ભારતીયકથાવિશ્વ-૩/વસુદેવહિંડીની કથાઓ/પરસ્ત્રીસંગના દોષ વિષે વાસવનું દૃષ્ટાન્ત


પરસ્ત્રીસંગના દોષ વિષે વાસવનું દૃષ્ટાન્ત

વૈતાઢ્યની દક્ષિણ શ્રેણિમાં રત્નસંચયપુરીમાં ઇન્દ્રકેતુ નામે વિદ્યાધરરાજા હતો. તેના પુરુહૂત અને વાસવ નામના બે પુત્રો મોટા વિદ્યાધરો હતા; વિકુર્વેલા ઐરાવત ઉપર બેસીને ગગનમાર્ગે આખાયે ભારતવર્ષમાં ફરતો વાસવ ગૌતમ ઋષિનો રમણીય આશ્રમ જોઈને ઝટ કરતો તેમાં ઊતર્યો. ગૌતમ તાપસનું નામ પૂર્વે કાશ્યપ હતું અને તે તાપસોનો અધિપતિ હતો. પછી એક વાર તે ગાયનો હોમ કરવા લાગ્યો. આથી રૂઠેલા તાપસોએ તેને અંધકૂપમાં નાખ્યો. કાન્દર્પિક નામનો દેવ તેનો પૂર્વકાળનો મિત્ર હતો, તેણે આ જાણ્યું. કૂવા આગળ આવીને, વૃષભનું રૂપ ધારણ કરીને તેણે પોતાનું પૂંછડું અંધકૂપમાં લટકાવ્યું. ગૌતમ પૂંછડે વળગ્યો, એટલે તેને બહાર કાઢ્યો. આથી ‘અંધગૌતમ’ એવું તેનું નામ પડ્યું. દેવે તેને કહ્યું, ‘દેવો અમોઘદર્શી હોય છે, તારી ઇચ્છા હોય તે વરદાન માગ, તે હું તને આપું.’ તેણે કહ્યું, ‘વિષ્ટાશ્રવ તાપસની ભાર્યા મેનકાની પુત્રી અહલ્યા મને અપાવો.’ દેવે તે કન્યા તેને અપાવી. પછી તે તાપસે તે આશ્રમપદમાંથી નીકળીને અયોધન રાજાના દેશના સીમાડા ઉપર રમણીય અટવીમાં આશ્રમ કર્યો. અયોધન રાજા પણ દેવની આજ્ઞાથી કોથળાઓમાં ડાંગર ભરી લાવીને ગૌતમ ઋષિને આપતો હતો. પછી ગૌતમ ઋષિની ગેરહાજરીમાં સ્ત્રીલોલુપ તે વાસવે ગૌતમ ઋષિની ભાર્યા અને વિષ્ટાશ્રવ તથા મેનકાની પુત્રી અહલ્યાને જોઈને તેની સાથે સંસર્ગ કર્યો. પુષ્પ, ફળ અને સમિધને માટે ગયેલ ગૌતમ પાછો આવ્યો. તેને જોઈને ડરેલા વાસવે બળદનું રૂપ ધારણ કર્યું. ગૌતમ ઋષિએ તેને જોયો અને પરસ્ત્રીગમનના દોષથી તેને મારી નાખ્યો.’

આ સાંભળીને મારો ધર્મસંવેગ દ્વિગુણિત થયો. (પણ પછી) મેં વિચાર્યું, આ બાબતમાં એક ક્ષણનું પણ અતિક્રમણ કરવામાં મારે માટે શ્રેય નથી. આવતી કાલે જઈશ.’

હવે, અર્ધરાત્રિની વેળાએ દુઃખથી ભરેલા અવાજવાળો શબ્દ સાંભળીને હું જાગ્યો, અને જાગીને મેં એક દેવીને જોઈ. તેણે મને આંગળીના ઇશારાથી બોલાવ્યો, અને હું પણ તેની પાસે ગયો. પછી તે મને અશોકવનિકામાં લઈ જઈને આ પ્રમાણે કહેવા લાગી, ‘પુત્ર! સાંભળ —