બીડેલાં દ્વાર/8. સનાતન પ્રશ્ન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading |8. સનાતન પ્રશ્ન}} '''મોંએ''' બોલવા પૂરતી જ નહિ, પણ અંતરની સાચી આ...")
 
No edit summary
 
Line 21: Line 21:
હતાશા, વિષાદ અને ભગ્નહૃદય સ્થિતિમાંથી બેઠાં થઈ, દિલને ખંખેરી, જોશભેર ખોંખારી ઊઠવાની અજિતની એ રીત અનોખી હતી. મનોરાજ્યના મેદાનમાં એ પોતાની કલ્પનાના ભેરીનાદે જ સમરાંગણ ખડું કરતો. દુશ્મનપક્ષનાં દળ-કટકોને પોતે પડકાર દઈ દઈ પડમાં તેડતો : આવો, આવો, એક પછી એક આવો કે ધાડેધાડાં ધસી આવો, સર્વને હું પૂરો પડીશ, એવી હાક મારતો એ સમરાંગણમાં ઝંપલાવી પડતો, મુક્કીઓ ઉગામતો, શસ્ત્રો ખણખણાવતો, પડતો, જખ્મોમાં વેતરાઈ જતો, લથડતો, ઊભો થતો, લથડતો, ઊભો થતો ને ફરી ફરી લડતો. કલમ એની તલવાર હતી. વિચારો એના દારૂગોળા હતા.
હતાશા, વિષાદ અને ભગ્નહૃદય સ્થિતિમાંથી બેઠાં થઈ, દિલને ખંખેરી, જોશભેર ખોંખારી ઊઠવાની અજિતની એ રીત અનોખી હતી. મનોરાજ્યના મેદાનમાં એ પોતાની કલ્પનાના ભેરીનાદે જ સમરાંગણ ખડું કરતો. દુશ્મનપક્ષનાં દળ-કટકોને પોતે પડકાર દઈ દઈ પડમાં તેડતો : આવો, આવો, એક પછી એક આવો કે ધાડેધાડાં ધસી આવો, સર્વને હું પૂરો પડીશ, એવી હાક મારતો એ સમરાંગણમાં ઝંપલાવી પડતો, મુક્કીઓ ઉગામતો, શસ્ત્રો ખણખણાવતો, પડતો, જખ્મોમાં વેતરાઈ જતો, લથડતો, ઊભો થતો, લથડતો, ઊભો થતો ને ફરી ફરી લડતો. કલમ એની તલવાર હતી. વિચારો એના દારૂગોળા હતા.
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = 7.  સંસારની બખોલમાં
|next = 9.  જીવવાનું પ્રયોજન
}}

Latest revision as of 12:44, 9 May 2022

8. સનાતન પ્રશ્ન


મોંએ બોલવા પૂરતી જ નહિ, પણ અંતરની સાચી આત્મપ્રતીતિની આ વાત હતી. દિલની સચ્ચાઈથી એ ઉચ્ચારતો હતો ને પછી બોલ્યું પાળવાના પ્રયત્નો શરૂ થતા. પ્રભાની પ્રકૃતિ મારા કરતાં વધુ રમ્ય છે, ઉચ્ચતર છે, એને મોકળાશ અને મોજમાં વિકસવાનો મુક્ત માર્ગ મારે કરી આપવો જ જોઈએ, પણ અફસોસ! આર્થિક ભીડ! મારી પ્રકૃતિનાં કઠોર તત્ત્વો છો ધિક્કારપાત્ર રહ્યાં, છતાં એ તો હતાં કઠોર જીવનસ્થિતિના હથોડા હેઠળ ટિપાઈ ટિપાઈને લોખંડ બનેલાં તત્ત્વો. જીવનના કારમા કાળસંગ્રામને પાર કરીને જો હેમખેમ બહાર નીકળવું હશે, તો એ લોખંડી લક્ષણોનું જ જીવન પર શાસન સ્થાપવું રહેશે.

