મુકામ/વિઝા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 01:28, 3 May 2024


વિઝા


પથારીમાં પડ્યાં પડ્યાં જ ગઢીમા બોલ્યાં : ‘હારું મારા બટા! ગણેશ પરમેશર! આગળ રઇન રક્ષા કરે. ફત્તેહ કરીને આવજો!’ એ આટલું બોલ્યાં ત્યાં તો હાંફ ચડી ગયો. ગઢીમાની એક જ ઈચ્છા કે મારા વિજ્યાને અંબેરિકાનો વિઝા મળી જાય ને પરદેશ જઈને કમાય. ગઢીમાને તો એ ય ખબર નથી કે પૃથ્વીના બીજા ગોળાર્ધમાં આવેલો એક બીજો જ દેશ છે અમેરિકા. બસ એટલી જ ખબર છે કે ત્યાં વિઝા વગર ન જવાય. ઝીણકા એવા વિજયને મેલીને ઈનો બાપ ટીબીમાં મરી ગ્યો ને વરહદાડામાં તો ઈની માએ બીજું ઘર ગોતી લીધું. નાનેથી માંડીને જુવાનજોધ કર્યો આ ગઢીમાએ. એમાં ને એમાં બે ખેતરમાંથી એક જ રહ્યું. છેલ્લા ઘણા વખતથી ગઢીમાએ ખાટલો ઝાલ્યો છે. દમનું દરદ એટલી હદે વકરી ગયું છે કે જરાક બોલે તોય મૂઆંતોલ થઈ જાય. છેલ્લા બાર મહિનાથી તો પડખેવાળાં મંજુમા જ બેય જણનું બધું કરે છે. નહિતર તો ભૂખે મરવાનો જ વારો આવે. વિજય ગામમાંથી નીકળ્યો ને છકડામાં બેઠો ત્યારથી ગઢીમાનું છેલ્લું વાક્ય મનમાં રમતું હતું. આખો વાસ ઠેઠ રોડ સુધી એને મૂકવા આવ્યો હતો. મંજુમા તો અત્યારથી જ ઉલળતાં હતાં. કહે કે- ‘વિજ્યા આ વખતે તો તને વિઝા આલી જ દેહે… મેં હોતન મેલડીમાની માનતા રાખી સે.. જો ઈવડા ઈ ના કે તો તું તારે સોખ્ખું જ કઈ દેજે કે મારી ગઢીમાએ કીધું સે… આજુખેલ તો આલી જ દો... મારાં માનું તો માન રાખવું જ જોવે ને? અને આપડે ચ્યાં મફત જોવે સે...’ આટલું સાંભળ્યું ને ગઢીમાનો ચહેરો મલકી ઊઠ્યો. કશુંક બોલવા ગયાં પણ ઉધરસે એમને રોકી લીધાં. આમ તો વિજય એક વાર જઈ આવેલો ને વિઝા રિજેક્ટ થયેલો એટલે એને ખબર હતી કે કેટલી વીશે સો થાય છે. ત્યાં કંઈ ગઢીમાનું થોડું હાલે? છકડાએ ધડધડ…….ધડધડ અવાજ સાથે નહેર પાસેથી વળાંક લઈને ટૂંકો મારગ લીધો. હવે વિરમગામ હાથવેંતમાં… ગાડી તો ઠેઠ સવા ત્રણની છે, પણ થોડા વહેલાં પહોંચવું સારું. પછી અમદાવાદથી મુંબઈ, રાતની ટ્રેન લેવાની. સવારે તો મુંબઈ! બપોરે ત્રણ વાગ્યે ઈન્ટરવ્યૂમાં જાવાનું છે. મુંબઈમાં વિજયને કોણ ઓળખે? એટલે ત્યાં નહાવા-ધોવાની ને રાત સુધી રહેવાની વ્યવસ્થા જાગાનંદસ્વામીએ કરી આપેલી. ગામમાં નવું શિખરબંધ મંદિર કર્યું એ પહેલાં જાગાનંદસ્વામી મુંબઈના મંદિરમાં હતા એટલે એમને ત્યાં ઓળખાણ સારી. વિજયને કહે કે - ‘તું તારે પાધરો જ મંદિરમાં પાછળની બાજુએ સ્વામીનિવાસે પહોંચી જાજે. કોઠારીસ્વામીને મારા જય સ્વામિનારાયણ બોલીને કહેજે કે કાજીપરાથી આવ્યો છું ને મને જાગાસ્વામીએ મોકલ્યો છે. પછી તારે વાંધો નહીં. રહેવા-ખાવાનો બદોબસ્ત થઈ જાશે.’ ગયા વખતે તો કોઈ ઓળખાણ હતી જ નહીં એટલે સ્ટેશને જ નાહી લીધેલું, વિઝા ઑફિસમાં કેટલો ટાઈમ જાય એનું કંઈ ઠેકાણું નહીં. લાઈન ઉપર આધાર. દિ’ આખો ઊભાઊભ! ગાડીએથી ગાડીએ. વચ્ચે ક્યાંય રોકાવાની કે શ્વાસ લેવાની જગ્યા જ નહીં ને! આવ્યો ત્યારે થાકીને લોથ થઈ ગયેલો. રાત્રે મુંબઈની ટ્રેનમાં બેઠો ને વિચારે ચડી ગયો. આ વખતે જો વિઝા ન મળે તો ગઢીમાનો ખેલ ખલ્લાસ! આ વખતનો આઘાત એ જીરવી નહીં હકે, પોતે તો અમેરિકા જવાનું સપનું યે નહોતું જોયું. આ તો ત્રણેક વર્ષ પહેલાં અચાનક જ અમેરિકાથી પ્રદીપનો કાગળ આવ્યો ને એણે ગઢીમાની આંખમાં સપનું આંજ્યું. પોસ્ટમેન એરોગ્રામ લેટર આપી ગયો ત્યારે વિજય ઘેર નહોતો. વાસના લોકોને અમેરિકાના કવરનો એટલો બધો અચંબો કે ન પૂછો વાત. બધાંનાં મનમાં ચટપટી કે આમાં શું યે હશે? પ્રદીપનો આગ્રહ હતો કે – ‘વિજ્યા, તું આંય મારી પાસે આવી જા. યાદ છે ને આપણે બેય ભાઈબંધોએ સાથે મળીને કામ કરશું એવું નાનપણથી જ નક્કી કરેલું. અહીં આપણે સાથે કમાઈશું.’ માને તો એમ કે અમેરિકા એટલે આ રહ્યું ઘોડાવાટે! પ્રદીપના બાપુજીની બદલી થઈ અને હેડમાસ્તર થઈને કાજીપરા આવ્યા. એ વખતે વિજય છઠ્ઠા ધોરણમાં. વેકેશન ખૂલ્યું ને એણે જોયું કે ક્લાસમાં એક નવો છોકરો આવ્યો છે. પછી ખબર પડી કે નવા સાહેબનો છોકરો છે.એનાં કપડાંથી માંડીને બોલવું-ચાલવું બધું જ ગામનાં છોકરાં કરતાં નોખું. કોણ જાણે કેમ પણ પહેલા દિવસથી જ બંને વચ્ચે દોસ્તી થઈ ગઈ. આખો દિવસ ભણવાનું હોય કે રમવાનું હોય, બંને સાથે ને સાથે પ્રાર્થનામાં પ્રદીપ ભજનો બહુ સરસ ગાય. એને જોઈને વિજયનું ગળું પણ ધીમે ધીમે ઊઘડવા માંડ્યું હતું. બંને જણા અમસ્થાં ચાલતા હોય તોય એકબીજાની ડોકમાં હાથ પરોવીને જ ચાલે. વિજય તો પહેલેથી જ એકલો હતો. પણ દોસ્તી એટલે શું? એનો અનુભવ એને પ્રદીપે કરાવ્યો. પ્રદીપની હાજરીથી જ એનો આત્મવિશ્વાસ વધી જતો. એક દિવસ વિજય એને ખેતરે લઈ ગયો. ખેતરમાં ચણા પાકી ગયેલા. બંનેએ ભેગા થઈને ઓળો પાડ્યો. તાજા શેકાયેલા ચણા ખાતાં ખાતાં બંનેના હાથ-મોં કાળાં થઈ ગયાં. બેય જણા ચણા ખાતાં ખાતાં જ ભવિષ્યનો પ્લાન કરવા લાગ્યા. પ્રદીપ કહે કે – ‘મારે તો એન્જિનિયર જ થાવું છે ને અમેરિકા જાવું છે.’ વિજયને તો કોઈ દિ’ શું થાવું છે એવો વિચારેય નહીં આવેલો. પણ, પ્રદીપે મનમાં નક્કી કરતાં કહ્યું કે - ‘હું જે કંઈ થઈશ, પણ તને મારા ભેગો રાખીશ. આપડે બે ભાઈબંધ ક્યારેય છુટ્ટા નહીં પડીએ!’ ત્યારે તો બેમાંથી કોઈને ય પોતે શું કહે છે એના અર્થનીયે ખબર નહોતી. બાળપણની મૈત્રીની ઘેલછા હતી. પણ, પ્રદીપ આ વાત ક્યારેય ભૂલ્યો નહીં. બે વર્ષમાં તો એના બાપુજીની બદલીયે થઈ ગઈ. એ લોકો સામાન લઈને જતાં હતાં ત્યારે આ બંને ભાઈબંધોને નોખા પાડવાનું અઘરું થઈ ગયેલું. આટલાં વર્ષો નીકળી ગયાં. પ્રદીપ ક્યાં છે ને શું કરે છે એનીયે ખબર નહોતી. વિજયે આઈ.ટી.આઈ. પાસ કર્યું ને વાયરમેન થયો. ઇલેક્ટ્રિક ફિટિંગનું કામ કરે પણ ખાસ કોઈ આવક નહીં ને જીવનું જોખમ. ગઢીમાને આ કામ ન ગમે. વિજયને થાંભલે ય ચડવું પડે એટલે ચોવીસેય કલાક ઉચાટમાં રહે. પ્રદીપ દરેક વખતે પત્રમાં આગ્રહ કરે કે એક વાર તું અહીં આવી જા. બાકીનું હું સંભાળી લઈશ. ગઢીમા આંખના રતન જેવા છોકરાને આઘો ય ન કરે, પણ એમના અભણ મનમાં એક વાત બેસી ગઈ હતી કે અંબેરિકામાં કમાણી ઝાઝી છે ને હું નહીં હોઉં ત્યારે મારા વિજ્યાનું કોણ? ટ્રેનમાં બેઠો બેઠો વિજય વિચારતો હતો કે આ વખતે કાગળિયાં તો બરોબર કર્યા છે. પ્રદીપે મોકલેલો ઓફર લેટર પણ જોડ્યો છે. એજન્ટ બોલ્યો હતો કે - ‘આ વખતે તો વિઝા લગભગ મળી જ જવો જોઈએ. પછી જેવાં તમારાં નસીબ!’ છેક બોમ્બે સેન્ટ્રલ આવ્યું ત્યાં સુધી જાતજાતના વિચારો ને મનના ઉધામા ચાલતા રહ્યા. એક વખત તો એમેય થયું કે આપણે ક્યાં જઈને તરત કાયમી થઈ જવાના છીએ? એક વખત જઈ તો આવું. લાગ્યું તો તીર નકર થોથું તો છે જ. પાછા આવીએ તો ય વાયરમેનનું કામ તો છે જ ને? હાથનો હુનર છે નકામી શું ચિંતા કરવી? પાછું એમેય થાય કે ધારો કે હું જતો રહું પછી ગઢીમા તો ઓશિયાળાં જ ને? નો કરે નારાયણ ને મરી જાય તો મારા હાથનું ગંગાજળે ય નો પામે ને? એ તો મારા સુખ માટે કહે, પણ મારે એટલી હદે નપાવટ થાવું? વળી વિચાર આવે કે ગઢીમા તો પાકેલું પાન છે ક્યારે ખરી પડે શું કહેવાય? ને