ભારતીયકથાવિશ્વ-૩/કથાસરિત્સાગરની કથાઓ/પદ્માવતીની કથા

From Ekatra Wiki
Revision as of 15:33, 15 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પદ્માવતીની કથા

વારાણસી નગરીમાં શંકર નિવાસ કરીને રહ્યા છે. જેમ કૈલાસભૂમિમાં પુણ્યશાળી લોકો વસે છે તેમ આ નગરીમાં પણ પુણ્યશાળી જીવો વસે છે. અગાધ જળવાળી ગંગા નદી હંમેશાં આ નગરીની પાસેથી જ વહે છે અને કાશીનગરીની કંઠમાળા હોય તેવી શોભે છે.

પૂર્વે એ નગરીમાં પ્રતાપમુકુટ નામનો એક રાજા રાજ કરતો હતો. તેણે પોતાના પ્રતાપ રૂપી અગ્નિથી શત્રુપક્ષના વનને બાળીને ભસ્મ કરી મૂક્યું હતું. તે રાજાને વજ્રમુકુટ નામનો એક કુમાર હતો. તેણે રૂપમાં કંદર્પના દર્પનો પણ ભંગ કર્યો હતો. અને પરાક્રમમાં શત્રુજનની પ્રતિષ્ઠાનું નાક કાપી નાખ્યું હતું. આ રાજકુમારનો એક મિત્ર પ્રધાનપુત્ર નામે બુદ્ધિશિરા હતું. તે મહા બુદ્ધિશાળી અને રાજપુત્રને પ્રાણ કરતાં પણ ખૂબ વહાલો હતો.

એક દિવસ રાજકુમાર પોતાના મિત્રની સાથે મૃગયા માટે વનમાં ગયો. રાજકુમાર માર્ગમાં ચાલતાં ચાલતાં શૌર્યલક્ષ્મીની ચામર જેવી કેશવાળીવાળાં સંહોિનાં મસ્તકોને છેદતો તથા બીજાં પ્રાણીઓનાં પ્રાણ હરણ કરતો હતો. મૃગયામાં તલ્લીન થઈને તે ઘણે દૂર એક વનમાં આવી ચઢ્યો. તે વનમાં બંદીજન પેઠે કોયલો ટહુકા કરી રહી હતી. વૃક્ષોની ટોચ પરનાં કુસુમગુચ્છ ડોલી રહ્યાં હતાં અને જાણે અતિથિ પર ચમ્મર ઢોળતા હોય તેવું તે વન શોભતું હતું. ત્યાં તેણે અને મંત્રીપુત્રે સ્વચ્છ અને શીતળ જળથી ભરપૂર એક સરોવર જોયું. તે સરોવર ભાતભાતનાં કમળનું જન્મસ્થાન હોય તેવું સાગરસમું દીપતું હતું. બંને આ સરોવરની શોભા નિહાળતાં બેઠા હતા તેવામાં એક દિવ્ય કન્યા પોતાની સખીઓ સાથે તે સરોવરમાં સ્નાન કરવા આવી. તે કન્યા પોતાના લાવણ્ય વડે જાણે તે સરોવરને પૂરી દેતી હોય, નેત્રપાતથી જાણે નવા શ્યામકમળના વનને જતી હોય, ચંદ્રમા કરતાં અધિક શોભાયમાન મુખ વડે જાણે બધાં કમળનો તિરસ્કાર કરતી હોય તેવી તે રાજકન્યાએ વળી શ્વેત કમળને ઝાંખા કર્યાં છે. તે જ વખતે રાજકુમારને પોતાના સૌંદર્યનાં દર્શન કરાવી તેના મનને હરી લીધું. અને તે જ પ્રમાણે તરુણ રાજકુમારે પણ તે કન્યાના મનને એક તીક્ષ્ણ બાણ મારીને એવું મોહિત કરી મૂક્યું કે તેણે પોતાને શોભા આપનારી લજ્જા અને પોતાના અલંકાર તરફ જરાય જોયું નહીં. તે વિકળ, વિહ્વળ બની ગઈ.

રાજકુમાર વજ્રમુકુટ તે કન્યા તરફ જોઈ, મંત્રીપુત્રની સાથે આશ્ચર્યચકિત થઈ વિચારવા લાગ્યો, ‘આ કોની કન્યા હશે?’ તે કન્યાએ શણગારના સંકેતો વડે પોતાનું વતન અને પોતાનું નામ આમ સમજાવ્યાં. તેણે પુષ્પના મુકુટમાંથી એક કમળ કાઢી પોતાના કાનમાં પહેર્યું; પોતાના અલંકારમાંથી દંતપત્ર લઈને ઘણી વાર સુધી દાંતને સાફ કર્યા. પછી એક બીજા કમળને લઈ તે મસ્તક ઉપર મૂક્યું અને સાભિપ્રાય પોતાનો હાથ હૃદય ઉપર ઘસ્યો. રાજકુમાર તેની સંજ્ઞામાં જરાય સમજ્યો નહીં. પણ તેનો ચતુર મંત્રીમિત્ર તે સંજ્ઞાથી સઘળું સમજી ગયો. થોડી વારમાં તે કન્યા પોતાના પરિજનો સાથે ત્યાંથી ચાલી ગઈ અને તેનું મન રાજકુમારને જે સંકેત કર્યા હતા તે વિશે વિચાર કરતી રહી.

