ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માધવ-૨


માધવ-૨ [ઈ.૧૬૫૦માં હયાત] : પદ્યવાર્તાકાર. જ્ઞાતિએ ઔદીચ્ય બ્રાહ્મણ. આ કવિની ‘રૂપસુંદર-કથા’(ર.ઈ.૧૬૫૦/સં.૧૭૦૬, અધિક અસાડ સુદ ૧૨, રવિવાર; મુ.) સમાસપ્રચુર, સંસ્કૃતમય અને આલંકારિક શૈલીમાં ઘેરા શૃંગારને આલેખતી, વિવિધ અક્ષરમેળ છંદોની ૧૯૨ કડીઓમાં લખાયેલી પ્રેમકથા છે. એનું કથાવસ્તુ પરંપરાપ્રચલિત હોવા છતાં એમાં પ્રસંગ અને ભાવના પલટા મુજબ બદલાતા છંદો પરનું કવિનું પ્રભુત્વ, એમાંની સંસ્કૃત કાવ્યસાહિત્યની અસરવાળી ધૃષ્ટ ને પ્રગલ્ભ રસિકતા, ભાષાની સમૃદ્ધિ, કવિત્વપૂર્ણ શૈલી ઇત્યાદિથી આ કૃતિ મધ્યકાલીન સાહિત્યની એક લાક્ષણિક અને નોંધપાત્ર પદ્યવાર્તા ઠરી છે. કૃતિ : રૂપસુંદરકથા, સં. ભોગીલાલ સાંડેસરા, ઈ.૧૯૩૪; ઈ.૧૯૭૩ (બીજી આ. , શ્રી યશવંત શુક્લના લેખ સાથે). સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ૪. પાંગુહસ્તલેખો;  ૫. સ્વાધ્યાય, ફેબ્રુ. ૧૯૭૮-‘રૂપસુંદરકથા એક અભ્યાસ’, જિતેન્દ્ર કા. વ્યાસ. [ર.સો.]