વસુધા/લઈ લે–

લઈ લે–

લઈ લે કમલો તું કેશથી
દૃગથી અંજન લૂછી લે બધું,
કમલો તુજ નેત્રમાં વસ્યાં,
વસ્યું ભ્રૂમાં કમનીય કજ્જલ.

પ્રિય! ચંદ્ર લલાટ કાં ધરે?
તવ જાતે મુખ પૂર્ણ ચંદ્ર છે!
અળતો ચરણે જ બાપડો
શરમાતો ચરણોની લાલીથી.

નહિ નૂપુર કંકણો તણી
સખિ! જંજાળ જરૂરની હવે, ૧૦
કલ મંજુલ કંઠને સ્વરે
સહુ યે કોકિલ ચૂપ છે બની!

સખિ! અંતર માહરે હવે
નિજ સૌ સ્પન્દન બંધ છે કર્યાં,
તવ અંત૨તીર્થ માહરી
પરિકમ્મા સઘળી સમાપ્ત થૈ.