ભારતીયકથાવિશ્વ−૪/હેમચંદ્રાચાર્યકૃત ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત/રામ, કૃષ્ણ તથા અરિષ્ટનેમિ

From Ekatra Wiki
Revision as of 02:52, 18 January 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|રામ, કૃષ્ણ તથા અરિષ્ટનેમિનો જન્મ: કંસનો વધ અને દ્વારિકાનગરીનું સ્થાપન}} {{Poem2Open}} હસ્તિનાપુરમાં કોઈ શ્રેષ્ઠી રહેતો હતો. તેને લલિત નામે એક પુત્ર હતો. તે તેની માતાને ઘણો વહાલો હત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


રામ, કૃષ્ણ તથા અરિષ્ટનેમિનો જન્મ: કંસનો વધ અને દ્વારિકાનગરીનું સ્થાપન

હસ્તિનાપુરમાં કોઈ શ્રેષ્ઠી રહેતો હતો. તેને લલિત નામે એક પુત્ર હતો. તે તેની માતાને ઘણો વહાલો હતો. એક વખતે તે શેઠાણીને ઘણો સંતાપદાયક ગર્ભ રહ્યો. તેણીએ વિવિધ દ્રવ્યોપચારોથી તે પાડવા માંડ્યો તો પણ તે ગર્ભ પડ્યો નહીં. સમય પૂર્ણ થયે શેઠાણીને પુત્ર આવ્યો. તેને કોઈક સ્થળે મૂકી દેવાને માટે તેણે દાસીને આપ્યો. તે શેઠના જોવામાં આવતાં તેણે દાસીને પૂછ્યું: ‘આ શું કરે છે?’ દાસી બોલી: ‘આ પુત્ર શેઠાણીને અનિષ્ટ છે, તેથી તેનો ત્યાગ કરાવે છે.’ તે જાણી શેઠે દાસી પાસેથી તે પુત્રને લઈ લીધો અને ગુપ્ત રીતે બીજે સ્થાને ઉછેરવા આપ્યો. પિતાએ તેનું ગંગદત્ત એવું નામ પાડ્યું. તેને માતાથી છાની રીતે લલિત પણ રમાડતો હતો. એક વખતે વસંતોત્સવ આવ્યો ત્યારે લલિતે પિતાને કહ્યું: ‘આજે ગંગદત્તને સાથે જમાડો તો ઘણું સારું. શ્રેષ્ઠી બોલ્યા ‘પુત્ર! જો તારી માતા જુએ તો સારું નહીં.’ લલિતે કહ્યું: ‘હે તાત! મારી માતા જુએ નહીં તેવો હું યત્ન કરીશ.’ પછી શેઠે તેમ કરવાની આજ્ઞા આપી એટલે લલિતે ગંગદત્તને પડદામાં રાખી જમવા બેસાડ્યો અને શેઠ તથા લલિત તેની આડા બેઠા. તેઓ જમતાં જમતાં છાની રીતે ગંગદત્તને ભોજન આપવા લાગ્યા તેવામાં અકસ્માત્ ઉત્કટ થયેલા પવને પેલા પડદાને ઉડાડ્યો એટલે ગંગદત્ત શેઠાણીના જોવામાં આવ્યો. તેણે તત્કાળ કેશ વડે તેને ખેંચ્યો અને સારી પેઠે કૂટીને તેને ઘરની ખાળમાં નાખી દીધો. તે જોઈ મહામતિ શેઠે અને લલિતે ઉદ્વેગ પામીને શેઠાણીથી છાની રીતે પાછો ગંગદત્તને ત્યાંથી લઈ ન્હવરાવીને કેટલોક બોધ આપ્યો.

તે સમયે કોઈ સાધુઓ ભિક્ષા માટે ફરતા ફરતા ત્યાં આવ્યા. તેમને પિતાપુત્રે શેઠાણીને તે પુત્ર ઉપર દ્વેષ થવાનું કારણ પૂછ્યું. એટલે એક સાધુ બોલ્યા: ‘એક ગામમાં બે ભાઈઓ રહેતા હતા. એક વખતે કાષ્ઠ લેવા માટે તેઓ ગામ બહાર ગયા અને કાષ્ઠની ગાડી ભરી પાછા વળ્યા. તે વખતે મોટો ભાઈ આગળ ચાલતો હતો, તેણે માર્ગમાં ચીલા ઉપર એક સર્પિણીને જતી જોઈ. તેથી નાનો ભાઈ કે જે ગાડી હાંકતો હતો તેને તેણે કહ્યું કે ‘અરે ભાઈ! આ ચીલામાં સર્પિણી પડી છે, માટે તેને બચાવીને ગાડી ચલાવજે.’ તે સાંભળી પેલી સર્પિણીને વિશ્વાસ આવ્યો. તેવામાં પેલો કનિષ્ઠ ભાઈ ગાડી સાથે ત્યાં આવ્યો. તેણે આ સર્પિણીને જોઈને કહ્યું: ‘આ સર્પિણીને મોટા ભાઈએ બચાવી છે, પણ હું તેની ઉપર થઈને જ ગાડી હાંકું, કારણ કે તેનાં અસ્થિનો ભંગ સાંભળતાં મને ઘણો હર્ષ થશે.’ પછી તે ક્રૂર એવા લઘુ ભાઈએ તેમ કર્યું. તે સાંભળી તે સર્પિણી ‘આ મારો વૈરી છે’ એમ ચિંતવન કરતી મરણ પામી. હે શ્રેષ્ઠી! તે સર્પિણી મરીને આ તારી સ્ત્રી થયેલી છે અને પેલા બેમાં જ્યેષ્ઠ બંધુ હતો તે આ લલિત થયેલો છે. પૂર્વ જન્મના કર્મથી તે માતાને ઘણો પ્રિય છે અને જે કનિષ્ઠ બંધુ હતો તે આ ગંગદત્ત થયેલો છે, તે પૂર્વકર્મથી તેની માતાને ઘણો અનિષ્ટ લાગે છે કેમકે ‘પૂર્વ કર્મ અન્યથા થતું નથી.’

મુનિનાં આ પ્રમાણેનાં વચનો સાંભળી શેઠે અને લલિતે સંસારથી વિરક્ત થઈ તત્કાળ દીક્ષા ગ્રહણ કરી અને વ્રત પાળી કાળે કરીને તે બંને મહાશુક્ર દેવલોકમાં દેવતા થયા. પછી ગંગદત્તે પણ ચારિત્ર લીધું. અંતસમયે માતાનું અનિષ્ટપણું સંભારી વિશ્વવલ્લભ થવાનું નિયાણું કરી મૃત્યુ પામીને તે પણ મહાશુક્ર દેવલોકમાં ગયો.

લલિતનો જીવ મહાશુક્ર દેવલોકથી ચ્યવી વસુદેવની સ્ત્રી રોહિણીના ઉદરમાં ઉત્પન્ન થયો. તે સમયે અવશેષ રાત્રિએ તેણે બળભદ્રના જન્મને સૂચવનારાં હાથી, સમુદ્ર, સિંહ અને ચંદ્ર એ ચાર સ્વપ્ન મુખમાં પ્રવેશ કરતાં જોયાં. પૂર્ણ સમયે રોહિણીએ રોહિણીપતિ (ચંદ્ર) જેવા પુત્રને જન્મ આપ્યો. મગધાદિક દેશના રાજા(સમુદ્રવિજય વિગેરે)એ તેનો જન્મોત્સવ કર્યો. વસુદેવે તેમનું રામ એવું ઉત્તમ નામ પાડ્યું. (તે બળભદ્રના નામથી પ્રખ્યાત થયા) સર્વના મનને રમાડતા રામ અનુક્રમે મોટા થયા. તેમણે ગુરુજનની પાસેથી સર્વ કળાઓ ગ્રહણ કરી તેમની નિર્મળ બુદ્ધિ વડે દર્પણની જેમ તેનામાં સર્વ શાસ્ત્રો સંક્રાંત થઈ ગયાં.

એક સમયે વસુદેવ અને કંસાદિકના પરિવાર સાથે સમુદ્રવિજય રાજા બેઠા હતા, તેવામાં સ્વચ્છંદી નારદ મુનિ ત્યાં આવ્યા. સમુદ્રવિજયે, કંસે અને બીજા સર્વેએ ઊભા થઈ ઉદય પામતા સૂર્યની જેમ તેમની પૂજા કરી. તેમની પૂજાથી પ્રસન્ન થયેલા નારદ ક્ષણ વાર બેસીને પાછા ત્યાંથી બીજે જવાને માટે આકાશમાં ઊડી ગયા, કેમકે તે મુનિ સદા સ્વેચ્છાચારી છે. તેમના ગયા પછી કંસે પૂછ્યું: ‘આ કોણ હતું?’ એટલે સમુદ્રવિજય બોલ્યા:

‘પૂર્વે આ નગરની બહાર યજ્ઞયશા નામે એક તાપસ રહેતો હતો. તેને યજ્ઞદત્તા નામે સ્ત્રી હતી, તથા સુમિત્ર નામે એક પુત્ર હતો. તે સુમિત્રને સોમયશા નામે પત્ની હતી. અન્યદા કોઈ જૃંભક દેવતા આયુષ્યનો ક્ષય થતાં ચ્યવીને સોમયશાની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયો તે આ નારદ થયેલ છે. તે તાપસો એક દિવસ ઉપવાસ કરીને બીજે દિવસ વનમાં જઇ ઉછવૃત્તિ૧ વડે આજીવિકા કરે છે. તેથી તેઓ એક વખતે આ નારદને અશોકવૃક્ષ નીચે મૂકીને ઉછવૃત્તિને માટે ગયા હતા. તે વખતે આ અસમાન કાંતિવાળો બાળક જૃંભક દેવતાઓના જોવામાં આવ્યો. અવધિજ્ઞાન વડે નારદને પોતાના પૂર્વજન્મનો મિત્ર જાણી તેઓએ તેની ઉપર રહેલી અશોકવૃક્ષની છાયાને સ્તંભિત કરી. પછી તે દેવતાઓ પોતાનાં કાર્યને માટે જઈ અર્થ સિદ્ધ કરીને પાછા ફર્યા. તે વખતે સ્નેહ વડે નારદને અહીંથી ઉપાડીને વૈતાઢ્યગિરિ ઉપર લઈ ગયા. તે દેવતાએ છાયા સ્તંભિત કરી ત્યારથી એ અશોકવૃક્ષ પૃથ્વીમાં છાયાવૃક્ષ એવા નામથી વિખ્યાત થયું. જૃંભક દેવતાઓએ વૈતાઢ્યગિરિની ગુફામાં રાખીને તેનું પ્રતિપાલન કર્યું. આઠ વર્ષનો થતાં તેને તે દેવોએ પ્રજ્ઞપ્તિ વિગેરે બધી વિદ્યાઓ શીખવી. તે વિદ્યાના પ્રભાવથી તે આકાશગામી થયેલ છે. એ નારદ મુનિ આ અવસર્પિણીમાં નવમા થયા છે અને તે ચરમશરીરી૨ છે. આ પ્રમાણે ત્રિકાળજ્ઞ સુપ્રતિષ્ઠ મુનિએ આ નારદ મુનિની ઉત્પત્તિ પૂર્વે મને કહી હતી. એ પ્રકૃતિથી કલહપ્રિય છે, અવજ્ઞા કરવાથી તેને કોપ ચઢે છે, તે એક ઠેકાણે રહેતા નથી અને સર્વ ઠેકાણે પૂજાય છે.’

એક વખતે કંસે સ્નેહથી વસુદેવને મથુરા આવવા માટે બોલાવ્યા, એટલે દશાર્હપતિ સમુદ્રવિજયની આજ્ઞા લઈને તે મથુરામાં ગયા. એક સમયે જીવયશા સહિત બેઠેલા કંસે વસુદેવને કહ્યું કે: ‘મૃત્તિકાવતી નામે એક મોટી નગરી છે. ત્યાં દેવક નામે રાજા છે. તે મારા કાકા થાય છે. તેમને દેવકન્યા જેવી દેવકી નામે પુત્રી છે. તેને તમે ત્યાં જઈને પરણો. હું તમારો સેવક છું, માટે આ પ્રાર્થનાનું તમે ખંડન કરશો નહીં.’ આ પ્રમાણે દાક્ષિણ્યનિધિ દશાર્હ વસુદેવને કહ્યું, એટલે તે તેમણે કબૂલ કર્યું અને કંસની સાથે ત્યાં જવા ચાલ્યા.

