સરસ્વતીચંદ્ર-સંક્ષિપ્ત લઘુ આવૃત્તિ/પ્રારંભિક

Revision as of 15:32, 17 May 2022 by Atulraval (talk | contribs)


‘એકત્ર’નો ગ્રંથગુલાલ


Ekatra-foundation-logo.jpg


આપણી મધુર ગુજરાતી ભાષા અને એના મનભાવન સાહિત્ય માટેનાં સ્નેહ-પ્રેમ-મમતા અને ગૌરવથી પ્રેરાઈને ‘એકત્ર’ પરિવારે સાહિત્યનાં ઉત્તમ ને રસપ્રદ પુસ્તકોને, વીજાણુ માધ્યમથી, સૌ વાચકોને મુક્તપણે પહોંચાડવાનો સંકલ્પ કરેલો છે.

આજ સુધીમાં અમે જે જે પુસ્તકો અમારા આ ઇ-બુકના માધ્યમથી પ્રકાશિત કરેલાં છે એ સર્વ આપ

https://www.ekatrafoundation.org

તથા

https://wiki.ekatrafoundation.org/wiki/Main_Page

તથા

https://ekatra.pressbooks.pub

પરથી વાંચી શકશો.


અમારો દૃષ્ટિકોણ:

હા, પુસ્તકો સૌને અમારે પહોંચાડવાં છે – પણ દૃષ્ટિપૂર્વક. અમારો ‘વેચવાનો’ આશય નથી, ‘વહેંચવાનો’ જ છે, એ ખરું; પરંતુ એટલું પૂરતું નથી. અમારે ઉત્તમ વસ્તુ સરસ રીતે પહોંચાડવી છે.

આ રીતે –

• પુસ્તકોની પસંદગી ‘ઉત્તમ-અને-રસપ્રદ’ના ધોરણે કરીએ છીએ: એટલે કે રસપૂર્વક વાંચી શકાય એવાં ઉત્તમ પુસ્તકો અમે, ચાખીચાખીને, સૌ સામે મૂકવા માગીએ છીએ.

• પુસ્તકનો આરંભ થશે એના મૂળ કવરપેજથી; પછી હશે તેના લેખકનો પૂરા કદનો ફોટોગ્રાફ; એ પછી હશે એક ખાસ મહત્ત્વની બાબત – લેખક પરિચય અને પુસ્તક પરિચય (ટૂંકમાં) અને પછી હશે પુસ્તકનું શીર્ષક અને પ્રકાશન વિગતો. ત્યાર બાદ આપ સૌ પુસ્તકમાં પ્રવેશ કરશો.

– અર્થાત્, લેખકનો તથા પુસ્તકનો પ્રથમ પરિચય કરીને લેખક અને પુસ્તક સાથે હસ્તધૂનન કરીને આપ પુસ્તકમાં પ્રવેશશો.

તો, આવો. આપનું સ્વાગત છે ગમતાંના ગુલાલથી.

Ekatra Foundation is grateful to the author for allowing distribution of this book as ebook at no charge. Readers are not permitted to modify content or use it commercially without written permission from author and publisher. Readers can purchase original book form the publisher. Ekatra Foundation is a USA registered not for profit organization with objective to preserve Gujarati literature and increase its audience through digitization. For more information, Please visit: https://www.ekatrafoundation.org, https://wiki.ekatrafoundation.org/wiki/Main_Page or https://ekatra.pressbooks.pub.



