કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૪૩. રંગરંગ મેળો

૪૩. રંગરંગ મેળો


હેરી હેરી હેરી ને રંગરંગ મેળો,
રંગરંગ મેળો ને હેરી હેરી હેરી!
પાછલા તે શ્રાવણની શ્યામલ ચંદેરી,
કોઈ ઘટા આછી આછીઃ કોઈ ઘટા ઘેરી,
હેરી હેરી હેરી...
ઘમઘમતાં ગાડાં ને ધમધમતો કેડો. —
                   રંગરંગ મેળો.

મેળાને માણી લ્યોઃ નજરૂંને નાણી લ્યો,
પોતાનાં હોય તેને પોતે પિછાણી લ્યો,
આવો ગુલાબી ને આવો ગંજેરીઃ
હેરી હેરી હેરી...
મનખાનો મહેરામણઃ પાર કરો બેડો.—
                   રંગરંગ મેળો.

હેલીનો હલકારોઃ ભેરુનો ભલકારો,
બે ઘડી બજાર એમાં પચરંગી પલકારો,
કોઈ જીવ રસિયો ને કોઈ જીવ લહેરીઃ
હેરી હેરી હેરી...
નેણલાંનો નેડો ને દિલમાં બખેડો.—
                   રંગરંગ મેળો.

પંડ પંડ પથરાતીઃ હીંચ હીંચ હરખાતી,
આખી આ આલમનો ઠાઠમાઠ ઠકરાતી,
સાત રંગ પાદરમાંઃ સૂનમૂન શેરી —
હેરી હેરી હેરી.
છેલરંગ છોગુંઃ છબીલી રંગ છેડે.
                   રંગરંગ મેળો.

પાવો આ ખેરાતીઃ હલક એની ઝેરાતી,
દૂર દૂર સૂરઘટા ઝીંકાતી-વેરાતી,
એના તે અમરતનો ઘૂંટઘૂંટ ઝેરી —
હેરી હેરી હેરી...
રૂદિયાની રંગતને રૂદિયામાં રેડો. —
                   રંગરંગ મેળો.

(આચમન, પૃ. ૩-૪)