મૃત્તિકાવતીનગરીએ જતાં માર્ગમાં નારદ મળ્યા. એટલે વસુદેવે અને કંસે વિધિથી તેમની પૂજા કરી. નારદે પ્રસન્ન થઈને પૂછ્યું: ‘તમે ક્યાં જાઓ છો?’ વસુદેવ બોલ્યા: ‘આ મારા મિત્ર કંસની સાથે તેમના કાકા દેવકરાજાની કન્યા દેવકીને પરણવા જાઉં છું.’ નારદ બોલ્યા: ‘આ કાર્ય કંસે સારું આરંભ્યું, કેમ કે વિધાતા નિર્માણ કરે છે, પુરુષોમાં તમે રૂપથી અપ્રતિરૂપ છો, તેમ સ્ત્રીઓમાં તે દેવકી પણ અપ્રતિરૂપ છે. તમે ઘણી ખેચરકન્યાઓને પરણ્યા છો, પણ એ દેવકી જોશો એટલે પછી તે બધી અસાર લાગશે. હે વસુદેવ! આ યોગ્ય સંયોગમાં તમને કયાંયથી પણ વિઘ્ન નહીં થાય. હું પણ જઈને દેવકીને તમારા ગુણ કહું છું.’ આ પ્રમાણે કહી નારદ સત્વર ઊડીને દેવકીને ઘેર ગયા. દેવકીએ તેમની પૂજા કરી એટલે નારદે આશિષ આપી કે: ‘તારા પતિ વસુદેવ થાઓ.’ દેવકીએ પૂછ્યું: ‘તે વસુદેવ કોણ?’ નારદ બોલ્યા, ‘તે યુવાન એવા દશાર્હ છે અને વિદ્યાધરોની કન્યાઓને અતિ પ્રિય છે. વધારે શું કહું? દેવતાઓ પણ જેના રૂપને તુલ્ય નથી એવા તે વસુદેવ છે.’ આ પ્રમાણે કહીને નારદમુનિ ત્યાંથી અંતર્ધાન થઈ ગયા. નારદની આવી વાણીથી વસુદેવે દેવકીના હૃદયમાં પ્રવેશ કર્યો.

વસુદેવ અને કંસ અનુક્રમે મૃત્તિકાવતી નગરીએ આવી પહોંચ્યા. વિવેકી દેવક રાજાએ વસુદેવની અને કંસની પૂજા કરી. પછી અમૂલ્ય આસન પર બેસાડીને આગમનનું કારણ પૂછ્યું. કંસે કહ્યું, ‘કાકા! તમારી દુહિતા દેવકી આ વસુદેવને અપાવવા આવ્યો છું. મારું અહીં આવવાનું પ્રયોજન તે જ છે.’ દેવકે કહ્યું: ‘કન્યાને માટે વર પોતે જ આવે તેવી રીતિ નથી, તેથી તેવી રીતે આવનાર વરને હું દેવકી આપીશ નહીં.’ આવાં દેવક રાજાનાં વચન સાંભળીને કંસ અને વસુદેવ બન્ને વિલખા થઈ પોતાની છાવણીમાં આવ્યા અને દેવકરાજા પોતાના અંત:પુરમાં ગયા. ત્યાં દેવકીએ હર્ષથી પિતાને પ્રણામ કર્યાં, એટલે ‘હે પુત્રી! યોગ્ય વરને પ્રાપ્ત કર.’ એમ દેવકે આશિષ આપી. પછી દેવકે પોતાની દેવીરાણીને કહ્યું કે ‘આજે વસુદેવને દેવકી આપવાને કંસે ઉત્સુક થઈ મારી પાસે માગણી કરી, પણ પુત્રીના વિરહને નહીં સહન કરનારા મેં તે વાત કબૂલ કરી નહીં.’ આ પ્રમાણે સાંભળી દેવી ખેદ પામી અને દેવકીએ ઊંચે સ્વરે રુદન કરવા માંડ્યું. આવો તેમનો વસુદેવ તરફ પ્રીતિભાવ જોઈને દેવકે કહ્યું કે: ‘તમે ખેદ કરો નહીં, હું પૂછવાને આવ્યો છું.’ એટલે દેવીએ કહ્યું: ‘એ વસુદેવ દેવકીને યોગ્ય વર છે અને પુત્રીના પુણ્યથી જ અહીં વરવાને આવેલ છે.’ આ પ્રમાણેનો વિચાર જાણીને તત્કાળ દેવકે મંત્રીને મોકલી કંસ અને વસુદેવને પાછા બોલાવ્યા અને પ્રથમ જેનું અપમાન કરેલ તેનો ફરી વાર ઘણો સત્કાર કર્યો. પછી શુભ દિવસે તારસ્વરે ગવાતાં ધવલમંગળ સાથે વસુદેવ અને દેવકીનો વિવાહોત્સવ થયો. દેવકે પાણિગ્રહણ વખતે વસુદેવને સુવર્ણ વિગેરે પુષ્કળ પહેરામણી અને કોટિ ગાય દશ ગોકુળના પતિ નંદને આપ્યાં. પછી વસુદેવ અને કંસ નંદ સહિત મથુરામાં આવ્યા. ત્યાં કંસે પોતાના સુહૃદના વિવાહની ખુશાલીને માટે મોટો મહોત્સવ આરંભ્યો.

એ અરસામાં જેણે પૂર્વે ચારિત્ર ગ્રહણ કરેલ છે એવા કંસના અનુજ બંધુ અતિમુક્ત મુનિ તપસ્યાથી કૃશ અંગવાળા થયા હતા તે કંસને ઘેર પારણાને માટે આવ્યા. તે વખતે મદિરાને વશ થયેલી કંસની સ્ત્રી જીવયશા ‘અરે દિયર! આજે ઉત્સવને દિવસે આવ્યા તે બહુ સારું કર્યું, માટે આવો, મારી સાથે નૃત્ય અને ગાયન કરો.’ આ પ્રમાણે કહી તે મુનિના કંઠે વળગી પડી અને ગૃહસ્થની જેમ તેમની ઘણી આસનાવાસના કરી. તે વખતે જ્ઞાની મુનિએ કહ્યું કે: ‘જેને નિમિત્તે આ ઉત્સવ થાય છે, તેનો સાતમો ગર્ભ તારા પતિનો અને પિતાનો હણનાર થશે.’ વજ્ર જેવી આ વાણી સાંભળી તત્કાળ જીવયશા કે જેની ભયથી મદાવસ્થા જતી રહી હતી તેણીએ તે મહામુનિને છોડી દીધા અને તત્કાળ પોતાના પતિ પાસે જઈને એ ખબર કહ્યા. કંસે વિચાર્યું કે: ‘કદી વજ્ર નિષ્ફળ થાય પણ મુનિનું ભાષિત નિષ્ફળ થતું નથી, તો પણ જ્યાં સુધી આ ખબર કોઈને પડ્યા નથી ત્યાં સુધીમાં હું વસુદેવની પાસે દેવકીના ભાવી સાત ગર્ભ માગી લઉં. જો મારા મિત્ર વસુદેવ માગણી કરવાથી મને દેવકીના ગર્ભ ન આપે તો પછી બીજો કોઈ પ્રયત્ન કરું કે જેથી મારા આત્માનું કુશળ થાય.’ આ પ્રમાણે ચિંતવી જો કે પોતે મદરહિત હતો, તથાપિ મદાવસ્થાનો દેખાવ કરતો અને દૂરથી અંજલિ જોડતો કંસ વસુદેવની પાસે આવ્યો. વસુદેવે ઊભા થઈ તેની યોગ્યતા પ્રમાણે તેને માન આપ્યું અને સંભ્રમથી કર વડે સ્પર્શ કરીને કહ્યું: ‘કંસ! તમે મારા પ્રાણપ્રિય મિત્ર છો. આ વખતે કાંઈ કહેવાને આવ્યા છો એમ જણાય છે, તો જે ઇચ્છા હોય તે કહો. જે કહેશો તે હું કરીશ.’ કંસે અંજલિ જોડીને કહ્યું: ‘હે મિત્ર! પ્રથમ પણ જરાસંધ પાસેથી જીવયશાને અપાવીને તમે મને કૃતાર્થ કર્યો છે, તો હવે મારી એવી ઇચ્છા છે કે દેવકીના સાત ગર્ભ જન્મતાં જ મને અર્પણ કરો.’ સરલ મનવાળા વસુદેવે તેમ કરવાને કબૂલ કર્યું. મૂળ વૃત્તાંતને નહીં જાણનારી દેવકીએ પણ તેને કહ્યું: ‘હે બંધુ! તારી ઇચ્છા પ્રમાણે થાઓ. વસુદેવના અને તારા પુત્રોમાં કાંઈ પણ અંતર નથી. અમારા બન્નેનો યોગ વિધિની જેમ તારાથી જ થયેલો છે, તે છતાં હે કંસ! જાણે અધિકારી જ ન હો તેમ કેમ બોલે છે?’ વસુદેવ બોલ્યા: ‘સુંદરી! હવે બહુ બોલવાનું કાંઈ કામ નથી. તારા સાત ગર્ભો જન્મ પામતાં જ કંસને આધીન થાઓ.’ કંસ બોલ્યો કે: ‘આ તમારો મારા પર મોટો પ્રસાદ છે.’ ઉન્મત્તપણાના મિષે આ પ્રમાણે કહીને પછી વસુદેવની સાથે મદિરાપાન કરી તે પોતાને ઘેર ગયો. ત્યાર પછી વસુદેવે મુનિનું સર્વ વૃત્તાંત સાંભળ્યું એટલે જાણ્યું કે: ‘કંસે મને કપટથી છળી લીધો.’ પરંતુ પોતાના સત્યવચનીપણાથી તેને આપેલા વચન સંબધી ઘણો પશ્ચાત્તાપ થયો.

એ સમયમાં ભદ્દિલપુરમાં નાગ નામે એક શેઠ રહેતો હતો. તેને સુલસા નામે સ્ત્રી હતી. તે બન્ને પરમ શ્રાવક હતા. અતિમુક્ત નામના ચારણમુનિએ તે સુલસાના સંબંધમાં તેની બાલ્ય વયમાં કહ્યું હતું: ‘આ બાળા નિંદુ(મૃતપુત્રા) થશે.’ તે સાંભળી સુલસાએ ઇન્દ્રનાં સોનાની નૈગમેષી દેવની આરાધના કરી. તે દેવ સંતુષ્ટ થયો એટલે તેણીએ પુત્રની યાચના કરી. દેવે અવધિજ્ઞાનથી જાણીને કહ્યું કે: હે ધાર્મિક સ્ત્રી! કંસે મારવાને માટે દેવકીના ગર્ભ માગ્યા છે, તે હું તને તારા મૃતગર્ભના પ્રસવ સમયે અર્પણ કરીશ.’ એમ કહી તે દેવે પોતાની શક્તિથી દેવકી અને સુલસાને સાથે જ રજસ્વલા કરી અને તેઓ સાથે જ સગર્ભા થઈ. બંનેએ સાથે જ ગર્ભને જન્મ આપ્યો. એટલે સુલસાના મૃતગર્ભને ઠેકાણે તે દેવતાએ દેવકીના સજીવન ગર્ભને મૂક્યા અને તેના મૃતગર્ભ દેવકી પાસે મૂક્યા. એવી રીતે તે દેવતાએ ફેરફાર કરી દીધો. કંસે પેલી સુલસાના મૃતગર્ભને પથ્થરની શિલા ઉપર દૃઢપણે અફળાવ્યા. (અને પોતે મારી નાખ્યાનું માનવા લાગ્યો.) એ રીતે દેવકીના ખરા છ ગર્ભ સુલસાને ઘેર પુુત્રની જેમ તેનું સ્તનપાન કરીને સુખે સુખે વૃદ્ધિ પામવા લાગ્યા. તેમનાં અનીકયશ, અનંતસેન, અજિતસેન, નિહતારિ, દેવયશા અને શત્રુસેન એવાં તેણે નામ પાડ્યાં.

અન્યદા ઋતુસ્નાતા દેવકીએ નિશાને અંતે સિંહ, સૂર્ય, અગ્નિ, ગજ, ધ્વજ, વિમાન અને પદ્મસરોવર એ સાત સ્વપ્ન જોયાં. તે વખતે પેલા ગંગદત્તનો જીવ મહાશુક્ર દેવલોકમાંથી ચ્યવીને તેની કુક્ષિમાં અવતર્યો. એટલે ખાણની ભૂમિ જેમ રત્નને ધારણ કરે તેમ દેવકીએ ગર્ભ ધારણ કર્યો. અનુક્રમે શ્રાવણ માસની કૃષ્ણ અષ્ટમીએ મધ્યરાત્રે દેવકીએ કૃષ્ણ વર્ણવાળા પુત્રને જન્મ આપ્યો. તે પુત્ર દેવના સાંનિધ્યથી જન્મતાં જ શત્રુઓના દૃષ્ટિપાતનો નાશ કરનારો થયો. જ્યારે તેનો જન્મ થયો ત્યારે તેના પક્ષના દેવતાઓએ કંસે રાખેલા ચોકીદાર પુરુષોને પોતાની શક્તિથી જાણે વિષપાન કર્યું હોય તેમ નિદ્રાવશ કરી દીધા. તે સમયે દેવકીએ પોતાના પતિને બોલાવીને કહ્યું: ‘હે નાથ! મિત્રરૂપે શત્રુ એવા પાપી કંસે તમને વાણીથી બાંધી લીધા અને પાપીએ મારા છ પુત્રોને જન્મતાં જ મારી નાખ્યા, માટે આ પુત્રની માયા વડે પણ રક્ષા કરો. બાળકની રક્ષા કરવા માટે માયા કરવી તેમાં પાપ લાગતું નથી. મારા આ બાળકને તમે નંદના ગોકુળમાં લઈ જાઓ, ત્યાં મોસાળની જેમ રહીને આ પુત્ર મોટો થશે.’ આવાં તેનાં વચન સાંભળી. ‘તેં બહુ સારો વિચાર કર્યો.’ એમ બોલતા સ્નેહાર્દ્ર વસુદેવ તે બાળકને લઈને જેમાં પહેરેગીરો સૂઈ ગયા હતા એવા તે ઘરમાંથી બહાર નીકળ્યા. તે વખતે દેવતાઓએ તે બાળક ઉપર છત્ર ધર્યું, પુષ્પની વૃષ્ટિ કરી અને આઠ ઉગ્ર દીવાઓથી માર્ગમાં ઉદ્યોત કરવા લાગ્યા. પછી શ્વેત વૃષભરૂપે થઈને તે દેવતાઓએ બીજાઓ ન જાણે તેમ નગરીનાં દ્વાર ઉઘાડી દીધાં. જ્યારે વસુદેવ ગોપુર(દરવાજા) પાસે આવ્યા, એટલે પાંજરામાં રહેલા ઉગ્રસેન રાજાએ ‘આ શું?’ એમ વિસ્મયથી વસુદેવને પૂછ્યું, એટલે ‘આ કંસનો શત્રુ છે.’ એમ કહી વસુદેવે હર્ષથી તે બાળક ઉગ્રસેનને બતાવ્યો અને કહ્યું: ‘હે રાજન્! આ બાળકથી તમારા શત્રુનો નિગ્રહ થશે અને આ બાળકથી જ તમારો ઉદય થશે, પણ આ વાર્તા કોઈને કહેશો નહીં.’ ઉગ્રસેને કહ્યું: ‘એમ જ થાઓ.’