એ પણ એક કરુણતા હતી કે આ બે વરવહુને વિચારવિનિમય કરવાનું દુઃખ સિવાય બીજું કોઈ સાધન નહોતું. તેમની પાસે કામ નહોતું, કલા નહોતી, ધર્મ પણ નહોતો. ધર્મની સર્વોપરી જરૂરિયાત અજિતને હવે જીવનમાં રહી રહીને જ્યારે લાગવા માંડી ત્યારે તો ધર્મતત્ત્વ હાથમાંથી વછૂટી ગયું હતું. અજિતની પાસે કોઈ ઈશ્વરી આસ્થા નહોતી, ઈશ્વર નામના કોઈ ઉચ્ચ ભાવ જોડે આત્માની ગાંઠ બંધાય તેવી કોઈ પ્રાર્થના નહોતી રહી. એનું શ્રદ્ધાબળ જુદી જાતનું હતું. એની પ્રાર્થના અણપ્રકટ્યા દેવતાઓને સંબોધાઈને આવા વિલક્ષણ રૂપમાં વ્યક્ત થતી : ‘જીવનના ઓ અનંત પાવિત્ર્ય! તારું અહર્નિશ સ્મરણ રહે તે જ માગું છું.’ પછી પોતાની નિષ્ફળતાઓ, પરાજયો, વેદનાઓ વગેરે સર્વનો મનમાં સાક્ષાત્કાર કરીને એ પોતાના અંતરમાં કરુણ અનુકમ્પાની સરવાણીઓ ફૂટવા દેતો, ને પછી પ્રભાની પાસે આવીને એ પ્રભાને આ ભાવોની પ્રતીતિ આપવા મથતો. પણ એ એનાથી કદાપિ બની શક્યું નહિ. પ્રભા અજિતની ઊંડી આત્મપ્રતીતિઓમાં ઊતરી શકી જ નહિ. આ નવા પ્રકારની ધાર્મિકતાને, આ શ્રદ્ધાભરી માનવતાને, સહાનુકમ્પાની આ પ્રાર્થનામયતાને પ્રભા કદાપિ ઓળખી શકી નહિ કારણ કે એના મન પર સાંપ્રદાયિકોના અત્યાચારો ગુજરી ચૂક્યા હતા. તેમના નિર્જીવ સાંપ્રદાયિક નિયમોએ અને સ્વર્ગ-નરક વિશેની તેમજ પાપ-પુણ્ય સંબંધેની કદરૂપ વહેમકથાઓએ અને તેમની અંધશ્રદ્ધાળુ વાતોએ ધર્મના હરેક ચિહ્નને ભૂંસી નાખી એ મંગલ મંદિરને મસાણ કરી મેલ્યું હતું. એટલે કે નાનપણમાં પ્રભાને એની આસપાસના સમાજે ધાર્મિક શિક્ષણની પાઠશાળાઓમાં તેમ જ ક્રિયાકાંડોનાં ધર્મસ્થાનકોમાં મોકલી વિધવા શિક્ષિકાઓના હાથે જડ ધર્માભ્યાસની ભોગ બનાવરાવી હતી. આવું ભણતર એના આત્માની કૂણી અવસ્થા દરમિયાન જ મૂળિયાં ઘાલી ગયા પછી પ્રભાની અંદર ઉચ્ચતર માનવશ્રદ્ધા અને અનામી ભાવનાદેવો પ્રત્યેની પ્રાર્થના ઊભી કરવાનું અશક્ય બન્યું હતું. એટલું જ બસ નહોતું. વરવહુ બન્નેનાં જીવન વચ્ચેના આ કુમેળની અંદર વિશેષ મૂળભૂત તત્ત્વ પડેલું હતું. પ્રભાની અંતરોર્મિઓ અજિતની ઊર્મિઓ કરતાં અનોખે માર્ગે જ ઉદ્ભવતી હતી. આનંદ અને પ્રસન્નતાની ઊર્મિ યત્નપૂર્વક, વિચારપૂર્વક, દૃઢ મનોબળ દ્વારા ઊભી કરી શકાય એમ તો પ્રભા માનતી જ નહોતી. હર્ષની ને સુખની લાગણી એની પોતાની મેળે જ ઉદ્ભવે તો જ પ્રભા તેને