ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/લ/લઘુનવલ

From Ekatra Wiki
Revision as of 12:34, 2 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search



લઘુનવલ: નવલકથાની તુલનાએ લઘુ અને ટૂંકી વાર્તાની તુલનાએ દીર્ઘ ઠરતું, ગદ્યબદ્ધ કથાત્મક સાહિત્યસ્વરૂપ. બોકાસિયોના ૧૦૦ લઘુકથાકૃતિઓના સંચય ‘ડેકામેરોને’(૧૩૪૯-૫૩) રૂપે ઉદ્ભવ પામી ચૌદમી સદી સુધીમાં પ્રચલિત થનારી લઘુનવલ મૂળે ઇટાલિયન શબ્દ ‘Novella’ દ્વારા સ્પષ્ટ થતા લઘુદેહી કથાપ્રકાર પરથી ઊતરી આવેલી છે. નવલકથાની માફક નાનાવિધ ઘટનાશ્રેણીનો આશ્રય લેવાને બદલે લઘુનવલ એકમાત્ર પ્રભાવક પ્રસંગયોજનાને અનુસરે છે. કથાનકના કોઈએક મહત્ત્વપૂર્ણ પાત્રની એકાન્તિક પરંતુ વિરલવિશિષ્ટ જીવનઘટનાની પ્રતિક્રિયા રૂપે જન્મતી મનોઘટનાને કથાકેન્દ્ર તરીકે સ્વીકારીને ચાલતી લઘુનવલ તેનાં પાત્ર, ઘટના, દેશકાળ, જીવનદર્શન અને નિરૂપણરીતિ જેવાં ઘટકતત્ત્વો પૈકી માત્ર ચરિત્ર અને એના આંતરસંવિદ રૂપે નિરૂપાતા જીવનદર્શનને જ મહત્ત્વનાં લેખે છે. આમ થતાં તે સ્થળકાળનાં જ નહીં, ઘટના સુધ્ધાંનાં વિસ્તૃત, કાળાનુક્રમિત, રૈખિક વર્ણનોમાં જવાને બદલે કેન્દ્રવર્તી પાત્રના મનોગતનું, ચૈતસિક સંચલનમૂલક, કાલવ્યૂત્ક્રમપરક, સંકુલ તેમજ સંક્ષિપ્ત આલેખન કરીને પોતાનું કદવિષયક જ નહીં સ્વરૂપગત લાઘવ પણ સિદ્ધ કરે છે. ટૉમસ માન, ગ્યોથ, હેન્રી જેમ્સ અને ડી. એચ. લોરેન્સ જેવા સર્જકોની કલમે ખેડાયેલા આ કથાપ્રકારને વોલ્તેયરની ‘કેન્ડીડ’, ફિત્ઝજેરાલ્ડની ‘ધ ગ્રેટ ગેટ્સ બાય’, જ્હોન બેકનની ‘ધ થર્ટીનાઈન સ્ટેપ્સ’, બ્રામ સ્ટૉકરની ‘ડ્રેક્યુલા’, સ્ટીવન્સનની ‘ડૉ. જેકિલ ઍન્ડ મિ. હાઈડ’, જ્યોર્જ એલિયેટની ‘ધ લિફટેડ વેઈલ’, જોસેફ કોનરાડની ‘ધ સેક્રેટ શેર’, વર્જિનિયા વુલ્ફની ‘બિટવીન ધ એક્ટ્સ’, મેલવિલની ‘બિલી બડ’ અને હેમિંગ્વેની ‘ધી ઑલ્ડમન ઍન્ડ ધ સી’ જેવી કૃતિઓએ ઉત્તરોત્તર કલાત્મકતા બક્ષી છે. ગુજરાતી ભાષાસાહિત્યમાં આ કથાપ્રકાર પન્નાલાલ પટેલ દ્વારા ‘વળામણાં’ રૂપે ખેડાય છે. અલબત્ત, ‘વળામણાં’ના લેખનસમયે તેના સર્જક કે તત્કાલીન વિવેચન કને લઘુનવલની સ્વરૂપગત લાક્ષણિકતા કે વિશિષ્ટતા સ્પષ્ટ ન હતી પરંતુ પછીથી નવલકથાનો કલાસ્વરૂપ તરીકે તાગ કાઢવાનું વલણ સ્પષ્ટ થતાં ‘આપણો ઘડીક સંગ’, ‘વાંસનો અંકુર’, ‘ફેરો’, ‘અનાગત’, ‘છિન્નપત્ર’, ‘સમયદ્વીપ’, ‘રેતપંખી’, ‘લાગણી’, ‘કોતરની ધાર પર’, ‘આંધળી ગલી’, ‘સમુડી’ અને ‘મીરાં યાજ્ઞિકની ડાયરી’ જેવી લઘુનવલો મળી છે. ર.ર.દ.