ભારતીયકથાવિશ્વ-૫/હેંડો વાત મોડીએ/ગોવાળિયાનું આસન

From Ekatra Wiki
Revision as of 12:40, 22 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ગોવાળિયાનું આસન

એક નાનકડું ગામ હતું. એ ગામમાં એક સોની અને એક બ્રાહ્મણ રહે. બેય એવા દોસ્તાર કે એક જ ભાણે ખાય. એક વખત સોનીના મનમાં થયું કે પરદેશ કમાવા જઈએ. તેણે બ્રાહ્મણને વાત કરી. બ્રાહ્મણ કહે, ‘દોસ્ત, આપણા ગામમાં પેટ ભરીને ખાવાનું મળી રહે છે તો શું કરવા પરદેશ કમાવા જવું?’ સોની કહે, ‘ગામમાં પેટ ભરીને ખાવાનું તો મળી રહે છે પણ પેટી ભરાતી નથી.’ પછી બેય જણા ઊપડી ગયા પરદેશ કમાવા. પરદેશમાં સોનીનું ઘડવાનું કામ બહુ વખણાવા માંડ્યું ને થોડા દિવસમાં બ્રાહ્મણનું વિદ્યાકાર્ય પણ વખણાવા માંડ્યું. આમ બન્નેનો ધંધો સારો ચાલ્યો.

એક દિવસ સોની બ્રાહ્મણ પાસે આવીને કહે, ‘દોસ્ત, આપણે જે થોડું ઘણું કમાયા છીએ તે ઘેર લઈ જઈએ ને બૈરાં-છોકરાંને સારું ખવડાવીએ.’ બ્રાહ્મણ કહે ‘સારું જઈએ.’ બંને જવાની તૈયારીમાં હતા ત્યાં રાજા બ્રાહ્મણને કહે, ‘મારા છોકરાનો અભ્યાસ અધૂરો છે એટલે તમારે થોડા દિવસ વધુ રહેવું પડશે.’ બ્રાહ્મણ કહે, ‘મારે ઘેર બૈરીછોકરાં ભૂખ્યાં છે અને આ થોડુંક કમાયા છીએ તે આપવા જવું છે.’ રાજા કહે, ‘તમે આટલા જ્ઞાની છો, બુદ્ધિશાળી છો તોય તમારે ઘેર દુ:ખ છે?’ પછી રાજાએ ચાર રતન કાઢીને આપ્યાં. કહે, ‘લો આ રતન, એકેક રતન એકેક જિંદગી બરાબર છે.’ રાજા ચાર રતન આપીને કહે, ‘છોકરાને આટલો અભ્યાસ કરાવીને પછી તમે જતા રહેજો.’ બ્રાહ્મણ કહે, ‘સારું.’

બ્રાહ્મણે એ બધાં રતન સોનીને હાથમાં આપ્યાં અને કહે, ‘સોની, તું મારો દોસ્ત છે. લે, આ ચાર રતન મારે ઘેર આપજે નેે, કહેજે કે ખાય, પીવે ને લહેર કરે. એકેક રતન તમારી એકેક જિંદગી બેઠા બેઠા કાઢે એટલાં કિંમતી છે.’ સોની એ લઈને ઊપડ્યો.

સોનીને રસ્તામાં વિચાર આવ્યો કે ‘બ્રાહ્મણ તો આ હિસાબે ઘણું કમાણો ને હું તો કાંઈ કમાણો જ નથી.’ ગામ નજીક આવવા માંડ્યું. સોની વિચારે કે શું કરું? પછી પાકો વિચાર કરી લીધો કે ‘મારે બ્રાહ્મણીને એકે રતન આલવું નથી.’ એણે તો ઘેર જઈને દીવાલમાં ગોખલો કરી ચારે રતન એમાં મૂકી દીધાં ને ફરી ચણી દીધું. પછી પાંચ પંચોને પાંચ-દસ રૂપિયા લાંચ પેટે ખવડાવી દીધા. પંચોને કહે કે ‘તમારે કે’વાનું કે રતન આપી દીધાં સે.’ પેલા કહે, ‘સારું.’ આમ પંચોને લાંચ ખવડાવીને સોની ખાલી રૂપિયા ચાર લઈને બ્રાહ્મણીના ઘેર ગયો.