હવે પેલો રાજકુમાર વિદ્યા વિસરી ગયેલા વિદ્યાધરની જેમ પોતાની નગરીમાં જઈ વિરહાવસ્થામાં આવી જઈ દુર્દશા પામ્યો. એક દિવસ તેના મિત્ર મંત્રીપુત્રે તેની પાસે આવી એકાંતમાં પૂછ્યું, ‘ભાઈ, તમે આમ ઉદાસ કેમ થઈ ગયા છો? ભલા મને તો કારણ જણાવો કે તમારા મુખ પર આટલો બધો ખેદ શાને છે? મને કશો ખ્યાલ આવતો નથી.’

એટલે રાજપુત્રે પોતાના દુઃખનું કારણ અને પોતાની વિરહાવસ્થા કહી. મંત્રીપુત્રે તેને ધીરજ બંધાવી અને કહ્યું, ‘હવે એ ચંતાિ છોડો. તમને એ સુંદરી મેળવી આપીશ.’

રાજકુમાર અધીરાઈથી બોલ્યો, ‘મને વાત કરતાં પણ ઠીક નથી લાગતું. ગઈ કાલે સરોવર ઉપર જે કન્યા જોઈ હતી તેનો વિરહ મારાથી સહન થતો નથી. તેને મળવાની ઉત્કંઠા થાય છે પણ તેનાં નામઠામ અને વંશની તો જરાય ખબર નથી. તે આપણને મળે કેવી રીતે?’

આમ જ્યારે રાજકુમારે કહ્યું ત્યારે મંત્રીપુત્ર બોલ્યો, ‘શું? તે કન્યાએ તમને સંકેતો વડે પોતાનાં નામઠામ અને કુળ જણાવ્યા હતાં તે તમે સમજ્યા નથી? તે કન્યાએ શણગાર સજવાનું બહાનું કાઢી બધું જ જણાવ્યું હતું તે તમે કેમ ભૂલી ગયા? તેણે કાન ઉપર ઉત્પલ ધારણ કરીને જણાવ્યું કે હું કર્ણોત્પલ રાજાના દેશમાં રહું છું. તે કન્યાએ દંતરચના કરીને જણાવ્યું કે તે નગરમાં હું દંતઘાતકની કન્યા છું. તે કન્યાએ કાનમાં પદ્માભૂષણ ધારણ કરી તમને જણાવ્યું, મારું નામ પદ્માવતી છે અને છેવટે તેણે છાતી ઉપર હાથ મૂકી જણાવ્યું કે તમે મારા પ્રાણ છો. હું તમારા પર જીવન ગાળું છું. કલંગિ દેશમાં કર્ણોત્પલ નામનો એક વિખ્યાત રાજા છે અને તેનો એક કૃપાપાત્ર દંતવૈદ્ય છે, તેનું નામ સંગ્રામવર્ધન છે, તેને ત્રણે લોકમાં રત્ન સમાન પદ્માવતી નામે પુત્રી છે. એ કન્યા પિતાને પ્રાણથી પણ અધિક વહાલી છે. આ પ્રમાણે મેં લોકો પાસેથી સાંભળ્યું છે. તે ઉપરથી તે કન્યાએ જે સંકેતો કર્યા તે મારી સમજમાં આવ્યા છે.’

આ પ્રમાણે તે મંત્રીકુમારે રાજકુમારને કન્યાનાં નામઠામ જણાવ્યાં એટલે રાજકુમાર તેના પર વારી ગયો. પછી તે મંત્રીકુમારની સાથે એકાંતમાં વિચારવા લાગ્યો કે હવે શું કરવું. એક વેળા બંને મૃગયાનું બહાનું કાઢીને તે કન્યાને શોધવા નીકળી પડ્યા. પહેલાંની દિશામાં જ ચાલવા માંડ્યા. અર્ધે ગયા પછી બંનેએ પવન જેવા જાતવાન ઘોડાઓને ઉતાવળે દોડાવી પાછળ આવતા રક્ષકોને થાપ આપી ઘણે દૂર નીકળી પડ્યા. થોડે દિવસે તેઓ કલંગિ દેશમાં આવી પહોંચ્યા. બંનેએ કર્ણોત્પલ રાજાના નગરમાં આવીને દંતઘાતકના ઘર વિશે પૂછ્યું. લોકોએ તેમને ઘર બતાવ્યું. તે બરાબર ધ્યાનમાં રાખી ત્યાંથી થોડે દૂર કોઈ ડોસીનું ઘર હતું તેમાં ઉતારો કર્યો. બંનેએ પોતાના ઘોડા શેરીમાંથી લાવીને ડેલીમાં બાંધ્યા. તેમને પાણી પાયું, તેમને ખડ આપ્યું.

