ભારતીયકથાવિશ્વ-૩/જાતકની કથાઓ/દદ્દભ જાતક

From Ekatra Wiki
Revision as of 17:49, 12 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


દદ્દભ જાતક

પ્રાચીન કાળમાં વારાણસીમાં બ્રહ્મદત્ત રાજા રાજ્ય કરતા હતા. તે વેળા બોધિસત્ત્વ સિંહ તરીકે જન્મ્યા. તે વનમાં રહેતા હતા. તે જ સમયે પશ્ચિમ સમુદ્રકાંઠે વડ અને તાડનું વન હતું. ત્યાં કોઈ સસલું વડના મૂળ પાસે તાડની છાયામાં રહેતું હતું.

એક દિવસ તે શિકાર કરીને આવ્યું અને તાડની છાયામાં સૂઈ ગયું. તેણે સૂતાં સૂતાં વિચાર આવ્યો કે જો આ મોટી ધરતી ઊંધી થઈ જાય તો હું ક્યાં જઈશ? તે જ વેળા એક પાકેલો ટેટો તાડના પાંદડા પર પડ્યો. તેનો અવાજ સાંભળી સસલાને થયું કે પૃથ્વી ઊંધી થઈ રહી છે, તેણે તો આગળપાછળ કશું જોયા વિના જ દોટ મૂકી. મૃત્યુની બીકથી ભારે ઝડપથી દોડતા એ સસલાને જોઈને બીજા સસલાએ પૂછ્યું, ‘અરે શું થયું? આટલું બધું કરીને તું કેમ ભાગે છે?’ ‘અરે વાત જ ન પૂછ.’ ‘ડરવાનું શું’ એમ પૂછતું તે પણ દોડવા લાગ્યું. પેલાએ અટક્યા વગર કહ્યું, ‘પૃથ્વી ઊલટી થઈ રહી છે.’ તે તેની પાછળ દોડવા લાગ્યું. એમ કરતાં ત્રીજું સસલું ભાગ્યું — અને હજાર સસલાં એકઠાં થઈને દોડવા લાગ્યાં.

એક હરણ પણ તેમને જોઈને દોડ્યું. એક ભૂંડ, એક નીલ ગાય, એક ભેંસ, એક બળદ, એક ગેંડો, એક વાઘ, એક સિંહ, એક હાથી પણ તેમને જોઈને ‘શું થયું’ પૂછવા લાગ્યા. અને પૃથ્વી અવળી થઈ રહી છે સાંભળીને બધા જ ભાગ્યા. આમ ધીમે ધીમે એક યોજન લાંબી પ્રાણીઓની કતાર દોડવા લાગી.

બોધિસત્ત્વે તે કતારને ભાગતી જોઈને પૂછ્યું, તેમણે સાંભળ્યું, પૃથ્વી અવળી થઈ રહી છે. તેમણે વિચાર્યું કે પૃથ્વી તો અવળી ન થાય. ચોક્કસ તેમણે કશું જોયું હશે. જો હું કશો પ્રયત્ન નહીં કરું તો આ બધા નાશ પામશે. હું તેમને જીવનદાન આપું. તેઓ ખૂબ ઝડપે આગળ દોડ્યા, અને પર્વત પાસે જઈને મોટેથી ત્રણ વાર ગર્જના કરી. સિંહની બીકે બધા એકઠા થઈને ઊભા રહી ગયા.

સિંહે તેમની વચ્ચે જઈને પૂછ્યું, ‘કેમ ભાગો છો?’

‘પૃથ્વી અવળી થઈ રહી છે.’

‘પૃથ્વીને અવળી થયેલી કોણે જોઈ?’

‘હાથીને ખબર.’

હાથીઓને પૂછયું, તેમણે કહ્યું, ‘અમને નથી ખબર, સિંહને ખબર છે.’ સિંહ બોલ્યો, ‘અમને ખબર નથી. વાઘને ખબર.’ વાઘ કહે, ‘અમને ખબર નથી. ગેંડા જાણે છે.’ ગેંડાએ કહ્યું, ‘અમને નથી ખબર, બળદ જાણે છે.’ બળદે કહ્યું,‘અમને નથી ખબર. ભેંસ જાણે છે.’ ભેંસે કહ્યું, ‘અમને નથી ખબર. નીલગાય જાણે છે.’ નીલગાયે કહ્યું, ‘અમને નથી ખબર. ભૂંડ જાણે છે.’ ભૂંડે કહ્યું, ‘અમને નથી ખબર. હરણ જાણે છે.’ હરણે કહ્યું,‘અમને નથી ખબર. સસલાં જાણે છે.’ સસલાંઓને પૂછ્યું. તો તેમણે એક સસલું દેખાડીને કહ્યું, ‘આ એવું કહે છે.’

