કાવ્ય-આચમન શ્રેણી – હસમુખ પાઠક/૩૬. એટલો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૩૬. એટલો

એટલો તને ઓળખ્યો, વહાલા
ઓળખું જરાય નહિ,
લાખ લીટીએ લખું તોયે
લખ્યો લખાય નહિ. — એટલોo
સૂરજ-તાપની જેટલો તીખો
અડ્યો અડાય નહિ,
ચંદર-ચાંદની જેટલો મીઠો
ઝાલ્યો ઝલાય નહિ. — એટલોo
યુગ યુગોની ચેતના જેવડો
વરણ્યો વરણાય નહિ,
જનમોજનમ હેતના જેવડો
પરણ્યો પરણાય નહિ. — એટલોo
અંતર-આરત જેટલો ઊંડો
ખેંચ્યો ખેંચાય નહિ,
વ્રેહની વેદના જેટલો ભૂંડો
વેચ્યો વેચાય નહિ. — એટલોo

૨૩/૨૪-૧૨-૮૩
(જાગરણ — પાછલી ખટઘડી, પૃ. ૩૧)