રવીન્દ્રપર્વ/૧૮૯. પાગલ


૧૮૯. પાગલ

પશ્ચિમનું એક નાનું શહેર. સામેના મોટા રસ્તાની બીજી બાજુએ, ઘાસથી છાયેલા છાપરાની ઉપર, મૂગા માણસના ઇશારા જેવાં, પાંચછ તાડનાં ઝાડ ઊંચાં વધ્યાં છે; ભાંગી પડેલા ઘરની બાજુમાં પુરાણું આમલીનું ઝાડ એનાં નાનાં સુંવાળાં પાંદડાંના ગુચ્છને હરિયાળા મેઘની જેમ પ્રસારીને ઊભું છે. છાપરા વિનાની ભાંગેલી ભીંત પર બકરીનું બચ્ચું ચરી રહ્યું છે. પાછળ મધ્યાહ્નના આકાશની દિગન્તરેખા સુધી વનશ્રેણીની શ્યામલતા દેખાયા કરે છે. આજે આ શહેરના માથા ઉપરથી વર્ષાએ એકાએક એનું કાળું અવગુણ્ઠન બિલકુલ ઉઠાવી લીધું છે. મારું ઘણું જરૂરી લખવાનું કામ પડ્યું રહ્યું છે, એ પડ્યું જ રહેશે. જાણું છું કે ભવિષ્યમાં એ પરિતાપનું કારણ થશે. ભલે થતું! એ પરિતાપ સહી લેવો પડશે. પૂર્ણતા કેવું રૂપ ધરીને ક્યારે એકાએક ઝબકી જશે તે પહેલેથી જ જાણી લઈને કોઈ એના સ્વાગતને માટે તૈયાર રહી શકે નહીં. પણ જ્યારે એ દર્શન દે ત્યારે કાંઈ ખાલી હાથે એનો સત્કાર ન કરાય! એવે વખતે જે નફાતોટાનો વિચાર કરવા બેસે તે પાકો હિસાબી માણસ, સંસારમાં એની ઉન્નતિ થાય ખરી; પણ નિબિડ આષાઢની વચ્ચે એકાદ દિવસને માટે પ્રકટ થતા હે જ્યોતિર્મય અવકાશ, તારા શુભ્ર, મેઘમાલાખચિત ક્ષણિક અભ્યુદય આગળ હું મારાં બધાં જ જરૂરી કામને તુચ્છ લેખું છું — આજે હું ભવિષ્યમાં શું થશે તેનું લેખું માંડવા બેસતો નથી, આજે મેં મારી જાતને વર્તમાનને વેચી દીધી છે. દિવસ પછી દિવસ વીત્યે જાય, આપણી પાસે એ વિશેષ કશાની ઉઘરાણી નહીં કરે; ત્યારે હિસાબના આંકડામાં ભૂલ પડે નહીં, ત્યારે બધું કામ સહેલાઈથી ઉકેલી શકીએ. એક દિવસ સાથે બીજા દિવસને, એક કામ સાથે બીજા કામને, જોડી દઈને આપણું જીવન વીતતું જાય; બધું સમથળ વહ્યા કરે. પણ એવામાં એકાએક, કશી ખબર દીધા વિના, એક વિશેષ દિવસ સાત સમુદ્રની પારના પેલા રાજકુમારની જેમ આવીને ઊભો રહે; બીજા બધા દિવસો સાથે એનો કશો મેળ ખાય નહીં. ત્યારે પળવારમાં જ બધું જાણે હાથમાંથી સરી પડે — ત્યારે નક્કી કરી રાખેલાં કામમાં મોટો અંતરાય ઊભો થાય. પણ એ જ દિવસ આપણે માટે તો મહાન દિવસ — એ અનિયમનો દિવસ, કામ પડતું મૂકવાનો દિવસ. જે દિવસ ઓચિંતાનો આવી ચઢીને આપણા બીજા બધા દિવસોને ઊલટાસૂલટા કરી મૂકે તે દિવસ જ આપણો આનન્દનો દિવસ. બીજા દિવસો બુદ્ધિમાન લોકોના, સાવધાન લોકોના. આવો એકાદ દિવસ તે પૂરેપૂરો પાગલપણાને સમર્પી દીધેલો દિવસ. ‘પાગલ’ શબ્દને આપણે તિરસ્કારવાચક લેખતા નથી. ગાંડા નિમાઈને આપણે ગાંડો કહીને પૂજીએ છીએ. આપણા પાગલ દેવ તે મહેશ્વર. પ્રતિભા ગાંડપણનો જ એક પ્રકારનો વિકાસ છે કે કેમ એ વિશે યુરોપમાં વાદવિવાદ ચાલે છે. પણ આપણને તો એ વાત સ્વીકારી લેવામાં જરાય સંકોચ થતો નથી. પ્રતિભા ગાંડપણ નહીં તો વળી બીજું શું? એ નિયમનો વ્યતિક્રમ કરે, એ બધું જ ઊંધુંચત્તું કરી નાંખે; એ આજના પાગલ દિવસની જેમ એકાએક આવી ચઢીને કામગરા લોકોનું કામ ધૂળધાણી કરી નાંખે, કોઈ એને ગાળો દે, તો કોઈ એને નાદે નાચીકૂદીને ચંચળ થઈ ઊઠે. આપણા શાસ્ત્રમાં જેમને આનન્દમય કહ્યા છે તે ભોળાનાથ આપણા બધા દેવોમાં આવા પાગલ દેવ છે. એ પાગલ દિગમ્બરને હું આજના આ ધૌત નીલાકાશમાં છલકાતા પ્રકાશના પૂર વચ્ચે જોઉં છું. આ નિબિડ મધ્યાહ્નના હૃત્પિણ્ડમાં એમનું ડમરું ડમડમ બજી રહ્યું છે. આજે મૃત્યુની નગ્ન શુભ્ર મૂર્તિ આ કર્મનિરત સંસારની વચ્ચે કેવી નિસ્તબ્ધ બનીને ઊભી રહી છે! સુન્દર શાન્તચ્છબિ! ભોળાનાથ, હું જાણું છું ક્ે તમે અદ્ભુત છો. જીવનમાં ક્ષણેક્ષણે અદ્ભુત રૂપે જ તમે તમારી ભિક્ષાની ઝોળી લઈને ઊભા રહો છો. હિસાબકિતાબને સમૂળગાં નેસ્તનાબૂદ કરી નાંખો છો. તમારા નન્દીભૃંગીનો મને પરિચય છે. તમારી સિદ્ધિના પ્રસાદમાંથી આજે એણે મને છાંટો સરખો આપ્યો નથી એવું મારાથી કેમ કહેવાય! એથી મને નશો ચઢ્યો છે; બધું ઊલટસુલટ થઈ ગયું છે — આજે મારું કશું જ અકબંધ રહ્યું નથી.

હું જાણું છું જે સુખ હરરોજની વપરાશની વસ્તુ છે, આનન્દ પ્રત્યહથી અતીત છે. સુખ શરીરને રખે ને ક્યાંય ધૂળ લાગે એ બીકે સંકોચાઈને રહે; આનન્દ ધૂળમાં જ આળોટીને નિખિલની ને પોતાની વચ્ચેના વ્યવધાનના ભાંગીને ચૂરેચૂરા કરી નાંખે. આથી જ સુખ ધૂળને હેય ગણે, પણ એ જ ધૂળ આનન્દનું તો આભૂષણ, રખેને કશું ખોવાઈ જશે એ બીકે સુખ સદા ઊંચે જીવે રહે, આનન્દ તો બધું લુંટાવી દઈને પરિતૃપ્ત થઈને રહે; આથી જ સુખને પક્ષે રિક્તતા એટલે દરિદ્રતા, આનન્દને પક્ષે દારિદ્ય્ર એટલે જ ઐશ્વર્ય, વ્યવસ્થાના બન્ધન દ્વારા સુખ પોતાના સૌન્દર્યને જતનથી જાળવી રાખે, આનન્દ સંહારની મુક્તિ દ્વારા પોતાના સૌન્દર્યને ઉદાર ભાવે પ્રકટ કરે; આથી જ સુખ બાહ્ય નિયમોથી બદ્ધ, જ્યારે આનન્દ એ બન્ધનોને છેદીને પોતાના નિયમોને પોતે જ ઘડે; આનન્દ દુ:ખના વિષયને અનાયાસે પચાવી જાય; આથી જ જે કાંઈ સારું હોય તેને માટે જ સુખનો પક્ષપાત, પણ આનન્દને તો સારું-નરસું બંને સરખાં.