પછી વસુદેવ નંદને ઘેર પહોંચ્યા. તે સમયે નંદની સ્ત્રી યશોદાએ પણ એક પુત્રીને જન્મ આપ્યો હતો, એટલે વસુદેવે તેને પુત્ર આપીને તેની પુત્રી લીધી અને દેવકીની પાસે લઈ જઈ તેના પડખામાં પુત્રને સ્થાનકે મૂકી દીધી. વસુદેવ આ પ્રમાણે ફેરફાર કરીને બહાર ગયા એટલે કંસના પુરુષો જાગી ઊઠ્યા અને ‘શું જન્મ્યું?’ એમ પૂછતા અંદર આવ્યા. ત્યાં પુત્રી જન્મેલી તેમના જોવામાં આવી. તેથી તેઓ તે પુત્રીને કંસની પાસે લઈ ગયા. તેને જોઈ કંસ વિચારવા લાગ્યો કે: જે સાતમો ગર્ભ મારા મૃત્યુને માટે થવાનો હતો તે તો આ સ્ત્રી માત્ર થયો. તેથી હું ધારું છું કે મુનિનું વચન મિથ્યા થયું. તો હવે આ બાળકીને વ્યર્થ શા માટે મારવી? ’ એવું વિચારી તે બાળાની એક બાજુની નાસિકા છેદીને તેને દેવકીને પાછી સોંપી.

અહીં કૃષ્ણ અંગને લીધે કૃષ્ણ એવા નામથી બોલાવાતો દેવકીનો પુત્ર દેવતાઓએ રક્ષા કરાતો નંદને ઘેર વૃદ્ધિ પામવા લાગ્યો. એક માસ વ્યતીત થયા પછી દેવકીએ વસુદેવે કહ્યું: ‘હે નાથ! તે પુત્રને જોવાને હું ઉત્કંઠિત થઈ છું, માટે હું આજે ગોકુળમાં જઈશ.’ વસુદેવે કહ્યું: ‘પ્રિય! જો તમે અકસ્માત ત્યાં જશો તો કંસના જાણવામાં આવશે, માટે કોઈ પણ કારણ બતાવીને જવું ઉચિત છે, તેથી ઘણી સ્ત્રીઓને સાથે લઈ ગાયને માર્ગે ગોપૂજા કરતાં તમે ગોકુળમાં જાઓ.’ દેવકી તે પ્રમાણે કરીને નંદના ગોકુળમાં આવી, ત્યાં હૃદયમાં શ્રીવત્સના લાંછનવાળો, નીલ કમળ જેવી કાંતિવાળો, પ્રફુલ્લિત કમળ જેવાં નેત્રવાળો, કર ને ચરણમાં ચક્રાદિકનાં ચિહ્નોવાળો અને જાણે નિર્મળ કરેલો નીલમણિ હોય તેવો હૃદયાનંદન પુત્ર યશોદાના ઉત્સંગમાં રહેલો તેણે જોયો. પછી દેવકી ગોપૂજાનાં મિષથી હમેશાં ત્યાં જવા લાગી. ત્યારથી લોકોમાં ગોપૂજાનું વ્રત પ્રવર્ત્યું.

અન્યદા સૂર્પકની બે પુત્રી શકુની અને પૂતના વિદ્યાધરીઓ કે જે પોતાનું વેર લેવાને માટે વસુદેવનો બીજો અપકાર કરવાને અસમર્થ હતી, તે ડાકણની જેવી પાપિણી ખેચરીઓ યશોદા અને નંદ વગરના એકલા રહેલા કૃષ્ણને મારવાને માટે ગોકુળમાં આવી. શકુનીએ ગાડા ઉપર બેસી નીચે રહેલા કૃષ્ણને દબાવ્યા અને તેની પાસે કટુ શબ્દ કર્યો એટલે પૂતનાએ વિષથી લિપ્ત કરેલું પોતાનું સ્તન કૃષ્ણના મુખમાં આપ્યું. તે વખતે કૃષ્ણના સાંનિધ્યમાં રહેલા દેવતાઓએ તે ગાડા વડે જ તે બંનેને પ્રહાર કરીને મારી નાખી. નંદ ઘેર ગયો એટલે એકલા રહેલા કૃષ્ણને, વિંખાઈ ગયેલા ગાડાને અને પેલી મૃત્યુ પામેલી બે ખેચરીઓને તેણે જોઈ. ‘હું લૂંટાયો.’ એમ બોલતા નંદે કૃષ્ણને ઉત્સંગમાં લીધા અને આક્ષેપથી ગોવાળોને કહ્યું: ‘આ ગાડું શી રીતે વિંખાઈ ગયું? અને આ રાક્ષસ જેવી રુધિરથી વ્યાપ્ત મૃત્યુ પામેલી બે સ્ત્રીઓ કોણ છે? અરે! આ મારો વત્સ કૃષ્ણ એકાકી તેના ભાગ્યથી જ જીવતો રહ્યો છે.’ ગોપ બોલ્યા: ‘હે સ્વામિન્! બાળ છતાં પણ આ તમારા બળવાન બાળકે ગાડાને વિંખી નાખ્યું છે અને તેણે એકલે જ આ બે ખેચરીને મારી નાખી છે.’ તે સાંભળી નંદે કૃષ્ણનાં બધાં અંગ જોયાં તેને સર્વ અંગમાં અક્ષત જોઈ નંદે યશોદાને કહ્યું: ‘હે ભદ્રે! આ પુત્રને એકલો મૂકીને બીજું કામ કરવા તું શા માટે જાય છે? આજે તેં થોડો વખત પણ તેને રેઢો મૂક્યો તેટલામાં તો તે આવા સંકટમાં આવી પડ્યો. માટે હવે ઘીના ઘડા ઢોળાઈ જતા હોય તો પણ એ કૃષ્ણને મૂકીને તારે બીજે જવું નહીં. તારે માત્ર એને જાળવવો, બીજંુ કાંઈ પણ કામ કરવાની જરૂર નથી.’ આ પ્રમાણે પોતાનાં પતિનાં વચનો સાંભળીને ‘હા! હું હણાણી!’ એમ બોલતી અને દિલગીર થતી યશોદાએ કૃષ્ણ પાસે આવીને તેને તેડી લીધો. પછી ‘ભાઈ! તને કાંઈ વાગ્યું તો નથી ને?’ એમ પૂછતાં તેણે કૃષ્ણનાં સર્વ અંગ તપાસ્યાં, બધે હાથ ફેરવ્યો, તેના મસ્તક પર ચુંબન કર્યું અને છાતી સાથે દબાવ્યો. ત્યારથી યશોદા આદરપૂર્વક નિરંતર તેને પોતાની પાસે જ રાખવા લાગી. તે છતાં પણ ઉત્સાહશીલ કૃષ્ણ છળ મેળવીને આમતેમ ભાગી જવા લાગ્યા.

અન્યદા એક દોરડી કૃષ્ણના ઉદર સાથે બાંધી અને તે દોરડી એક ઉદ્ખલ૧ સાથે બાંધીને તેના ભાગી જવાથી બીતી બીતી યશોદા પાડોશીને ઘેર ગઈ. તે વખતે સૂર્પંક વિદ્યાદ્યરનો પુત્ર પોતાના પિતામહ સંબંધી વેરને સંભારીને ત્યાં આવ્યો અને પાસે પાસે રહેલા અર્જુન૨ જાતિના બે વૃક્ષરૂપ તે થયો. પછી કૃષ્ણને ઉદ્ખલ સહિત ચાંપી મારવા માટે તે બે વૃક્ષના અંતરમાં તેને લાવવાનો પ્રયત્ન કરવા લાગ્યો, એટલે કૃષ્ણના રક્ષક દેવતાઓએ તે અર્જુન વૃક્ષને ભાંગી નાખીને તેના પર અત્યંત પ્રહાર કર્યા. તે ભાંગી ગયો. તેવામાં ‘કૃષ્ણે હાથીનાં બચ્ચાંની જેમ બંને અર્જુન વૃક્ષો ભાંગી નાંખ્યાં છે’ એવી વાત સાંભળીને નંદ યશોદા સહિત ત્યાં આવ્યા. તેમણે ધૂળીવડે ધૂસર થયેલા કૃષ્ણના મસ્તક પર ચુંબન કર્યું. તે વખતે ઉદરને દામ(દોરડી) વડે બાંધેલ દેખીને બધા ગોપો તેને ‘દામોદર’ કહીને બોલાવવા લાગ્યા. ગોપોને અને ગોપાંગનાઓને તે બહુ વહાલા (પ્રાણવલ્લભ) લાગતા હોવાથી તેઓ તેને રાત્રિદિવસ છાતી પર, ખોળામાં અને મસ્તક પર રાખવા લાગ્યા. કૃષ્ણ દહીંનું મથન કરવાની મથની (ગોળી)માંથી ચપળપણે માખણ લઈ લઈને ખાઈ જતા હતા, પરંતુ સ્નેહાર્દ્ર તેમ જ કૌતુક જોવાના ઇચ્છુક ગોવાળો તેને વારતા નહોતા. કોઈને મારે, સ્વેચ્છાએ ફરે, વિચરે અને કાંઈ ઉપાડી જાય તો પણ યશોદાનો પુત્ર ગોવાળોને આનંદ ઉત્પન્ન કરતો હતો, તેને રખે કાંઈ કષ્ટ આવે એટલા માટે કૃષ્ણ જ્યારે દોડતા ત્યારે ગોપો તેને પકડી રાખવા માટે તેની પાછળ દોડતા હતા, પરંતુ તેઓ તેને રોકી શકતા નહીં, માત્ર તેના સ્નેહરૂપ ગુણ(દોરડા) વડે આકર્ષિત થઈને તેની પાછળ જતા હતા.

સમુદ્રવિજયાદિ દશાર્હોએ પણ સાંભળ્યું ‘કૃષ્ણે બાળક છતાં શકુની ને પૂતનાને મારી નાખી, ગાડું ભાંગી નાખ્યું અને અર્જુન જાતિનાં બે વૃક્ષો ઉન્મૂળી નાખ્યાં.’ આ વાત સાંભળીને વસુદેવ ચિંતવવા લાગ્યા. ‘મેં મારા પુત્રને ગોપવ્યો છે, છતાં પણ તેના પરાક્રમથી તે પ્રસિદ્ધ થશે અને તેને કંસ પણ જાણશે, તેથી તે તેનું અમંગળ કરવાનો પ્રયાસ કરશે. જો કે તેમ કરવામાં હવે તે સમર્થ થશે નહીં, પરંતુ તે બાળકની સહાય કરવા માટે હું એક પુત્રને મોકલું તો ઠીક. પણ કદી અક્રૂર વિગેરેમાંથી કોઈને મોકલીશ તો તેને તો તે ક્રૂર બુદ્ધિવાળો કંસ ઓળખતો હોવાથી ઊલટો તેને વિશેષ શક પડશે, માટે બલરામને જ ત્યાં મોકલવા યોગ્ય છે, કેમકે હજુુ તેને કંસ ઓળખતો નથી.’ આ પ્રમાણે નિશ્ચય કરીને કૃષ્ણના કુશળને માટે રોહિણી સહિત રામને શૌર્યપુરથી તેડી લાવવા માટે વસુદેવે એક માણસને સમજાવીને મોકલ્યો. તેમના આવ્યા પછી રામને પોતાની પાસે બોલાવી, સર્વ હકીકત યથાર્થ રીતે સમજાવી, શિખામણ આપીને તેને નંદ તથા યશોદાને પુત્રપણે અર્પણ કર્યો.