સરસ્વતીચંદ્ર



(સંક્ષિપ્ત કથાસ્વરૂપ)





લેખક  સ્વ. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


સંક્ષેપકાર  ઉપેન્દ્ર છગનલાલ પંડ્યા





એન. એમ. ત્રિપાઠી પ્રા. લિ.
૧૬૪, શામળદાસ ગાંધી માર્ગ, મુંબઈ-૪૦૦ ૦૦૨





સરસ્વતીચંદ્ર (સંક્ષિપ્ત કથાસ્વરૂપ)
© ઉપેન્દ્ર પંડ્યા
આવૃત્તિઃ પ્રથમ ૧૯૫૧

દ્વિતીય ૧૯૫૩, તૃતીય ૧૯૮૩, ચતુર્થ ૧૯૮૯, પાંચમી ૧૯૯૭


આવરણઃ શ્રી વિનોદ પીઠડીઆ
મૂલ્ય રૂ. ૧૧૦

ફોટોટાઈપસેટિંગ  કોમ્પ્યુસર્વ, ગુજરાતી સોસાયટી,

વિલેપારલે (ઈસ્ટ), મુંબઈ–૪૦૦ ૦૫૭.

ટેલિ  ૬૧૭ ૪૫૮૧/૮ર/૮૮

મુદ્રક
રાકેશ કે. દેસાઈ ચંદ્રિકા પ્રિન્ટરી મિરઝાપુર રોડ, 
અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન  ર૦૫૭૮

પ્રકાશક

અરવિન્દ સ. પંડ્યા

એન. એમ. ત્રિપાઠી પ્રા. લિ.