આ સૃષ્ટિમાં એક પાગલ રહ્યો છે. જે આપણી કલ્પનામાં પણ ન આવે તેને એ એકાએક આપણી આગળ હાજર કરી દે છે. એ કેન્દ્રાપગામી — centrifugal — એ નિખિલને નિયમની સીમાની બહાર જ ખેંચ્યા કરે. નિયમના દેવતા સંસારના સમસ્ત માર્ગને પરિપૂર્ણ ગોળાકારમાં ફેરવી નાખવાનો પ્રયત્ન કરે, ત્યારે આ પાગલ એને પોતાની પ્રબળ ગતિના આવર્તમાં ઘસડીને વંટોળની જેમ ઘુમાવે, આ પાગલે યદૃચ્છાએ સરિસૃપના વંશમાં, પંખી અને વાનરના વંશમાં મનુષ્યને જન્માવ્યાં છે. જે ઉદ્ભવ્યું છે, જે છે, તેને ચિરસ્થાયી બનાવીને રક્ષવાને માટે સંસારમાં ભારે પ્રયત્નો ચાલી રહ્યા છે. આ પાગલ એ પ્રયત્નોને ધૂળમાં મેળવી દઈને જે નથી ઉદ્ભવ્યું તેને માટે માર્ગ કરી આપે છે. એના હાથમાં બંસી નથી, એનો સૂર સામંજસ્યનો સૂર નથી; એને મુખે વિષાણ (હાથીદાંતના આકારનું ફૂંકીને વગાડવાનું વાદ્ય) બજી ઊઠે છે, વિધિવિહિત યજ્ઞ નષ્ટ થઈ જાય છે ને કોણ જાણે ક્યાંથી કશુંક અપૂર્વ ઊડીને આવી ચઢે છે. એને આપણે પાગલ કહીએ છીએ, ને પ્રતિભાવાન પણ કહીએ છીએ. એના આઘાતે જેના તાર તૂટી જાય તેનું નામ ઉન્માદ, ને એના આઘાતે જે અશ્રુતપૂર્વ સૂરે બજી ઊઠે તેનું નામ પ્રતિભાવાન. પાગલ દસ જણમાં જુદો તરી આવે, પ્રતિભાવાનનું પણ એવું જ; પણ પાગલ બહાર જ રહી જાય, જ્યારે પ્રતિભાવાન બીજા દસને અગિયારમાની કક્ષાએ ખેંચી લાવીને એમનું ગૌરવ વધારી દે. માત્ર પાગલ જ નહીં; પ્રતિભાવાન જ નહીં, ભયંકર પણ એના જ્વલજ્જટાકલાપ સાથે આપણી એકરંગી તુચ્છતા વચ્ચે દેખા દે ત્યારે કેટલાંક સુખદાયી મિલનની જાળ છિન્નભિન્ન થઈ જાય, કેટલાંય હૃદયોના સંબંધ ધૂળધાણી થઈ જાય. હે રુદ્ર, તમારા લલાટે ઝળહળતી અગ્નિશિખાના સ્ફુલ્લંગિ માત્રથી અંધારા ઘરના દીપ પ્રગટી ઊઠે, એ શિખાથી જ સંસારમાં હજારોના હાહાકારથી મધરાતે ગૃહદાહ ઉપસ્થિત થાય. હાય, શંભુ, તમારા નૃત્યે, તમારા દક્ષિણ અને વામ પદક્ષેપે સંસારમાં મહાપુણ્ય અને મહાપાપ ઉત્ક્ષિપ્ત થઈ ઊઠે. સંસાર ઉપર દરરોજ થયા કરતા જડતાના હસ્તાવલેપથી એના ઉપર સામાન્યતાનું જે આવરણ છવાઈ જાય તેને સારાં અને નરસાંના પ્રબળ આઘાતે તમે છિન્નવિચ્છિન્ન કરતા રહો છો, અને પ્રાણના પ્રવાહને અપ્રત્યાશિતની ઉત્તેજનાએ ધીમે