ભારતીયકથાવિશ્વ−૪/પંચતંત્રની કથાઓ/સુઘરી અને વાંદરો-૨


સુઘરી અને વાંદરો

કોઈ એક અરણ્યમાં ઝાડની શાખા ઉપર માળો બાંધીને પક્ષીનું એક જોડું રહેતું હતું. હવે એક વાર માઘ માસમાં થયેલી અકાળવૃષ્ટિની ઝાપટમાં આવેલો તથા વેગવાળા પવનથી જેનું શરીર કંપતું હતું એવો એક વાંદરો તે જ વૃક્ષની નીચે આવ્યો. દાંતની વીણા વગાડતા — દાંત કકડાવતા તથા જેણે હાથપગ સંકોચી દીધા હતા એવા તે વાંદરાને ચકલીએ કહ્યું,

‘હાથપગવાળો હોઈને પુરુષ જેવી આકૃતિવાળો દેખાતો હોવા છતાં, ઠંડા પવનથી હેરાન થતો એવો તું શા માટે ઘર બનાવતો નથી?’

વાંદરાએ પણ એ સાંભળીને વિચાર્યું, ‘અહો! જગતના લોકો આત્મસંતુષ્ટ હોય છે, શાથી જે આ ક્ષુદ્ર ચકલી પણ પોતાની જાતને મોટી માને છે.

પોતાના મનથી કલ્પેલો ગર્વ તો કોને હોતો નથી? આકાશ તૂટી પડવાના ભયથી ટિટોડો પગ ઊંચા કરીને સૂએ છે.’

એમ વિચારીને તેણે ચકલીને કહ્યું,

‘હે દુરાચારિણી અને પોતાની જાતને પંડિત માનતી રંડા સુઘરી! તું છાની રહે, નહિ તો તને હું ઘર વિનાની બનાવી દઈશ.’

એ પ્રમાણે વાંદરાએ નિષેધ કર્યા છતાં ફરી વાર માળો બનાવવાના ઉપદેશથી તે તેને ઉદ્વેગ પમાડવા લાગી, એટલે તેણે વૃક્ષ ઉપર ચડીને તે સુઘરીનો માળો ટુકડેટુકડા કરીને ભાંગી નાખ્યો.