૧૬૪, શામળદાસ ગાંધી માર્ગ,
 મુંબઈ-૪૦૦ ૦૦૨




સંક્ષેપકારનું નિવેદન

નિવેદન રામાયણ, મહાભારત, કાદંબરીના સંક્ષેપ આપણે ત્યાં થયા છે. જગતની શ્રેષ્ઠ અતિકાય કે મહાકાય કૃતિઓના સંક્ષેપ દેશદેશમાં થાય છે; તે મુજબ લગભગ ૧૮૦૦ (ક્રાઉન કદ, ર૦૦૦ ઉપરાંત) પાનાંની મહાકાય નવલકથા ‘સરસ્વતીચંદ્રનો સંક્ષેપ થાય, તો બે ભાગ પછી હવે ઉપેક્ષિત બનતી આ મહાનવલ જનતા માટે વધુ ઉપભોગ્ય બને, સંસ્કારી વાચક આ નાનકડા સંક્ષેપ પરથી મૂળને વિસારે ન પાડતાં એ મહાનવલ વાંચવા કદાચ વધુ પ્રેરાય; આવી માન્યતાથી પ્રેરાઈને ‘સરસ્વતીચંદ્ર’ની મૂળ કથા-સરસ્વતીચંદ્ર-કુમુદવાળું કથાવસ્તુ જ – સ્વ. ગોવર્ધનરામની અનુપમ સૌન્દર્યસર્જક શૈલીમાં રજૂ કરવા પ્રસ્તુત સંક્ષેપ દ્વારા નમ્ર પ્રામાણિક પ્રયત્ન કર્યો છે. એટલે જ વસ્તુસંકલનાના બીજા બધા તાણાવાણા, આડકથાઓ કે તત્ત્વચર્ચાઓ વગેરે છોડી દેવું પડ્યું છે. એ રીતે આ મૂળનો સર્વાંગસંક્ષેપ નથી, માત્ર મૂળ કથાનો જ કથારૂપ સંક્ષેપ છે. પ્રકરણોને જ્યાં જ્યાં સાંધવા-સાંકળવાં પડ્યાં ત્યાં ત્યાં નછૂટકે તેમ કર્યું છે. (કેમ કે મૂળ સાથે છૂટ ઓછામાં ઓછી લેવી, નછૂટકે જ લેવી, એ નિયમ રાખ્યો છે.) અનિવાર્ય જણાતાં કદીક પ્રકરણોનો ક્રમ ઉલટાવ્યો છે; ને નવાં શીર્ષકો પણ આપવાં પડ્યાં છે. ક્યાંક ગાંઠનાં વાક્ય મૂકવાં પડ્યાં છે, કેમ કે સારગ્રહી રીતિ પણ ક્યાંક ક્યાંક સ્વીકારી છે. અતિ ઉદ્દીપક ચિત્રો જતાં કર્યાં છે કે ટૂંકાવ્યાં છે. કઠિન શબ્દોના અર્થ નીચે પાદનોંધમાં આપ્યા છે. જોડણી ઘણે અંશે અર્વાચીન રાખી છે. ‘સરસ્વતીચંદ્ર'ની અનેક આવૃત્તિઓ થઈ છે. તેથી પાઠાંતરો ને મુદ્રણદોષોની મુશ્કેલીઓ જે અહીં નડી છે, તેનું તો માત્ર સૂચન કરું છું. મૂળનું સૌન્દર્ય, સામર્થ્ય, સર્જકત્વ બને તેટલું અખંડકલ્પ રાખી તે સંક્ષેપમાં ઉતારવા પ્રયત્ન કર્યો છે. જોકે તે તો, નાનકડી છીપોલી ગગનમાં ચોમેર ઘૂમતા ઘનશ્યામ મેઘનાં જળને ઝીલવા મથે તેવો જ! ભિન્ન ભિન્ન રૂચિ અનુસાર શું રાખવા જેવું હતું ને શું કાઢી નાખવા જેવું હતું, એ હેયોપાદેય વિશે ઘણાને મતભેદ પણ રહે. તે અંગે કોઈ ભારે મોટી કસૂર થઈ ગઈ હોય તો અધિકારી વાચકવર્ગની ક્ષમા જ માગવી રહે છે, કેમ કે મારે માટે તો આ એક ઘણું મોટું સાહસ છે  ને તેથી ન્યાય કરવાની વાત તો ક્યાં કરું, પણ આ મહાસર્જકની પ્રતિભાપ્રભાને જો ઓછામાં ઓછો અન્યાય થયો હોય, તો તેયે મારે માટે ઘણું છે. બાકી, મારા વડીલ બંધુ સ્વ. શ્રી કાન્તિલાલ છગનલાલ પંડ્યાએ સ્વ. શ્રી ગોવર્ધનરામ(મામા)નું જીવનચરિત્ર લખ્યું ને મારા સરખાને ‘સરસ્વતીચંદ્ર’નો કથારૂપ સંક્ષેપ કરવાનો થયો, એ તો મારા જીવનનું પરમ સદ્ભાગ્ય સમજું છું. ‘સરસ્વતીચંદ્ર’ની પૂર્ણાહુતિની અર્ધશતાબ્દીએ આ સંક્ષેપ પ્રગટ થાય છે, એ પણ એક યોગાનુયોગ છે! એક પ્રતીતિ આ લખનારને અવશ્ય થઈ છે. ‘સરસ્વતીચંદ્ર’નો વિસ્તાર મહાકાન્તાર જેવો સંકુલ, અટપટો ને ભુલભુલામણો છે ખરો; પણ એ મહાકાન્તારમાંયે કલાપૂર્ણ નવલકથાનું નંદનવન વિલસે છે ખરું. પ્રસ્તુત સંક્ષેપથી આ પ્રતીતિ વાચકોને – નવયુવક-યુવતીઓને વધુ સારી રીતે થઈ શકે ખરી? આ તો માત્ર કથારૂપ સંક્ષેપ છે. સ્વ. ગોવર્ધનરામને મને કથા તો મહત્ત્વની હોવા છતાં ગૌણ હતી, વક્તવ્ય જ મુખ્ય હતું. એ દૃષ્ટિએ ‘સરસ્વતીચંદ્ર'નો મૂલાનુસારી બૃહતસંક્ષેપ મારા વિદ્યાગુરુ પ્રા. શ્રી અનંતરાય મ. રાવળ સાથે કરવાની યોજના તો છે. એ દિશામાં કાર્ય પણ શરૂ કર્યું છે. અહીં મારા બે પૂજ્ય ગુરુઓ પ્રત્યે અંતરની કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. ગુજરાતના સમર્થ વિવેચક શ્રી પાઠકસાહેબે એમની અનેક જવાબદારીભરી પ્રવૃત્તિઓમાં ‘આમુખ' લખવાનું સોત્સાહ સ્વીકાર્યું ને એ રીતે એમના જેવા શક્તિશાળી મૌલિક વિચારનાં સૂચનોનો લાભ મળ્યો તે માટે ખરેખર ઉપકૃત છું. ‘સરસ્વતીચંદ્ર'ના ઊંડા અભ્યાસી પ્રો. અનંતરાય રાવળે આ કથારૂપ સંક્ષેપ આત્મીયભાવે ચીવટથી વાંચી જઈ મને જે સૂચનો કર્યાં છે ને મારામાં આ કાર્ય માટે જે પુરુષાર્થ ને પ્રેરણા જગાવ્યાં છે તે માટે એમનો આભાર જેટલો માનું તેટલો ઓછો છે. સાક્ષર શ્રી બળવંતરાય ઠાકોર વગેરે જે વિદ્વાન સાહિત્યકારોએ ને અધ્યાપક બંધુઓએ આ કાર્યના આરંભમાં એમની વિચારણાનો લાભ મને આપ્યો છે તેમનું સૌનું ઋણ પણ સ્વીકારું છું. આ સંક્ષેપના પ્રકાશન અંગે મુ. શ્રી. રમણીયરામ ગો. ત્રિપાઠીએ મને સંમતિ આપી છે ને વખતોવખત સૂચનો કર્યાં છે તે માટે તેમનોય આભારી છું. છેવટે, આ પ્રયત્ન સર્વથા દરિદ્ર કે વામણો નહિ ગણાય એવી આશા સાથે, સૌ વાચકો, વિવેચકો ને અભ્યાસીઓનાં સૂચનો ને સમભાવને યાચતો, જેવો છે તેવો આ સંક્ષેપ ગુજરાતને ચરણે સાદર રજૂ કરું છું. બલવદપિ શિક્ષિતાનામાત્મન્યપ્રત્યયં ચેત:! ત્યાં મારા જેવાની તે શી વાત? ઉપેન્દ્ર છ. પંડ્યા 
ભાવનગર 
૨૭-૭-૫૧ બીજી આવૃત્તિનું નિવેદન સરસ્વતીચંદ્ર'ના સંક્ષેપની આ બીજી આવૃત્તિ એક-દોઢ વર્ષમાં જ ફરી પ્રગટ થાય છે, એ તો ‘સરસ્વતીચંદ્ર' પ્રત્યેના ગુજરાતના અસાધારણ આદર અને અનુરાગનો જ પડઘો છે. ગુજરાતની જનતાએ તથા વિવિધ વિદ્યાસંસ્થાઓએ આ ગ્રંથને જે આવકાર આપ્યો છે, તે માટે સૌનો અંત:કરણથી આભાર માનું છું. બીજી આવૃત્તિમાં કેટલાંક સ્થળે જે નાનામોટા ઉમેરારૂપ સુધારા કર્યા છે, તે જિજ્ઞાસુ જાતે જ જોઈ લેશે એવી આશા છે. ઉપેન્દ્ર છ. પંડ્યા
રાજકોટ, ૨૭-૧૧-૫૨ ત્રીજી આવૃત્તિનું નિવેદન ઘણા લાંબા સમયગાળા પછી, ‘સરસ્વતીચંદ્ર’ના લઘુસંક્ષેપનું નવી આવૃત્તિ રૂપે આજે પુન: પ્રકાશન થાય તેથી સંતોષ અનુભવું છું. એન. એમ. ત્રિપાઠી કંપનીના મુખ્ય સંચાલક શ્રી દ્રુમનભાઈ ત્રિવેદીએ આ આવૃત્તિના પ્રકાશનમાં પહેલેથી જે રસ લીધો તેને કારણે જ વર્ષો બાદ આ પ્રકાશન શક્ય બન્યું છે. શ્રી અરવિંદભાઈ પંડ્યાએ તથા શ્રી ચંદ્રકાંતભાઈ યાજ્ઞિકે આ સંક્ષેપના મુદ્રણ પરત્વે જે ઉત્સાહ ને સહાયકવૃત્તિ દાખવ્યાં છે તે માટે તેમનો પણ ખૂબ આભારી છું. ઉપેન્દ્ર છ. પંડ્યા 
રાજકોટ 
૩૧-૫-૮૩





