કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૫૦.સવારના આછા આછા આઘાપાછા થતા...


૫૦.સવારના આછા આછા આઘાપાછા થતા...

લાભશંકર ઠાકર

સવારના આછા આચા આઘાપાછા થતા
મુલાયમ તડકાના સ્પર્શસુખે
બદામનાં પર્ણ બે, સાવ લાવીને સમીપ
દીર્ઘ સાંચે પકડીને ધાગો
રે દરજીડો
છે
સીવી રહ્યો માળો !
કૅમેરાની દૃષ્ટિ એને ટગર ટગર, તાકે;
પછી પગથિયાં ઊતરીને, સાવ સમીપના ક્લોઝઅપમાં
નિર્નિમેષ નીરખતી;
દીર્ઘ ચાંચ, નત નેત્ર,
ને બદામની ડાળ પરે ચીપકેલા બે પગની પકડ !
ક્ષણાંતરો પછી રે, રે, હા, હા...
છે
સિવાઈ ગયો માળો !!
અ... અ... અ... અને
દરજીડો તો
ઊ...ડી જરા
બીજી ડાળે પવનમાં ઝૂલે
ને અચાનક
ગાય : ટુવિટ ટુવિટ ટુવિટ ટુવિટ...
(કૅમેરા ઑન છે, પૃ. 1૦૦)