એમના પછી તો આંય મારું કોઈ છે જ ક્યાં? ઈ કરતાં તો... એકબાજુ પ્રદીપ ને બીજી બાજુ ગઢીમા. વિજય આખી રાત રહેંસાતો રહ્યો. ટ્રેને પાટો બદલ્યો ને ડબ્બો ખળભળી ઊઠ્યો. ગાડીના અવાજનો લય તૂટી ગયો. પણ થોડી વાર પછી તો વિચારોને કારણે ખ્યાલ પણ ન રહ્યો કે હમણાં આખી ગાડી હલબલી ઊઠી હતી. સવારે સ્વામિનારાયણ મંદિરે પહોંચ્યો ત્યારે ખબર પડી કે વિઝા ઑફિસ તો સાવ પડખે જ છે. ખળાવાડ જેટલી નજીક. કોઠારીસ્વામીના કહેવાથી કાઉન્ટર પર બેઠેલા ભાઈએ પહોંચ બનાવી આપી ને સત્યાવીશ નંબરનો પલંગ ફાળવી આપ્યો. ઑફિસમાંથી બહાર નીકળતાં જ એને ખ્યાલ આવ્યો કે મંદિર અને અતિથિનિવાસ વચ્ચે ઘેઘૂર કહેવાય એવો વડ છે. ચારે બાજુ એની વડવાઈઓ ફાલી હતી. કેટલીક વડવાઇઓને તો લોખંડના પાઈપોના ટેકા મૂકીને બને એટલી અધ્ધર રાખી હતી. કલરવ સાંભળીને વિજયે ઊંચું જોયું તો સામેના ઝાડ પરથી કાબરોનું એક આખું ઝૂંડ ઊડીને વડ પર બેસી ગયું. જેવી કાબરો આવી કે તરત જ કાગડાઓ કાં... કાં... કાં… કરતા સામેના ઝાડ પર ગયા. વિજયને થયું કે આ લોકોને સારું, વગર વિઝાએ આમથી તેમ અને તેમથી આમ… અતિથિનિવાસ એવું બોર્ડ તો નામનું જ બાકી તો કબૂતરખાનું જ સમજો ને! વિજય તો ચારે બાજુ પાંજરા જેવી રચના જોઈને જ દંગ થઈ ગયો. એક મોટા રૂમમાં ચાર ચાર માળના પલંગ. બે પલંગ વચ્ચેની દિવાલે લાંબા અરીસા. એમાં જોઈને બધાએ તૈયાર થવાનું. કોઈ પેન્ટમાં શર્ટ ખોસીને સરખું કરતું હોય, તો કોઈ વળી ટાઈ બાંધતું હોય. કોઈ તો માત્ર ચહી વરાંસે બેસીને કાગળિયાં ફેંદતું હોય. કોઈને વળી છેલ્લી ઘડીએ ફોટા ન જડતા હોય. કોઈ દાઢી કરતું હોય ને અચાનક અરીસામાં પાછળ બીજો કોઈ કોલર સરખો કરતો દેખાય! એક સાથે સો સવાસો માણસની વ્યવસ્થા એક જ ઠેકાણે એટલે ચહલપહલ એવી કે કબૂતરાંઓ પાંખો ફફડાવતાં હોય એવું લાગે. બે પલંગ વચ્ચે માંડ માંડ ચાલવાની જગ્યા. વાંકા વળીને બેગમાંથી સામાન કાઢીએ તોય સામેના પલંગે ઢીંઢું અડે! એક ખૂણામાં છ સંડાસ ને છ બાથરૂમ. એકનું બારણું બંધ ન થાય ને બીજાની ચકલી દંદુડીધારે પાણી આપે. વારાફરતી ના’વાનું. ક્યેદિ’ પાર આવે? પુરુષોને જ પ્રવેશ અને જે આવ્યા હોય, એ તો એકલા જ હોય. બધાનાં બેગડાં ઉઘાડા મોઢે પલંગ પર પડ્યાં હોય. કેટલીયે વાર લાઈનમાં ઊભો રહ્યો ત્યારે એનો નંબર લાગ્યો. નાહીને આવ્યો ને કપડાં પહેરવા