યાત્રા/એ ના ગઈ!

એ ના ગઈ!

‘તું કોઈના અંતરમાં વસ્યા વિના
ગઈ જ શું?’ એ મન માંહિ ઘોળતાં
મેં ત્યાં લખ્યું કે ‘અવસાન પામ્યાં.’
શાળા તણાં પત્રકમાં કિશોરીના
તે નામ પાસે.

ગઈ જ એ જેમ અનેક છે ગયાં,
ફળ્યા વિનાનાં ઉઘડેલ પુષ્પ શાં,
હતાં ન’તાં જે પૃથિવીપટે થયાં;
ક્યાં ક્યાંક એની બળતી ચિતાના
જલી રહ્યા છે ભડકા સદાયના.

રડી હશે માવડી માથું કૂટતી,
ને બેનની આંખથી ધાર ફૂટતી,
પિતા તણે કંઠ ડુમો ભરાયલો,
ને નાનકો ભાઈ હશે મુંઝાયલો.
સ્નેહી સગાં કાં ન રડે? રડે જ રે;
ને સૂઝ કે એકલને પડે ન રે.

વિલાપવાનું ઘણું છે જ મૃત્યુમાંઃ
છુંદાઈ આશા, ક્ષણજીવી જિન્દગી,
પળે પળે હસ્તપસાર મૃત્યુના –
આ નિત્ય ગીતો ન હું ગાઉં મૃત્યુનાં.

કિશોરિ, કાચી ઉરની કળી હતી,
તું આંગણામાં ડગ માંડતી હતી.
પૂછું? કદી આશ શું ત્યાં થઈ છતી–
કોઈ તણાં અંતરમાં વસી જવા,
ને કોઈને અંતરમાં વસાવવા?

વિવાહ કીધેલ કુટુંબીઓએ
જુવાનડો શોધ વિશે જ અન્યની
પડ્યો હશે હાલ —

રહો રહો એ ન પ્રદેશ મારો
ફંફોળવાનો ઉર પારકાનાં.
હું માહરું અંતર સાચવી રહી,
લખી લઉં એ, ‘અવસાન પામ્યાં.’

સપ્ટેમ્બર, ૧૯૩૪