બીડેલાં દ્વાર/15. ‘એ મને ગમે છે’

15. ‘એ મને ગમે છે’

આજે પ્રભા એક ઇસ્પિતાલના ઑપરેશન થીએટરમાં આરસની લાદી મઢેલા મેજ ઉપર સૂતી છે. એની આંખો ઉપર, નીચે, આસપાસ ચમક ચમક થતી એ ઓરડાની મૂંગી સૃષ્ટિ પર ફરી રહી છે. ને એ મંદ મંદ મલકતી બોલે છે : “ઓહો! વાહ રે વાહ! કેટલું સુંદર!”

“મારાં બધાં જ દર્દીઓને અહીં સૂતાં આવી લાગણી થતી હોય તો હું કેવો ભાગ્યશાળી બની જાઉં!” એમ બોલતા દાક્તર, ચડાવેલી બાંયે, ને હાથ ધોતે ધોતે સૂતેલી પ્રભા સામે જોતા હતા, ત્યારે પ્રભાનાં નેત્રો પોતાના પગ બાજુ ઊભેલા એક આદમી તરફ મંડાતાં હતાં. એ આદમી અજિત નહોતો, એ હતા યુવાન દીવેશ્વર શાસ્ત્રી. ને દાક્તર દીવેશ્વરના મામાના દીકરા ભાઈ થતા હતા. પ્રભાને આંતરડામાં એકાએક ક્યાંક નસ્તર મૂકવાનું હતું. અજિતને એક સિનેમા કંપનીને આપેલી વાર્તાના શૂટિંગ બાબત ન છૂટકે બહારગામ જવાનું હતું. પ્રભાએ જ અજિતને પોતાના કામે જવા રાજીખુશીથી રજા આપી, કેમકે ઑપરેશન કંઈ બહુ ગંભીર નહોતું. ને દીવેશ્વરભાઈ મદદમાં જ હતા. માંદી પ્રભાને લાગવગથી આ ઇસ્પિતાલમાં લઈ આવનાર દીવેશ્વર જ હતા. ચાર દિવસથી એ અહીંના બિછાનામાં હતી. જાણે પોતે ડોલર કે મોગરાના બિછાના વચ્ચે જ સૂતી હતી. ફૂલ ફૂલ જેવી નર્સોએ સવારથી આવીને એને આખે શરીરે સાફ કરી હતી, પાઉડર છાંટ્યો હતો, માથે કોલનવૉટર છાંટી એના વાળ સમાર્યા હતા, ને ઓળતે ઓળતે પૂછ્યું હતું એક નર્સે, “કેમ, કઈ બાજુએ સેંથો લઉં?” “એકેય બાજુએ નહિ, બરાબર વચોવચ.” પ્રભાએ જ્યારે એમ કહ્યું ત્યારે એની આંખોમાં એક મૂર્તિ રમી ગઈ હતી. વચ્ચે પાડેલો સેંથો કોણે વખાણ્યો હતો થોડા દિવસ પર? દીવેશ્વરે. માટે પ્રભાએ આજે ઑપરેશનના દિવસે વચ્ચેથી સેંથો લેવરાવ્યો હતો. સૂર્ય ઊગ્યો, કિરણોના ગજરેગજરા લઈને આવ્યો, તે જ વખતે યુવાન શાસ્ત્રીજી દીવેશ્વર પણ આવ્યા, સાથે સુંદર ફૂલો લાવ્યા. ક્લોરોફોર્મની ટોપી જ્યારે એને સુંઘાડવાનું શરૂ થયું, ત્યારે દીવેશ્વર શાસ્ત્રી વેદનાભરી આંખે સામે જ ઊભા હતા. આત્મવિસર્જન અને આત્મવિસ્મરણની અનંત ગેબી કંદરાઓમાં જ્યારે ક્લોરોફોર્મની અસર પ્રભાને લસરાવી રહી હતી, ત્યારે પ્રભા પોતાની સાથે એ જ એક મોંને લેતી ચાલી; એ મોં રૂપાળું હતું, માથાના વાળની ન્યૂનતા એ મોંના નીરોગી સૌંદર્યને, એ મોં પર રમતા સમતાના પ્રભાવને વધુ તેજોમય બનાવી રહી હતી. સાદા ને શ્વેત પોશાકમાં તેજદાર તાલકાવાળા દીવેશ્વર શાસ્ત્રી ઊભા હતા, તે પણ જાણે કે પ્રભાના પ્રાણની સાથે સંગાથી બની આ બ્રહ્માંડના મધ્યબિંદુ પર લટકતા હતા. બેહોશીના અનંતમાં ઓગળી જતી પ્રભા પોતાના અંતરમાં સમજતી નહોતી કે આ વદન શા માટે મારી સાથે આવી રહ્યું છે. શા માટે — શા માટે — શા માટે… અને જોતજોતામાં એનું અસ્તિત્વ ઓગળી ગયું. બે કલાકની વાઢકાપ પછી પ્રભા જ્યારે આત્મભાનની નિસરણી પર ચડતી ચડતી