કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૨૮. મજૂરની કવિતા

૨૮. મજૂરની કવિતા


ખજૂરની કવિતા જો કહો તો હું લખી નાખું,
મજૂરની કવિતા તો મારાથી લખાય ના.
પસીનાથી રેબઝેબ સોડાય છે અંગ એનાં,
ચીંથરાંથી વીંટાયેલો દેહ દીઠો જાય ના
મ્હેલને મિનારે બોજ સાથે સડેડાટ ચડે
મ્હેલ કેરા ઓટલે રે જેનાથી સુવાય ના.

હક માગી માગી એનો ઘાંટો બેસી જાય ભલે,
પણ જોજે પ્રભો! મારો કંઠ બેસી જાય ના.
એની કરુણાને કવિતામાં ઉતારે છે એવી
જોજે મારી કલમની પ્રેરણા મૂંઝાય ના.
હમાલોના હૈયાકેરી હેલકરી કરનારી
ભલે મારી કવિતાઓ એને સમજાય ના.

લાચારીથી લથબથ જુઓ આ મજૂરિયાં,
સુખકેરાં સપનાંય સુખથી સેવાય ના.
કીકીઓમાં કુતૂહલ, કલેજામાં હાયવોય,
હાડમારી કેરો કોલાહલ હલ થાય ના.
એવા એ મજૂરો કેરી કવિતા તે ક્યાંથી લખું?
પાઈ વધુ આપવા જ્યાં હાથ લાંબો થાય ના.
(દીપ્તિ, પૃ. ૪૯)