કાવ્ય-આચમન શ્રેણી – હસમુખ પાઠક/૨૦. ગજેન્દ્રચિંતન


૨૦. ગજેન્દ્રચિંતન

કદાચ આ છેલ્લો દાવ હોય;
ઋતુમાન વનમાં જન્મ્યો ત્યારે
મંદારે, પારિજાતે, અશોકે, આમ્રે, તાલે, તમાલે, દ્રાક્ષે, કેળે,
ક્યારેય કહ્યું નહિ કે રમત શરૂ થઈ ગઈ;
ન તો ક્યારેય ત્રિકુટાચલ બોલ્યો, કે
ન તો ક્યારેય આ રુદન કરતી હસ્તિનીઓ બોલી
કે હું કોણ;
જે જે કામ્યો તે તે પામ્યો;
જે જે માગ્યું તે તે મળ્યું—
વાત્સલ્ય, મમતા, સ્નેહ; સૌ સાથે ફર્યો, હર્યો, આનંદ કર્યો;
ભૂખ ભાંગી તોય તૃષા ન છીપી;
એમ કોઈએ ન કહ્યું કે હું કોણ;
હારી જવા જેવી રમત આસાનીથી જીત્યો;
એ પહેલો દાવ;
મને ગજેન્દ્ર કહ્યો આ ગ્રાહે,
જ્યારે મારી તૃષા છીપવવા આ સરોવરમાં હું પેઠો;
એના તીક્ષ્ણ દાંત મારા પગની આરપાર ગયા ત્યારે જાણ્યું
કે હું ગજેન્દ્ર અને આ ગ્રાહ;
જેને પછાડવા, મારવા, સરોવરની બહાર ખેંચી કાઢવા મથું છું,
તે વિગ્રહ કદાચ યુગો સુધી ચાલે;
કારણ કે આ ગ્રાહ મારું જોર નથી જાણતો;
જે જડ સૃષ્ટિમાં એનો જન્મ, એ સૃષ્ટિમાં જ મારો ઉછેર;
એટલે જ પેલા
મંદારે, પારિજાતે, અશોકે, આમ્રે, તાલે, તમાલે, દ્રાક્ષે, કેળે,
જે જે મને સહેલાઈથી આપ્યું તે મેં એની સામે પહેલાં ધર્યું;
પીઠબળ મળ્યું હસ્તિનીઓનું;
આ ગ્રાહ છેવટ એ પણ ખેંચી રહ્યો છે;
વાત્સલ્ય, મમતા, સ્નેહ એ સૌ આરપાર એના દાંત ફરી વળ્યા છે,
એટલે જ રુદન કરતી હસ્તિનીઓ દૂર ઊભી છે;
જીતવાની રમત જાણે હું હારી રહ્યો છું;
પરંતુ આ ગ્રાહને એ ખબર નથી કે—
કે છેલ્લો દાવ હજી હવે આવે છે;
આ ગ્રાહને મારે મારવાનો, પછાડવાનો, સરોવરની બહાર
ખેંચી કાઢવાનો નથી;
જે જડ છે તેનો સામનો ભલા જડથી કેમ થઈ શકે?
જે મને પેલા
મંદારે, પારિજાતે, અશોકે, આમ્રે, તાલે, તમાલે, દ્રાક્ષે, કેળે,
આપી આપીને શીખવ્યું તે જ મારે હવે કરવાનું —
આપવાનું;
જે દેહ આ ગ્રાહ માગી રહ્યો છે તે એનો;
પરંતુ જે વાત્સલ્ય, મમતા, સ્નેહ હસ્તિનીઓએ આપ્યાં
તે કોને આપું?
પાછાં આપું એટલી પાસે એ કોઈ રહી નથી;
અને નથી રહ્યો હવે એટલો સમય;
એથી જે ટકાવવા અત્યાર સુધી હું મથ્યો,
તે ચૈતન્યસ્વરૂપને, મારું જે શેષ, તે મારી સમજ
આ કમલના ફૂલમાં વીંટીને દરી દઉં તો?
મારું હૃદય
આ ગ્રાહની ઓસરતી પકડમાં, ચારે દિશાઓમાં
મંદારે, પારિજાતે, અશોકે, આમ્રે, તાલે, તમાલે, દ્રાક્ષે, કેળે,
ફરકાવેલા આનંદમાં, હસ્તિનીઓના મૌનમાં,

પ્રત્યક્ષ પ્રગટ થતા ચૈતન્યસ્વરૂપમાં,
ઊર્ધ્વ થવા મથતું જાણે છે કે —
જીત કોની છે.

૨૨ માર્ચ ’૬૬
મણિનગર

(સાયુજ્ય, પૃ. ૩૫-૩૭)