ચાંદનીના હંસ/૨૧ ધુમ્મસને વીંધી...


ધુમ્મસને વીંધી...

ધુમ્મસને વીંધી સ્વપ્નથી સીધો સરી જઈશ,
જળને ચીંધીને વ્હેણ થઈ હું તરી જઈશ.
ધોળી અવાક ભીંત પર મુજ મૌન રહી જશે,
લંબાતા છાંયડાઓનો પર્યાય થઈ જઈશ.
ભીની હવાની લ્હેરખી એક સ્થિર થઈ જશે,
નિર્મળ ગગનમાં વાદળી થઈને ઊડી જઈશ.
ફૂટશે ફૂલો ફળો ને ફરી બીજ પણ મહીં,
પ્રત્યેક પળને સૃષ્ટિમાં ધરબી ઊંડે જઈશ.
ઝરશે આ ભીનાં દૃશ્યો જે સ્વપ્નિલ આંખમાં,
આકાર એમાં પામીને હું તો સરી જઈશ.

ડિસેમ્બર, ૭૪