બલરામના ગોકુળમાં ગયા પછી દશ ધનુષ્ય ઊંચા શરીરવાળા અને સુંદર આકૃતિવાળા તે બંને બીજાં સર્વ કાર્ય મૂકીને નિર્નિમેષ નેત્રે ગોપો વડે જોવાતા ક્રીડા કરવા લાગ્યા. બલરામની પાસે કૃષ્ણ ધનુર્વેદ તેમ જ અન્ય સર્વ કળાઓ શિખ્યા અને ગોપ વડે સેવા કરાતા સુખે રહેવા લાગ્યા. કોઈ વખત તે બંને મિત્રો થતા હતા અને કોઈ વખત શિષ્ય અને આચાર્ય થતા હતા. એ પ્રમાણે ક્ષણમાત્ર પણ અવિયોગીપણે રહેતા તેઓ વિવિધ પ્રકારની ચેષ્ટા કરવા લાગ્યા. માર્ગે ચાલતાં મદોન્મત્ત બળદોને પૂંછડા વડે પકડીને કેશવ ઊભા રાખતા હતા, તે વખતે રામ ભાઈના બળને જાણતા હોવાથી ઉદાસીનતાથી જોયા કરતા હતા. એ પ્રમાણે જેમ જેમ કૃષ્ણ વૃદ્ધિ પામતા ગયા તેમ તેમ ગોપાંગનાઓનાં ચિત્તમાં તેમને જોવાથી કામદેવનો વિકાર ઉત્પન્ન થવા લાગ્યો. કૃષ્ણને વચમાં બેસાડીને તેઓ તેના ફરતી ફુદડી ખાઈને રાસડા ગાવા લાગી અને કમળ ફરતી ભમરીઓ ફર્યા કરે તેમ નિર્ભર ચિત્તે તેના ફરતી ફરવા લાગી. તેની સામું એક નજરે જોઈ રહેતી ગોપાંગનાઓ જેમ પોતાનાં નેત્રોને બંધ કરતી નહોતી તેમ ‘કૃષ્ણ કૃષ્ણ’ બોલતી પોતાના ઓષ્ઠપુટને પણ બંધ કરતી નહોતી. કૃષ્ણની તરફ મનવાળી ગોપાંગનાઓ દૂધ દોહતી વખતે દૂધની ધારાને પૃથ્વી પર પડતી પણ જાણતી નહોતી. કૃષ્ણ જ્યારે પરાઙ્મુખ થઈને જતા હોય ત્યારે તેને પોતાની સામું જોવરાવવા માટે વગર કારણે તે ત્રાસ પામી હોય તેમ પોકાર કરતી હતી, કારણ કે તે ત્રાસ પામેલાનું રક્ષણ કરનારા હતા. કેટલી વખત સિંદુવારાદિ પુષ્પોની માળાઓ ગૂંથી ગૂંથીને ગોપીઓ પોતે જ સ્વયંવરમાળાની જેમ તે માળાઓને કૃષ્ણના હૃદય પર પહેરાવતી હતી. વળી જાણી જોઈને ગોપીઓ ગીતનૃત્યાદિકમાં સ્ખલિત થતી હતી કે જેથી શિક્ષાના મિષે કૃષ્ણ આલાપ કરી બતાવે. વિકારને નહીં ગોપવી શકનારી ગોપીઓ હરકોઈ પ્રકારે કૃષ્ણને બોલાવતી હતી અને તેનો સ્પર્શ કરતી હતી. મયૂરપિચ્છનાં આભરણવાળા કૃષ્ણ ગોપીઓનાં ગાનથી અવિચ્છિન્નપણે પુરાતા કર્ણવાળા થયા હતા. જ્યારે કોઈ પણ ગોપી યાચના કરતી ત્યારે કૃષ્ણ અગાધ જળમાં રહેલાં કમળને પણ હંસની જેમ લીલામાત્રમાં તરીને લાવી આપતા હતા. બલરામને ગોપીઓ ઓળંભા આપતી હતી કે તમારા લઘુ ભાઈ દીઠા છતાં અમારાં ચિત્તને હરે છે અને નથી દેખાતા ત્યારે અમારાં જીવિતને હરે છે. ગિરિશૃંગ પર બેસીને વેણુને મધુર સ્વરે વગાડતા અને નૃત્ય કરતા કૃષ્ણ બલરામને વારંવાર હસાવતા હતા. જ્યારે ગોપીઓ ગાતી હતી અને કૃષ્ણ નાચતા હતા ત્યારે બલરામ રંગાચાર્યની જેમ ઉદ્ભટપણે હસ્તતાલ દેતા હતા. આ પ્રમાણે ત્યાં ક્રીડા કરતા રામ કૃષ્ણને સુષમા કાળની જેમ અત્યંત સુખમાં અગિયાર વર્ષ વીતી ગયાં.

અહીં સૂર્યપુરમાં સમુદ્રવિજયની પ્રિય શિવાદેવીએ એકદા શેષ રાત્રિ બાકી રહી ત્યારે હાથી, વૃષભ, સિંહ, લક્ષ્મીદેવી, પુષ્પમાળા, ચંદ્ર, સૂર્ય, ધ્વજ, કુંભ, પદ્મસરોવર, સમુદ્ર, વિમાન, રત્નપુંજ અને અગ્નિ એ ચૌદ મહાસ્વપ્નો દીઠાં. તે વખતે કાર્તિક કૃષ્ણ દ્વાદશીએ ચિત્રા નક્ષત્રમાં ચંદ્રનો યોગ આવ્યે અપરાજિત વિમાનથી ચ્યવીને શંખરાજાનો જીવ શિવાદેવીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયો. તે વખતે નારકીના જીવોને પણ સુખ થયું અને ત્રણ જગતમાં ઉદ્યોત થયો. ‘અરિહંતના કલ્યાણકને વખતે અવશ્ય એ પ્રમાણે થાય છે.’ પછી શિવાદેવીએ જાગીને સમુદ્રવિજય રાજાને તે સ્વપ્નની સર્વ વાત કહી બતાવી. સમુદ્રવિજયે સ્વપ્નાર્થ પૂછવાને માટે ક્રોષ્ટુકીને બોલાવ્યો, એટલે તે તરત આવ્યો. તેવામાં એક ચારણશ્રમણ સ્વયમેવ ત્યાં પધાર્યા. રાજાએ ઊભા થઈને તેમને વંદના કરી અને એક ઉત્તમ આસન પર બેસાડ્યા. પછી તે ક્રોષ્ટુકીને અને મુનિને રાજાએ સ્વપ્નનું ફળ પૂછ્યું. તેમણે કહ્યું કે ‘તમારે ત્રણ જગતના પતિ એવા તીર્થંકર પુત્ર થશે.’ આ પ્રમાણે કહીને તે મુનિ ગગનમાર્ગે ચાલ્યા ગયા. રાજા ને રાણી તેમની વાણીથી જાણે અમૃત વડે નાહ્યાં હોય એમ અત્યંત હર્ષ પામ્યાં. તે દિવસથી દેવીની જેમ સુખ આપનાર અને પ્રત્યેક અંગમાં લાવણ્ય અને સૌભાગ્યના ઉત્કર્ષને આપનાર ગૂઢગર્ભને શિવાદેવીએ ધારણ કર્યો.

અનુક્રમે ગર્ભસ્થિતિ પૂર્ણ થયે શ્રાવણ માસની શુકલ પંચમીની રાત્રિએ ચિત્રા નક્ષત્રમાં ચંદ્રનો યોગ આવ્યે છતે કૃષ્ણ વર્ણવાળા અને શંખના લાંછનવાળા પુત્રને શિવાદેવીએ જન્મ આપ્યો. તે વખતે છપ્પન દિશાકુમારીઓએ પોતપોતાને સ્થાનકેથી ત્યાં આવીને શિવાદેવી અને જિનેન્દ્રનું પ્રસૂતિકર્મ કર્યું. પછી શક્ર ઇન્દ્રે ત્યાં આવી પાંચ રૂપ કર્યાં. તેમાં એક રૂપ વડે પ્રભુને હાથમાં ગ્રહણ કર્યા. બે રૂપ વડે ચામર વિંઝવા લાગ્યા. એક રૂપ વડે મસ્તક ઉપર ઉજ્જ્વળ છત્ર ધારણ કર્યું. અને એક રૂપ વડે હાથમાં વજ્ર લઈને નાટકીઆની જેમ પ્રભુની આગળ નાચતા નાચતા ચાલવા લાગ્યા. એ પ્રમાણે મેરુપર્વતના શિખર ઉપર અતિપાંડુકબલા નામની શિલા પાસે આવ્યા. તે શિલા ઉપરના અતિ ઉચ્ચ સિંહાસન ઉપર ભગવંતને ખોળામાં લઈને શક્રેન્દ્ર બેઠા તે વખતે અચ્યુતાદિ ત્રેસઠ ઇન્દ્રો પણ તત્કાળ ત્યાં આવ્યા અને તેમણે શ્રી જિનેન્દ્રને ભક્તિપૂર્વક સ્નાન કરાવ્યું. પછી ઈશાન ઇન્દ્રના ખોળામાં પ્રભુને અર્પણ કરીને શક્રેન્દ્રે વિધિપૂર્વક પ્રભુને સ્નાન કરાવ્યું અને કુસુમાદિકથી પૂજા કરી. પછી સ્વામીની આરતી ઉતારી, નમસ્કાર કરી, અંજલિ જોડીને ભક્તિનિર્ભર વાણી વડે ઇન્દ્રે આ પ્રમાણે સ્તુતિ કરી:

‘હે મોક્ષગામી અને શિવાદેવીની કુક્ષિરૂપ શુક્તિમાં મુક્તામણિ સમાન પ્રભો! તમે કલ્યાણના એક સ્થાનરૂપ અને કલ્યાણના કરનારા છો. જેમની સમીપે જ મોક્ષ રહેલો છે એવા, સમસ્ત વસ્તુઓ જેમને પ્રગટ થયેલ છે એવા અને વિવિધ પ્રકારની ઋદ્ધિના નિધાનરૂપ હે બાવીસમા તીર્થંકર! તમને નમસ્કાર થાઓ. તમે ચરમદેહધારી જગદ્ગુરુ છો. તમારા જન્મથી હરિવંશ અને આ ભરતક્ષેત્રની ભૂમિ પણ પવિત્ર થઈ છે. હે ત્રિજગદ્ગુરુ! તમે જ કૃપાના એક આધાર છો, બ્રહ્મસ્વરૂપના એક સ્થાન છો અને ઐશ્વર્યના અદ્વિતીય આશ્રય છો. હે જગત્પતિ! તમારા દર્શને કરીને જ અતિ મહિમા વડે પ્રાણીઓના મોહનો વિધ્વંસ થવાથી આપનું દેશનાકાર્ય સિદ્ધ થાય છે. હરિવંશમાં અપૂર્વ મુક્તાફળ સમાન હે પ્રભો! તમે કારણ વિના ત્રાતા, હેતુ વિના વત્સલ અને નિમિત્ત વિના ભર્તા છો. અત્યારે અપરાજિત વિમાન કરતાં પણ ભરતક્ષેત્ર ઉત્તમ છે, કારણ કે તેમાં લોકોના સુખને માટે બોધ આપનાર એવા આપ અવતર્યા છો. હે ભગવંત! તમારા ચરણ નિરંતર મારા માનસને વિષે હંસપણાને ભજો અને મારી વાણી તમારા ગુણની સ્તવના કરવા વડે ચરિતાર્થ(સફળ) થાઓ.’

આ પ્રમાણે સ્તુતિ કરી જગન્નાથ પ્રભુને લઈને ઇન્દ્ર શિવાદેવી માતા પાસે આવ્યા અને તેમની પાસેથી જેમ લીધા હતા તેમ જ મૂકી દીધા. પછી ભગવંતનું પાલન કરવા માટે પાંચ અપ્સરાઓને ધાવ તરીકે ત્યાં રહેવા આજ્ઞા કરીને ઇન્દ્ર નંદીશ્વર દ્વીપે ગયા અને ત્યાં યાત્રા કરીને પોતાને સ્થાનકે ગયા.

પ્રાત:કાળે સૂર્યની જેમ ઉદ્યોત કરતા મહાકાંતિમાન પુત્રને જોઈને સમુદ્રવિજય રાજાએ હર્ષિત થઈને મહાજન્મોત્સવ કર્યો. ભગવંત ગર્ભમાં હતા ત્યારે માતાએ અરિષ્ટમયી ચક્રધારા સ્વપ્નમાં જોઈ હતી, તેથી પિતાએ તેમનું ‘અરિષ્ટનેમિ’ નામ સ્થાપન કર્યું. અરિષ્ટનેમિનો જન્મ સાંભળીને હર્ષના પ્રકર્ષથી વસુદેવાદિકે મથુરામાં પણ મહોત્સવ કર્યો.

અન્યદા દેવકી પાસે આવેલા કંસે તેના ઘરમાં ઘ્રાણપુટ(નાસિકા) છેદેલી પેલી કન્યાને દીઠી તેથી ભય પામેલા કંસે પોતાને ઘેર આવી ઉત્તમ નિમિત્તિયાને બોલાવીને પૂછ્યું કે: ‘દેવકીના સાતમા ગર્ભથી મારું મૃત્યુ થશે એમ એક મુનિએ કહ્યું હતું તે વૃથા થયું છે કે કેમ?’ નૈમિત્તિકે કહ્યું કે: ‘ઋષિનું કહેલું મિથ્યા થતું જ નથી, તેથી તમારો અંત લાવનાર દેવકીનો સાતમો ગર્ભ કોઈ પણ સ્થાનકે જીવતો છે એમ જાણજો. તેની પરીક્ષા માટે અરિષ્ટ નામનો તમારો બળવાન બળદ, કેશી નામનો મહાન્ અશ્વ અને દુર્દાંત એવા ખર અને મેષ વૃન્દાવનમાં છૂટા મૂકો. પર્વત જેવા દૃઢ એ ચારેને સ્વેચ્છાએ ક્રીડા કરતા કરતા જે મારી નાખશે તે જ દેવકીનો સાતમો ગર્ભ તમને હણનાર છે એમ જાણજો. વળી ક્રમાગત જ્ઞાનીઓએ કહ્યું છે કે ભુજાબળમાં વાસુદેવ ઇતર જનોથી દુઃખે સ્પર્શ થાય તેવા હોય છે. તે વાસુદેવ મહાક્રૂર કાળીનાગને દમશે, ચાણૂર તથા મુષ્ટિક મલ્લનો વધ કરશે, તમારા પદ્મોત્તર ને ચંપક નામના બે હાથીને મારશે અને તે જ તમને પણ મારશે.’

