ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પૂરીબાઈ


પૂરીબાઈ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : ભક્ત કવયિત્રી. પિતા ભાણજી. તેઓ મૂળ અમદાવાદના પણ પછી ઉમરેઠમાં વસવાટ કરેલો. જ્ઞાતિએ ઔદીચ્ય બ્રાહ્મણ. પૂરીબાઈના હયાતીકાળ વિશે ચોક્કસ માહિતી મળતી નથી પણ ઈ.૧૬૮૧થી ઈ.૧૭૫૨ સુધી તેઓ હયાત હોવાનું અનુમાન થયું છે. માત્ર અગિયાર વર્ષની નાની વયે તેમનાં લગ્ન થયેલાં, પરંતુ પતિ કોલેરામાં મૃત્યુ પામતા તેઓ બાળવિધવા બનેલાં. તે પછીનો બધો સમય તેમણે તેમના પિતા સાથે, તેમના પિતાને ખડાયતા વણિકો તરફથી મળેલી રઘુનાથજીની સેવામાં પસાર કર્યો હતો. પિતાના મૃત્યુ પછી પણ તેમણે રઘુનાથજીની સેવા ચાલુ રાખી હતી. ૬ કડવાંનું, સાદી અને પ્રૌઢ શૈલીમાં રામ-સીતાના વિવાહ-પ્રસંગનું ચિત્રણ કરતું ‘સીતા-મંગળ’(મુ.) નામનું કથાકાવ્ય તેમનું મળે છે. તેમાં તત્કાલીન લગ્નનાં રીતરિવાજોનું વર્ણન છે. વળી ‘બારનપુરની બાજોઠી’ ‘વીસનગરની થાળી’, ‘ડુંગરપુરની ઝારી’, ‘વીજાપુરના વાટકડા’ વગેરેના નિર્દેશો પણ છે. કૃતિ : ૧. ગુકાદોહન; ૨. બૃકાદોહન-૧. સંદર્ભ : ૧. કવિચરિત-૩; ૨. પ્રાકકૃતિઓ;  ૩. સાહિત્ય, એપ્રિલ ૧૯૨૬-‘કવિ પૂરીબાઈ’, ભોગીલાલ ભી. ગાંધી;  ૪. ગૂહાયાદી.[ચ.શે.]