પછી બંને ડોસીના ઘરમાં જઈને બેઠા. ડોસી પણ તેમની પાસે બેઠી. થોડી વારે મંત્રીકુમારે ડોસીને કહ્યું, ‘માજી, અહીં કોઈ દંતવૈદ્ય સંગ્રામવર્ધન રહે છે તેને તમે ઓળખો છો?’ આ સાંભળી તે બોલી, ‘હા, હું તેમને સારી રીતે ઓળખું છું. તેમણે હમણાં જ મને પરિચારિકા તરીકે પોતાને ઘેર રાખી છે. હું તેમની પુત્રી પદ્માવતીની મુખ્ય ધાત્રી છું. મારો દુષ્ટ છોકરો જુગારી છે અને તે મારાં સારાં કપડાં જુએ એટલે ચોરી જાય છે. હમણાં મારાં વસ્ત્ર સારાં નથી એટલે હું ત્યાં જતી નથી બાકી તો તે કન્યા પાસે નિત્ય જતી હતી.’

જ્યારે મંત્રીપુત્રે આ સાંભળ્યું એટલે તે ઘણો રાજી થયો અને ડોસીને પહેરવા સારાં વસ્ત્ર લઈ આપ્યાં. પછી તે બોલ્યો, ‘તમે તો અમારાં મા જેવાં છો. અમે તમને એક ગુપ્ત વાર્તા કહીએ છીએ, તે તમારે પાર પાડવાની. તમારે તે દંતઘાતકની પુત્રી પદ્માવતીને કહેવાનું કે સરોવર પર જે રાજકુમાર જોયો હતો તે આ નગરમાં આવ્યો છે. તેણે તારા પ્રત્યેના પ્રેમને લીધે તને જાણ કરવા મને મોકલી છે.’

તે ડોસીએ તેમનું દાન લઈ તેમ કરવાની હા પાડી. ‘બહુ સારું, આ ચાલી.’ આમ કહી તે પદ્માવતીની પાસે ગઈ અને કહાવ્યા પ્રમાણે સમાચાર કહ્યા અને તરત જ પાછી આવી. મંત્રીકુમારે પૂછ્યું, ‘માજી, શા સમાચાર લઈને આવ્યાં?’ ત્યારે ડોસીએ બંનેને કહ્યું, ‘એકાંતમાં મેં તમારા આવવાની વાત જણાવી. તે સાંભળીને તે તો રાતીપીળી થઈ ગઈ. મને પુષ્કળ ગાળો ભાંડી અને પછી કપૂરથી ભરેલા બે હાથ વડે મારા બંને ગાલે તમાચા માર્યા. તેની વેદનાથી હું રડતી રડતી તમારી પાસે આવી છું, જુઓ, તેણે મને કેવા તમાચા માર્યા છે તે? તેના હાથની વીંટીની છાપ મારા ગાલ પર પડી ગઈ છે તે જણાશે.’

તે સાંભળી રાજકુમાર તો પોતાનો હેતુ પાર પડ્યો નહીં એમ જાણી ઉદાસ થઈ ગયો, પણ બુદ્ધિશાળી મંત્રીકુમારે તેને એકાંતમાં જઈને કહ્યું, ‘તમે ઉદાસ ન થતા. તેની વાર્તા છાની રાખવા આ ડોસીને ગાળો ભાંડી છે અને તેના ગાલ ઉપર સફેદ કપૂરવાળી પોતાની દસ આંગળીઓ ઉઠાડી છે તે ઉપરથી તેણે એમ કહાવ્યું છે કે આ શુક્લ પક્ષ છે, તેમાં અજવાળિયાની દસ રાત્રિ સમાગમ કરવામાં અનુચિત છે માટે દસ દિવસ ધીરજ રાખો, પછીની વાત પછી.’

આ પ્રમાણે રાજકુમારને સમજાવી મંત્રીકુમારે પોતાની પાસે થોડુંક સોનું હતું તે ગુપ્ત રીતે બજારમાં વેચ્યું અને તેમાંથી સર્વ સામગ્રી ખરીદી તે ડોસીને સોંપી. પછી તેની પાસે ઉત્તમ ભોજન તૈયાર કરાવી તે બંને ડોસીની સાથે બેસીને જમ્યા.

આમ દસ દિવસ કાઢી નાખ્યા. અગિયારમા દિવસે ફરી મંત્રીકુમારે સમાચાર મેળવવા ડોસીને પદ્માવતી પાસે મોકલી. ડોસી પણ દરરોજ મિષ્ટાન્ન ખાઈ ખાઈને રાજી રાજી થઈ ગઈ હતી. એટલે અતિથિના મનોરંજનાર્થે પદ્માવતીને ત્યાં ગઈ અને પછી ફરી બંનેને પાસે આવીને બોલી, ‘આજે હું અહીંથી પદ્માવતી પાસે ગઈ અને બોલ્યા વગર મૂંગી મૂંગી ઊભી રહી. હું તમારો તે દિવસનો સંદેશો લઈને ગઈ તે અપરાધ બદલ મને પોતાના હાથ અળતાવાળા કરી ત્રણ આંગળીઓ મારી છાતી ઉપર મારી. હું તેવી ને તેવી સીધી અહીં તમારી પાસે ચાલી આવી છું.’

તે સાંભળી મંત્રીપુત્રે રાજકુમારને કહ્યું, ‘તમારે મનમાં બીજી કોઈ શંકા કરવાની નહીં. પદ્માવતીએ પોતાની ત્રણ અળતાવાળી આંગળી આ ડોસીની છાતીમાં લગાવીને યુક્તિથી જણાવ્યું કે હું ત્રણ રાત્રિ સુધી રજસ્વલા છું માટે મળી શકતી નથી.’

