ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નાનાદાસ


નાનાદાસ [ઈ.૧૮મી સદી] : ઉદાધર્મસંપ્રદાયના ભક્તકવિ. જીવણજી મહારાજ (ઈ.૧૫૫૩-અવ. ઈ.૧૬૮૧)ના પૌત્ર દ્વારકાદાસના શિષ્ય. સંપ્રદાયમાં નાના પારેખ તરીકે જાણીતા હતા. જન્મ દરાપરા (તા. પાદરા)માં. જ્ઞાતિએ પાટીદાર. જીવણજી મહારાજના સ્વધામગમનની તિથિએ સંપ્રદાયમાં વાંચવામાં આવતા ‘સમાગમ’(મુ.)માં અંતની સાખીઓમાં આ કવિના નામનિર્દેશ છે તેથી એમનું કર્તૃત્વ હોવાનો અર્થ થાય. પરંતુ જીવણજી મહારાજના સ્વધામગમનના પ્રસંગનું વર્ણન કરતી આ કૃતિમાં થોડીક સાખી છે અને બાકી ગદ્ય છે, જે મોડા સમયનું હોય એવું પણ કદાચ લાગે. આ ઉપરાંત કવિએ ‘માનસિક પૂજા’ તથા પદ (કેટલાંક મુ.) રચ્યાં હોવાનું નોંધાયું છે. તેમનાં પદો ભક્તિનાં, ભક્તિમહિમાનાં, વૈરાગ્યબોધનાં અને ગોપીભાવનાં છે. તેમાં ગોપીભાવનાં પદોમાં ક્યારેક નિર્ગુણ બ્રહ્મવાદનો પ્રભાવ ઝિલાય છે. કેટલાંક પદો સહિયરને સંબોધીને રચાયેલાં છે. કવિનાં કેટલાંક પદો હિન્દીમાં છે, તો કેટલાંકમાં હિન્દીની અસર છે. તે ઉપરાંત તેમણે હિન્દીમાં ૨૪૯ સાખીઓ રચી હોવાની માહિતી મળે છે. કૃતિ : ૧. ઉદાધર્મ ભજનસાગર, પ્ર. દ્વારકાદાસ ક. પટેલ, ઈ.૧૯૨૬; ૨. ઉદાધર્મ પંચરત્નમાલા, પ્ર. સ્વામી જગદીશચંદ્ર યદુનાથ, ઈ.૧૯૬૮ (ત્રીજી આ.). સંદર્ભ : રામકબીર સંપ્રદાય, કાન્તિકુમાર સી. ભટ્ટ, ઈ.૧૯૮૨. [શ્ર.ત્રિ.]