ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/‘જ્ઞાન-ગીતા’


‘જ્ઞાન-ગીતા’ [ઈ.૧૬૧૬/સં. ૧૭૬૨, કારતક સુદ ૧, ગુરુવાર] : જ્ઞાનમાર્ગી પરંપરાનું નરહરિકૃત આ ગીતા-કાવ્ય (મુ.) ૧૭ કડવાં અને ૩૪૨ કડીની રચના છે. દરેક કડવામાં ‘ઢાળ’ને નામે ઓળખાવાયેલા પૂર્વછાયાના બંધના અંશ ઉપરાંત ‘દ્રૂપદ’ને નામે ઓળખાવાયેલી અને જુદા જુદા રાગોના નિર્દેશવાળી તેમ જ દેશી ચાલની કેટલીક કડીઓ અને ૧ કે વધુ સંસ્કૃત શ્લોકો ગૂંથાયેલા છે. આ સંસ્કૃત શ્લોકોનું કર્તૃત્વ નરહરિનું હોવાનું જણાતું નથી, તેથી સંમતિશ્લોક તરીકે એ ઉદ્ધૃત થયા જણાય છે. દરેક કડવામાં આ શ્લોકોનો અર્થવિસ્તાર થતો રહે છે. આ જાતનાં ઘણાં ગીતાકાવ્યોમાં સંવાદનો આશ્રય લેવામાં આવ્યો છે, પરંતુ અખાની ‘અખે-ગીતા’ની જેમ નરહરિની આ ‘જ્ઞાન-ગીતા’ સંવાદ રૂપે રચાયેલી નથી. વેદાન્તતત્ત્વની ચર્ચા કરતા નરહરિના આ ગ્રંથના બ્રહ્મસ્વરૂપ, નિર્ગુણ બ્રહ્મનો ચોવીસ તત્ત્વો રૂપે થયેલો વિસ્તાર, સંસારનું મિથ્યાત્વ અને વિશ્વની બ્રહ્માકારતા, જીવ-બ્રહ્મની અભિન્નતા, નિષ્કામ કર્મ, યોગ, ભક્તિ અને જ્ઞાનાનુભવ અને સાધનામાર્ગો, સિદ્ધ યોગીસંતજ્ઞાનીનું સ્વરૂપવર્ણન, સંતસંગતનો પ્રભાવ વગેરે વિષયોનું નિરૂપણ છે. ૧ કડવામાં એમણે સાંખ્ય સિદ્ધાંતોનો પણ સંક્ષેપમાં પરિચય કરાવ્યો છે. એ નોંધપાત્ર છે કે નરહરિ સગુણ સૃષ્ટિનો વિસ્તાર નિર્ગુણમાંથી થયો છે, નિર્ગુણ એ કારણ છે ને સગુણ એ કાર્ય છે, એ રીતે સગુણ-નિર્ગુણનું એકત્વ સ્થાપિત કરે છે. સંસારનું મિથ્યાત્વ પ્રબોધવાની સાથે એ બ્રહ્મતત્ત્વની સર્વવ્યાપિતા સમજાવી જીવબ્રહ્મની અભિન્નતાનું પ્રતિપાદન કરે છે અને વિશ્વને બ્રહ્માકાર જોવા સુધી પોતાની વાતને લઈ જાય છે. નરહરિની દૃષ્ટિએ બ્રહ્મ સાથેની અભેદાનુભૂતિનું પ્રથમ સોપાન ભક્તિ છે, તો બીજું સોપાન જ્ઞાન છે એટલે કે એમને જ્ઞાનનિષ્ઠ ભક્તિ કે ભક્તિથી અનુપ્રાણિત જ્ઞાન જ ઇષ્ટ છે. જેના હૃદયમાં ભક્તિજ્ઞાન વિલસે છે એનું એ અખાની જેમ આહ્લાદક વર્ણન કરે છે. જ્ઞાનમાર્ગી પરંપરામાં સર્વત્ર છે તેમ નરહરિમાં જ્ઞાન એ શુષ્ક શાસ્ત્રજ્ઞાન નથી, પણ અનુભવનો પર્યાય છે. ભક્તિ એ પ્રારંભ છે, પછી વિજ્ઞાન, પછી અપરોક્ષાનુભૂતિ ને પછી બ્રહ્મરસ - આવો ક્રમ એમને અભિપ્રેત જણાય છે. સાધકે ચંચળ મનને સ્થિર કરવાનું હોય છે, પણ એ માટે કાયાકલેશની એમને જરાય જરૂર લાગતી નતી. એ અજપા જાપ અને મનને સહજ શૂન્યમાં સ્થિર કરવાની વાત પર ભાર મૂકે છે. નરહરિમાં હઠયોગના ‘શૂન્ય’ અને ‘અનહદ’નો સ્વીકાર છે પરંતુ મુખ્યત્વે સહજ સાધના જ અભિમત હોય એવું લાગે છે. આત્મવિવેક, આવરણમુક્ત બનવું, નિષ્કામ કર્મયોગ - આ પ્રક્રિયાઓનું પણ અહીં ઉદ્બોધન થયું છે. અંતે કવિ બંધમોક્ષની વાસનાને બાળી નાખવાનું એટલે કે જન્મમરણનો ભય ટાળીને સદા મુક્ત જ હોવાનો અનુભવ કરવાનું કહે છે, કેમ કે જે પોતાને બંધનમાં માને તેને જ મોક્ષની વાસના થાય. આખ્યાનમાં હોય છે તેવી, આગલા કડવાના વક્તવ્યનો સાર પછીના કડવાના પ્રારંભમાં આપી દેવાની પદ્ધતિ નરહરિએ સ્વીકારી છે. આથી કેટલીક પુનરુક્તિઓને ટાળી શકાઈ નથી. સિદ્ધયોગી-સંત-જ્ઞાનીનાં લક્ષણો વર્ણવતાં કવિએ ઘણો વિસ્તાર કર્યો છે પણ આ જાતનો સંતમહિમા જ્ઞાનમાર્ગી પરંપરાનો એક મહત્ત્વનો ઉન્મેષ છે. નરહરિની આ કૃતિનો મુખ્ય ગુણ તે વેદાન્ત જેવા દુર્બોધ વિષયને દૃષ્ટાંતોની મદદથી સરળ સુબોધ બનાવીને થયેલું નિરૂપણ છે. સંસારનું મિથ્યાત્વ, જીવ-બ્રહ્મની અભિન્નતા, બ્રહ્મ ને જગતનો સંબંધ જેવા વિષયો સમજાવવા માટે યોજાયેલાં દૃષ્ટાંતો ઘણાંખરાં પરંપરાગત છે પણ દૃષ્ટાંતો અર્થપૂર્ણ છે ને ઓઘ રૂપે આવીને કથયિત્વને સચોટ રીતે મૂર્ત કરી આપે છે. બ્રહ્મસ્વરૂપનું ‘નિર્વાણ વાણી’માં, નેતિ નેતિની ભાષામાં થયેલું વર્ણન લાક્ષણિક છે તો ‘શૂન્યમાં સોહામણો’ એવા હરિની ગતિનું વર્ણન પણ પ્રભાવક છે. સિદ્ધયોગીના વર્ણનમાં “અજરને જારે, અમરને મારે” એ જાતની અવળવાણીનો થયેલો ઉપયોગ ધ્યાન ખેંચે એવો છે. નરહરિની ‘જ્ઞાન-ગીતા’નો લાભ અખાને ક્યાંક-ક્યાંક મળ્યો હોવાનું નોંધાયું છે પણ વસ્તુત: આ કવિઓ એક લાંબી ચાલી આવતી પરંપરામાંથી પોષણ મેળવતા રહ્યા છે તેથી કેટલીક સમાનતા સ્વાભાવિક છે અને બધા કવિઓ એક જ પરંપરાનો વારસો ભોગવે છે એમ કહેવું જોઈએ.[સુ.જો.]