બ્રાહ્મણીને કહે, ‘આ લે ચાર રૂપિયા.’ તે બ્રાહ્મણીના હાથમાં આપ્યા ને પાંચ પંચોની વચ્ચે લખાવ્યું કે ‘ચાર વસ્તુ આપી છે’ પણ વસ્તુનું નામ ન પાડ્યું, રૂપિયા હતા કે રતન. પંચોએ સહી કરાવીને નામ લખ્યું પછી સોની પોતાને ઘેર જતો રહ્યો.

બ્રાહ્મણીએ દેવું ચૂકવવા એક રૂપિયો આપી દીધો. એક રૂપિયાનું ખાવાનું લાવી. એક રૂપિયાનો બીજો ખર્ચ કર્યો. એમ કરતાં ત્રણ રૂપિયા વપરાઈ ગયા ને હવે એની પાસે માત્ર એક રૂપિયો વધ્યો.

થોડા દિવસ પછી બ્રાહ્મણ ઘરે આવ્યો. આવીને કહે, ‘ઘરમાં કેમ આવી રીતે ત્રાસ વેઠો છો? પેલાં રતન છે એ એકેક રતન એકેક જિંદગી ચાલે એવું છે.’ બ્રાહ્મણી કહે, ‘શેનાં રતન ને શેનું કાંઈ? સારું થયું તમે સાજા-સારા ઘેર આવ્યાં તે. મારે તો લાખો રૂપિયા આવી ગયા.’ બ્રાહ્મણીને થયું, ‘મારા પતિની ડાગળી ખસી ગઈ છે તે આમ રતન — રતન કરે છે.’ બ્રાહ્મણ બબડ્યો, ‘આને આપ્યાં હશે પણ આણે ફેંકી દીધાં હોય કે વેચી નાખ્યાં હોય પણ આ તો આખી જિંદગી ચાલે એવાં રતન છે.’ ફરી બ્રાહ્મણી કહે, ‘અરે તમે સાજા સારા ઘેર આવ્યા એટલે લાખો રૂપિયા આવ્યા.’ બ્રાહ્મણીને થયું નક્કી પતિની ડાગળી ખસી ગઈ છે.

રાતે બ્રાહ્મણને વિચાર થયો કે ‘મારો દોસ્ત ઉસ્તાદ છે. એને એમ હોય કે સ્ત્રીની જાત કદાચ વાપરી નાખશે એ હિસાબે નહીં આપ્યાં હોય. સવારે હું જ તેની પાસે જાઉં.’ સવારે ઊઠીને દાતણપાણી કરીને બ્રાહ્મણ સોનીને ત્યાં ગયો. કહે, ‘વાહ દોસ્ત, સારું થયું કે તેં મારી બૈરીને રતન ન આપ્યાં. એ ગમે ત્યાં ફેંકી દેત કે વાપરી નાખત.’ એટલે પેલો સોની તો ગરમ થઈને કહે કે ‘શાનાં રતન ને શાનું કાંઈ? મેં તો પંચોની હાજરીમાં રતન આપી દીધાં છે. એનું લખાણ પણ કરેલું છે.’ બ્રાહ્મણ લાચાર થઈને ઘેર પાછો આવી ગયો.

હવે બ્રાહ્મણ ને બ્રાહ્મણી બેય રાજાને મહેલ રોતા રોતા જાય છે. રાજાને કહે, ‘સોનીને વાત કરીને ચાર રતન આપ્યાં. પણ એકેય રતન મારે ઘેર બ્રાહ્મણીને ન આપ્યું. ખોટી રીતે સહીઓ કરાવી છે ને પંચોને પણ હાજર રાખ્યા’તા.’ રાજાએ સોનીને બોલાવ્યો, કહે, ‘બોલ સોની, આનાં રતન તેં આપ્યાં છે? સોની કહે, ‘હા બાપજી, આપી દીધાં છે. ને પંચોની હાજરીમાં આપ્યાં છે.’ પછી પંચોને બોલાવીને પૂછયું, ‘ફલાણાભાઈ, કાળાભાઈ, નારાભાઈ, પૂંજાભાઈ બોલો તમે, એમને રતન આપી દીધાં છે એ નજરે જોયાં છે? પંચો કહે, ‘હા બાપજી, અમે નજરોનજર જોયાં છે.’ રાજા બ્રાહ્મણને કહે, ‘સોનીની વાત સાચી છે.’ પછી કહે, ‘આ સાલા બામણા-બામણીને મારીને દરવાજાની બહાર કાઢી મેલો. એ બન્ને જણા ગામની અંદર ન જોઈએ.’