શ્રી રા. વિ. પાઠકનું આમુખ

કોઈ પણ કથાનો વૃત્તાંતસાર, શરીરમાં હાડપિંજરને સ્થાને હોય છે. જેમ શરીરમાં માંસમજ્જા, ચામડી વગેરે જે શરીરને છેવટનો ઘાટ અને રૂ૫ આપે છે. તે સર્વ હાડપિંજરને આધારે રહેલાં હોય છે, તેમ કથાનું છેવટનું સફાઈદાર રૂપ મુખ્યત્વે તેના વૃત્તાંતના હાડપિંજરને આધારે રહેલું હોય છે. કથાના સૌન્દર્યના જુદા કરીને ચર્ચી શકાય એવા અંશો, તેના રસો અને ભાવો, તેના સંવાદો, વર્ણનો, ચિંતનો અને તેમાં આવતાં પાત્રોના સ્વભાવો પણ વૃત્તાંતને આધારે રહેલાં હોય છે. ગહન, ઉદાત્ત કે વિશાલ ભાવ કે લાગણી તેને ઉચિત વૃત્તાંત કે બનાવ કે કાર્ય વિના અસરકારક થઈ શકતાં નથી. વિશેષ શું, ભાવનિરૂપણની ઘણીખરી ક્ષતિઓ કે દોષો, લાગણી કે ભાવને સ્વાભાવિક એવા, અને ભાવની ઘનતા મહત્તા કે વિશાળતાનો ભાર ખમે એવા વૃત્તાંત કે બનાવના અભાવના, એટલે કે ઉચિત વૃત્તાંત કે બનાવો કલ્પવાની અશક્તિના હોય છે. વાર્તામાં વૃત્તાંતસર્જન પાછળ ખર્ચાતી કલ્પનાશક્તિ કંઈ નાનીસૂની નથી હોતી. અલબત્ત અહીં, કથાસર્જનમાં વૃત્તાંત અને ભાવોનું પૌર્વાપર્ય કે એવું કશું વક્ષ્યમાણ નથી. વાર્તાકલામાં વૃત્તાંતનું કેટલું મહત્ત્વ છે એ કહેવાનો જ ઉદ્દેશ છે. અને તેમ છતાં બીજાં ઘણાંખરાં દૃષ્ટાન્તોની પેઠે, આ હાડપિંજરનું દૃષ્ટાન્ત એકદેશીય જ છે. શરીરમાં હાડપિંજર દેખાતું હોતું નથી, અને જે અર્થમાં શરીર સુંદર હોઈ શકે છે તે અર્થમાં હાડપિંજર સુંદર હોતું નથી. વાર્તાશરીરમાં વૃત્તાંતનું હાડપિંજર પણ દૃશ્યમાન હોય છે, અને સુંદર વાર્તામાં વૃત્તાંત પણ સુંદર હોય છે. વૃત્તાંત સુંદર હોય, તે તેની આકૃતિને લીધે હોય, અને ‘સરસ્વતીચંદ્ર’ને પણ અમુક વૃત્તાંત આકૃતિ છે-અનેક નદીઓનો સંગમ પામતા મહાનદની – જે વિશે પહેલાં એક વાર હું કહી ગયો છું. પણ તે સિવાય પણ, આકૃતિ ન હોય તોપણ, સુંદર કથામાં કેવળ વૃત્તાંત પણ રસનિષ્પાદક હોય છે. તેનો રસ શો એમ કોઈ પૂછે તો હું કહું કે અદ્ભુત રસ. અદ્ભુત રસ સર્વ રસોમાં ઓતપ્રોત હોવા ઇષ્ટ છે. માત્ર વૃત્તાંત, બીજા કોઈ રસનું ન હોય તોપણ તે અદ્ભુત