ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રસવત


રસવત્ : કાવ્યશાસ્ત્રમાં રસ ભાવ વગેરેની બે પ્રકારની સ્થિતિઓ સ્વીકારવામાં આવી છે. ૧, રસ, ભાવ વગેરે કાવ્યમાં જ્યારે પ્રધાન રૂપે નિરૂપવામાં આવ્યા હોય તે અને ૨, રસ વગેરે પ્રધાન રૂપે નહિ પરંતુ અન્યના અંગ તરીકે નિરૂપવામાં આવ્યા હોય તે. પહેલી પરિસ્થિતિમાં એ રસ, ભાવ, રસાભાસ, ભાવાભાસ આદિનાં ઉદાહરણો બને છે. અને તેનાથી યુક્ત કાવ્ય ધ્વનિ-કાવ્ય કહેવાય છે. બીજી પરિસ્થિતિમાં રસ, ભાવ આદિ ગૌણ હોય ત્યારે એ રસવત્ વગેરેનાં અર્થાત્ રસવત્, પ્રેયસ્, ઊર્જસ્વિ અને સમાહિતનાં ઉદાહરણ બને છે. અને એનાથી યુક્ત કાવ્ય ગુણીભૂતવ્યંગ બને છે. રસવત્ વગેરે અલંકારો વિષે બે મત પ્રાપ્ત થાય છે. ધ્વનિવાદી અથવા રસાત્મવાદી આચાર્યો રસ વગેરે ગૌણ હોય ત્યારે જ રસવત્ વગેરે અલંકારો હોઈ શકે એમ માને છે, જ્યારે બીજા આચાર્યોના જ્યાં રસ, ભાવ વગેરે હોય અર્થાત્ રસપેશલતા હોય ત્યાં રસવત્ અલંકાર હોઈ શકે એમ માને છે. જ.દ.