એટલે બ્રાહ્મણ ને બ્રાહ્મણી ત્યાંથી રોતાં-રોતાં નીકળી ગયાં. બેય જણાં ગામ છોડીને આગળ જતા’તાં ત્યાં ગોવાળિયાઓ ભેંસો ચારતા’તા. એક ગોવાળિયો ટેકરી પર બેઠો ને રાજા બન્યો. પછી કહે, ‘છે કોઈને ફરિયાદ? મુશ્કેલી હોય એ કહો.’ પેલા બંને રોતારોતા જતા હતા એમને બરાબર સમજાયું નહીં ને સ્ત્રી તો રડતાં રડતાંય હસી પડી. સ્ત્રી વિચારે કે ‘આ આવડોક છોકરો છે ને ન્યાય કરે છે!’ પછી ગોવાળિયાએ બ્રાહ્મણને પૂછ્યું કે ‘ભાઈ, શું થયું છે તે આમ રોતાં — રોતાં જાવ છો?’ બ્રાહ્મણે સોની સાથે બનેલી બધી વાત જણાવી.

ગોવાળિયાએ કીધું, ‘જાવ, પંચને ને સોનીને બોલાવી લાવો.’ દસ-બાર ગોવાળિયા દોડ્યા. સોનીને ઘેર જઈને કહે, ‘સાલા ચોર, ચાલ.’ સોની કહે, ‘કેમ ધમાલ કરો છો? તોફાન કરશો તો ઠેર મારીશ.’ પણ ગોવાળિયાએ ત્યાં દોરડું પડ્યું’તું તેનો ગાળિયો નાખ્યો સોની ઉપર ને પછી ખેંચી લીધું. સોની ફટ દઈને ઊભો થઈ ગયો ને કહ્યું, ‘આવું છું ભાઈ.’

સોની આવ્યો. સોનીને પેલો ગોવાળિયો કહે, ‘બોલ સોની. આ બ્રાહ્મણનાં રતન તેં લીધાં છે?’ સોની કહે, ‘બાપજી, બ્રાહ્મણીને પંચોની હાજરીમાં એ રતન આપી દીધાં છે. જુઓ આ કાગળ.’ કાગળ જોયું. પંચોનાં નામ વાંચીને ગોવાળિયો કહે, ‘જાવ, બોલાવો બધાય પંચોને.’

પંચો આવ્યા. ગોવાળિયો એમને કહે, ‘તમે રતન નજરોનજર જોયાં છે? બ્રાહ્મણીને રતન આપ્યાં છે એ તમે જોયાં છે?’ પંચો કહે, ‘હા બાપજી, અમે જોયાં છે. અમારી રૂબરૂમાં આપ્યાં છે.’ તરત પેલાએ બધાં ગોવાળિયાને ઓર્ડર કર્યો કે ‘પેલો સામે કુંડ છે એમાંથી દસ-દસ તગારા ચીકણી માટી ભરી લાવો ને એક એક પંચને આપો. એકેેક પંચ આગળ અગિયાર અગિયાર ગોવાળિયા જાવ.’ પછી પંચને કહે, ‘જે ઘાટનું રતન હતું એ જ ઘાટનું મને બતાવો તો હું માનું કે તમે આપ્યાં છે અને નજરોનજર જોયાં છે.’

પછી એક પંચે બનાવ્યો ભમરડો, એકે બનાવ્યો ઘોડો. એવી રીતે જાતજાતનું જુદું જુદું બનાવ્યું. પછી ગોવાળિયાને બતાવીને કહે આ પ્રમાણે રતન હતું.

ગોવાળિયાએ પૂછયું, ‘આવાં રતન આવે છે? જે ઘાટના હોય એ જ ઘાટના બનાવો નહીં તો મારી મારીને છોતરાં ઉડાડી દેશું.’ માર પડવાની વાત થઈ એટલે પંચો સાચું બોલી ગયા. કહે, ‘ભાઈ, અમને તો દસ-દસ રૂપિયા લાંચ ખવરાવી’તી. અમે રતન જોયાં નથી.’ પેલો કહે, ‘સારું જાવ.’

હવે સોનીને બોલાવ્યો. કહે, ‘બોલ સોની, રતન આપ્યાં છે?’