રસનું તો હોય જ. વાર્તાના બનાવો ચમત્કારક હોય જ. વાર્તા વાંચતાં, હવે શું થશે, હવે શું આવશે, એ કૌતુકને પ્રેરનાર અદ્ભુત રસ છે. મહાનવલમાં બીજા અનેક રસો ભલે હોય, પણ તેમાં પણ આ રસ હોય જ. ઘણા વાચકો, વાર્તામાં આ રસથી વિશેષ કશું માણી શકતા નથી, એ રસિકતાની મર્યાદા છે એ ખરું, પણ ઉચ્ચ અધિકારીની પણ આ વૃત્તાંત વિશેની રસેન્દ્રિય બધિર હોતી નથી. ‘સરસ્વતીચંદ્ર’કાર, વાર્તાની રચનાના જિજ્ઞાસારસને કથાનો એક આવશ્યક અંશ સ્વીકાર્યો છે, પણ તેમની કથાના અતિ લાંબા અને જટિલ પટમાં, જે અનેક વર્ણનો, સંવાદો, ચિંતનો, શાસ્ત્રચર્ચા, મંથનો, અસીહિત પાત્રને કરેલાં સંબોધનો, ઉદ્ગારો વગેરે આવે છે, તેમ અનેક કથાતંતુઓનું ગુંફન આવે છે, તેને લીધે મુખ્ય વાર્તાનું વહેણ ખોવાઈ જાય છે – અનેક વડવાઈઓમાં વડનું મૂળ થડ ખોવાઈ જાય તેમ. આથી વાર્તારચના જિજ્ઞાસુ-વર્ગ તે વાંચતો નથી. એટલું જ નહિ, આ મુખ્ય વાર્તાવહેણ ખોવાઈ જવાને લીધે, અભ્યાસી સંપૂર્ણ અભ્યાસ કરી શકતો નથી, અને ઘણા બનાવો, ચિંતનો, ઉક્તિઓ વગેરેનું ઔચિત્ય પૂરું સમજી શકતો નથી. આ બધાને માટે આવા વૃત્તાંત-સંક્ષેપની જરૂર હતી. આ કામ એક વાર સદ્ગત આનંદશંકરભાઈએ કરવા ધારેલું હતું, એ ઉપરથી આ કામની આવશ્યકતા અને મહત્ત્વનો ખ્યાલ આવશે. એ કામ આજે થયું છે એ સાહિત્યરસિકોને માટે હર્ષનો પ્રસંગ છે. વાર્તાને ભલે નિયતિકૃત નિયમનું બંધન ન હોય, પણ વાર્તા ચાલતી જાય તેમ તેમ વાર્તામાંથી પોતામાંથી, વાર્તાની સૃષ્ટિમાંથી જ નિયમો ઊભા થઈ વાર્તાને બંધનકર્તા થતા જાય છે, એ સૌ જાણે છે. જે વાત વાર્તારચનાને માટે સાચી છે તે વાર્તાસંક્ષેપ માટે પણ સાચી છે. વાર્તામાં સરસ્વતીચંદ્ર-કુમુદ પૂરતું વસ્તુ તારવીને મૂકવાનો સંકલ્પ એક વાર કરીએ, એટલે એ સંકલ્પ જ ઘણી જગાએ વસ્તુના હાનોપાદાનમાં નિર્ણાયક બને છે. એમ કરતાં સંક્ષેપકારને બુદ્ધિધનનું આખું પૂર્વવૃત્તાંત છોડી દેવું પડ્યું છે. શઠરાયને રાજ્ય-દરબારમાં કેવી રીતે મહાત કર્યો તે છોડી દેવું પડ્યું છે. એથી વિશેષ ત્રીજા ભાગમાં આવતા મલ્લરાજને છોડી દેવો પડ્યો