કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી/૯. જીવન-દર્શન

૯. જીવન-દર્શન


ઘોર અંધારાં અવનિપટ પર, શૂન્ય છવાયાં જ્યારે,
વીજ ઝબૂકી ઝગમગ કરતી લય પામી પલવારે,
જીવનનો અણસાર ખરેખર, પામી સૃષ્ટિ ત્યારે
                   મૃત્યુ દ્વારે.

એક ઘરે છે રામણદીવો, બીજા ઘેરે દોણી,
બળતા આ સંસારની વાતો, તોયે ન સ્વાર્થ-વિહોણી,
જીવન-મૃત્યુ, સુખ-દુઃખ, સરખાં હૈયે કોણ ઉતારે?
                   આ સંસારે!

કોઈ પરોઢે ઓલવી નાખે, સાંજ પડે પેટાવે,
આતમ-દીપક એમ બળીને, અવનિને દીપાવે,
જીવનનો અંધકાર ઉલેચી, દિવ્ય શી જ્યોત પ્રસારે,
                   રૂપ વધારે.

શ્વાસની આ વણઝાર પળેપળ, ચાલી જાયે દૂરે,
ધૂળના ગોટેગોટ ઊડીને પાછળ મારગ પૂરે,
ક્યાંક વિસામો, ક્યાંક ઉતારો, થાક ઘડીક ઉતારે,
                   ભવપગથારે.

મૃગલાં દોડે મૃગજળ દેખી, નિર્મળ નીરને ત્યાગી,
સત્યની પૂંઠે પૂંઠે એવી, અકળિત માયા લાગી,
કોઈનું સામે જોર ન ચાલે, એવી માથાભારે!
                   કોણ ઉગારે?

દૂધ સરીખું અમૃત પીને, સાપ હળાહળ આપે,
કાળ ફરે તો એ વિફરીને, પાલકને સંતાપે,
માયા પાછળ સારું નરસું, જીવ ન લેશ વિચારે,
                   નાશ પુકારે.

પાપનું જગમાં નામ છે નીતિ, જુલ્મનું સાચો ન્યાય!
સંત બિચારા પાખંડી ને ખૂની વીર ગણાય;
જૂઠા જગની જૂઠી રીતે બીકણ સૌને ડારે,
                   ક્રોધ ઉતારે.

જેનાં વહેતાં નિર્મળ નીરે, મેલ જગતના જાએ,
એ ગંગામાં ભળતાં પાણી પોતે ગંગા થાએ,
સંત સમાગમ રાખી લોકો ડૂબતી નૌકા તારે,
                   પાપ નિવારે.

નાવ ડૂબવવા કાજે સાગર લાખ ઉછાળા ખાએ!
નાવિક જેનો અણનમ એનો વાળ ન વાંકો થાએ,
માથું પટકી નિષ્ફળ મોજાં છેવટ હિંમત હારે,
                   શૂન્ય કિનારે.

(શૂન્યનો વૈભવ, પૃ. ૯૯-૧૦૦)