રવીન્દ્રપર્વ/૧૫૪. પ્રભાતે પ્રભાતે

૧૫૪. પ્રભાતે પ્રભાતે

પ્રભાતે પ્રભાતે પામું પ્રકાશના પ્રસન્ન પરશે
અસ્તિત્વનું સ્વર્ગીય સમ્માન,
જ્યોતોિતે ભળી જાય રક્તનો પ્રવાહ
નીરવે ધ્વનિત થાય દેહે મને જ્યોતિષ્કની વાણી.
ચક્ષુઓની અંજલિ ધરીને રહું,
પ્રતિદિન ઊર્ધ્વે મીટ માંડું.
આ પ્રકાશે દીધી મને જન્મની પ્રથમ અભ્યર્થના,
અસ્ત સમુદ્રને તીરે આ પ્રકાશ-દ્વારે
ધરી જૈશ જીવનનું શેષ નિવેદન.
થાતું મને વૃથા વાક્ય બોલું, બધી વાત કદી ના કહેવાય;
આકાશવાણીની સાથે પ્રાણકેરી વાણી તણો
સૂર સાધી શક્યો નહીં પૂર્ણ સૂરે,
ભાષા પામ્યો નહી.