ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંપાદન


સંપાદન : ‘સંપાદન’ શબ્દ સંસ્કૃત ભાષામાંથી ગુજરાતીમાં સ્વીકારાયો છે, પરંતુ એની વિભાવના સંસ્કૃતથી ભિન્ન છે. સંસ્કૃતમાં ‘સંપાદન’નો અર્થ ‘પૂર્ણ કરવું’, ‘મેળવવું’ એવો થાય છે, જે આજે ગુજરાતીમાં ‘પ્રેમ સંપાદન કરવો’ જેવા લાગણીમૂલક ભાષાપ્રયોગમાં કે ‘જમીન સંપાદન’ જેવા વહીવટી ભાષાપ્રયોગમાં મૂળ અર્થમાં ટકી રહ્યો છે. પણ અંગ્રેજો અને અંગ્રેજીના સંપર્ક પછી ‘સંપાદન’ શબ્દ Editingના પર્યાય તરીકે વિશેષ પ્રયોજાતો થયો છે. ઑક્સફર્ડ, વૅબ્સટર્સ, ચૅમ્બર્સ, લૉંગમન વગેરે અંગ્રેજી શબ્દકોશો મુજબ ‘સંપાદન’(Editing)નો અર્થ પ્રાચીન લેખકની હસ્તપ્રતમાં સચવાયેલા સાહિત્યને પ્રકાશિત કરવું, કોઈ સાહિત્યસામગ્રીના સમગ્ર કે આંશિક ભાગને પસંદગી, ગોઠવણી, કાટછાંટ, ઉમેરણ કે વિવરણ દ્વારા સંમાર્જિત રૂપ આપી પ્રકાશનયોગ્ય બનાવવો એવો થાય છે. ટૂંકમાં, ‘સંપાદન’ એટલે પ્રાચીન કે અર્વાચીન, હસ્તલિખિત કે મુદ્રિત સામગ્રીને સ્વીકાર-પરિહારના પરિપ્રેક્ષ્યમાં વિવેકની સરાણે ચડાવી સંમાર્જિત સુગ્રથિત રૂપે પ્રકાશનયોગ્ય બનાવવી તે. પાઠસમીક્ષા, લોકસાહિત્ય, વિપુલ સર્જનરાશિમાંથી ચયન અને સંક્ષેપ એ સંપાદનનાં ક્ષેત્રો છે. કોઈપણ પાઠ્યગ્રન્થની ઉપલબ્ધ હસ્તપ્રતોમાં મળતા વિવિધ પાઠોની તુલનાત્મક સમીક્ષા કરી, કર્તાને અભીષ્ટ પાઠનું નિર્ધારણ કરી આપવું તે પાઠસમીક્ષાત્મક સંપાદન કે પાઠસંપાદન. લોકસાહિત્ય સંઘોર્મિસર્જન છે, લોકસમૂહના સીધા સંપર્ક દ્વારા આ કંઠસ્થ સામગ્રીનો સંચય કરી, એને મૂળ રૂપે રજૂ કરવી તે લોકસાહિત્યનું સંપાદન. કોઈ ભાષાના સમગ્ર સાહિત્યરાશિમાંથી કે કોઈ કર્તાના સમગ્ર સાહિત્યરાશિમાંથી કોઈ ચોક્કસ દૃષ્ટિકોણથી કૃતિઓ પસંદ કરવી તે ચયનાત્મક સંપાદન. દીર્ઘ કૃતિને એનું મૂળ સૌન્દર્ય યથાશક્ય જાળવી સંક્ષિપ્ત રૂપે રજૂ કરવી તે સંક્ષેપાત્મક સંપાદન. સંપાદન કળા ગણાય કે શાસ્ત્ર એ અંગે મતાંતર સંભવી શકે. સાહિત્યિક સંપાદનના ક્ષેત્રે પ્રવૃત્ત થવા માટે ઉત્કૃષ્ટ કલાસૂઝનો યથાર્થ વિનિયોગ અનિવાર્ય છે. એ વગર ઉત્તમ કૃતિની વરણી અને એનું યોગ્ય અર્થઘટન સંભવિત નથી પરંતુ એ પછીનાં પગલાં શાસ્ત્રની ભૂમિ પર માંડવાનાં હોય છે. શાસ્ત્રીય સજ્જતા વગર કર્તાને અભિપ્રેત એવો કૃતિપાઠ સંમાર્જિત અને સુગ્રથિત રૂપે રજૂ કરવો શક્ય નથી. હસ્તપ્રતોમાં જળવાયેલું કે કંઠોપકંઠ સચવાતું સાહિત્ય સંપાદિત કરી લેવામાં ન આવે તો કાળક્રમે લુપ્ત થાય. પ્રજાનો સામાન્ય વર્ગ સંસ્કારી ને સુશિક્ષિત હોય તોપણ હસ્તપ્રતોમાં સચવાયેલા ગ્રન્થોનો અભ્યાસ કરી શકે કે ઠેરઠેર રખડી-રઝળી લોકસાહિત્યનો આસ્વાદ માણી શકે અથવા તો કોઈ સર્જકના કે સાહિત્યસ્વરૂપના સમગ્ર સર્જનરાશિનું અધ્યયન કરી શકે તે સંભવિત નથી. સંપાદનપ્રવૃત્તિ પ્રજાને એના અમર સાહિત્યવારસા સાથે જોડવાનું સેતુકાર્ય કરે છે. કોઈપણ પ્રજાની સંસ્કારિતાની સરવાણી અસ્ખલિત રાખવામાં સંપાદનની ભૂમિકા બહુ મહત્ત્વની છે. ર.બો.