રવીન્દ્રપર્વ/૨૧૧. રંગભૂમિ


૨૧૧. રંગભૂમિ

ભરતના નાટ્યશાસ્ત્રમાં નાટ્યગૃહનું વર્ણન છે. તેમાં પડદાનો કાંઈ ઉલ્લેખ જણાતો નથી. એથી ખાસ ક્ષતિ રહી ગઈ છે એમ અમને લાગતું નથી. કળાવિદ્યા જ્યાં એકેશ્વરી હોય ત્યાં જ તેનું પૂર્ણ ગૌરવ હોય છે, સપત્ની સાથે ઘર માંડવા જાય એટલે તેને નાનમ લાગે જ. તેમાંય સપત્ની જો પ્રબલ હોય તો તો વિશેષ કરીને. રામાયણ જો સૂર કાઢીને વાંચવાનું હોય તો આદિકાણ્ડથી ઉત્તરકાણ્ડ પર્યન્ત તે સૂરને હમેશાં એકસરખા રહેવું પડે; એ બિચારાને રાગિણીની ઉચ્ચ પદવી કદી પણ મળે નહીં. ઊંચી પ્રતિનું કાવ્ય પોતાનું સંગીત પોતાના જ નિયમ પ્રમાણે સરજી લે છે. બહારના સંગીતની સાહાય્યની તિરસ્કારપૂર્વક તે ઉપેક્ષા કરે છે. તેમ ઊંચા પ્રકારનું સંગીત પોતાની કથા પોતાના નિયમ પ્રમાણે જ કહેશે, કથાને માટે તે કાલિદાસ કે મિલ્ટનના મોઢા સામે જોઈ રહેતું નથી, તે છેક ક્ષુદ્ર તોમતનનન વડે જ અદ્ભુત કામ કરી બતાવે છે. ચિત્ર, ગાન કે કથાને મેળવીને, તેમાંથી થોડું થોડું ઉઘરાવીને, લલિત કળાનો ઉત્સવ થઈ શકે, પરંતુ તે તો એક રમત થાય. તે બજારુ વસ્તુ થાય. તેને દરબારી ઉત્સવનું ઉચ્ચ પદ આપી શકાય નહીં. પરંતુ શ્રાવ્યકાવ્ય કરતાં દૃશ્યકાવ્ય સ્વભાવત: જ કેટલેક અંશે પરાધીન છે ખરું. બહારની સાહાય્યથી જ સફળ થવાને તે સરજાયેલું છે, તેને અભિનયની અપેક્ષા રહે છે, એ કબૂલ કરવું જ પડે. છતાં અમે એ વાત સ્વીકારતા નથી. સાધ્વી સ્ત્રી જેમ સ્વામીને છોડી બીજા કોઈને ભજતી નથી, તેમ જ સુન્દર કાવ્ય પણ રસિકને છોડી બીજા કોઈની પરવા રાખતું નથી. સાહિત્ય વાંચતી વખતે આપણે સહુ મનમાં ને મનમાં અભિનય કરીએ જ છીએ. એટલા અભિનયથી જે કાવ્યનું સૌન્દર્ય ખૂલે નહીં, તે કાવ્ય કોઈ કવિને યશ આપે નહીં. ઐથી ઊલટું તમે એમ કહી શકો કે અભિનયવિદ્યા પૂરેપૂરી પરાવલમ્બી છે. તે અનાથ બિચારી નાટકની રાહ જોતી બેસી રહે છે. નાટકના ગૌરવનું અવલમ્બન કરીને જ પોતાનું ગૌરવ પ્રકટ કરી શકે છે. બાયલા ધણીનો જેમ લોકોમાં ઉપહાસ થાય છે, તેમ જ નાટક જો અભિનયની આશા રાખી દરેક બાબતમાં દીન બની જાય, તો તે પણ ઉપહાસને પાત્ર થઈ જાય. નાટકની મહેચ્છા તો આવી હોવી જોઈએ કે મારો જો અભિનય થાય તો ઠીક છે, ન થાય તો અભિનયનું મોં કાળું; તેમાં મારું કશું જતું નથી. ગમે તેમ હોય, અભિનયને કાવ્યની અધીનતા સ્વીકારવી જ પડે છે. પરંતુ તેટલા માટે તમામ કળાવિદ્યાની ગુલામી તેણે કરવી જોઈંએ એવો