ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુંદર-૩


સુંદર-૩ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : રામપુર પરગણાના ધાએતાપુર ગામના મેવાડા બ્રાહ્મણ. પિતાનામ ધનદાસ. તેઓ પ્રેમાનંદના શિષ્ય હતા એમ કહેવામાં આવ્યું છે, પરંતુ એ વાતને કોઈ આધાર નથી. પ્રેમાનંદના ૫૨મા અધ્યાયે ને ૧૬૫ કડવે અધૂરા રહેલા ‘દશમસ્કંધ’ને તેમણે પૂરો કર્યો એ એમનું મહત્ત્વનું કાર્ય છે. આ ૧૬૬થી ૨૦૦ કડવાં સુધીના ‘દશમસ્કંધ’ (ર.ઈ.૧૭૧૭ કે ૧૭૪૦; મુ.)માં કવિએ દરેક અધ્યાય એકએક કડવાનો રચ્યો છે અને આ રીતે દરેક અધ્યાયમાં એકથી વધુ કડવાં રચતા પ્રેમાનંદના ‘દશમસ્કંધ’થી એમની કૃતિ જુદી પડી જાય છે. પ્રેમાનંદના જેવી કવિત્વશક્તિ એમની કૃતિમાં જો કે નથી, તો પણ વેદસ્તુતિના કઠિનમાં કઠિન અધ્યાયને સરળ પદોમાં ઉતારવામાં તેમને મળેલી પ્રશસ્ય સફળતા તેમની સંસ્કૃતજ્ઞતાને સૂચવે છે. કૃતિ : ૧. પદબંધ શ્રીમદ્ ભાગવત : ૧-૨, સં. ઇચ્છારામ સૂ. દેસાઈ અને નટવરલાલ ઈ.દેસાઈ, ઈ.૧૯૬૦ (પાંચમી આ.) (+સં.); ૨. મહાકવિ પ્રેમાનંદ તથા બીજા આઠ કવિઓનાં સુદામાચરિત્ર, સં. મંજુલાલ મજમુદાર, ઈ.૧૯૨૨ (+સં.). સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ૪. પ્રાકકૃતિઓ;  ૫. ગૂહાયાદી; ૬. ડિકૅટલૉગબીજે.[ચ.શે.]