આ પ્રમાણે મંત્રીપુત્રે રાજકુમારને કહ્યું એટલે તે ત્રણ દિવસ વાટ જોઈને બેસી રહ્યો. ત્રણ દિવસ વીતી ગયા એટલે મંત્રીપુત્રે ફરી ડોસીને પદ્માવતી પાસે મોકલી. આ વખતે પદ્માવતીએ તે ડોસીનું સારી રીતે સ્વાગત કર્યું. ઘણા પ્રેમથી ભોજન કરાવ્યું અને શરબત વગેરે પાઈને આખો દિવસ મોજ કરાવી. સાંજ પડી એટલે ડોસી પોતાને ઘેર જવા તૈયાર થઈ. એવામાં બહાર રસ્તા ઉપર બહુ મોટો કોલાહલ થવા લાગ્યો. લોકો મોટે મોટેથી બોલતા હતા, ‘હાય, હાય, રાજાનો હાથી ગાંડો થઈ ગયો છે. બંદીખાનું તોડીફોડી બહાર નીકળી લોકોને મારી નાખે છે.’

તે સાંભળી પદ્માવતીએ પેલી ડોસીને કહ્યું, ‘ડોસીમા, તમે હમણાં મોટા રસ્તે થઈને ન જતા. કારણ કે ત્યાં હાથીનો ભય છે. એક દોરીમાં બાજઠ બાંધી તેમાં તમને બેસાડી આ મોટી બારીમાંથી તમને અમે અમારા ઘરના બાગમાં ઉતારીએ છીએ. તમે તે બાગમાં ઊતરી પછી આ ઝાડ પર ચઢી સામા કિલ્લાને ઓળંગી ચાલ્યા જજો. અને પછી કિલ્લા પાછળ એક ઝાડ છે તે ઉપર ચઢી ત્યાંથી ઊતરીને ઘેર જજો.’ આમ કહી પદ્માવતીએ તે ડોસીને બાજઠ ઉપર બેસાડી દાસીઓ મારફતે બારીમાંથી પાછળના બગીચામાં ઉતારી મૂકી. પછી ડોસી એ પ્રમાણે ચઢઊતર કરી પોતાને ઘેર ચાલી આવી. ત્યાં આવીને સઘળી વાર્તા કહી સંભળાવી. એટલે મંત્રીપુત્રે રાજકુમારને કહ્યું, ‘હવે તમારું કાર્ય સિદ્ધ થયું છે. તેણે યુક્તિપૂર્વક તમને માર્ગ પણ બતાવી દીધો. માટે આજે સાંજે જે માર્ગે થઈ ડોસી આવ્યાં તે જ માર્ગે થઈ તમારે પદ્માવતી પાસે જવું.’

પછી થોડી વારે સૂર્ય આથમી ગયો. એટલે રાજકુમાર પ્રસન્ન થઈ ડોસીએ બતાવેલા માર્ગે મંત્રીપુત્રને સાથે લઈ ઝાડ પર ચઢ્યો, ત્યાંથી કિલ્લા પર ઊતરી પડ્યો, પછી ત્યાંથી બાગમાં ઊતર્યો. બાગમાં જ્યાં મહેલનો પાછલો ભાગ પડતો હતો તેની નજીક તે ગયો. ત્યાં એક બારીમાંથી દોરીએ બાંધેલી માંચી લટકતી હતી. અને દાસીઓ પણ બારીઓમાંથી મોઢાં કાઢી તેના આવવાની વાટ જોતી ઊભી હતી. તેમણે ઇશારો કર્યો કે ‘જુઓ છો શું? આ માંચી ઉપર બેસી જાઓ. એટલે તમને ઉપર ખેંચી લઈએ.’ રાજકુમાર તરત તે માંચી ઉપર બેઠો કે ઉપરથી દાસીઓએ દોરી વતી તેને ખેંચી લીધો. તે બારીમાંથી ઊતરી પોતાની મનમોહના પાસે ગયો અને મંત્રીપુત્ર રાજકુમારને અંદર દાખલ થતો જોઈ પોતાના ઉતારા પર પાછો ફર્યો.

રાજકુમાર પદ્માવતીના રંગભવનમાં દાખલ થઈને જુએ છે તો પૂણિર્માના ચંદ્ર જેવી કાંતિ ચારે તરફ પ્રસરી રહી છે એવી પૂણિર્માની રાત્રિ અમાવાસ્યાના ભયથી જાણે એકાંતભવનમાં આવીને સંતાઈ ગઈ હોય તેવી રીતે બેઠેલી પદ્માવતીને જોઈ. તે રાજકુમારને જોઈ હંમિતથી ઊભી થઈ અને ઘણા દિવસથી મળવાની ઉત્કંઠાને લીધે એકદમ ગળે વળગી પડી. તેને ખૂબ જોરથી આલંગિન આપ્યું, ચુંબન વગેરેથી તેનું ઘણું સન્માન કર્યું. રાજકુમારે તે મુગ્ધ નવવધૂ સાથે પ્રેમાગ્નિની સાક્ષીએ ગંધર્વવિધિથી લગ્ન કર્યાં અને પોતાના મનની ઇચ્છા પૂર્ણ કરી ગુપ્ત રીતે તે ત્યાં જ રહ્યો.