ચાલી આવતી હતી, ત્યારે જાણે કે એનો માર્ગ રૂંધતાં આસુરી તત્ત્વો એને ભય પમાડી, એની સામે ઘુરકાટ કરી એને પકડવા જતાં હતાં. “નહિ નહિ, અહીં નહિ. હું અહીંની નથી,” એમ કહેતી હોય તેવી પ્રભા બહાર ને બહાર આવતી હતી. બહાર નીકળી, બચી ગઈ, વારંવાર રસી તૂટતી હતી ને પોતે વારંવાર તળિયે પટકાતી હતી તે વેદના પૂરી થઈ, ને આત્મભાનના કિનારા ઉપર પહેલી જ વાર એણે જ્યારે નેત્રો ખોલ્યાં ત્યારે પણ એ જ મોં નજરે પડ્યું. આમ કેમ બન્યું? હવામાં ઊડ ઊડ થતાં જુલ્ફાં વગરનો, ન કવિ કે કલાકાર એવો આ માનવી કેમ પ્રભાના અંતરમાં ગોખલો કોતરીને બિરાજમાન બની ગયો? પ્રભા નબળી હતી. ઑપરેશનનો જખમ રુઝાતાં દિવસો ગયા. એ બધા દિવસો દરમિયાન એની માતા બાબાની સાથે આવી મળી જતી. બીજે ને ત્રીજે દિવસે દીવેશ્વરભાઈ આવતા, એની પથારી નજીક ખુરસી પર બેસીને કશુંક પુસ્તક વાંચી સંભળાવતા, ને વાતો કરતા ત્યારે દયાની મૂર્તિ જેવા જણાતા. કોઈ કોઈ વાર એ થોડી મિનિટ જ થોભતા તો ઘણીવાર કલાક સુધી બેસી પ્રભાના અંતરને ઘેરી રહેલી ઉદાસી-ગમગીનીને વિખેરી નાખતા. આવે એક દિવસે પ્રભાએ એને પોતાનો ઑપરેશન થિયેટરની અંદરનો અનુભવ કહી સંભળાવ્યો : પોતે બેહોશ બનતી હતી તે વખતે દીવેશ્વરનું મુખ પોતાની સાથે અનંત પાતાળમાં ઊતરતું ઊતરતું પોતાને રક્ષતું હતું તે અનુભવ. “મને પણ એ બધી ખબર છે.” એમ કહીને એણે સ્મિત વેર્યું : “તમને આંતરિક અસુરો સાથેના સંગ્રામમાં મદદ કરતો કરતો હું ઉપર લાવતો હતો.” એ જાણે કે પ્રભાની ઝીણીમોટી પ્રત્યેક જરૂરિયાત સમજતો હતો, ને દિલસોજીભેર પ્રભાને જે કાંઈ શાતા જોઈએ તે પૂરી પાડતો હતો. પણ એને રંચમાત્ર ખબર નહોતી, કે આ દિલસોજીનો અર્થ પ્રભાના આત્મપ્રદેશમાં કેવો થઈ રહ્યો હતો; એની આ દિલાવર બરદાસ્ત પ્રભાના અંતરમાં ઊંડેરા આભાર-તંતુઓને ઝણઝણાવતી હતી, એટલું જ નહિ પણ પ્રભાના મનમાંથી એક ભયાનક બોલ સ્ફુરાવતી હતી : ‘એ મને ગમે છે.’ જે સમયે દીવેશ્વર પાછા આવવાનું કહી ગયા હોય તે સમયની રાહ એ દિવસે પ્રભા કલાકો સુધી જોયા કરતી; ઘડિયાળની સામે ટીકી ટીકી કલાકો ગણ્યે જતી, અને પછી જ્યારે એનાં ધીમાં પગલાંના ધ્વનિ સંભળાતા, તેમ જ એનો ઊંચી કાઠીનો દેહ દ્વાર પર દેખાતો ત્યારે એનું હૃદય ઓચિંતો ઉછાળો મારીને એના મસ્તકમાં શોણિતનાં ધસમસતાં પૂર મોકલતું. ‘કાં, કેમ રહ્યું છે?’ એમ પૂછીને એ ખુરસી નજીક ખેંચી બેસતો ને એનાં નેત્રોમાં નેત્રો સિંચતો; એના હૃદય-ધબકારા પોતે જાણે ત્યાં બેઠો બેઠો સાંભળી શકતો. પ્રભા પોતાનાં ઉરસ્પંદનોની અકળામણ અનુભવતી. ઘણીવાર તો એને ગૂંગળામણ થઈ જવાનો ડર લાગતો ને એના ગાલ લાલ બની જતા. ‘એની નજરે આ ચડતું હશે?’ પ્રભાને એ વિચારે લજ્જા થતી. પણ દીવેશ્વરભાઈ તો કેવળ પ્રભાનાં આરામ-સગવડની જ પરવા કરતા દેખાતા. ‘રાતે ઊંઘ કેવી આવેલી?’ ‘તાવ તો રહ્યો નહોતો ને?’ ‘કોલન વૉટર થઈ તો નથી રહ્યું ને?’ એવા એવા એની સુખાકારી પૂરતા જ પ્રશ્નો પૂછીને એ બેઠો રહેતો. પોતે નર્સને પૂછી જોતો, ત્યારે નર્સ પાસેથી જાણવાનું મળતું કે એમને જોઈએ તેવો જલદી આરામ આવતો નથી, ને કારણ શું છે તે જડતું ન હોવાથી દાક્તર સાહેબ મૂંઝાય છે. દાક્તર પણ આવીને એ જ ઉદ્ગાર કાઢતા કે ‘દીવેશ્વર, મને અજાયબી થાય છે કે આને તાવ કેમ રહ્યા કરે છે? કેમકે એક પણ કારણ એના શરીરમાં રહેલું નથી’. પ્રભાને તો આ તાવની કશી તમા નહોતી, એને ઇસ્પિતાલ છોડવાની પણ ઉતાવળ નહોતી; એ તો, દીવેશ્વર જો એક કરતાં વધુ વાર મુલાકાતે આવવાના હોય તો આખો દિવસ બિછાનામાં પડી રહેવા તૈયાર હતી. પણ હવે એને હૈયે ફાળ પેઠી હતી, કે પોતાની ઊર્મિના ઉશ્કેરાટ પરથી પોતાનો કાબૂ ઓછો ને ઓછો થતો જાય છે. મુકરર કરેલા ચાર વાગ્યાના જાદુઈ ટકોરા રણકાર કરી ઊઠે, આશાનું દ્વાર ઊઘડી પડે, ને ઉંબરમાં ખડી થાય એ પૌરુષભરી માનવપ્રતિમા. જે દીવેશ્વર પોતાને ઘેરે આવતા તે જાણે એ રહ્યા જ નહોતા. ઘેરે એમની આકૃતિનાં આવાં સૌંદર્ય-દર્શન આડે જડતાનું જાણે કે આવરણ હતું. અથવા તો એની આકૃતિને પ્રભાએ જગત આખાથી જુદેરી તારવીને, આટલા મમત્વભાવે કદી અવલોકી નહોતી. બોડા માથાવાળો આ ગરીબડો દેખાતો માનવી ઇસ્પિતાલ-રૂમના ઉંબર ઉપર પ્રભાને કોઈ હિમાલયમાંથી ઊતરી આવતો શંભુનો ગણ દેખાયો. પ્રભાએ એની સામે જોયું ત્યારે એની આંખોમાં નવલાં નૂર ઝબૂકી ઊઠ્યાં. દિવસે દિવસે એણે પોતાના આ વીરભદ્રને નવનવાં કલ્પનાપરિધાન ધારણ કરાવ્યાં. પોતાના સ્વપ્નની ને મનોરથોની, પોતાની આશાઓની ને ઉત્કંઠાઓની શાળ ઉપર તેજના તંતુઓ વણીને એણે એ વાઘા વેતરાવ્યા. એ દૃષ્ટિએ પડે તે ક્ષણે જ કલેજું ધબક ધબક કરી ઊઠતું, માથું ગરમ ગરમ બની જતું, તે એટલે સુધી કે પોતે સૂતી હતી તે બિછાનું પણ અંગારનું બની જતું. આખરે એને ભાન થયું કે આ બધું શું બની રહ્યું હતું. પોતે દીવેશ્વરને ચાહતી હતી — પ્યાર કરતી હતી. પણ પોતાની એ લાગણી પોતાના આ વીરભદ્ર રખે ભાળી જાય, રખે કળી જાય! એને જાણ થઈ જાય તો તો સત્યાનાશ થાય : પોતે એની દૃષ્ટિમાં સદાની કુલટા ઠરી બેસે. આટલા ખાતર પોતાના જીવનના એ નવા રહસ્યને લપાવી રાખવાની મહેનતમાં પડી ગઈ. રાત્રીએ નીંદમાં વારેવારે ચમક્યા કરે, પ્રભાતે ઉજાગરાથી થાકેલી એ રૂની પૂણી જેવી બનીને પડી હોય, પણ દીવેશ્વર આવે તે ઘડીએ જ એ તરવરાટ અને થનગનાટની મોહનમૂર્તિ બની જાય. પ્રત્યેક રાત્રીએ ડૉક્ટર એનું ‘ટેમ્પરેચર’ લઈને થર્મોમીટર સામે ચકિત નજરે જોઈ રહેતા. તાવ, બસ, ઊતરતો જ નહોતો. દીવેશ્વરભાઈએ અજિતને બહારગામ ખબર કર્યા, ને તેનો તાર આવ્યો કે ‘હું આજ ને આજ આવું છું.’ આ તાર મળતાં જ પ્રભાને વિચાર આવ્યો : ‘આ તે હું કેવું અઘટિત કામ કરી રહી છું! મારો જીવનરસ તો અજિતમાં સિંચાવો જોઈએ, મારે યાચના પણ અજિતની સહાનુભૂતિની કરવી જોઈએ.’