કાંઈ નિયમ છે? જો તે પોતાનું ગૌરવ જાળવવા ઇચ્છે તો જેટલી અધીનતા પોતાના આત્મપ્રકાશને માટે તેને ખાસ જરૂરી હોય તેટલી જ તે સ્વીકારે; તેનાથી જેટલું વિશેષ પરાવલંબન તે રાખે તેટલી તેની પોતાની અવમાનતા થાય. અહીં કહેવું જરૂરનું નથી કે નાટકમાં આવતી ઉક્તિઓની તો અભિનેતાને જરૂર આવશ્યકતા છે. કવિ તેને જે હાસ્યનાં વચનો પૂરાં પાડે છે તેને અવલમ્બીને જ તેને હસવાનું હોય છે; કવિ તેને જે રુદનનો પ્રસંગ આપે છે તેને અવલમ્બીને રુદન કરી તે પ્રેક્ષકોની આંખમાં આંસુ લાવે છે. પરંતુ પડદા શા માટે છે? તે તો અભિનેતાની પાછળ લટકતા રહે છે, અભિનેતા તેમને ઉપજાવી શકતો નથી. તે તો ચીતરેલા જ હોય છે. હું તો માનું છું કે તેને લીધે અભિનેતાની અશક્તિ-કાયરતા પ્રકટ થાય છે. આ રીતે જે પડદા વડે પ્રેક્ષકોના મનમાં ભ્રમ ઉત્પન્ન કરી તે પોતાનું કાર્ય સહેલું બનાવી દે છે તે ચિત્રકાર પાસેથી ભીખ માગીને આણેલા હોય છે. તે ઉપરાંત જે પ્રેક્ષકો તમારો અભિનય જોવા આવ્યા છે તેમનામાં શું ફૂટી બદામની પણ કલ્પનાશક્તિ નથી? તેઓ શું નાના બાળક છે? શ્રદ્ધાપૂર્વક તેમના ઉપર કાંઈ પણ છોડી શકાય નહીં? જો એમ જ હોય તો બમણા પૈસા આપે તો પણ આવા કોઈ માણસને ટિકિટ વેચવી જોઈએ નહીં. એ કાંઈ અદાલતમાં સાક્ષી આપવાની નથી કે દરેક બાબત સોગંદ ઉંપર પુરવાર કરવી પડે. જેઓ શ્રદ્ધા રાખવા માટે, આનન્દ મેળવવા માટે આવ્યા છે, તેમને ઠગવાની આટલી ધમાલ શા માટે? તેઓ એમની કલ્પનાશક્તિને ઘેર તાળામાં પૂરીને આવ્યા નથી; કેટલુંક તમે જણાવો અને કેટલુંક તેઓ જાણી લે; તમારી સાથે તેમનો આ પ્રકારનો પરસ્પર સમ્બન્ધ છે. દુષ્યન્ત ઝાડના થડને ઓથે ઊભો ઊભો સખીઓ સાથે ચાલતો શકુન્તલાનો વાર્તાલાપ સાંભળે છે. બહુ સારું. વાર્તાલાપ ખૂબ રસની જમાવટ સાથે બોલતા જાઓ! આખું ઝાડનું થડ અમારી સન્મુખ નહીં હોય તો પણ એટલું અમે ધારી લઈ શકીશું. એટલી સર્જનશક્તિ અમારામાં છે. દુષ્યન્ત તથા શકુન્તલા, અનસૂયા તથા પ્રિયંવદા એમના ચરિત્રને અનુરૂપ પ્રત્યેક હાવભાવ અને બોલવાની દરેક ઢબ એકદમ પ્રત્યક્ષવત્ અનુમાની લેવી મુશ્કેલ છે; એથી તે જ્યારે પ્રત્યક્ષ વર્તમાન જોવાની મળે ત્યારે હૃદય રસથી સીંચાય છે. પરંતુ બે ઝાડ અથવા એક ઘર, એક નદી, એની કલ્પના કરી લેવી કાંઈ મુશ્કેલ નથી. તે પણ અમારા હાથમાં ન રાખો અને ચિત્ર દ્વારા ઉપસ્થિત કરો તેમાં અમારા પ્રતિ ભયંકર અશ્રદ્ધા પ્રકટ થાય છે. આપણા દેશની ‘જાત્રા’ અમને એટલા માટે સારી લાગે છે. ‘જાત્રા’ના અભિનયમાં પ્રેક્ષક અને અભિનેતા વચ્ચે કોઈ ભારે અન્તરાય નથી હોતો. પરસ્પરની શ્રદ્ધા અને અનૂકૂળતા ઉપર આધાર રાખવાથી કાર્ય ઠીક સહૃદયતા સાથે પાર ઊતરે છે. અસલ વસ્તુ જે કાવ્યરસ, તે જ અભિનયની સહાયથી ફુવારાની માફક ચારે તરફ પ્રેક્ષકના પુલકિત ચિત્ત ઉપર છંટાય છે. માળણ જ્યારે થોડાં ફૂલવાળા તેના બાગમાં ફૂલ શોધતાં વાર લગાડે છે ત્યારે તે સાબિત કરવા આખાં ને આખાં ઝાડ રંગભૂમિ ઉપર લાવવાની શી જરૂર છે? એકલી માળણ ઉપરથી આખો બાગ એની મેળે ઉપસ્થિત થાય છે. જો તેમ ન થાય તો માળણની પોતાની શક્તિ ક્યાં રહી? પ્રેક્ષકો પણ કાષ્ઠનાં પૂતળાં જેવાં શું કામ બેઠા છે? શકુન્તલાના કવિને જો રંગભૂમિના પડદાનો વિચાર કરવાનો હોત, તો પહેલેથી મૃગની પાછળ રથ દોડાવવાનું તે બંધ કરી દેત. જરૂર, તેઓ તો ભારે કવિ હતા. રથ અટકતાંની સાથે તેમની કલમ અટકી જાત એમ નથી, પરંતુ અમે કહીએ છીએ કે જે તુચ્છ છે તેને માટે, જે મહાન છે તે, કોઈ પણ બાબતમાં શું કામ પોતાનું ગૌરવ તજે? રસિકના મનમાં જે રંગભૂમિ છે ત્યાં સ્થળનો અભાવ નથી, ત્યાં જાદુથી પડદા પોતાની મેળે રચાઈ રહે છે. તે જ રંગભૂમિ, તે જ પટ નાટકકારનું લક્ષ્યસ્થળ છે. કોઈ કૃત્રિમ રંગભૂમિ, કૃત્રિમ પટ કવિક્લ્પનાને ઉપયુક્ત થઈ શકે નહીં. એટલા માટે જ્યાં દુષ્યન્ત અને સારથિ એક જ સ્થાને સ્થિર ઊભા રહી વર્ણન અને અભિનય દ્વારા રથવેગ ભજવે છે, ત્યાં પ્રેક્ષક આ અતિ સામાન્ય વાત અનાયાસે ધારી લે છે કે રંગભૂમિ નાની છે. પરંતુ કાવ્ય નાનું નથી. તેટલા જ માટે કાવ્યની ખાતર રંગભૂમિની આ અનિવાર્ય ત્રુટિને રાજીખુશીથી તેઓ માફ કરે છે, અને પોતાના ચિત્તક્ષેત્રને તે ક્ષુદ્ર સ્થાનમાં પ્રસારી દઈને મંચભૂમિને વિશાળ બનાવી દે છે. પરંતુ રંગભૂમિને ખાતર કાવ્યને જો ઊતરવું પડ્યું હોત તો એ હતભાગ્ય લાકડાંના ટુકડાઓને કોણ માફી આપી શકત? શકુન્તલા નાટક બહારના ચિત્રપટની અપેક્ષા રાખતું નથી એટલે પોતાના ચિત્રપટને તેણે પોતે સર્જી લીધા છે. તેનો કણ્વાશ્રમ, તેના સ્વર્ગપથનો મેઘલોક, તેનું મારીચનું તપોવન વગેરેને માટે તેને બીજા કોઈને કાંઈ વર્દી આપવી પડતી નથી. તેણે પોતે જ પોતાને સમ્પૂર્ણ કરી લીધું છે. ચિત્રસર્જનમાં શું કે સ્વભાવચિત્રણમાં શું, પોતાની કાવ્યસમ્પત્તિ ઉપર જ કેવળ તેનો આધાર છે. અમે બીજા એક લેખમાં કહ્યું છે કે યુરોપિયનોની દૃષ્ટિએ જે પ્રત્યક્ષ દેખાતું