સોની: ‘હા, આપી દીધાં છે.’

ગોવાળિયો: ‘સોનીને બાંધો ઊંચો.’

સોનીને ઝાડ પર ઊંધો બાંધી દીધો. લાકડીથી સટાકા માર્યા. માર પડ્યો એટલે સોની કહે, ‘બાપજી, આપી દઉં છું.’

જેવી રીતે ચોરને બાંધે એવી રીતે સોનીને બાંધીને ગામમાં લાવ્યા. સોનીએ ગોખલો ખોદી તેમાંથી રતન કાઢીને ગોવાળિયાને આપ્યાં ને કહે, ‘લ્યો બાપજી, આ રતન.’ ગોવાળિયાએ બ્રાહ્મણને પૂછ્યું, ‘આ છે તમારાં રતન?’ બ્રાહ્મણ કહે, ‘હા બાપજી, આ જ મારાં રતન’ ને રતન બ્રાહ્મણને આપી દીધાં.

પછી સોનીને મોઢે મેશ ચોપડી, માથા પર ચૂનો ચોપડ્યો ને ગધેડા પર બેસાડીને ગામમાં ફેરવ્યો. જે રાજા ન્યાય કરવા બેઠા’તા ત્યાં લાવવામાં આવ્યો. રાજાએ પ્રધાનને પૂછયું, ‘આ આટલો બધો શેનો અવાજ છે?’ પ્રધાન કહે, ‘બ્રાહ્મણ-બ્રાહ્મણીનો ગોવાળિયાએ ન્યાય કર્યો. સોની પાસેથી રતન નીકળ્યાં.’ રાજાને થયું એવો કેવો ગોવાળિયો હશે કે જે હું ન કરી શક્યો એ ન્યાય તે કરી શક્યો! મારે તેની પરીક્ષા કરવી જોઈએ.

બીજે દિવસે ગોવાળિયા ભેંસો ચારતા’તા ત્યાં રાજા ગયા. રાજાની તો હાક હોય. રાજાને જોઈને છોકરાં નાસી જાય. બધા ગોવાળિયા રાજાને જોઈને નાસી ગયા. પણ પેલો ગોવાળિયો એકલો ટેકરી પર બેસી રહ્યો.

રાજાએ તેને પૂછ્યું: ‘આપનું આસન?’

ગોવાળિયો: ‘આસન? જુવોને આ લાંબી-પહોળી ધરતી.’

રાજા: ‘તમને પવન ઢોળવાવાળા?’

ગોવાળિયો: ‘અમને કુદરત પવન ઢોળે છે.’

રાજા: ‘આપનું છત્ર?’

ગોવાળિયો: ‘છત્ર તો આકાશ. જુઓ કેટલું લાંબું-પહોળું છે!’

રાજાએ જેટલા પ્રશ્નો પૂછ્યા તેના ગોવાળિયાએ ફટાફટ જવાબ આપી દીધા.

રાજાને થયું, ‘માનો કે ન માનો પણ આ છોકરો હોંશિયાર છે.’ રાજા ઘેર આવ્યા. ગોવાળિયો પણ પોતાને ઘેર ચાલ્યો ગયો. રાજાએ એને બોલાવ્યો ને પૂછ્યું:

રાજા: ‘આપનું આસન ક્યાં છે?’

ગોવાળિયો : ‘આસન?’

રાજા: ‘પવન ઢોળવાવાળું કોઈ?’

ગોવાળિયો: ‘અમને કોણ પવન ઢોળે?’

રાજા: ‘તમારો મુગટ?’

ગોવાળિયો: ‘અમારે વળી મુગટ શું? આ રહ્યું ફાળિયું.’

રાજાને થયું નક્કી એ ટેકરીના પ્રતાપ. પછી રાજાએ એ ટેકરી ખોદાવવાનું ચાલુ કર્યું તો ખોદતાં-ખોદતાં એમાંથી એક જીવતી પૂતળી નીકળી. પૂતળી રાજાને કહે, ‘તમે સિકંદર જેવા હો તો જ આ ટેકરી પર બેસજો નહીંતર ન બેસતા. સાચું હોય તે જ કરવું. જાતે દુ:ખી થવું પણ ન્યાય તો સાચો જ કરવો.’ (જે રીતે ગોવાળિયાએ કર્યો તે પ્રમાણે. બસ.)