ગયો ત્યારે ખબર પડી કે પેન્ટના બેવડમાં મૂકેલું પૈસાનું પાકિટ નથી! ફાળ પડી. હવે શું થશે? શરીરમાં લોહી બમણી ઝડપે દોડવા લાગ્યું. ચક્કર આવવા જેવું થયું ને એ બેસી પડ્યો. એને થયું કે આ તો પરસેવાના પૈસા ગયા. લેનારો સુખી નહીં થાય. એના મનમાંથી એક નિસાસો સર્યો ને પલંગે પલંગે ફરી વળ્યો. માંડ કરીને મનને મનાવ્યું. સ્વસ્થ થયો. કપડાં પહેર્યાં પછી ફાંફે ચડ્યો. ઘડીમાં ઓશિકું ઊંચું કરે ને ઘડીમાં ગાદલું જુએ. બે વખત તો આખી બેગ ખાલી કરી અને ભરી. પણ પાકિટ જાણે પગ કરી ગયું હતું. એક જણે એને જોઈને પૂછ્યું: ‘શું ગોતો છો પાર્ટનર? પાકિટ?’ એ પડ્યું તમારા પલંગ નીચે ભોંય પર. આંયાથી દેખાય છે!’ વિજય પલંગની સીડી ઊતરીને નીચે આવ્યો. એને થયું કે સામાન આમતેમ કરવામાં સરકીને પડી ગયું હશે. હાશ થઈ. નીચે આવીને વાંકો વળીને લાંબો થયો. પાકિટ જરાક માટે આઘું પડતું હતું. કપડાંની ઈસ્ત્રી ચોળાવાની ચિંતા કર્યા વગર એ જમીન સાથે ઘસડાઇને પાકિટ સુધી પહોંચ્યો. ખોલીને જોયું તો ખબર પડી કે પાંચસોની બે નોટો ઊપડી ગઈ હતી! શર્ટ જમીન સાથે ઘસાયેલું તે ધૂળનો ડાઘો પડ્યો એ તો વળી વધારામાં! એને તૈયાર થયેલો જોઈને એક ભાઈ પૂછે: ‘વિઝા માટે આવ્યા છો?’

‘હા, કેમ? અહીં બીજા કામે ય કોઈ આવે છે ખરું? મતલબ કે ફક્ત દર્શન કરવા...’ એ માણસે એવી રીતે પૂછેલું કે જાણે વિજય માટે એના ખિસ્સામાં વિઝા તૈયાર ન હોય!

‘તો... આવાં સાદાં પેન્ટ-શર્ટ નહીં ચાલે. કોટ અને ટાઈ તો… જોઈશે જ. તો...જરાક પર્સનાલિટી વધે! અમેરિકાવાળાને બધું અપટુડેટ જોઈએ!’ ‘પણ... મારી પાંહે તો જે છે ઈ આ જ છે!’ એમ કહીને વિજયે શર્ટની બાંય પકડી. ‘બહાર ભાડે મળે છે ને! બસો રૂપિયા જાય. પણ વિઝા તો મળી જાય..’ ‘જોઉં છું!’ કહીને એણે બેગને તાળું માર્યું. સાંકળ બેગના હેન્ડલમાં ભરાવી ને પલંગ સાથે બાંધીને બીજું તાળું મારીને એ બહાર નીકળ્યો. નજીકમાં જ હતી એ દુકાન. લેડિઝ અને જેન્ટ્સનાં કાઉન્ટર જુદાં. જેને જેવાં જોઈએ એવાં કપડાં ભાડે મળે. અંદર સાવ સાંકડા ટ્રાયલરૂમ, પહેરેલાં કપડાં કાઢતાં ને આ બીજાં પહેરતાં તો પરસેવો વળી જાય. બહાર આવો ત્યારે કોઈ ટનલમાં થઈને આવ્યા હોય એવું લાગે! વિજયને કોટ-ટાઈવાળી દલીલ બહુ ગળે ઊતરી નહોતી, પણ ગમે તે કરીને એને શર્ટનો ડાઘ ઢાંકવો હતો એટલે કોટ અને