કેટલાક દિવસ તો બંને જણે વિહારવિલાસના આનંદમાં ગાળી વીતાવ્યા, પણ એક રાતે રાજકુમારને પોતાનો મિત્ર યાદ આવ્યો. ત્યારે તેણે પોતાની પ્રિયાને કહ્યું, ‘પ્રિયે, મારો એક ખાસ મિત્ર મારી સાથે આવ્યો છે. તે આ નગરમાં તારી ધાત્રીના ઘરમાં એકલો રહે છે, મને જવાની આજ્ઞા આપ.’ ત્યારે પદ્માવતીએ તે સાંભળીને કહ્યું, ‘પ્રિય આર્યપુત્ર, મારે તમને કંઈ પૂછવું છે તે જરા કહો. મેં તમને જે જે સંકેતો કર્યા હતા તે તમે પોતે જ સમજ્યા હતા કે તમારો મિત્ર મંત્રીપુત્ર સમજ્યો હતો?’

પદ્માવતીએ પૂછ્યું એટલે ભોળા રાજપુત્રે કહ્યું, ‘હું તારા એ સંકેતોમાં કશું સમજ્યો ન હતો. પણ મારા મંત્રીપુત્રે તેનું રહસ્ય સમજાવ્યું હતું. તેનું જ્ઞાન અદ્ભુત છે અને તેણે જ મને બધી વિગતો કહી હતી.’

પદ્માવતી તે સાંભળી વિચારમાં પડી ગઈ. પછી તેણે રાજકુમારને કહ્યું, ‘પ્રાણેશ, તમે બહુ ખોટું કર્યું. તમે આવા ખાસ મિત્રના સમાચાર મને બહુ મોડા કહ્યા. તમારો મિત્ર પણ હવે તે મારો ભાઈ પણ. મારે તેની આગતાસ્વાગતા કરવી જોઈએ ને તેના ભોજનાદિની સંભાળ પણ લેવી જોઈતી હતી. પણ તે ન થયું તેનું મને બહુ દુઃખ છે.’

આમ કહી પદ્માવતીએ તેને જવા દીધો. રાજપુત્ર જે માર્ગેથી આવ્યો હતો તે જ માર્ગે થઈને તે રાતે પોતાના મિત્ર પાસે આવ્યો. બધી વાત વિગતવાર જણાવી. પોતે પદ્માવતીએ કરેલા સંકેતોવાળી વાત પણ જણાવી. મંત્રીપુત્રે બીજી બધી વાતો માટે સારો અભિપ્રાય આપ્યો. પરંતુ સંકેતોવાળી વાત ડહાપણ વિનાની લાગી. બંનેને વાતો કરતાં કરતાં સવાર પડી ગઈ.

બીજે દિવસે બંને સ્નાનસંધ્યા કરીને પરવાર્યા અને વાતો કરતા હતા ત્યારે પદ્માવતીની એક સખી ભાતભાતનાં પકવાન્ન, એક થાળીમાં ભરી પાન, સોપારી, એલચી તથા લવંગાદિ પદાર્થ લઈને આવી. તેણે મંત્રીપુત્રના કુશળ સમાચાર પૂછ્યા. પછી તેને માટે જે જે વસ્તુઓ આણી હતી તે સર્વ મિષ્ટ પદાર્થ તેની આગળ મૂક્યા અને ભોજન કરવા વિનંતી કરી. પણ રાજકુમારને તેમાંથી ભોજન ન કરવા માટે વિનંતી કરી અને યુક્તિપૂર્વક કહ્યું, ‘મારાં સ્વામિની ભોજન કરવા માટે રાજકુમારની રાહ જોઈ રહ્યાં છે, તે વેળાસર પધારે તો સારું.’

આમ જણાવી કોઈ જાણે નહીં તેવી રીતે તરત તે ત્યાંથી નીકળીને ઘેર ચાલી ગઈ. તેના ગયા પછી મંત્રીકુમારે રાજકમારને કહ્યું, ‘મિત્ર, હું તમને એક આશ્ચર્ય બતાવું છું તે તમે જુઓ.’ આમ કહી પદ્માવતીએ જે ભોજન મોકલાવ્યું હતું તેમાંથી એક ચીજ ઉપાડીને કૂતરાને નાખી. કૂતરું તે ખાતાંની સાથે જ મરણ પામ્યું. તે જોઈ રાજકુમાર પૂછવા લાગ્યો, ‘અરે આ શું કૌતુક?’