આ પ્રમાણેના નૈમિત્તિકનાં વચનથી પોતાના શત્રુને જાણવા માટે અરિષ્ટાદિક ચારે બળવાન પશુને કંસે વૃન્દાવનમાં છૂટા મૂક્યા અને ચાણૂર તથા મુષ્ટિક નામના બે મલ્લને શ્રમ કરવા માટે આજ્ઞા કરી. મૂર્તિમંત અરિષ્ટ જેવો અરિષ્ટ બળદ શરદઋતુમાં વૃન્દાવનમાં જતા આવતા ગોપલોકોને ઉપદ્રવ કરવા લાગ્યો. તે બળદ નદીના તટ પર રહેલા કાદવને ઉડાડે તેમ શ્રુંગના અગ્રભાગથી ગાયોને ઉડાડવા લાગ્યો અને તુંડાગ્રથી ઘીનાં અનેક ભાજનોને ઢોળી નાખવા લાગ્યો. તેના આવા ઉપદ્રવથી ‘હે કૃષ્ણ! હે કૃષ્ણ! હે રામ! હે રામ! અમારી રક્ષા કરો, રક્ષા કરો.’ એવા અતિ દીન કલકલ શબ્દો ગોવાળો બોલવા લાગ્યા. તેનો આવો કલકલાટ સાંભળીને સંભ્રમથી ‘આ શું?’ એમ બોલતા કૃષ્ણ રામ સહિત ત્યાં દોડી ગયા. એટલે મહાબળવાન્ વૃષભને તેમણે દીઠો. તે વખતે ‘અમારે ગાયોનું કાંઈ કામ નથી અને ઘીની પણ જરૂર નથી’ એમ અનેક વૃદ્ધોએ નિષેધ કર્યા છતાં પણ કૃષ્ણે તે વૃષભને બોલાવ્યો. તેમના આહ્વાનથી શંગિડાંઓને નમાવી, રોષ વડે મુખનું આકુંચન કરી અને પુચ્છને ઊંચું કરીને તે બળદ ગોવિંદની સામે દોડ્યો, એટલે તેને શંગિડા વડે પકડી શીઘ્ર તેનું ગળું વાળી દઈ નિરુચ્છ્વાસ કરીને કૃષ્ણે મારી નાખ્યો. અરિષ્ટના મરણ પામવાથી જાણે તેમનું મૃત્યુ જ મરણ પામ્યું હોય એવા તે ગોવાળો ખુશ થયા અને કૃષ્ણને જોવાની તૃષ્ણા ધરાવતા તેને પૂજવા લાગ્યા.

કૃષ્ણ વૃંદાવનમાં ક્રીડા કરતા હતા તેવામાં અન્યદા કંસનો કેશી નામે બળવાન અશ્વ યમરાજની જેમ દુષ્ટ આશા ધરાવતો મુખ ફાડીને ત્યાં આવ્યો. દાંત વડે વાછરડાઓને ગ્રહણ કરતા, ખુરી વડે ગર્ભિણી ગાયોને હણતા અને ભયંકર હ્રેષારવ કરતા એ અશ્વને જોઈને કૃષ્ણે તેની તર્જના કરી. પછી મારવાની ઇચ્છાથી પ્રસારેલા અને દાંતરૂપી કરવતથી દારુણ એવા તેના મુખમાં વજ્રના જેવો પોતાનો હાથ કૃષ્ણે વાળીને નાખી દીધો. ગ્રીવા સુધી તે હાથ લઈ જઈને તેના વડે તેનું મુખ એવું ફાડી નાંખ્કહ્યું કે જેથી તે અરિષ્ટના સમૂહની જેમ તત્કાળ પ્રાણરહિત થઈ ગયો. એક વખતે કંસના પરાક્રમી સાથી એવા ખર અને મેંઢો ત્યાં આવ્યા, તેમને પણ મહાભુજ કૃષ્ણે લીલામાત્રમાં મારી નાખ્યાં.

આ બધાંને મારી નાખેલાં સાંભળીને કંસે શત્રુની બરાબર પરીક્ષા કરવાને માટે શાર્ઙ્ગ ધનુષ્યના પૂજોત્સવના મિષથી સભામાં સ્થાપના કરી. તેની ઉપાસના કરવા માટે પોતાની કુમારિકા બહેન સત્યભામાને તેની પાસે બેસાડી અને મોટો ઉત્સવ આરંભ્યો. કંસે એવી આ ઘોષણા કરાવી કે: ‘જે આ શાર્ઙ્ગ ધનુષ્યને ચઢાવશે તેને આ દેવાંગના જેવી સત્યભામા આપવામાં આવશે.’ આ ઘોષણા સાંભળી દૂરદૂરથી ઘણા રાજાઓ ત્યાં આવ્યા; પણ કોઈ તે ધનુષ્ય ચઢાવવાને સમર્થ થયો નહીં. આ ખબર વસુદેવની સ્ત્રી મદનવેગાના પુત્ર અનાધૃષ્ટિએ સાંભળી; એટલે તે વીરમાની કુમાર વેગવાળા રથમાં બેસીને ગોકુળમાં આવ્યો. ત્યાં રામ કૃષ્ણને જોઈ તેમના આવાસમાં એક રાત્રિ આનંદવાર્તા કરવાને રહ્યો. પ્રાત:કાળે અનુજ બંધુ રામને ત્યાં રાખી મથુરાના માર્ગને બતાવનાર કૃષ્ણને સાથે લઈ તે ચાલ્યો. મોટાં વૃક્ષોથી સંકીર્ણ એવા માર્ગે ચાલતાં તેનો રથ એક વડના વૃક્ષ સાથે ભરાયો. તે રથને છોડાવવાને અનાધૃષ્ટિ સમર્થ થયો નહીં. તે વખતે પગે ચાલતા કૃષ્ણે લીલામાત્રમાં તે વડને ઉખેળીને દૂર ફેંકી દીધો અને રથનો માર્ગ સરલ કરી દીધો. અનાધૃષ્ટિ કૃષ્ણનું પરાક્રમ જોઈને બહુ ખુશ થયો, તેથી રથ ઉપરથી નીચે ઊતરી તેણે કૃષ્ણને આલિંગન દીધું અને રથમાં બેસાડ્યા. અનુક્રમે યમુના નદી ઊતરી મથુરાનગરીમાં પ્રવેશ કરીને જ્યાં અનેક રાજાઓ બેઠેલા છે એવી શાર્ઙ્ગ ધનુષ્યવાળી સભામાં તેઓ આવ્યા. ત્યાં જાણે ધનુષ્યની અધિષ્ઠાત્રી દેવતા હોય તેવી કમળલોચના સત્યભામા તેમના જોવામાં આવી. સત્યભામાએ કૃષ્ણની સામે સતૃષ્ણ દૃષ્ટિએ જોયું અને તત્કાળ તે કામદેવના બાણથી પીડિત થઈ મન વડે કૃષ્ણને વરી ચૂકી. પ્રથમ અનાધૃષ્ટિએ ધનુષ્ય પાસે જઈને તે ઉપાડવા માંડ્યું; પણ કાદવવાળી ભૂમિમાં જેનો પગ લપટી ગયો હોય એવા ઊંટની જેમ તે પૃથ્વી પર પડી ગયો, તેનો હાર તૂટી ગયો, મુગટ ભાંગી ગયો અને કુંડળ પડી ગયાં. તે જોઈ સત્યભામા સ્વલ્પ અને બીજા સર્વે વિકસિત નેત્રે ખૂબ હસી પડ્યા. આ સર્વના હાસ્યને નહીં સહન કરતા કૃષ્ણે પુષ્પમાળાની જેમ લીલામાત્રમાં તે ધનુષ્યને ઉપાડી લીધું અને તેની પણછ ચઢાવી. કુંડળાકાર કરેલા તે તેજસ્વી ધનુષ્ય વડે ઇન્દ્રધનુષ્યથી જેમ નવો વર્ષતો મેઘ શોભે તેમ કૃષ્ણ શોભવા લાગ્યા. પછી અનાધૃષ્ટિ ઘેર જઈ તેના દ્વાર પાસે કૃષ્ણને રથમાં બેસાડી રાખી પોતે એકલો ગૃહમાં ગયો અને પિતા વસુદેવને કહ્યું કે: ‘હે તાત! મેં એકલાએ શાર્ઙ્ગ ધનુષ્યને ચઢાવી દીધું છે કે જેને બીજા રાજાઓ સ્પર્શ પણ કરી શકતા ન હતા.’ તે સાંભળતાં જ વસુદેવે આક્ષેપથી કહ્યું કે: ‘ત્યારે તું સત્વર ચાલ્યો જા, કારણ કે તને ધનુષ્ય ચઢાવનાર જાણશે તો કંસ તત્કાળ મારી નાખશે.’ આ પ્રમાણે સાંભળી અનાધૃષ્ટિ ભય પામી શીઘ્ર ઘરની બહાર નીકળ્યો અને કૃષ્ણની સાથે સત્વર નંદના ગોકુળમાં આવ્યો. ત્યાંથી રામ કૃષ્ણની આજ્ઞા લઇને તે એકલો શૌર્યપુર ગયો.

અહીં લોકોમાં વાર્તા ચાલી કે નંદના પુત્રે ધનુષ્ય ચઢાવ્યું. તે ધનુષ્યના ચઢાવવાથી કંસ અત્યંત દુભાણો તેથી તેણે ધનુષ્યના મહોત્સવને દૂર કરીને બાહુયુદ્ધ કરવા માટે સર્વ મલ્લોને આજ્ઞા કરી. તે પ્રસંગમાં બોલાવેલા રાજાઓ મલ્લયુુદ્ધ જોવાની ઇચ્છાથી મંચો ઉપર આવી આવીને બેઠા અને મોટા મંચ ઉપર બેઠેલા કંસની સામે દૃષ્ટિ રાખવા લાગ્યા. કંસનો દુષ્ટ ભાવ જાણીને વસુદેવે પોતાના સર્વ જ્યેષ્ઠ બંધુઓને અને અક્રૂર વિગેરે પુત્રોને ત્યાં બોલાવ્યા. તેજ વડે સૂર્યના જેવા તેઓને કંસે સત્કાર કરીને ઊંચા મંચો ઉપર બેસાડ્યા.

મલ્લયુદ્ધના ઉત્સવની વાર્તા સાંભળીને કૃષ્ણે રામને કહ્યું: ‘આર્યબંધુ! ચાલો, આપણે મથુરામાં જઈને મલ્લયુદ્ધનું કૌતુક જોઈએ.’ તે કબૂલ કરી રામે યશોદાને કહ્યું: ‘માતા! અમારે મથુરાપુરી જવું છે, માટે અમારી સ્નાન વિગેરેની તૈયારી કરો.’ તે કાર્યમાં યશોદાને કાંઈક મંદ જોઈ બલદેવે કૃષ્ણના ભ્રાતૃવધની હકીકત કહેવાની પ્રસ્તાવના કરવા માટે જ હોય તેમ આક્ષેપથી કહ્યું: ‘અરે યશોદા! શું તું પૂર્વનો દાસીભાવ ભૂલી ગઈ, જેથી અમારી આજ્ઞાનો અમલ કરવામાં વિલંબ કરે છે?’ રામના આવાં અપમાનજનક વચનથી કૃષ્ણના મનમાં બહુ ખેદ થયો, તેથી તે નિસ્તેજ થઈ ગયા. પછી કૃષ્ણને બલરામ યમુના નદીમાં સ્નાન કરાવવા લઈ ગયા. ત્યાં રામે કૃષ્ણને પૂછ્યું: ‘હે વત્સ! ચોમાસાના મેઘવાયુનો સ્પર્શ થયેલા દર્પણની જેમ તું નિસ્તેજ કેમ લાગે છે?’ કૃષ્ણે બળદેવને ગદ્ગદ્ સ્વરે કહ્યું: ‘ભદ્ર! તમે મારી માતા યશોદાને આક્ષેપથી દાસી કહીને કેમ બોલાવી?’ રામે મિષ્ટ અને મનોહર વચન વડે કૃષ્ણને કહ્યું: ‘વત્સ! તે યશોદા તારી માતા નથી અને નંદ પિતા પણ નથી, પણ દેવકરાજાની પુત્રી દેવકી તારી માતા છે અને વિશ્વમાં અદ્વિતીય વીર તેમ જ મહાસૌભાગ્યવાન વસુદેવ તારા પિતા છે. સ્તનપયથી પૃથ્વીને સિંચન કરતા દેવકી નેત્રમાં અશ્રુ લાવી પ્રત્યેક માસે તને જોવા માટે અહીં આવે છે. દાક્ષિણ્યના સાગર આપણા પિતા વસુદેવ કંસના આગ્રહથી મથુરામાં રહેલા છે. હું તમારો મોટો સાપત્ન(સાવકો) ભાઈ છું. તમારી ઉપર વિઘ્નની શંકાવાળા પિતાની આજ્ઞાથી હું તમારી રક્ષા કરવાને અહીં રહ્યો છું.’ કૃષ્ણે પૂછ્યું: ‘ત્યારે પિતાએ મને અહીં કેમ રાખ્યો છે?’ એટલે કંસનું ભ્રાતૃવધ સંબંધી બધું વૃત્તાંત કહી સંભળાવ્યું. તે સાંભળી વાયુ વડે અગ્નિની જેમ કૃષ્ણને દારુણ ક્રોધ ચઢ્યો, જેથી તેમણે તત્કાળ કંસને મારવાની પ્રતિજ્ઞા કરી. પછી નદીમાં સ્નાન કરવાને માટે પ્રવેશ કર્યો.