ટાઈ લીધાં. પહેરીને જ બહાર આવ્યો. ટાઈ બાંધતાં એને આવડતું નહોતું, પણ આ તો તૈયાર જ હતી. સીધી ડોકમાં માળા પહેરતાં હોઈએ એમ જ પહેરી લેવાની! બધું ઠઠાડ્યું તો ખરું પણ જામતું નહોતું. કોટ અનેક લોકોએ પહેર્યો હશે તે પરસેવાની ખાટી વાસ આવતી હતી. વિજયને લાગ્યું કે પોતે કોઈ યુદ્ધમાં જઈ રહ્યો છે ને એણે જાતે જ બખ્તર પહેરી લીધું છે. વ્યવસ્થિત કરેલી ફાઈલ લઈને ચાલતો જ વિઝા ઑફિસે પહોંચ્યો. એના ચાલવા સાથે કોટ ડાબી-જમણી બાજુએ સરક સરક થયા કરતો હતો. ત્યાં જઈને એણે ટોકન લીધો. આઠમો નંબર હતો એનો. જાતભાતનાં ચેકિંગ પછી કાઉન્ટર ઉપર પહોંચ્યો ત્યારે એક ગોરી મેડમે એને હસીને વેલકમ કહ્યું. સો રૂપિયામાં ઓફિસિયલ દુભાષિયો રાખેલો એટલે વિજય ગુજરાતી બોલે તો ચાલે. મુખ્ય પ્રશ્ન એ હતો કે વિજયનું અમેરિકામાં કોઈ સગું નહોતું અને ગમે તેટલી લાગણી હોય તોય, મેડમ પ્રદીપને ફેમિલી મેમ્બર ગણવા તૈયાર નહોતાં. કદાચ મેડમ એવું ધારતી હશે કે આને આગળ-પાછળ કોઈ નથી એટલે ત્યાં રહી જશે ને અમેરિકન સરકાર પર કાયમી બોજ બનશે. આજીજી કરવાનો ય કોઈ અર્થ નહોતો કેમ કે તરત જ બીજી વ્યક્તિને બોલાવવાની લાઈટ થઈ ગઈ. વિજયને ખસી જવું જ પડ્યું. કોટ અને ટાઈવાળી કારી પણ ફાવી નહીં. બે જ મિનિટમાં ગોરી મેડમે રિજેક્ટનો થપ્પો મારી દીધો! વિજયે ત્યાં તો થોડી હિંમત રાખી પણ બીજી બારીએથી પાસપોર્ટ પાછો લેતી વખતે એનાથી ડૂસકું લેવાઈ ગયું. એક તો હજાર રૂપિયા ગયા એ ને વધારામાં આ ત્રણ સોનો ચાંદલો તો જુદો જ. વિજયને થયું કે મારા હાળા આ લોકો તો લૂંટવા જ બેઠાં છે! અમેરિકા ગયા વિના શું ભૂંડું લાગે છે? નથી જવું એવો શબ્દ વિચારમાં આવે ત્યાર પહેલાં એને દોસ્ત પ્રદીપનો ચહેરો યાદ આવ્યો. મંદિરે પાછો આવીને, કોઠારી સ્વામીને જય સ્વામિનારાયણ કરવા ગયો. એના ઊતરેલા ચહેરા ઉપરથી જ સ્વામીને ખબર પડી ગઈ કે વિઝા નથી મળ્યો. સહેજ હસીને કહે કે - ‘ફરી વાર ટ્રાય કરજો ને! મહારાજની મરજી હશે તો થઈ જશે... બાકી આ લોકોનું તો આવું જ. મરજીમાં આવે એમ કરે..…’ વિજયને પ્રશ્ન થયો કે તો પછી, આમાં મહારાજની મરજી ક્યાંથી આવી? પણ એ ચૂપ રહ્યો. આમે ય એનું મન ખૂબ ઉદ્વેગમાં આવી ગયેલું એટલે કંઈ સમજાતું નહોતું. એમને પગે પડીને નીકળવા જતો હતો ત્યાં તો સ્વામીએ જ કહ્યું: ‘ઊભા રહો….’ એ એક ક્ષણમાં વિજયને થયું કે સ્વામી કોઈ લાગવગ લગાડશે કે શું? કોઈ ચમત્કાર કરશે કે શું? પણ એમણે તો મગજની લાડુડીના પ્રસાદનું એક પેકેટ આપ્યું ને કહ્યું કે- ‘મહારાજનો પ્રસાદ છે... જાગાસ્વામીને આપી દેજો!’ વિજય હાથ લંબાવે ત્યાં એમને બીજો વિચાર આવ્યો ને ‘આ તમારા માટે!’ એમ કહીને એક બીજું પેકેટ પણ કાઢી આપ્યું. ટ્રેન સમયસર હતી. વિજય ચડી ગયો, પણ એના પગમાં કોઈ ઉત્સાહ નહોતો. ઉપરના પાટિયે જઈને લાંબો થઈ ગયો. ઊંઘ આવતી નહોતી. વળી વળીને ધ્રાસકો પડે કે ગઢીમાને શું કહીશ? બે ય હાથ માથા નીચે ગોઠવીને પગ લાંબાટૂંકા કર્યા કરે પણ ચેન ન પડે. બાજુના કંપાર્ટમેન્ટમાં બે જણા વાતો કરી રહ્યા હતા એ એને સ્પષ્ટ સંભળાતી હતી. એક જણ બોલ્યો: ‘એલા! તારી પાંહે આટલા બધા પૈસા આવ્યા ચ્યાંથી?’ ‘ઓલ્યો વિઝાવાળો છોકરો નહોતો? ઈ ના’વા જ્યો ઈ ટાંણે મેં ઇના પાકિટમાંથી લાગ જોઈને હેરવી લીધા ને પાકિટ પાડી દીધું હેઠે! આમ તો ઝાઝા હતા. પણ મને ઈની દયા આવી કે હપૂચા કાઢી લઈશ તો બચારો ઘરે ચ્યમ પોગે? તે બે નોટું બથાવી લીધી!’ વિજયને પગથી માથા સુધી ચાટી ગઈ. જાળીમાંથી જોયું તો આ એ જ માણસ હતો, જેણે એને પાકિટ ચીંધ્યું હતું. બાવડાંમાં જાણે સાતેય પેઢીનું બળ એકસાથે આવી ગયું હોય એમ ઠેકડો મારીને હેઠો ઊતર્યો. તારી જાતનો ચોંટો મારું! સીધો જ ત્યાં જઈ પહોંચ્યો ને ઓલ્યાની બોચી ઝાલી. કાન ઉપર સટાસટ બે ચમચમાવી દીધી. એક આંચકામાં એનું શર્ટ ઊતરડી લીધું. ‘કાઢ્ય મારા પૈસા! કાઢ્ય! હરામીના પેટના!’ એમ કહીને પેટમાં બે-ત્રણ ઘુસ્તા મારી દીધા. કાઢ્ય નકર હચોડો બારીમાંથી બા’ર ઉલ્લાળી મૂકીશ! વળી બીજી ભૂંડાબોલી ચોપડાવી એ વધારામાં! ગાળો સાંભળીને મહિલા પેસેન્જરોએ પોતાના બેય હાથ કાને મૂકી દીધા. બીજા એક બે પેસેન્જરે આ ઝગડામાં પડવા ને વિજયને રોકવા પ્રયત્ન કર્યો, પણ આ બધું એટલું ઝડપથી બની ગયું કે એ લોકોને સાચું સમજતાં વાર ન લાગી. પેલો જણ સાવ મીંદડી થઈ ગયો. ખિસ્સામાં હતા એટલા રૂપિયા કાઢીને ઢગલો કરી દીધો... લ્યો આટલ્યા જ વધ્યા સે... ભૂલ થઈ હવે કોઈ દા’ડો ચોરી કરે ઈ બીજા... માફ કરો… મા કસમ! ડબ્બાની બારી સાથે માથું ભટકાડીને વિજયે એને છોડી મૂક્યો. પોતાની જગ્યાએ આવીને શ્વાસ લીધો, પછી રૂપિયા ગણ્યા તો સાડા તેરસો જેવા હતા. એના કાન પર ક્યાંકથી ગઢીમાનો અવાજ અફળાયો. ‘બટા કોઈ દિ’ કોઈનું હરામનું નો લેવું! હરામનું તો આપડો ખ્ખો કાઢી નાંખે..!’ પાછો ઊભો થયો. હજાર રાખીને બાકીના પેલાના મોઢા ઉપર મારી આવ્યો. પેલો તો બાપડો શિયાંવિયાં થઈ ગયેલો તે શું બોલે? વાંકો વળી વળીને વિજયે ઉડાડેલા રૂપિયા ભેગા કરવા મંડ્યો. વિરમગામથી છકડામાં બેસીને ઘેર આવ્યો ત્યારે ઘરનો મો’રો સાવ અલગ જ હતો. આખો વાસ ભેગો થઈ ગયેલો. પરથમ પહેલાં તો વિજયને વહેમ પડ્યો કે ગઢીમા હાલી નીકળ્યાં કે શું? પણ એ તો રોજની જેમ જ ખાટલે પડ્યાં હતાં. કોઈ કહે કે - ‘ડોશી મરવા પડ્યાં સે ને જોવો, આ પિટ્યાને પરદેસ જાવું સે!’ મંજુમાએ કીધું કે- ‘ગઢીમાની ઘડીઓ ગણાય છે. બે દિ’ થ્યા શેક કરી કરીન થાક્યાં પણ હાહ લેવાતો જ નથ્ય ને...’ જેવો વિજયને જોયો કે ગઢીમાની આંખ્યુંમાં તેજ આવ્યું. સારા સમાચાર સાંભળવાની રાહે જ ટકી રહ્યાં હોય એમ એમનો આખો ચહેરો પ્રશ્ન પૂછતો હતો : ‘અજુકે વિઝા મળ્યો કે નહીં?’ વિજયને થયું કે પોતે ખોટું બોલે ને માને કહી દે કે ‘હા મળી ગયો!’ પણ એ એમ ન કરી શક્યો. માના કાન પાસે જઈને અવશપણે જ બોલવા લાગ્યો: ‘મા આ વખતે તો એવું થ્થું કે ઈ ગોરી મેડમ મને જ વિઝા આપવાના હતા. મને કહે કે વિજ્યા તને નંઈ આલીએ તો કુને આલીસું? મને ખબર સે તું બીજીવારકો આઈવો સો… તે તને તો વિઝા આલવો જ પડે. તારા હાટુ નહીં તો તારી ગઢીમા હારુ ય દેવો જ પડે. પણ શ્યું કરીએ? આ વખતે વિઝાનો કોટો જ નો આવ્યો. ભલા માણસ! હોય તો તો તને હાલ્લ જ દઈ દેવીં... પણ અમારી પાંહે જ નથી તો તને ચ્યાંથી આલીએ? લે તું જ કહે? હવે તારે બીજી વારનો ધક્કો નંઈ કરવાનો! વિઝા આવે કે તરત અમે મેકલી દેશ્યું. ઠેઠ તારે ગામ. તું તારે જા… ગઢીમાને કહેજે કે ઘરે બેઠાં વિઝા પોગી જાહે… બે મૈનામાં તો તું અમેરિકા ભેગો થ્યો ઈમ જ હમજ! અટલે મા તમ્યે ઉપાધિ નો કરો વાંહોવાંહ્ય વિઝા આવ્યો જ હમજો. ઈ બધાં યે મને ચ્યેટલું ય તો આશ્વાસન આલ્યું ને માથેથી ચા પીવરાવ્યો ઈ વધારામાં!’ ગઢીમાએ વિજયના મોઢેથી આટલું સાંભળ્યું ને જરાક મોં મલકાવ્યું પણ એમનો શ્વાસ ઊંડો ઊતરવા લાગ્યો. ઘી ખૂટે ને કોડિયાની વાટ બળવા માંડે, બસ એવું જ થયું ને ધીમે ધીમે કરતાં તો ડોશીનો દીવો રામ થઈ ગયો! મંજુમા કહે કે - ‘વિજયા તારો વિઝા પાઈશ થિયો કે નો થિયો પણ આ ડોશીનો તો થઈ જ જ્યો….!’