મંત્રીકુમાર બોલ્યો, ‘એમાં વળી કૌતુક શું? પદ્માવતીની આગળ તમે કહ્યું કે મારા મિત્રે બધા સંકેતોની સમજ પાડી છે. તેણે ખ્યાલ આવી ગયો કે હું નિપુણ છું. તે કોઈ દિવસ તેનાથી તમને અલગ કરીશ એવો વહેમ તેને આવ્યો. તમને સાદા પોતાને વશ રાખવા તેણે મારો કાંટો કાઢવા આ ઝેરી પકવાન્ન મોકલ્યું. કદાચ મને છોડીને તે પોતાની નગરીમાં પણ ચાલ્યો જાય એવો અંદેશો પણ તેને હશે. હમણાં તમે એના પર ગુસ્સે ન થતા. હોય, સંસાર છે, સર્વના સ્વભાવ સરખા નથી હોતા. આજથી તમે તેની સાથે પ્રેમમાં એવા તલ્લીન થાઓ કે તે પોતાનાં સ્વજનને મૂકીને તે તમારી સાથે આવે. તે માટે હું તમને જે ઉપાય બતાવું છું તે વડે તમારે તેનું હરણ કરવું.’

આ પ્રમાણે મંત્રીકુમારે કહ્યું, એટલે રાજકુમાર તેનાં વખાણ કરીને બોલ્યો, ‘બેશક, તારું નામ બુદ્ધિશિરા છે તે યથાર્થ છે, તું બુદ્ધિની સાક્ષાત્ મૂતિર્ છે!’ તે જ્યાં આ પ્રકારે તેનાં વખાણ કરતો હતો ત્યાં બહાર રસ્તા પર અચાનક માણસોનો કોલાહલ સંભળાયો. ‘અરેરે, હાય, હાય, ધિક્કાર છે કાળને કે રાજાનો એકનો એક બાળકુમાર મરણ પામ્યો!’ તે સાંભળી મંત્રીપુત્ર ઘણો જ પ્રસન્ન થયો. તે રાજકુમારને કહેવા લાગ્યો, ‘તું આજે રાતે પદ્માવતીને મહેલે જા, ત્યાં જઈને એવી રીતે મદિરા પાજે કે તે નશામાં ચકચૂર થઈને મડદાની માફક હાલ્યાચાલ્યા વગર પડી રહે. જ્યારે તે પૂરેપૂરા નશામાં હોય ત્યારે તારે તેની સાથળ પર અગ્નિથી તપેલા ત્રિશૂળનો ચાંદલો કરવો. પછી તેનાં સર્વ ઘરેણાં લઈ પાછળની બારીએથી દોરીએથી લટકીને બાગમાં ઊતરીને ઘેર આવતો રહેજે. તે પછી જેમ આપણું સારું થાય તેમ હું વિચારીને કરીશ.’

આમ મંત્રીપુત્રે રાજપુત્રને કહી ડુક્કરના વાળ જેવી ઝીણી ધારવાળું એક ત્રિશૂળ કરાવી રાજપુત્રને આપ્યું. રાજકુમાર પણ પત્ની અને મિત્રના અંત:કરણ જેવું અતિવક્ર ને કઠિન ગજવેલનું ત્રિશૂળ હાથમાં લઈ ‘તારા કહેવા પ્રમાણે કરીશ.’ આમ મંત્રીપુત્રને કહી હંમેશની માફક રાતે પદ્માવતીને ત્યાં ગયો. શુદ્ધ અંત:કરણવાળા મિત્રની શિખામણમાં રાજાઓ સાચજૂઠની કદી તપાસ કરતા નથી, પણ તેના વચનને હંમેશાં માન આપે છે. રાજકુમારે પ્રિયતમા પાસે જઈને સારું એવું મદ્યપાન કરાવ્યું. જ્યારે પદ્માવતી મદિરાપાન કરીને બેસુધ થઈ શય્યા પર ઢળી પડી ત્યારે રાજકુમારે તેની સાથળ પર ત્રિશૂળ તપાવીને તેનો ચાંદલો કર્યો. પછી તેના શરીર ઉપરથી સઘળાં ઘરેણાં ઉતારી લીધાં અને મિત્ર પાસે આવ્યો. તે ઘરેણાં મંત્રીપુત્રને બતાવી પોતે પ્રિયા સાથે કેવી રીતે વર્ત્યો હતો એ બધું વિગતે કહ્યું. પોતાની ઇચ્છા પ્રમાણે બધું થયું છે તેની મંત્રીપુત્રને ખાત્રી થઈ.