કંસનો પ્રિય મિત્ર હોય તેવો કાલિય નામે સર્પ યમુનાના જળમાં મગ્ન થઈ કૃષ્ણને ડસવા માટે તેની સામે દોડ્યો. તેના ફણામણિના પ્રકાશથી ‘આ શું હશે?’ એમ સંભ્રમ પામી રામ કંઈક કહેવા જતા હતા તેવામાં તો કૃષ્ણે કમળનાળની પેઠે તેને પકડી લીધો. પછી કમળનાળથી તેને વૃષભની જેમ નાસિકામાં નાથી લીધો. અને તેની ઉપર ચઢીને કૃષ્ણે તેને ઘણી વાર જળમાં ફેરવ્યો. પછી તેને નિર્જીવ જેવો કરી, અત્યંત ખેદ પમાડીને કૃષ્ણ બહાર નીકળ્યા. તે વખતે સ્નાનવિધિ કરનારા બ્રાહ્મણો કૌતુકથી ત્યાં આવીને કૃષ્ણને વીંટાઈ વળ્યા. ગોપથી વીંટાયલા રામ તથા કૃષ્ણ મથુરા તરફ ચાલ્યા અને કેટલાક સમયે તે નગરીના દરવાજા પાસે આવ્યા.

તે વખતે કંસની આજ્ઞાથી મહાવતે પદ્મોત્તર અને ચંપક નામના બે હાથીને તૈયાર રાખ્યા હતા. તેને જેવી પ્રેરણા કરી તેવી તે બંને તેની સન્મુખ દોડ્યા. કૃષ્ણે દાંત ખેંચી કાઢીને મુષ્ટિના પ્રહારથી સિંહની જેમ પદ્મોત્તરને મારી નાખ્યો અને રામે ચંપકને મારી નાખ્યો. તે વખતે નગરજનો પરસ્પર વિસ્મય પામી બતાવવા લાગ્યા કે ‘આ બંને અરિષ્ટ વૃષભ વિગેરેને મારનાર નંદના પુત્રો છે.’ પછી નીલ અને પીત વસ્ત્રને ધારણ કરનારા, વનમાળાને ધરનારા અને ગોવાળીઆઓથી વીંટાયલા તે બન્ને ભાઈઓ મલ્લોના અક્ષવાટ(અખાડા)માં આવ્યા. ત્યાં એક મહામંચની ઉપર બેઠેલા લોકોને ઉઠાડી તે પર બંને ભાઈઓ પરિવાર સાથે નિ:શંક થઈને બેઠા. પછી રામે કૃષ્ણને કંસ શત્રુ બતાવ્યો અને પછી અનુક્રમે સમુદ્રવિજયાદિ દશાર્હ કાકાઓને અને તેની પાછળ બેઠેલા પોતાના પિતાને ઓળખાવ્યા. તે સમયે ‘આ દેવ જેવા બે પુરુષ કોણ હશે?’ એમ મંચ ઉપર રહેલા રાજાઓ અને નગરજનો પરસ્પર વિચાર કરતા તેમને જોવા લાગ્યા.

કંસની આજ્ઞાથી પ્રથમ તો તે અખાડામાં અનેક મલ્લો યુદ્ધ કરવા લાગ્યા. પછી કંસે પ્રેરેલો ચાણૂર મલ્લ પર્વતની આકૃતિ ધરતો ઊભો થયો, મેઘની જેમ ઉગ્ર ગર્જના કરતો અને કરાસ્ફોટ વડે સર્વ રાજાઓને આક્ષેપ કરતો તે ઊંચે સ્વરે બોલ્યો: ‘જે કોઈ વીરપુત્ર હોય અથવા જે કોઈ વીરમાની દુર્ઘષ પુરુષ હોય તે મારી બાહુયુદ્ધની શ્રદ્ધા પૂરી કરે.’

આ પ્રમાણે અતિ ગર્જના કરતા ચાણૂરના ગર્વને નહીં સહન કરતા મહાભુજ કૃષ્ણે મંચ ઉપરથી નીચે ઊતરીને તેની સામે કરાસ્ફોટ કર્યો. સિંહના પૂંછના આસ્ફોટની જેમ તે કૃષ્ણના કરાસ્ફોટે ઉગ્ર ધ્વનિથી ભૂમિ અને અંતરીક્ષને ફોડી નાખ્યાં. ‘આ ચાણૂર વય અને વપુથી મોટો, શ્રમ કરવા વડે કઠોર, બાહુયુદ્ધથી જ આજીવિકા કરનારો અને દૈત્યની જેવો સદા ક્રૂર છે, અને આ કૃષ્ણ દુગ્ધમુખ, મુગ્ધ, કમળોદરથી પણ કોમળ અને વનવાસી હોવાથી મલ્લયુદ્ધના અભ્યાસ વગરના છે. તેથી આ બંનેનું યુદ્ધ ઘટતું નથી, આ અઘટિત થાય છે, આવા વિશ્વનિંદિત કામને ધિક્કાર છે!’ આ પ્રમાણે ઊંચે સ્વરે બોલતાં લોકોનો કોલાહલ ચારે તરફ થઈ રહ્યો. એટલે કંસે ક્રોધથી કહ્યું: ‘આ બે ગોપબાળકને અહીં કોણ લાવ્યું છે? ગાયના દૂધ પીવાથી ઉન્મત્ત થયેલા તેઓ સ્વેચ્છાએ અહીં આવેલ છે, તો તે સ્વેચ્છાથી યુદ્ધ કરે તેમાં કોણ વારે? તેમ છતાં જેને આ બંનેની પીડા થતી હોય તે જુદા પડીને મને જણાવો.’ કંસનાં આવાં વચન સાંભળી સર્વ જનો ચૂપ થઈ ગયા. પછી નેત્રકમળનો વિકાસ કરતા કૃષ્ણ બોલ્યા: ‘ચાણૂર મલ્લકુંજર રાજપિંડથી પુષ્ટ થયેલો છે, સદા મલ્લયુદ્ધનો અભ્યાસ કરનારા છે અને શરીરે મહાસમર્થ છે, તે છતાં ગાયના દૂધનું પાન કરીને જીવનાર હું ગોપાળનો બાળક, સિંહનો શિશુ જેમ હાથીને મારે તેમ, તેને મારી નાખું છું. તે સર્વ લોકો અવલોકન કરો.’ કૃષ્ણનાં આવાં પરાક્રમનાં વચન સાંભળી કંસ ભય પામ્યો, એટલે તત્કાળ એક યુદ્ધ કરવાને માટે તેણે બીજા મુષ્ટિક નામના મલ્લને આજ્ઞા કરી. મુષ્ટિકને ઊઠેલો જોઈ બળરામ તરત જ મંચ ઉપરથી નીચે ઊતર્યા અને રણકર્મમાં ચતુર એવા તેમણે યુદ્ધ કરવા માટે તેને બોલાવ્યો. કૃષ્ણ અને ચાણૂર તથા રામ અને મુષ્ટિક નાગપાશ જેવી ભુજા વડે યુદ્ધ કરવા પ્રવર્ત્યા. તેઓના ચરણન્યાસથી પૃથ્વી કંપાયમાન થઈ અને કરાસ્ફોટના શબ્દોથી બ્રહ્માંડમંડપ ફૂટી ગયો.

રામ અને કૃષ્ણે તે મુષ્ટિક અને ચાણૂરને તૃણના પૂળાની જેમ ઊંચે ઉછાળ્યા, તે જોઈ લોકો ખુશ થયા. પછી ચાણૂર અને મુષ્ટિકે રામ કૃષ્ણને સહેજ ઊંચા ઉછાળ્યા તે જોઈ સર્વ લોકો મ્લાન મુખવાળા થઈ ગયા. તે વખતે કૃષ્ણે હાથી જેમ દંતશૂળથી પર્વતની ઉપર તાડન કરે તેમ દૃઢ મુષ્ટિથી ચાણૂરની છાતી ઉપર તાડન કર્યું, એટલે જયને ઇચ્છતા ચાણૂરે કૃષ્ણના ઉરસ્થળમાં વજ્ર જેવી મુષ્ટિથી પ્રહાર કર્યો, તે પ્રહારથી મદ્યપાનની જેમ કૃષ્ણની આંખે અંધારાં આવી ગયાં અને અતિ પીડિત થઈ આંખો મીંચીને તે પૃથ્વી પર પડ્યા. તે વખતે છળને જાણનાર કંસે દૃષ્ટિ વડે ચાણૂરને પ્રેરણા કરી એટલે પાપી ચાણૂર બેભાન થઈને પડેલા કૃષ્ણને મારવા માટે દોડ્યો. તેને મારવાની ઇચ્છાવાળો જાણી તત્કાળ બલરામે વજ્ર જેવા હાથના પ્રકોષ્ટ(પહોંચા)નો તેના પર પ્રહાર કર્યો, જે પ્રહારથી ચાણૂર સાત ધનુષ્ય પાછો ખસી ગયો. તેવામાં કૃષ્ણ પણ આશ્વાસન પામીને ઊભા થયા અને તેમણે યુદ્ધ કરવા માટે ચાણૂરને ફરી વાર બોલાવ્યો. પછી મહાપરાક્રમી કૃષ્ણે ચાણૂરને બે જાંઘની વચમાં લઈ દબાવી ભુજા વડે તેનું મસ્તક નમાવીને એવો મુષ્ટિનો ઘા કર્યો કે જેથી ચાણૂર રુધિરની ધારા વમન કરવા લાગ્યો અને તેનાં લોચન અત્યંત વિહ્વળ થઈ ગયાં, તેથી કૃષ્ણે તેને છોડી દીધો. તે જ ક્ષણે કૃષ્ણથી ભય પામ્યા હોય તેમ તેના પ્રાણે તેને છોડી દીધો, અર્થાત્ તે મરણ પામ્યો. તે વખતે ભય, કોપથી કંપતો કંસ બોલ્યો: ‘અરે! આ બંને અધમ ગોપબાળોને મારી નાખો. વિલંબ કરો નહીં અને આ બંને સર્પોરૂપી કુમારનું પોષણ કરનાર નંદને પણ મારો અને દુર્મતિ નંદનું સર્વસ્વ લૂંટીને અહીં લઈ આવો, તેમ જ જે નંદનો પક્ષ લઈ વચમાં આવે તેને પણ તેના જેવો દોષિત ગણી મારી આજ્ઞાથી મારી નાખો.’ એ સમયે ક્રોધથી રાતાં નેત્ર કરી કૃષ્ણે કહ્યું: ‘અરે પાપી! ચાણૂરને માર્યો તો પણ હજુ તું તારા આત્માને મરેલો માનતો નથી? તો પ્રથમ મારાથી હણાતા તારા આત્માની હમણાં રક્ષા કર. પછી ક્રોધ કરી નંદ વિગેરેને માટે આજ્ઞા કરજે.’ આ પ્રમાણે કહી કૃષ્ણે ઉછાળો મારી, મંચ ઉપર ચઢી કંસને કેશ વડે પકડીને પૃથ્વી પર પાડી દીધો. તેનો મુકુટ પૃથ્વી પર પડી ગયો, વસ્ત્ર ખસી ગયાં અને નેત્ર ભયથી સંભ્રમ પામી ગયાં. કસાઈને ઘેર બાંધેલ પશુની જેમ તે કંસને કૃષ્ણે કહ્યું: ‘અરે અધમ! તેં તારી રક્ષાને માટે વૃથા ગર્ભહત્યાઓ કરી, હવે તું જ જીવવાનો નથી, તેથી સ્વકર્મનાં ફળ ભોગવ.’ તે વખતે ઉન્મત્ત હાથીને સિંહ પકડે તેમ હરિએ કંસને પકડેલો જોઈ બધા લોકો વિસ્મય પામી ગયા અને અંતરમાં ડરવા લાગ્યા. તે સમયે રામે બંધનથી શ્વાસરહિત કરી યજ્ઞમાં લાવેલા પશુની જેમ મુષ્ટિકને મારી નાખ્યો. એવામાં કંસની રક્ષા કરવા માટે રહેલા કંસના સુભટો વિવિધ પ્રકારનાં આયુધો હાથમાં લઈને કૃષ્ણને મારવા દોડ્યા, એટલે રામે એક માંચડાનો સ્તંભ હાથમાં લઈને મધપૂડા ઉપરથી મક્ષિકાઓને ઉડાડે તેમ તેઓને નસાડી મૂક્યા. પછી કૃષ્ણે મસ્તક પર ચરણ મૂકીને કંસને મારી નાખ્યો અને ઓવાળને સમુદ્ર બહાર કાઢી નાખે તેમ તેને કેશથી ખેંચીને રંગમંડપની બહાર ફેંકી દીધો. કંસે પ્રથમથી જરાસંધના કેટલાએક સૈનિકોને બોલાવી રાખ્યા હતા. તેઓ રામ કૃષ્ણને મારવાને તૈયાર થવા લાગ્યા. તેમને તૈયાર થતાં જોઈ રાજા સમુદ્રવિજય તૈયાર થઈ યુદ્ધ કરવાને આવ્યા, કારણ કે તેમનું આવવું તેને માટે જ હતું. જ્યારે ઉછળતા સમુદ્રની જેમ રાજા સમુદ્રવિજય તૈયાર થઈને આવ્યા એટલે જરાસંધના સૈનિકો દશે દિશાઓમાં નાસી ગયા.

