વિનોદ જોશીનાં કાવ્યો/હાથે કરીને

હાથે કરીને

હાથે કરીને અમે અજવાળાં માગ્યાં
         હવે અંધારાં બાર ગાઉ છેટાં...

આમ તો પરોઢ સાવ પોચું કે
          ઝાકળની પાનીએય પડે નહીં છાલાં,
પાંદડીએ પાંદડીમાં ઝૂલે આકાશ
          અડે મખમલિયા વાયરાઓ ઠાલા;

સૂરજનાં કિરણોની આંગળિયે નીકળેલ
          સપનાના હોય નહીં નેઠા...

મેંદીની ભાત હોય ઘાટી મધરાત હોય
          અંજળની વાત હોય છાની,

સોનેરી સેજ હોય રૂપેરી ભેજ હોય
          ભીતરમાં કેદ હોય વાણી;
હાથવગા ઓરતાને ઝંઝેડી સાવ તમે
          ઉઘાડી આંખ કરી બેઠાં...