પામી શકતી. કોઈ જો એને કહે કે : ચાલો, પ્રભા, આપણે એક આનંદોર્મિનો અનુભવ અમુક વસ્તુ કે પ્રસંગમાંથી ખેંચી કાઢવાનો યત્ન કરીએ, તો ચોક્કસ હતું કે એ નક્કી કરેલી ઊર્મિ સિવાયની બીજી જ બધી ઊર્મિઓ પ્રભા પામી શકતી. આને માટે દોષિત અજિત પોતે જ હતો. આરંભમાંથી જ એણે પ્રભાની સ્વાભાવિકતાને, સ્વયંભૂ સુખદુઃખની લાગણી અનુભવવાની શક્તિને સંહારી નાખી હતી. એની દશા તો પોતાનાં ઓજાર સિવાય અન્ય કોઈ ઓજાર વાપરી ન જાણનાર એક કારીગરના જેવી હતી. એની માનસિક ક્રિયા આ હતી : પોતાના દોષોને એક પછી એક વીણી કાઢીને પોતાની સમક્ષ તેનો સાક્ષાત્કાર કરવો, પોતાનાં એ દૂષણો પ્રત્યે ધિક્કારનો અનુભવ કરવો, ને પછી એમાંથી પોતાના આત્મપરિવર્તનને યત્નપૂર્વક નિપજાવી કાઢવું. પ્રભાના મનોવ્યાપાર આ માર્ગે નહોતા જઈ શકતા. પોતાનાં દૂષણોનું દર્શન પ્રભાના અંતરમાં પુણ્યપ્રકોપ અને પરિવર્તનની લાગણી જન્માવવાને બદલે કાળી ઘોર નિરાશાને જ જન્મ દેતું. એની પરવશતા આ પ્રકારની હતી : કોઈક ત્રાહિતે આવીને એને કહેવું જોઈએ કે, ઓ પ્રભા, તું તેજમૂર્તિ છે. તું આનંદમૂર્તિ છે, તું ગુણિયલ છે. તો પછી બસ, પ્રભા એવી બની જતી; એથી એ વધુ ખીલી ઊઠતી. પણ આવો કોઈ માનવ એને જ્યાં સુધી નહોતો સાંપડતો ત્યાં સુધી એનું આત્મજીવન નિશ્ચેતન અવસ્થામાં સ્તબ્ધ થઈ રહેતું. આવો અનુભવ જ્યારે જ્યારે વરવહુ વચ્ચે ગેરસમજણના કે દુઃખ અને ગમગીનીના મામલા ઊભા થતા ત્યારે ત્યારે થઈ રહેતો. અજિત એને ઘણું ઘણું સમજાવતો કે : બસ, પ્રભા, હવે તું એ તમામ વાત ભૂલી જા, એને અંતરપટમાંથી વાળીઝાડી સાફ કરી નાખ, એને ગઈ ગુજરી ગણી ફગાવી દે. પણ એમ થવું અશક્ય હતું. ભાગ્યજોગે જો એમ સૂચવાઈ જાય કે : પ્રભા, તારી એ નબળાઈઓ ને દોષો પર પુણ્યપ્રકોપ કર, અને તારા અંતરને જ ચાબુક લગાવી જુદે માર્ગે ચડાવી દે તો તો મોટી આફત ખડી થતી. પ્રભાને ઠેકાણે લાવવાનો તો એક જ ઇલાજ અજિતને કરવો પડતો. એને ગળે હાથ વીંટાળી, એને ગાલે બે ચૂમીઓ ચોડી, એને ખાતરી કરાવવી પડતી કે : ઓ પ્રભા, તું તો મારે મન અમૂલખ છે : તું તો મારા જીવનનો આધારસ્થંભ છે : હું તને ચાહું છું, તારી કિંમત મને જેટલી છે તેટલી કોઈને નથી : તારા પર મને સંપૂર્ણ શ્રદ્ધા છે. આટલું કર્યા પછી જ પ્રભાના જીવનપ્રવાહ આડેથી કચરો-કાદવ દૂર થતો ને ધોરિયો ફરીથી