પછી સમુદ્રવિજયની આજ્ઞાથી અનાધૃષ્ટી રામ કૃષ્ણને પોતાના રથમાં બેસાડીને વસુદેવને ઘેર લઈ ગયો. સર્વ યાદવો અને સમુદ્રવિજય વિગેરે પણ વસુદેવને ઘેર ગયા અને ત્યાં એકઠા મળી સભા ભરીને બેઠા. વસુદેવ અર્ધાસન પર રામને અને ઉત્સંગમાં કૃષ્ણને બેસાડી, નેત્રમાં હર્ષાશ્રુ લાવી તેમના મસ્તક પર વારંવાર ચુંબન કરવા લાગ્યા. તે વખતે વસુદેવના મોટા સહોદર બંધુઓએ તેને પૂછ્યું: ‘આ શું?’ એટલે વસુદેવે અતિમુક્ત મુનિનાં વૃત્તાંતથી માંડીને બધો વૃત્તાંત જણાવ્યો. પછી રાજા સમુદ્રવિજયે કૃષ્ણને પોતાના ઉત્સંગમાં બેસાડ્યા અને તેના પાલન કરવાથી પ્રસન્ન થઈ રામની વારંવાર પ્રશંસા કરી. તે વખતે દેવકી એક ફોયણાવાળી૧ પુત્રીને સાથે લઈ ત્યાં આવ્યા. અને એક ઉત્સંગમાંથી બીજા ઉત્સંગમાં સંચરતા કૃષ્ણને તેણે દૃઢ આલિંગન કર્યું.

પછી બધા યાદવો હર્ષાશ્રુ વર્ષાવતા બોલ્યા: ‘હે મહાભુજ વસુદેવ! તમે એકલા જ આ જગતને જીતવાને સમર્થ છો, તે છતાં તમારાં બાળકોને જન્મતાંવેંત જ એ ક્રૂર કંસે મારી નાખ્યાં તે તમે કેમ સહન કર્યું?’ ત્યારે વસુદેવ બોલ્યા: ‘મેં જન્મથી જ સત્યવ્રત પાળેલું છે, તેથી તે વ્રતની રક્ષાને માટે (પ્રથમ વચન આપેલું હોવાથી) આવું દુષ્ટ કર્મ પણ સહન કર્યું. દેવકીના આગ્રહથી આ કૃષ્ણને નંદના ગોકુળમાં મૂકી આવી તેને બદલે આ નંદની પુત્રીને અહીં લઈ આવ્યો, એટલે દેવકીનો સાતમો ગર્ભ કન્યામાત્ર જાણી, એ પાપી કંસે અવજ્ઞાથી નાસિકાનું એક ફોયણું છેદીને આ બાળકીને છોડી મૂકી હતી.’

આ પ્રમાણે વાતચીત થયા પછી ભાઈ અને ભ્રાતૃપુત્રોની સંમતિથી સમુદ્રવિજયે કારાગૃહમાંથી છૂટા કરીને ઉગ્રસેન રાજાને તેડાવી મંગાવ્યા અને તેની સાથે યમુનાને કાંઠે જઈ સર્વેએ કંસનું પ્રેતકાર્ય કર્યું. કંસની માતાએ અને બીજી પત્નીઓએ યમુના નદીમાં તેને જલાંજલિ આપી, પણ તેની રાણી જીવયશાએ માન ધરીને જલાંજલિ આપી નહીં. તે તો કોપ કરીને બોલી કે: ‘આ રામ કૃષ્ણ ગોપાળને અને સર્વ સંતાન સહિત દશાર્હોને હણાવીને પછી મારા પતિનું પ્રેતકાર્ય કરીશ; નહિ તો હું અગ્નિમાં પ્રવેશ કરીશ.’ આવી પ્રતિજ્ઞા લઈને તે જીવયશા મથુરાથી નીકળી તત્કાળ પોતાના પિતા જરાસંધે આશ્રિત કરેલ રાજગૃહી નગરીએ આવી. અહીં રામ કૃષ્ણની અનુજ્ઞાથી સમુદ્રવિજયે ઉગ્રસેનને મથુરાપુરીના રાજા કર્યા. ઉગ્રસેને પોતાની પુત્રી સત્યભામા કૃષ્ણને આપી અને ક્રોષ્ટુકિએ કહેલા શુભ દિવસે તેનો યથાવિધિ વિવાહ થયો.

અહીં જીવયશા છૂટા કેશે રુદન કરતી જાણે મૂર્તિમાન અલક્ષ્મી હોય તેમ જરાસંધની સભામાં આવી. જરાસંધે રુદનનું કારણ પૂછ્યું એટલે તેણીએ બહુ પ્રયાસે અતિમુક્તનો વૃત્તાંત અને કંસના ઘાત સુધીની સર્વ કથા કહી સંભળાવી. તે સાંભળી જરાસંધ બોલ્યો: ‘કંસે પ્રથમ દેવકીને મારી નહીં, તે જ સારું કર્યું નહીં, કારણ કે તેને મારી હોત તો પછી ક્ષેત્ર વિના કૃષિ શી રીતે થાત? હે વત્સે! હવે તું રુદન કર નહીં, હું મૂળથી કંસના સર્વ ઘાતકોને સપરિવાર મારી નાખીને તેમની સ્ત્રીઓને રોવરાવીશ.’

આ પ્રમાણે કહેવા વડે જીવયશાને શાંત કરીને જરાસંઘે સોમક નામના રાજાને બધી સમજાવી સમુદ્રવિજયની પાસે મોકલ્યો. તે તત્કાળ મથુરાપુરીએ આવ્યો અને તેણે રાજા સમુદ્રવિજયને કહ્યું: ‘તમારા સ્વામી જરાસંધ તમને એવી આજ્ઞા કરે છે કે — અમારી પુત્રી જીવયશા અને તેના સ્નેહને લીધે તેના પતિ કંસ બંને અમને પ્રાણથી પણ વહાલા છે, તે કોનાથી અજાણ્યું છે? તમે અમારા સેવકો છો તે સુખે રહો, પણ તે કંસનો દ્રોહ કરનારા રામ કૃષ્ણને અમને સોંપી દ્યો. એ દેવકીનો સાતમો ગર્ભ છે તેથી તમે તેને અર્પણ તો કરેલો જ છે, છતાં તમે તેને ગોપવવાનો અપરાધ કર્યો, તેથી હવે ફરી વાર અમને સોંપી દ્યો.’

સોમકનાં આવાં વચનો સાંભળી સમુદ્રવિજયે તેને કહ્યું: ‘સરલ મનવાળા વસુદેવે મારાથી પરોક્ષપણે છ ગર્ભ કંસને અર્પણ કર્યા તે જ ઉચિત થયેલું નથી અને રામ કૃષ્ણે પોતાના ભ્રાતૃવધના વેરથી કંસને માર્યો તેમાં તેમનો શો અપરાધ છે? અમારો આ એક દોષ છે કે આ વસુદેવ બાલ્યવયથી જ સ્વેચ્છાચારી છે, તેથી તેની બુદ્ધિ વડે પ્રવર્તવાથી મારા છ પુત્રો માર્યા ગયા. હવે આ બે રામ કૃષ્ણ તો મને પ્રાણથી પણ વહાલા છે અને તેમને મારવાની ઇચ્છાએ તારો સ્વામી માગણી કરે છે, તે તેનું તદ્દન અવિચારીપણું છે.’ પછી સોમક રાજાએ કોપથી કહ્યું: ‘પોતાના સ્વામીની આજ્ઞામાં સેવકોએ યુક્તાયુક્તનો વિચાર કરવો યોગ્ય નથી. હે રાજન્! જ્યાં તમારા છ ગર્ભ ગયા છે ત્યાં આ બે દુર્મતિ રામ કૃષ્ણ પણ જાઓ. તેને રાખવાના વિચારથી તક્ષક નાગના મસ્તક ઉપર ખુજલી શા માટે કરો છો? બલવાનની સાથે વિરોધ કરવો તે કુશળતાને માટે થતો નથી. તમે જરાસંધની પાસે હાથીની આગળ મેંઢાની જેમ કોણ માત્ર છો?’ તે વખતે કૃષ્ણે ક્રોધથી કહ્યું: ‘અરે સોમક! અમારા પિતાએ સરલતાથી તારા સ્વામી સાથે આજ સુધી સ્નેહસંબંધ પાળ્યો, તેથી શું તારો સ્વામી મોટો સમર્થ થઈ ગયો? એ જરાસંધ અમારો સ્વામી નથી, પણ તેનાં આવાં વચનોથી તે બીજો કંસ જ છે, માટે અહીંથી જા અને તારી ઇચ્છા પ્રમાણે તારા સ્વામીને કહે.’ કૃષ્ણનાં આવાં વચન સાંભળી સોમકે સમુદ્રવિજયને કહ્યું: ‘હે દશાર્હમુખ્ય! આ તારો પુત્ર કુલાંગાર છે, છતાં તું એની ઉપેક્ષા કેમ કરે છે?’ તેનાં આવાં વચનથી કોપથી પ્રજ્વલિત થયેલા અનાધૃષ્ટિએ કહ્યું: ‘અરે દુષ્ટ! વારંવાર અમારા પિતા પાસે પુત્રોની યાચના કરતો તું કેમ શરમાતો નથી? પોતાના જામાતા કંસના જ માત્ર વધથી તારો સ્વામી આટલો બધો દુભાયો છે તો શું અમારા છ ભાઈઓના વધથી અમે નથી દુભાયા? હવે આ પરાક્રમી રામ કૃષ્ણ અને બીજા અક્રૂર વિગેરે અમે તારા આવા ભાષણને સહન કરશું નહીં.’ આ પ્રમાણે અનાધૃષ્ટિએ તિરસ્કાર કરેલો અને સમુદ્રવિજયે ઉપેક્ષા કરેલો તે સોમકરાજા રોષવિહ્વળ થઈ રાજગૃહી તરફ ચાલ્યો ગયો.

બીજે દિવસે દશાર્હપતિએ પોતાના સર્વ બાંધવોને એકઠા કરી હિતકારક એવા ક્રોષ્ટુકિ નિમિત્તિયાને બોલાવીને આ પ્રમાણે પૂછ્યું: ‘હે મહાશય! અમારે ત્રિખંડ ભરતક્ષેત્રના પતિ જરાસંધની સાથે વિગ્રહ ઊભો થયો છે, તો હવે તેમાં પરિણામ શું આવશે તે કહો.’ ક્રોષ્ટુકિ બોલ્યો: ‘હે રાજેંદ્ર! આ પરાક્રમી રામ કૃષ્ણ થોડા સમયમાં તેને મારી ત્રિખંડ ભરતના અધિપતિ થશે, પણ હમણાં તમે પશ્ચિમ દિશા તરફ સમુદ્રતટને ઉદ્દેશીને જાઓ. ત્યાં જતાં જ તમારા શત્રુઓના ક્ષયનો આરંભ થશે. માર્ગે ચાલતાં આ સત્યભામા જે ઠેકાણે બે પુત્રને જન્મ આપે, તે ઠેકાણે એક નગરી વસાવીને તમે નિ:શંકપણે રહેજો.’ ક્રોષ્ટુકિનાં આવાં વચનથી રાજા સમુદ્રવિજયે ઉદ્ઘોષણા કરાવીને પોતાનાં સર્વ સ્વજનોને પ્રયાણના ખબર આપ્યા અને અગિયાર કુળકોટી યાદવોને લઈને તેણે મથુરાનગરી છોડી. અનુક્રમે શૌર્યપુર આવ્યા, ત્યાંથી પણ સાત કુળકોટી યાદવોને લઈને જ્ઞાતિવર્ગ સહિત આગળ ચાલ્યા. ઉગ્રસેન રાજા પણ સમુદ્રવિજયને અનુસરીને સાથે ચાલ્યા. અનુક્રમે સર્વે વંધ્યિગિરિની મધ્યમાં થઈને સુખે આગળ ચાલવા લાગ્યા.

