ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/કૌશિક બ્રાહ્મણની કથા


કૌશિક બ્રાહ્મણની કથા

કૌશિક નામનો એક તેજસ્વી બ્રાહ્મણ આમ જોવા જઈએ તો બહુ ભણેલો ન હતો, શાસ્ત્રજ્ઞાન પણ તેનામાં ઓછું. તે પોતાના ગામ નજીક આવેલી નદીઓના સંગમ આગળ રહેતો હતો. તેણે હંમેશાં સાચું બોલવાનું વ્રત લીધું હતું. એટલે બધા તેને સત્યવાદી તરીકે ઓળખતા હતા. એક દિવસ લૂંટારુઓના ત્રાસથી બચવા કેટલાક લોકો વનમાં સંતાઈ ગયા. પણ ક્રોધે ભરાયેલા લૂંટારુઓ તેમનો પીછો કરતા ત્યાં આવી ચઢ્યા. તેમણે સત્યવાદી કૌશિક મુનિને પૂછ્યું, ‘ભગવન્, અહીં કેટલાક લોકો આવી ચઢ્યા છે, તેઓ કયા રસ્તે ગયા છે તે તમે જાણતા હો તો કહો.’

લૂંટારુઓએ આમ પૂછ્યું એટલે કૌશિક મુનિએ તો સાચેસાચું કહી દીધું. ‘આ વનમાં જ્યાં ઘણાં વૃક્ષો, વેલા અને ઝાડીઓ હોય ત્યાં તે બધા ગયા છે.’ આમ સાંભળીને તે નિર્દય લૂંટારુઓએ બધા લોકોને શોધીને મારી નાખ્યા એવું સાંભળ્યું છે. આમ વાણીનો દુરુપયોગ કરવાથી કૌશિક મુનિને પાપ લાગ્યું અને છેવટે તેમને નરક ભોગવવું પડ્યું, કારણ કે તે ધર્મના સૂક્ષ્મ તત્ત્વને જાણતા ન હતા.

(ગીતાપ્રેસ, કર્ણ પર્વ, ૬૯)