નથી તે છે જ નહીં, એમ છે. કેવળ કલ્પના તેમનું ચિત્તરંજન કરી શકતી નથી. કાલ્પનિકને પૂરેપુરું વાસ્તવિકની માફક બતાવીને બાળકની માફક તેમને ભુલાવવા જોઈએ. કેવળ કાવ્યરસની પ્રાણદાયિની વિશલ્યકરણીથી ચાલે નહીં, તેની સાથે વાસ્તવિકતાનો આખો ગન્ધમાદન પણ લાવવો જોઈએ. આ કલિયુગ છે, એટલે ગન્ધમાદન ખેંચી લાવવા એન્જિનિયરીંગ જોઈએ, તેનું ખર્ચ પણ સામાન્ય નથી. વિલાયતના સ્ટેજ ઉપર કેવળ એક ખેલને માટે જે નાહક ખર્ચ થાય છે તેટલામાં તો ભારતવર્ષના કેટલાયે અભ્રભેદી દુભિર્ક્ષ ડૂબી જઈ શકે. પ્રાચ્ય દેશોમાં ક્રિયા, કર્મ, ખેલ, આનન્દ, બધું સરળ સહજ છે. કેળના પત્ર ઉપર આપણું ભોજન સુન્દર રીતે થાય છે તેથી જ ભોજનનો જે સાચામાં સાચો આનન્દ — આખા વિશ્વને કાંઈ પણ સંકોચ વિના પોતાને ત્યાં નોતરવું — એ સમ્ભવિત બને છે. આયોજનનો ભાર જો જટિલ અને અતિશય હોત તો મૂળ વાત જ મારી જાત. વિલાયતની નકલ કરીને આપણે જે થિયેટર ઊભું કર્યું છે તે એક મોટી વધી ગયેલી રસોળી જેવી વસ્તુ છે. તેને એક જગાએથી બીજી જગ્યાએ લઈ જવું મુશ્કેલ છે. ગરીબથી માંડીને સહુને ઘેર તેને લાવવું અશક્ય છે. તેની અંદર લક્ષ્મીનું ઘુવડ* સરસ્વતીના પક્ષને ઘણુંખરું ઢાંકી દે છે. તેમાં કવિ અથવા અભિનેતાની પ્રતિભાના કરતાં કંપનીના માલિકની મૂડી જ વધારે આવશ્યક છે. પ્રેક્ષક જો વિલાયતી છોકરવાદીની દીક્ષા પામેલા ન હોય અને અભિનેતા જો પોતામાં અને કાવ્યમાં યથાર્થ શ્રદ્ધાવાળા હોય, તો તેઓ અભિનયની આસપાસની ખર્ચાળ અને નકામી જંજાળને ઝાડી કાઢી રંગભૂમિને મુક્તિ અને ગૌરવ આપે, તો જ સહૃદય હિંદપુત્રને છાજે એવું કામ તેમણે કર્યું ગણાય. બાગને બરાબર ચીતરીને ખડો કરવો પડે અને સ્ત્રીનો વેશ સ્ત્રીએ જ ભજવવો પડે એ જાતના અત્યન્ત સ્થૂળ વિલાયતી જંગલીપણાને તિલાંજલિ આપવાનો સમય આવી પહોંચ્યો છે. ટૂંકમાં કહી શકાય કે જટિલતા નાલાયકી સૂચવે છે. વાસ્તવિકતાનું ઊંટ જો કળાના તંબૂમાં પેસી જાય તો બધી જગા પોતે જ લઈ લે અને કળાને તેમાંથી બહાર નીકળવું પડે. જ્યાં અજીર્ણને લીધે યથાર્થ રસની ભૂખ નથી, ત્યાં ખર્ચાળ મસાલો ધીમે ધીમે એટલો બધો બધી જાય છે કે આખરે ચટણી જ મુખ્ય આહાર થઈ જાય છે અને અન્ન તો વળામણ જેવું બની જાય છે. પૌષ ૧૩૦૯ (બંગદર્શન, જાન્યુઆરી ૧૯૦૩ (પૌષ ૧૩૦૯)માં પ્રકાશિત) (રવીન્દ્ર નિબંધમાલા ૨)

  • બંગાળીઓ લક્ષ્મીને ઘુવડનું વાહન આપે છે, તે કલ્પના ઔચિત્યવાળી લાગે છેઃ અનુવાદક