ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પરમાણંદ દાસ-૪


પરમાણંદ(દાસ)-૪ [ઈ.૧૬૩૩માં હયાત] : પિતાનું નામ પૂંજો. જ્ઞાતિએ બ્રહ્મક્ષત્રિય. વતન સૌરાષ્ટ્રનું દીવ. તેમણે ભાગવતના દશમ અને એકાદશસ્કંધને આધારે ૧૨ વર્ગમાં વિભાજિત, ૧૩૪૩ કડીનું ‘હરિરસ’ (ર.ઈ.૧૬૩૩/સં. ૧૬૮૯, માગશર-૮) નામનું પૌરાણિક વિષયનું વિસ્તૃત કાવ્ય રચ્યું છે. લોકભોગ્ય પ્રસંગો વધુ વિસ્તારથી આલેખવા તરફ લક્ષ હોવાને લીધે કવિએ કૃષ્ણની નિર્દોષ લીલાઓ અને યાદવોના સંબંધની વાત વિસ્તારથી રજૂ કરી છે અને રાસક્રીડા જેવા પ્રસંગો ટૂંકાવી દીધા છે. કવિએ મૂળકથાને અનુસરવાની સાવચેતી રાખી છે છતાં ક્યાંક તેમના પોતાના તરફથી પણ ઉમેરો થયેલો જણાય છે. વર્ગ પદ્ધતિએ લખાયેલા આ કાવ્યની ભાષામાં તેનું જૂનું રૂપ સચવાયું છે તેમ જ એમાં જૂની ફાગુ રચનાઓમાં ઉપયોગમાં લેવાતા ‘આંદોલ’ છંદનો પણ ઉપયોગ થયો છે એ એની વિશિષ્ટતા છે. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસારસ્વતો;  ૩. ગુહાયાદી.[ચ.શે.]