તેને પૂછ્યું, ‘મિત્ર, તેં જોયું કે પૃથ્વી ઊંધી થઈ રહી છે?’

‘હા, સ્વામી, મેં જોયું.’

‘ક્યાં રહીને જોયું?’

‘પશ્ચિમી સમુદ્રકાંઠે વડ અને તાડના વનમાં રહું છું. ત્યાં વડના મૂળિયા આગળ તાડ વૃક્ષની નીચે સૂતાં સૂતાં વિચાર્યું કે જો પૃથ્વી અવળી થઈ જશે તો હું ક્યાં જઈશ? તે જ વેળા પૃથ્વીના અવળી થવાનો અવાજ આવ્યો.’

સિંહે વિચાર્યું, ચોક્કસ એ તાડ ઉપર પાકેલો ટેટો પડ્યો હશે. અને તેનો ધબ અવાજ થયો હશે. એ સાંભળીને પૃથ્વી અવળી થઈ રહી છે એમ માની લીધું અને તે દોડવા લાગ્યું. હવે સાચી વાત જાણવી પડશે. તેણે સસલાને અને બધાં પ્રાણીઓને હિંમત આપી. ‘જ્યાં તેણે પૃથ્વીને અવળી થયેલી જોઈ હશે ત્યાં જઈને સાચી વાત જાણી લાવીશ. હું પાછો ન આવું ત્યાં સુધી તમે બધા અહીં જ રહેજો.’

તેણે સસલાને પીઠ પર બેસાડ્યો અને છલાંગો ભરતો તાડ વનમાં પહોંચ્યો.‘ચાલ, તારી જગા બતાવ હવે.’

‘સ્વામી, બીક લાગે છે.’

‘અરે ચાલ. બીશ નહીં.’

તે વડ પાસે ન ગયું, અને થોડે દૂર ઊભા રહીને કહ્યું, ‘સ્વામી, અહીં જ ધબ અવાજ થયો હતો. હું જ્યાં રહું છું ત્યાં ધબ અવાજ થયો. મને ખબર નથી કે આ ધબ અવાજ શાને કારણે થયો.’

પછી સિંહે વડ પાસે, તાડની નીચે સસલું જ્યાં સૂઈ રહેલું હતું ત્યાં જઈને જોયું, તાડનાં પાંદડાં પર પાકેલો ટેટો પડ્યો હતો. એટલે અવળી થઈ રહેલી પૃથ્વીનું રહસ્ય જાણ્યું.

તે સસલાને પીઠ પર બેસાડીને ફરી છલાંગ મારતો પ્રાણીઓ પાસે જઈ પહોંચ્યો. બધાં પ્રાણીઓને હિંમત બંધાવી, ‘ડરો નહી.’ સિંહે બધાને વિદાય કર્યા. જો ત્યારે બોધિસત્ત્વ ન હોત તો બધાં પ્રાણીઓ સમુદ્રમાં ડૂબીને મરી જાત. બોધિસત્ત્વને કારણે બધાં બચી ગયાં.

વડનો ટેટો જ ખર્યો, એનો ‘ધબ’ અવાજ સંાભળીને સસલું ભાગ્યું. સસલાની વાત સાંભળીને બધાં પ્રાણીઓ ડરી ગયાં. બીજાઓની વાત સાંભળીને, પોતે જાતે જ્ઞાન ન મેળવનાર, બીજાઓનો જ વિશ્વાસ કરનાર આળસુ હોય છે. જે સદાચારી હોય છે, જે પ્રજ્ઞા દ્વારા શાન્તિ મેળવે છે, જે પાપથી દૂર રહે છે, જે વિરતિવાળા છે, તે ધીરજવાન બીજાઓનું આંધળું અનુકરણ કરતા નથી.