બીજે દિવસે સવારે મંત્રીપુત્રે સ્મશાનમાં જઈ એક તપસ્વીનો વેશ ધારણ કર્યો, પોતાની સાથે રહેલા રાજકુમારને પોતાનો શિષ્ય બનાવ્યો. આ પ્રમાણે ઠાઠમાઠ કર્યા પછી મંત્રીપુત્રે રાજપુત્રને કહ્યું, ‘તમે આ ઘરેણાંમાંથી એક માળા લઈને બજારમાં વેચવા માટે જાઓ તે વેચવાનો ડોળ કરજો. અને કઈ પૂછે તો ત્રણ ગણી ચાર ગણી કંમિત બતાવજો. એટલે તે કોઈ લેશે નહીં, પણ એ રીતે આખા ગામમાં તે હાર સર્વ કોઈની નજરે પાડજો. નગરમાં જો રાજાના સૈનિકો તમને પકડીને પૂછે કે આ હાર તને ક્યાંથી મળ્યો? તો તમારે જરાય ગભરાયા વિના કહેવું કે આ અમારા ગુરુજીએ વેચવા આપ્યો છે.’ આમ સમજાવી રાજપુત્રને માળા આપી વિદાય કર્યો. રાજકુમાર માળા લઈ તે જ વખતે નગરમાં આમતેમ ફરવા લાગ્યો અને બધા વેપારીઓને માળા બતાવવા માંડી. નગરમાં દંતઘાતક — પદ્માવતીના પિતાને ઘેર ખાતર પડ્યું હતું તેની તપાસમાં નગરરક્ષકો ફરતા હતા, તેમણે રાજકુમારના હાથમાં મોતીની માળા જોઈ શક આણી તેને પકડ્યો. અને તેને તે જ વખતે ઉપરી પાસે લઈ ગયા. રાજકુમારને જોઈને તે અધિકારીને થયું કે આ સાધુ કંઈ માળાની ચોરી કરે એમ ન હોય. તેણે શાંતિથી પાસે બેસાડી ધીમે ધીમે પૂછવા માંડ્યું, ‘મહારાજ, અમારા નગરમાં દંતઘાતક નામના એક શેઠ છે. તેમની કન્યાનાં ઘરેણાં ચોરાયાં છે. તમને આ મોતીની માળા ક્યાંથી મળી?’

તે સાંભળી વેશધારી રાજકુમારે કહ્યું, ‘અમને અમારા ગુરુજીએ માળા આપી છે. તમે એમને જઈને પૂછો. અમારા ગુરુ સ્મશાનમાં બેઠા છે.’ તરત જ તે અધિકારી જ્યાં મંત્રીપુત્ર ઢોંગ કરતો બેઠો હતો તે સ્મશાનમાં જઈને પ્રણામ કરીને પૂછવા લાગ્યો, ‘મહારાજ, આ મોતીની માળા તમારા શિષ્યના હાથમાં કેવી રીતે આવી?’ તે સાંભળી ધૂર્ત મંત્રીપુત્રે ત્યાંથી બધા માણસોને દૂર કર્યા અને તે અધિકારીને પાસે બેસાડી કહ્યું, ‘હું જોગી છું અને હંમેશાં જંગલોમાં આમતેમ ભટક્યા કરું છું. ભટકતો ભટકતો દૈવયોગે એક રાતે આ સ્મશાનમાં આવી ચઢ્યો અને અહીં જ મુકામ કર્યો. તે વેળા ચારે બાજુ જોગણીઓનું ટોળું એકઠું થઈને બેઠેલું અહીં મારા જોવામાં આવ્યું. એમાં એક જોગણી રાજાના છોકરાને લઈને આવી. તેણે તેના કાળજાને ચીરી તેમાંથી હૃદયકમળ કાઢી ભૈરવને અર્પણ કર્યું. આ વખતે હું દૂર બેસી હાથમાં માળા લઈ જપ કરતો હતો. ત્યાં એક જોગણી મદિરા પી ગાંડી થઈ મારી પાસે આવી, પોતાનું મોઢું વાંકુંચૂંકું કરવા લાગી. પછી તે મારા હાથમાંથી માળા ઝૂંટવવા લાગી. મેં તેનો તિરસ્કાર કરી તરછોડી દીધી. તો પણ તેણે ગણકાર્યું નહીં, એટલે મને ક્રોધ ચઢ્યો; મેં મંત્ર ભણી અગ્નિ પ્રગટાવ્યો અને તેમાં ત્રિશૂળ તપાવી તેની સાથળે અને કેડ પર ડામ દીધા. અને તે જ વખતે તેના ગળામાંથી આ મોતીની માળા ખેંચી લીધી. એ અમને જોગીઓને શા કામની એટલે આ શિષ્યને વેચવા આપી.’

આ વાત સાંભળી તે અધિકારીએ રાજા પાસે જઈને જોગીએ કહેલી બધી વાર્તા રાજાને જણાવી. તે સાંભળી રાજાએ માન્યું કે જો દંતઘાતકની કન્યાની જ આ માળા છે તો તેણે જ મારા પુત્રને ખાધો હશે. તે ઉપરથી પોતાની એક સંબંધી વૃદ્ધાને મોકલી કહ્યું, તપાસ કર કે કન્યાની સાથળ પર ત્રિશૂળનો ડાઘ છે કે નહીં. તેણે તપાસ કરીને રાજાને કહ્યું, ‘હા, તેની સાથળ પર ડાઘ છે.’ તે સાંભળી રાજાને ખાત્રી થઈ ગઈ કે તે ડાકણે જ મારા કુંવરને ખાધો છે. આમ ખાત્રી થતાં રાજા પોતે ધૂર્ત જોગીની પાસે સ્મશાનમાં જઈ જોગીને પ્રણામ કરી પૂછવા લાગ્યો, ‘મહારાજ, એ ડાકણ પદ્માવતીએ જ મારા કુંવરને મારી નાખ્યો. તો હવે તેને શી શિક્ષા કરવી?’

