કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૪૩. કેટલે દાડે

Revision as of 04:49, 25 June 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૪૩. કેટલે દાડે

પ્રહ્લાદ પારેખ

એક બપોરે જતે શિયાળે જતો હતો હું જંગલમાં,
અટકી અટકી કલરવ કરતાં પંખીગણ ત્યાં તરુગણમાં.

જરા જરા ટાઢો છે વાયુ, મનગમતો તડકો મળતો,
ઝડપ કરે ચરણો ને જાણે અંતરમાં કોઈ હસતો.

જોયું નાનું ઝાડ એક; એ ડોલે ને ચમકાવે પાન,
એમાં તું શું સમજ્યો અલ્યા ! શાને નાચી ઊઠ્યો પ્રાણ ?

આવાં ઝાડો ઘણાંય વનમાં આમ જ ડોલે, ચળકે આમ,
જોઈ આને નાચી ઊઠે, કહે, કહે અલ્યા ! શું કામ ?

જવાબ કિન્તુ એ આપે ના, કહે ચરણોને, ચાલો ના :

થંભ્યાં મારાં ચરણો, જોયો તેજ તણો મેં ત્યાં વિસ્તાર.
ધરણી, વન ને તડકાને મેં થયેલ દીઠાં એકાકાર.

ધરતીના હૈયા પર સૂતો, મુજ હૈયે આવ્યું આકાશ,
ઝાડ, છોડના સુખનો મારા અંગે અંગે લાગ્યો પાસ.

ખરી પાંદડાં આવે માથે, પંખી કોઈક ઊડી જાય,
ધૂળ આવતી ઝીણી ઝીણી શરીર આખે એ વીંટળાય;
કાયા મારી તડકા કેરી હૂંફેથી આજે હરખાય.

ધરતી મારી, નભ મારું ને વન વગડા મારાં સૌ સાથ,
અહો ! કેટલે દા’ડે આજે ભીડી લીધી આવી બાથ !
(સરવાણી, પૃ. ૩૪)