ધીમે તરંગિત કરીને શકિતની નવી નવી લીલા અને સર્જનનાં નવાં નવાં રૂપ પ્રકટ કરતા રહો છો, પાગલ, તમારા આ રુદ્ર આનન્દમાં સાથ દેતાં અમારું ભીરુ હૃદય પરાઙ્મુખ ના થાઓ. સંહારના રક્ત આકાશમાં તમારું રવિકરોદ્દીપ્ત ત્રીજું નેત્ર ધુ્રવજ્યોતિએ અમારા અંતરના અન્તરને ઉદ્ભાસિત કરી રહો. નૃત્ય કરો, હે ઉન્માદ, નૃત્ય કરો. એ નૃત્યના ચક્રાવર્તમાં આકાશની લાખ્ખો ને કરોડો જોજન સુધી વ્યાપેલી ઝળહળતી નીહારિકા જ્યારે ઘૂમવા લાગે ત્યારે અમારા વક્ષમાંના ભયના કમ્પથી એ રુદ્રસંગીતના તાલમાં ભંગ ન પડો. હે મૃત્યંુજય, અમારાં સમસ્ત સારાંનરસાંમાં તમારો જ જય થાઓ. આપણા આ પાગલ દેવનો આવિર્ભાવ કોઈ કોઈ ક્ષણે જ થાય છે એવું નથી, સૃષ્ટિમાં એમનું પાગલપણું અહરહ વ્યાપીને રહ્યું છે, આપણને કોઈક ક્ષણે એનો પરિચય થાય છે, એટલું જ. અહરહ જીવનને મૃત્યુ નૂતન બનાવે છે, સારાંને નરસું ઉજ્જ્વળ કરે છે, તુચ્છને અદ્ભુત મૂલ્યવાન બનાવે છે, જ્યારે એનો પરિચય પામીએ ત્યારે રૂપમાં નિરતિશય રૂપને, બંધનમાં મુક્તિને આપણે પ્રકટ થતાં જોઈ શકીએ. આજના આ મેઘોન્મુક્ત આકાશમાં આપણી સમક્ષ એ નિરતિશય સુન્દર મૂર્તિ પ્રકટી ઊઠી છે. સામેનો આ રસ્તો, આ ઘાસથી છાયેલા છાપરાવાળી મોદીની દુકાન, આ સીધી ચાલી જતી ગલી, આ ભાંગી પડેલી ભીંત ને આ ઝાડપાનને આપણે દરરોજના પરિચયને કારણે સાવ તુચ્છ બનાવીને જોતા હતા, એથી જ એ બધું આપણને જાણે રૂંધી નાંખતું હતું, એથી જ એ બધી વસ્તુઓ વચ્ચે આપણે જાણે દરરોજ નજરકેદ થઈને રહેતા હતા. આજે એકાએક તુચ્છતા બિલકુલ ચાલી ગઈ છે. આજે લાગે છે કે ચિરઅપરિચિતને આજ સુધી પરિચિત માનીને જોતો હતો, એને સાચી રીતે જોઈ શકયો જ નહોતો. આજે મારી આંખો સામે જે કાંઈ છે તે સમસ્તને જોતાં હું જાણે ધરાતો જ નથી. આજે એ જ બધું મારી ચારે બાજુએ છે, છતાં એની વચ્ચે હું પુરાઈ રહ્યો નથી. એ બધાંએ મારો માર્ગ મોકળો કરી દીધો છે. આપણા પાગલ દેવ પણ અહીં જ હતા; એ અપૂર્વ, અપરિચિત, નિરતિશય સુન્દર આ મોદીની દુકાનના ઘાસથી છાયેલ છાપરાની અવજ્ઞા કરતા નથી, — જે પ્રકાશથી એમને જોઈ શકાય તે પ્રકાશ જ આપણી આંખ ઉપર પડ્યો નહોતો. આજે નવાઈની વાત એ છે જે આ નજર સામેનું દૃશ્ય, આ પાસેની