યાત્રા/શ્વેતકેશી પિતરને

શ્વેતકેશી પિતરને

આવી કાં વચને ધરો શિથિલતા, હે શ્વેતકેશી પિતર્!
સાચે જીવનનો શું આમ ઉતરે શૂન્યાંકમાં ઉત્તર?
ના ના, એમ ન અંકની રમત સૌ હોયે રચાતી ભ્રમે,
એવું છે પણ કો મહા ગણિત જ્યાં સાતત્ય પૂર્ણ ક્રમે.

જ્યારે પૂર્ણ વિષે જઈ વિરમતો આ શૈશવી માનવી,
ત્યારે દૃષ્ટિ ખુલે, લહે સ્વદૃગથી, આ પૂર્ણ, તે પૂર્ણ ’પિ,
પૂર્ણે પૂર્ણ ઉમેરતાં ય સઘળું ત્યાં પૂર્ણતા ના વધે,
પૂર્ણેથી લઈ પૂર્ણ બાદ કરતાં યે પૂર્ણતા ત્યાં વધે.

એવા અંક ૨ચી ગયા પિતૃવરો, તે જ્ઞાનસોપાનને
છાંડો કેમ? શું કર્ણ ના સુણી શકે તે શાશ્વતાહ્‌વાનને
સત્યોના ઋતના બૃહન્મુદ તણા તે સિદ્ધ દેવત્વના,
જ્યાં સ્થાયી લસતી અખંડ ચિતિની ઊર્જસ્વિ તેજાંકના?

આ આશા-મધુ? ના સ્વયં ઋત-મધુ. આ મંથને મંથિત
સારી સૃષ્ટિ તણું અમી, ધરાગિરિશિરે જ્યોતિભર્યું સુસ્થિત.
અંતે મૃત્યુ હશે, હશે ખખડતી એની ભલે પાવડી,
ના કારાપતિની, પરંતુ નચિકેતાના ગુરુની વડી!


નવેમ્બર, ૧૯૪૨