ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વસ્તો-૧


વસ્તો-૧ : [ઈ.૧૫૬૮માં હયાત] : ખેડા જિલ્લાના વીરસદ કે બોરસદના વતની. કવિની ઉપલબ્ધ કૃતિ ‘શુકદેવ-આખ્યાન’ની વિવિધ પ્રતોમાંથી થોડાક વીગતભેદે કેટલોક કવિપરિચય મળે છે. એને આધારે કવિ ડોડીઆ કુળના એટલે સંભવત: ક્ષત્રિય જ્ઞાતિના હતા. કાળા કે નારાયણદાસ તેમના પિતાનું નામ હતું કે ગુરુનું નામ તે સ્પષ્ટ નથી. પરંતુ એમના ગુરુ કોઈ બ્રાહ્મણ હતા એવું લાગે છે. કવિ જ્ઞાતિએ લેઉવા પાટીદાર હતા એવી માહિતી પણ મળે છે, પરંતુ એ માટે કોઈ નિશ્ચિત આધાર નથી. મહાભારતના શાંતિપર્વના વ્યાસ-શુકદેવ-સંવાદ પર આધારિત સામાન્યત: મુખબંધ-ઢાળ-વલણને જાળવતું ૪૫ કડવાનું ‘શુકદેવ-આખ્યાન’ (ર.ઈ.૧૫૬૮/સં.૧૬૨૪, માગશર સુદ ૧૨, ગુરુવાર;મુ.) શિષ્ટ ને પ્રાસાદિક વાણીમાં આ કવિએ રચ્યું છે. વ્યાસને ત્યાં વિલક્ષણ સંજોગોમાં થયેલો શુકદેવનો જન્મ અને મોટા થયા પછી શુકદેવજીએ કરેલો સંસારત્યાગ કાવ્યની મુખ્ય ઘટના છે. પણ કવિનું મુખ્ય લક્ષ સંન્યસ્તજીવન અને ગૃહસ્થજીવન વચ્ચેના વિચારવિરોધને ઉપસાવવાનું છે અને વ્યાસ-શુકદેવના સંવાદ દ્વારા કવિ એ વિરોધને સારી રીતે ઉપસાવી શક્યા છે. વ્યાસજીની પુત્રઆસક્તિને પ્રગટ કરતો કેટલોક ભાગ ભાવબોધની દૃષ્ટિએ પણ આસ્વાદ્ય છે. ‘સુભદ્રાહરણ’ અને ‘સાધુચરિત્ર’ એ કૃતિઓ કવિએ રચી હોવાનું મનાય છે. પરંતુ તેમની કોઈ હસ્તપ્રત અત્યારે ઉપલબ્ધ નથી. કૃતિ : બૃકાદોહન : ૪ (+સં.). સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુમાસ્તંભો; ૩. ગુસાઇતિહાસ : ૨; ૪. ગુસામધ્ય; ૫. ગુસારસ્વતો; ૬. પ્રાકકૃતિઓ; ૭. સંશોધન અને અધ્યયન, બહેચરભાઈ ર. પટેલ, ઈ.૧૯૭૬-‘આખ્યાનકાર વસ્તો ડોડીઓ’;  ૮. ગૂહાયાદી; ૯. ડિકૅટલૉગબીજે; ૧૦. ફૉહનામાવલિ.[ચ.શે.]