કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી/૨૯. શૂન્ય મારું નામ છે

૨૯. શૂન્ય મારું નામ છે


મનની મર્યાદા તજી એનું જ આ પરિણામ છે,
એમ લાગે છે કે સચરાચર હવે મુજ ધામ છે.

કોઈ કાબા હો કે મંદિર, ભેદ છે સ્થાપત્યનો,
પૂજ્ય થઈ જાયે છે પથ્થર, આસ્થાનું કામ છે.

લાખ સૃષ્ટિની સુરાહી નિત્ય છલકાયા કરે!
જિંદગી પીનારની તળિયા વિનાનું જામ છે.

એક પણ આફત નથી બાકી જે રંજાડી શકે!
સર્વ વાતે જિંદગીની ટોચ પર આરામ છે.

મોહ જેને હોય સર્જનનો કહો મુજને મળે!
શબ્દ-સૃષ્ટિનો છું સ્વામી, શૂન્ય મારું નામ છે.

(શૂન્યનો વૈભવ, પૃ. ૩૧૪)