીના નામનો બકવાસ કરી કરીને
મનહર મોદીને મારી નાખશે.
મનહર મોદી હતો
મનહર મોદી છે
મનહર મોદી નથી.
સંકલ્પો
બંકલ્પો
ગપ્પીઓ લપ્પીઓ થપ્પીઓ
કહી દો
કે
મનહર મોદીનું નામ ઈશ્વર છે
અને
ઈશ્વર તો ક્યારનોય મરી પરવાર્યો છે.
(હસુમતી અને બીજાં, પૃ. ૩૦-૩૧)