તે સાંભળી યોગીવેશી મંત્રીપુત્ર બોલ્યો, ‘રાજન્, તેને નગરની બહાર કાઢી મૂક, એ જ શિક્ષા બસ છે.‘ એટલે રાજાએ પદ્માવતીને નગર બહાર કાઢી મૂકી. તે વખતે તેના માતાપિતા બહુ સંતાપ કરવા લાગ્યાં. પછી તે કન્યાને નગર બહાર કાઢી મૂકી અને જંગલમાં તેને નગ્નાવસ્થામાં અત્યંત દુઃખ પામતી છોડી દીધી. પ્રેમમાં મત્ત બનેલી પદ્માવતીએ પોતાના પ્રાણ ત્યજ્યા નહીં. તેણે મનમાં નક્કી કરી લીધું હતું કે આ બધું મંત્રીપુત્રનું જ કારસ્તાન છે. આમ વિચારતી તે એકલી વનમાં જ બેસી રહી. એવામાં રાજકુમાર અને મંત્રીપુત્ર જોગીનો વેશ ઉતારીને ઘોડેસ્વાર થઈ ત્યાં આવી પહોંચ્યા. તેને તેમણે આશ્વાસન આપ્યું. રાજકુમારે તેને પોતાના ઘોડા પર બેસાડી લીધી અને પોતાની રાજધાનીમાં લઈ ગયો, ત્યાં આનંદમાં રંગરાગ મનાવવા લાગ્યો.

અહીં પદ્માવતીના પિતાની શી અવસ્થા થઈ તે સાંભળ. પેલા દંતઘાતકે એમ જ ધારી લીધું કે મારી પુત્રીને વનમાં હંસિક પ્રાણીઓ ખાઈ ગયા હશે તેથી તેના શોકમાં જ તે મરણ પામ્યો અને તેની પાછળ તેની સ્ત્રી પણ સતી થઈ.

આ પ્રમાણે ત્રિવિક્રમના ખભા ઉપર બેઠેલા વેતાલે રાજાને વાર્તા કહ્યા પછી પૂછ્યું, ‘હે રાજા ત્રિવિક્રમ, મને આ કથામાં મોટી શંકા થઈ છે. તેનું તમે નિરાકરણ કરો. તમે બુદ્ધિશાળીઓમાં શ્રેષ્ઠ ગણાઓ છો. મને કહો કે આમાં જે સ્ત્રીપુરુષ મરણ પામ્યાં તેનું પાપ કોને શિર? મંત્રીપુત્રને શિરે, રાજકુમારના શિરે, પદ્માવતીને શિરે? આ પાપનો ભાગીદાર કોણ? જો તમે જાણતા હોવા છતાં મને સત્ય નહીં કહો તો તમારા મસ્તકના હજારો કટકા થઈ જશે, તેમાં જરાય શંકા નથી.’

વેતાલે જ્યારે આ પ્રકારે પૂછ્યું ત્યારે સત્યવક્તા ત્રિવિક્રમ સેને શાપના ભયથી કહ્યું, ‘તેં જે ત્રણ નામ કહ્યાં તેમને શિરે આ પાપ ન લાગે. રાજા કર્ણોત્પલને શિરે આ પાપ.’

આ સાંભળી વેતાળે કહ્યું, ‘અરે વિક્રમ, રાજાને શાનું પાપ લાગે? પાપ તો તે કામ કરનારાં ત્રણ જણને લાગે જેને લીધે તે સ્ત્રીપુરુષ ઝૂરીઝૂરીને મરી ગયાં. હંસ જ્યારે ડાંગર ખાઈ જાય ત્યારે કાગડા અપરાધી કેવી રીતે?’

એટલે રાજાએ કહ્યું, ‘એ કામમાં તો ત્રણે જણ નિર્દોષ છે. મંત્રીપુત્રે જે જે કામ કર્યું તે પોતાના રાજાના કલ્યાણ માટે કર્યું. રાજાનું કલ્યાણ કરવું તેનો ધર્મ છે. માટે તે નિર્દોષ છે. પદ્માવતી અને રાજકુમાર કામાગ્નિમાં બળી રહ્યાં હતાં માટે તેમને પાપપુણ્ય સમજવાની કશી ગતિ જ ન હતી. તેઓ તો પોતાનો સ્વાર્થ સાધવા જ તત્પર હતાં. માટે તેઓ પણ પાપી ન ગણાય. પણ રાજા કર્ણોત્પલ પોતે નીતિશાસ્ત્ર જાણતો ન હતો ત્યારે તેણે દૂતો મારફતે પોતાની પ્રજામાં જે જે કાળાં કર્મો થતાં હતાં તે શોધવાની જરૂર હતી. તે ધર્મ રાજા ચૂક્યો. તેથી જ તે ધૂર્ત લોકોનાં ચરિત્ર તથા ગુપ્તાભિપ્રાય જાણવામાં કુશળ ન રહ્યો. તેને લીધે તે પાપનો ભાગીદાર થયો.’

આમ જ્યારે રાજાએ ભય પામીને પોતાનું મૌનવ્રત ત્યજી વેતાલને સારી રીતે ઉત્તર આપ્યો ત્યારે તે શબમાં રહેલો વેતાલ માયાથી તે રાજાની દૃઢતાની કસોટી કરવા અચાનક તેના ખભા ઉપરથી જણાય નહીં તેમ અદૃશ્ય થઈ ગયો. તે જોઈ નિર્ભય રાજા જરાય ડગ્યા વિના ફરી વેતાલને પકડવા ચાલ્યો.