વસ્તુઓ આપણી આગળ એક બહુ સુદૂરનો મહિમા પામીને પ્રકટ થઈ ઊઠ્યાં છે. એની સાથે ગૌરીશંકરની તુષારવેષ્ટિત દુર્ગમતા, મહાસમુદ્રની તરંગચંચલ દુસ્તરતા પોતાનું એકગોત્રત્વ જાહેર કરે છે. આમ એકાએક એક દિવસ આપણે જાણી શકીએ છીએ કે જેની સાથે આપણે સંસાર માંડીને બેઠા હતા તે તો આપણા સંસારની બહાર છે; જે પ્રાપ્તિને આપણે નિશ્ચિત ગણીને નિશ્ચિન્ત રહેતા હતા તેના જેવી દુર્લભ અને દુરાયત્ત બીજી કોઈ વસ્તુ નથી. આપણે જેને સારી પેઠે જાણીએ છીએ એમ માનીને એની ચારે બાજુ વાડ બાંધી દઈને નચંતિ જીવે બેઠા હતા તે જ ક્યારે એકાએક એક ક્ષણમાં બધી વાડને વટાવી જઈને અપૂર્વ રહસ્યમય બની ઊઠશે તેની આપણને સાન નથી રહેતી. જેને નિયમની દૃષ્ટિએ, સ્થિતિની દૃષ્ટિએ સાવ નાનું, દસ્તુર મુજબનું, સાવ પોતાનું માનીને જોતા હતા તેને જ સંહારની દૃષ્ટિએ, આ સ્મશાનચારી પાગલની દૃષ્ટિએ એકાએક જોઈએ તો સાવ અવાક્ જ થઈ જઈએ,— કેવું અચરજ! આ કોણ! જેને સદા જાણતા આવ્યા છીએ તે જ છે કે આ? જે એક બાજુથી ઘરના તે જ બીજી બાજુથી અન્તરના, જે એક દૃષ્ટિએ ખપ લાગે એવા, તે જ વળી બીજી દૃષ્ટિએ જોતાં બધી આવશ્યકતાથી પર, જે એક બાજુથી સ્પર્શક્ષમ તે જ બીજી બાજુથી સમસ્ત પકડની બહાર — જેનો એક બાજુથી જોતાં બધાં સાથે ઠીક મેળ ખાતો લાગે તે જ બીજી બાજુથી જોતાં સાવ મેળ વગરના, નર્યા અટૂલા. જેને દરરોજ જોતા નહોતા તેનાં આજે દર્શન કર્યાં, દરરોજના હાથમાંથી મુક્તિ પામીને બચી ગયા. ચારે બાજુની પરિચિતતાની વાડ વચ્ચે પ્રાત્યહિક નિયમ દ્વારા હું બંધાયેલો છું એવું હું માનતો હતો — આજે જોઉં છું તો મહાઅપૂર્વના ખોળામાં આપણે સદા ખેલી રહ્યા છીએ. ઓફિસના વડા અમલદારના જેવા ભારે ગમ્ભીર હિસાબી લોકને પનારે પડીને સંસારના દરરોજ આંકડા માંડતો જાઉં છું એમ હું માનતો હતો — આજે એ વડા અમલદારથીય વડા અને મસ્ત બેહિસાબી પાગલનું વિપુલ ઉદાર અટ્ટહાસ્ય જલે-સ્થલે આકાશે સપ્તલોકને ભેદીને ગાજી ઊઠતું સાંભળીને નિરાંતનો દમ ખેંચું છું. મારી ખાતાવહી છો ને એમ ને એમ પડી રહેતી! મેં તો મારા જરૂરી કામકાજનો ઢગલો આ પાગલને ચરણે ફેંકી દીધો છે. એના તાંડવ નૃત્યના આઘાતે ચૂરેચૂરા થઈને ધૂળ બનીને એ છો ને ઊડી જાય! (સંચય)