હવે પેલા સોમક રાજાએ અર્ધચક્રી જરાસંધની પાસે આવી સર્વ વૃત્તાંત જણાવ્યા કે જે તેના ક્રોધરૂપ અગ્નિમાં ઈંધણ જેવો થઈ પડ્યો. તે સમયે ક્રોધ પામેલા જરાસંધને તેના કાળ નામના પુત્રે કહ્યું: ‘એ તપસ્વી યાદવો તમારી આગળ કોણ માત્ર છે? માટે મને આજ્ઞા આપો. હું દિશાઓના અંતભાગમાંથી, અગ્નિમાંથી અથવા સમુદ્રના મધ્યમાંથી જ્યાં હશે ત્યાંથી એ યાદવોને ખેંચી લાવી મારી નાખીને અહીં આવીશ. તે સિવાય પાછો નહીં આવું.’ જરાસંધે પાંચ સો રાજાઓ સાથે મોટી સેના આપીને કાળને યાદવો ઉપર ચઢાઈ કરવાની આજ્ઞા આપી. કાળ પોતાના ભાઈ યવન અને સહદેવ સહિત અપશુકનોએ વાર્યો તો પણ આગળ ચાલ્યો. યાદવોને પગલે પગલે ચાલતો કાળ થોડા સમયમાં વંધ્યાિચળની નજીકની ભૂમિ કે જ્યાંથી યાદવો નજીકમાં જ હતા ત્યાં આવી પહોંચ્યો. કાળને નજીક આવેલો જોઈ રામ કૃષ્ણના રક્ષક દેવતાઓએ એક દ્વારવાળો, ઊંચો અને વિશાળ પર્વત વિકુર્વ્યો અને ‘અહીં રહેલું યાદવોનું સૈન્ય અગ્નિથી ભસ્મ થઈ ગયું.’ એમ બોલતી અને મોટી ચિતા પાસે બેસીને રુદન કરતી એક સ્ત્રીને વિકુર્વી. તેને જોઈ કાળ કાળની જેમ તેની પાસે આવ્યો, એટલે તે સ્ત્રીએ કહ્યું: ‘તારાથી ત્રાસ પામીને બધા યાદવો આ અગ્નિમાં પેસી ગયા; દશાર્હ અને રામ કૃષ્ણ પણ અગ્નિમાં પેસી ગયા. તેથી બંધુઓનો વિયોગ થવાથી હું પણ આ અગ્નિમાં પેસું છું.’ આ પ્રમાણે કહીને તેણે અગ્નિમાં પ્રવેશ કર્યો. દેવતાના એ કાર્યથી મોહ પામેલો કાળ અગ્નિમાં પેસવાને તૈયાર થયો અને તેણે પોતાના ભાઈ સહદેવ, યવન, અને બીજા રાજાઓને કહ્યું કે — ‘મેં પિતાની અને બહેનની પાસે પ્રતિજ્ઞા કરી છે કે અગ્નિ વિગેરેમાંથી પણ ખેંચી લાવીને હું યાદવોને મારી નાખીશ તે યાદવો મારા ભયથી અહીં અગ્નિમાં પેસી ગયા, તો સત્ય પ્રતિજ્ઞાવાળો હું પણ તેમને મારવા માટે આ પ્રજ્વલિત અગ્નિમાં પ્રવેશ કરું છું.’ આ પ્રમાણે કહીને તે કાળ ઢાલ તરવાર સહિત પતંગની જેમ અગ્નિમાં કૂદી પડ્યો અને ક્ષણ વારમાં દેવમોહિત થયેલા પોતાના લોકોના જોતાં જોતાં તે બળીને મૃત્યુ પામી ગયો. એ સમયે ભગવાન્ સૂર્ય અસ્તગિરિએ ગયા, તેથી યવન અને સહદેવ વિગેરે ત્યાં જ વાસ કરીને રહ્યા. જ્યારે પ્રભાત કાળ થયો ત્યારે તેઓએ પર્વત કે ચિતા કાંઈ પણ ત્યાં જોયું નહીં અને હેરિક લોકોએ આવીને ખબર આપ્યા કે ‘યાદવો દૂર ચાલ્યા ગયા’ કેટલાએક વૃદ્ધજનોએ વિચાર વડે એ દેવતાનો કરેલો મોહ હતો એવો નિર્ણય કર્યો. પછી યવન વિગેરે સર્વે પાછા વળી રાજગૃહીએ આવ્યા અને સર્વ વૃત્તાંત જરાસંધને જણાવ્યો. તે હકીકત સાંભળી જરાસંધ મૂર્ચ્છા ખાઈને પૃથ્વી પર પડી ગયો અને ક્ષણવારે સંજ્ઞા પામી ‘હે કાળ! હે કાળ! હે કંસ! હે કંસ!’ એમ પોકાર કરીને રુદન કરવા લાગ્યો.

અહીં કાળના મૃત્યુના ખબર જાણી માર્ગે ચાલતા યાદવો જેની પૂર્ણ પ્રતીતિ આવી છે એવા ક્રોષ્ટુકિને ઘણા હર્ષથી પૂજવા લાગ્યા. માર્ગમાં એક વનમાં પડાવ કરી રહ્યા હતા ત્યાં અતિમુક્ત ચારણ મુનિ આવી ચઢ્યા. દશાર્હપતિ સમુદ્રવિજયે તેમની પૂજા કરી, તે મહામુનિને પ્રણામ કરીને પૂછયું: ‘હે ભગવન્! આ વિપત્તિમાં અમારું છેવટે શું થશે?’ મુનિ બોલ્યા: ‘ભય પામશો નહીં, તમારા પુત્ર કુમાર અરિષ્ટનેમિ ત્રૈલોક્યયાં અદ્વૈત પરાક્રમી બાવીસમા તીર્થંકર થશે અને બલદેવ તથા વાસુદેવ એવા રામ કૃષ્ણ દ્વારિકા નગરી વસાવીને રહેશે અને જરાસંધનો વધ કરી અર્ધ ભરતના સ્વામી થશે.’ આ પ્રમાણે સાંભળી હર્ષ પામેલા સમુદ્રવિજયે પૂજા કરીને મુનિને વિદાય કર્યા અને પોતે સુખકારક પ્રયાણ કરતાં અનુક્રમે સૌરાષ્ટ્ર દેશમાં આવ્યા. ત્યાં રૈવતક (ગિરનાર) ગિરિની વાયવ્ય દિશા તરફ અઢાર કુલકોટી યાદવો સાથે છાવણી નાખી. ત્યાં કૃષ્ણની સ્ત્રી સત્યભામાએ બે પુત્રોને જન્મ આપ્યો, તેમનાં ભાનુ અને ભામર એવાં નામ પાડ્યાં. તે બંને પુત્રની જાતિવંત સુવર્ણ જેવી કાંતિ હતી પછી ક્રોષ્ટુકીએ કહેલા શુભ દિવસે કૃષ્ણે સ્નાન કરી બલિદાન સાથે સમુદ્રની પૂજા કરી અને અષ્ઠમ તપ કર્યું. ત્રીજી રાત્રિએ લવણસાગરનો અધિષ્ઠાતા સુસ્થિત દેવ આકાશમાં રહી અંજલિ જોડીને પ્રગટ થયો. તેણે કૃષ્ણને પાંચજન્ય નામે શંખ અને રામને સુઘોષ નામે શંખ આપ્યો; તે સિવાય દિવ્ય રત્નમાળા અને વસ્ત્રો આપ્યાં. પછી તેણે કૃષ્ણને કહ્યું: ‘તમે મને શા માટે સંભાર્યો છે? હું સુસ્થિત નામે દેવ છું. કહો તમારું શું કાર્ય કરું?’ કૃષ્ણે કહ્યું: ‘હે દેવ! પૂર્વના વાસુદેવની દ્વારકા નામે જે નગરી અહીં હતી તે તમે જળમાં ઢાંકી દીધી છે, તેથી હવે મારા નિવાસને માટે તે જ નગરીવાળું સ્થાન બતાવો.’ પછી તે સ્થાન બતાવીને તે દેવે ઇન્દ્રની પાસે જઈ તે હકીકત નિવેદન કરી.

ઇન્દ્રની આજ્ઞાથી કુબેરે તે સ્થાને બાર યોજન લાંબી અને નવ યોજન વિસ્તારવાળી રત્નમય નગરી બનાવી આપી. અઢાર હાથ ઊંચો, નવ હાથ ભૂમિમાં રહેલો અને બાર હાથ પહોળો, ફરતી ખાઈવાળો તેની આસપાસ કિલ્લો કર્યો. તેમાં ગોળ, ચોરસ, લંબચોરસ, ગિરિકૂટાકારે અને સ્વસ્તિકને આકારે સર્વતોભદ્ર, મંદર, અવતંસ અને વર્દ્ધમાન એવાં નામવાળા એક માળ, બે માળ અને ત્રણ માળ વિગેરે માળવાળા લાખો મહેલો બનાવ્યા. તેના ચોકમાં અને ત્રિકમાં વિચિત્ર રત્નમાણિક્ય વડે હજારો જિનચૈત્યો નિર્માણ કર્યાં. અગ્નિદિશામાં સુવર્ણના કિલ્લાવાળો સ્વસ્તિકના આકારનો મહેલ સમુદ્રવિજય રાજા માટે બનાવ્યો. તેની પાસે અક્ષોભ્ય અને સ્તિમિતના નંદાવર્ત અને ગિરિકૂટાકારે બે પ્રાસાદ કિલ્લા સહિત બનાવ્યા. નૈર્ઋત્ય દિશામાં સાગરને માટે આઠ વાંસવાળો ઊંચો પ્રાસાદ રચ્યો અને પાંચમા છઠ્ઠા દશાર્હને માટે વર્ધમાન નામના બે પ્રાસાદો રચ્યા. વાયવ્ય દિશામાં પુષ્કરપત્ર નામે ધરણ માટે પ્રાસાદ રચ્યો, અને તેની પાસે આલોકદર્શન નામે પૂરણને માટે પ્રાસાદ રચ્યો. તેની નજીક વિમુક્ત નામે ચંદ્રને માટે પ્રાસાદ રચ્યો અને ઈશાન દિશામાં કુબેરચ્છદ નામે વસુદેવને માટે પ્રાસાદ રચ્યો. તેમ જ રાજમાર્ગની સમીપે સ્ત્રીવિહારક્ષમ નામે ઉગ્રસેન રાજા માટે અતિ ઊંચો પ્રાસાદ રચ્યો. આ સર્વ પ્રાસાદો કલ્પદ્રુપથી વીંટાયેલા, ગજશાળા તથા અશ્વશાળાઓ સહિત, કિલ્લાવાળા, મોટાં દ્વારવાળા અને ધ્વજાપતાકાની શ્રેણી વડે શોભતા હતા. તે સર્વની વચમાં ચોરસ, વિશાળ દ્વારવાળો પૃથિવીજય નામે બલરામને માટે પ્રાસાદ રચ્યો અને તેની નજીક અઢાર માળનો અને વિવિધ ગૃહના પરિવાર સહિત સર્વતોભદ્ર નામે પ્રાસાદ કૃષ્ણને માટે રચવામાં આવ્યો. તે રામ કૃષ્ણના પ્રાસાદની આગળ ઇન્દ્રની સુધર્મા સભા જેવી સર્વપ્રભા નામે એક વિવિધ માણિક્યમયી સભા રચી. નગરીના મધ્યમાં એક સો આઠ મહા શ્રેષ્ઠ જિનબિંબોથી વિભૂષિત, મેરુગિરિના શિખર જેવું ઊંચું, મણિ, રત્ન અને હિરણ્યમય વિવિધ માળ અને ગોખવાળું, તેમજ વિચિત્ર પ્રકારની સુવર્ણની વેદિકાવાળું અર્હંતનું એક મંદિર વિશ્વકર્માએ બનાવ્યું. સરોવર, દીર્ઘિકાઓ, વાટિકાઓ, ચૈત્યો, ઉદ્યાનો અને રસ્તાઓ તેમ જ બીજું સર્વ અતિ રમણિક છે જેમાં એવું નગર કુબેરે એક રાત્રિદિવસમાં તૈયાર કર્યુ. એવી રીતે વાસુદેવની દ્વારકા નગરી દેવતાઓએ નિર્માણ કરેલી હોવાથી ઇન્દ્રપુરી જેવી હતી, તેની પશ્ચિમમાં સોમનસ પર્વત અને ઉત્તરમાં ગંધમાદન ગિરિ હતો.

પૂર્વોક્ત પ્રકારે દ્વારકાની રચના કરીને પ્રાત:કાળે કુબેરે આવી કૃષ્ણને બે પીતાંબર, નક્ષત્રમાળા, હાર, મુકુટ, કૌસ્તુભ નામે મહામણિ, શાર્ઙ્ગ ધનુષ્ય, અક્ષય બાણવાળાં ભાથાં,નંદક નામે ખડ્ગ, કૌમોદકી ગદા અને ગરુડધ્વજ રથ એટલાં વાનાં આપ્યાં. રામને વનમાળા, મુસળ, બે નીલ વસ્ત્ર, તાલધ્વજ રથ, અક્ષય ભાથાં, ધનુષ્ય અને હળ આપ્યાં, અને દશે દશાર્હોને રત્નનાં આભરણો આપ્યાં, કારણ કે તેઓ રામ કૃષ્ણને પૂજ્ય હતા. પછી સર્વ યાદવોએ કૃષ્ણને શત્રુસંહારક જાણી હર્ષથી પશ્ચિમ સમુદ્રના તીર ઉપર તેનો રાજ્યાભિષેક કર્યો. ત્યારબાદ રામ સિદ્ધાર્થ નામના સારથિવાળા અને કૃષ્ણ દારૂક નામના સારથિવાળા રથમાં બેસી દ્વારકામાં પ્રવેશ કરવાને તૈયાર થયા અને ગ્રહ નક્ષત્રોથી પરવરેલા સૂર્ય ચંદ્રની જેમ અનેક રથોમાં બેઠેલા યાદવોથી પરવર્યા. તેમણે જયજયના નાદ સાથે દ્વારકામાં પ્રવેશ કર્યો. ઇન્દ્રની આજ્ઞાથી કુબેરે બનાવેલા મહેલોમાં દશાર્હો, રામ કૃષ્ણ, બીજા યાદવો અને તેમનો પરિવાર આવીને રહ્યો. કુબેરે સાડાત્રણ દિવસ સુધી સુવર્ણ, રત્ન, ધન, વિચિત્ર વસ્ત્રો અને ધાન્યોની વૃષ્ટિ કરીને તે અભિનવ નગરીને પૂરી દીધી.