વહેતો થતો. પણ આ બધું અજિત તત્કાલ કેમ નહોતો કરી કાઢતો? પ્રભાને માનસિક સંતાપોમાં લાંબો કાળ સળગ્યા કરવું પડે ત્યાં સુધી શા માટે એ રાહ જોતો? પ્રભા ગાંડી થઈ જવાની અણી પર આવે ત્યારે જ કેમ જાણે કોઈ એને એનાં જુલ્ફાં ઝાલીને પ્રભાને સાંત્વન દેવા ઘસડી જતું હતું! આમ કેમ હતું? શું પોતે પ્રભાને ચાહતો નહોતો? ‘હા, ભાઈ હા!’ અંદર પડેલાં મલિન તત્ત્વોના મશ્કરી-સ્વરો સંભળાતા હતા : ‘ખરેખર અંતરથી તું તારી બૈરીને ચાહતો નથી.’ પણ જૂઠી હતી એ અંતરવાણી. અજિત ચાહતો હતો પ્રભાને — પણ પોતાની નિરાળી રીતે, પ્રભાની પ્યારી રીતે નહિ. પણ એ સમજાવવું કઈ રીતે? કયો માનવી સમજાવી શકશે? વિશ્વનાં વિભૂતિમાન સૌંદર્યો અને રહસ્યોનાં દર્શન સામે વ્યથિત તેમ જ વિકલ થઈ રહેલાં માનવીની, દુન્યવી સુખો-આનંદોમાંથી તૃપ્તિ અનુભવવાની અશક્તિ કયા શબ્દોમાં સમજાવી જાય! તારી સામે જે પીરસાયો છે તે ખૂમચો જ તારી સકળ ક્ષુધાઓને તૃપ્તિ દેવા માટે બસ છે, એવું સાવ સાદું ને દેખીતું સત્ય પણ એ સ્વીકારી શકતો નથી. પીરસેલી થાળી ઠેલીને એ શા માટે અણદીઠ સૌંદર્યોની પાછળ લાંઘણો ખેંચતો ભટકે છે? શા માટે, તે એ નહિ કહી શકે. માનવીના મનોરાજ્યમાં ઊથલપાથલ મચાવી મૂકતો ને જડમૂળમાંથી જીવનનાં વૃક્ષોને ઝંઝેડી નાખતો એ એક સનાતન પ્રશ્ન છે કે : પુરુષ સ્ત્રીને સ્ત્રી જે રીતે વાંછે છે તે રીતે ને તે પ્રકારે ચાહી શકતો નથી. એની ચાહનાનું સ્વરૂપ એનું પોતાનું જ હોય છે. થાકથી અંગેઅંગ તૂટી પડે ત્યાં સુધી અજિત પુસ્તકાલેખન કરે, પછી ગાભા જેવો નિશ્ચેતન બનીને એ કઠોર વાસ્તવની ધરતી પર ઢળી પડે. પછી એને જરૂર પડે વિશ્રાંતિની, જરૂર પડે કોઈક પંપાળનાર હાથની, જરૂર પડે કોઈ હાલાં ગાઈને ઊંઘાડી દેનાર હૈયાની, એને જરૂર પડે કોઈકની પાસેથી પામવાની, તેને બદલે એને શિરે ફરજ પડતી સામું આપવાની. ‘આથી જુદી સ્થિતિ શક્ય નહોતી શું મારા જીવનમાં?’ એવું કોઈ કોઈ વાર એના અંતરમાંથી કોઈક બોલતું. સ્ત્રીઓ સંબંધે એને ઝાઝું જ્ઞાન નહોતું. પણ એને થયા કરતું કે જગતમાં ક્યાંક એવી કોઈક નારી હશે કે જે એની આંતરસ્થિતિ સમજી શકી હોત ને એની પાસેથી કશું માગ્યા વગર એને સર્વસ્વ આપ્યા જ કરત. આ વિચાર એને ક્વચિત્ જ આવતો; કેમકે એવા વિચારમાં અજિતને બેવફાઈની ને દ્રોહની દુર્ગંધ આવતી. એવા વિચારને ગૂંગળાવી નાખી પોતે પુકારી ઊઠતો કે — ‘નહિ નહિ, આમ કરી શકત ને તેમ સાચવી શકત એવી કોઈ સંભવિત સ્ત્રીને હું નથી પરણ્યો. હું તો પરણ્યો છું જીવતી વાસ્તવમૂર્તિ પ્રભાને જ. હું ઉઘાડી આંખે ને સાફ સમજ પછી જ પરણ્યો છું પ્રભાને, ને પ્રભાને જ મારે આ સંસારના વાઘદીપડાનાં જડબાંમાંથી બચાવવાની રહે છે.’ આ વિચારથી એ પ્રભાની પાસે પાછો આવતો, પ્રભાની વેદનાનો કટોરો એના હાથમાંથી લઈ પોતે પોતાને મોંએ માંડતો, તળિયાઝાટક ગટગટાવી જતો. એની સાથે બેસતો, એના સંગ્રામોની વાતો સાંભળતો. પોતાની થાકી લોથ થયેલી ઊર્મિઓના તિખારા ફૂંકી ફૂંકી આગ પેટાવતો — ભલે મારી પ્રભા એના તાપે તપીને પ્રફુલ્લિત બને, ભલે જીવનની ગરમી મેળવે, ભલે હૂંફ પામે. ને પછી જો પ્રભાની આપદાનો માનસિક બોજો હદથી જ્યાદે થઈ જતો, પોતાને અસહ્ય બનતો, પ્રભાએ વહેતા મૂકેલ વેદના ને હતાશાના પ્રચંડ ધોધ જ્યારે એને ડુબાવી દે તેવી સ્થિતિ જણાતી, ત્યારે એ સામા બકવાદ માંડવાને બદલે, લમણે હાથ દઈ પોતાના દુર્ભાગ્યનો દોષ દૈવને શિરે ચડાવવાને બદલે, નિરાશાના લોઢમાં ખેંચાઈ ઘસડાઈ જઈ ગળકાં ખાવાને બદલે, નજીકનાં જંગલોમાં ચાલ્યો જતો. ને પહાડનાં શિખરો પર ચડી પોતાના આત્મસિંહોને સાદ દેતો, ઘોષણા કરતો કે — ‘હું અજિત છું, હું અવિજેય છું.’ જીવનદર્શનનાં કનકકિરણો પ્રત્યે એના આતમપંખીની ગરુડ -પાંખો પથરાઈ વળતી. મંગળ મનોરથોના હિલ્લોળ દેતા મહાપૂરમાં એ તરતો ને ખેંચાતો. બાહુઓમાં જોમ પૂરતી એ મોજાવળનું મહિમાગાન અજિત ઉચ્ચ સ્વરે ગાતો, નવા જોમ સાથે નવજીવન ગાળવાની પ્રતિજ્ઞાઓ એની પ્રાણ-બંસરીમાંથી બજી ઊઠતી. એ પ્રતિજ્ઞાસ્વરોમાં જરૂર પડે તો મૃત્યુની બરદાસ્ત કરવાનાં પણ સ્તોત્રોચ્ચારણ હતાં. હતાશા, વિષાદ અને ભગ્નહૃદય સ્થિતિમાંથી બેઠાં થઈ, દિલને ખંખેરી, જોશભેર ખોંખારી ઊઠવાની અજિતની એ રીત અનોખી હતી. મનોરાજ્યના મેદાનમાં એ પોતાની કલ્પનાના ભેરીનાદે જ સમરાંગણ ખડું કરતો. દુશ્મનપક્ષનાં દળ-કટકોને પોતે પડકાર દઈ દઈ પડમાં તેડતો : આવો, આવો, એક પછી એક આવો કે ધાડેધાડાં ધસી આવો, સર્વને હું પૂરો પડીશ, એવી હાક મારતો એ સમરાંગણમાં ઝંપલાવી પડતો, મુક્કીઓ ઉગામતો, શસ્ત્રો ખણખણાવતો, પડતો, જખ્મોમાં વેતરાઈ જતો, લથડતો, ઊભો થતો, લથડતો, ઊભો થતો ને ફરી ફરી લડતો. કલમ એની તલવાર હતી. વિચારો એના દારૂગોળા હતા.