છે. નહિતર કર્તાની રાજર્ષિની એ એક અપૂર્વ કલ્પના છે. એમ બીજું ઘણું ઘણું છોડી દેવું પડ્યું છે. આમાં કોઈને લાગે કે ‘ગુણસુંદરી'વાળું ૧૨મું પ્રકરણ પણ છોડી દેવું જોઈતું હતું. પણ વાર્તાનો મૂળતંતુ માત્ર સરસ્વતીચંદ્ર નથી, પણ સરસ્વતીચંદ્ર-કુમુદ- કુસુમની ત્રિવેણી છે, એ ધ્યાનમાં રાખીએ તો એ પ્રકરણ વધારે પડતું નહિ લાગે. જેમ ‘સરસ્વતીચંદ્ર'ના પ્રકરણમાં સરસ્વતીચંદ્રનાં માતા-પિતાનું અને તેના ઉછેરનું વર્ણન છે. તેમ ‘ગુણસુંદરી'માં કુમુદ-કુસુમના ઉછેરનું વર્ણન છે. ગુણસુંદરીના કુટુંબક્લેશમાં જન્મેલી કુમુદ જાણે દુ:ખ માટે જ જન્મી હતી, અને ગુણસુંદરીના સ્વતંત્ર જીવનમાં જન્મેલ કુસુમ સુખમાં જન્મી, તેમ સુખી થવા માટે જન્મી અને ગૃહત્યાગ પછી સરસ્વતીચંદ્રનો અંતરનો સંબધ એ કુટુંબ સાથે જ વધારે નિકટ અને ધન બને છે. વસ્તુસંક્ષેપ કરવામાં મૂળની ભાષાને વળગી રહેવાનો સંક્ષેપકારનો સંકલ્પ ઉચિત છે, અને એમાં એમને મળેલી સફળતા અભિનંદનીય છે. જ્યાં એમને નવું પ્રકરણ કરવું પડ્યું છે ત્યાં પણ તેનું નામ તેમણે મૂળ કથાના વસ્તુમાંથી સૂચન લઈ ઉચિત રીતે પાડ્યું છે. તોપણ એક સામાન્ય સૂચન કરવા જેવું લાગે છે. ઘણા લેખકોને અનુભવ હશે કે પોતે લખેલી વસ્તુ પણ હાથપ્રતમાં હોય એ કરતાં છપાઈને હાથમાં આવે છે ત્યારે વધારે સારી રીતે સમગ્ર રૂપે જોઈ શકાય છે. તો આ તો ‘સરસ્વતીચંદ્ર જેવા પુરાણના સંક્ષેપનો પ્રશ્ન છે, એટલે તેનું સમગ્ર રૂપ સંક્ષેપકાર પણ છપાયા પછી વધારે સારું જોઈ શકશે. મારી ભલામણ છે કે એમ કરતાં એમને જ્યાં જ્યાં કંઈ પણ ફેરફાર કે પુરવણી કરવાની જરૂર પડે ત્યાં તેઓ પોતે જ કરે; અને એવી એક-બે બાબત જણાઈ છે તે તરફ ધ્યાન દોરું, જેથી મારું વક્તવ્ય સ્ફુટ થાય. પૃ. ૧૪૪ ઉપર અલક પ્રમાદધનને કહે છે  ‘કુલટા મેડીમાં આવી હતી ને આપે કેવડો ને સાંકળી એના પર રસ્તામાં ફેંક્યાં હતાં તે શાનું સાંભરે?' આ કથન આગળ બનેલા બનાવને ઉદ્દેશીને આવે છે, પણ સંક્ષેપમાં આ મૂળ બનાવ બન્યો તે સમયનો તેનો ઉલ્લેખ નથી થયો. તેથી વાચકને મૂળ બનાવની અપેક્ષા જાગે છે અને તેને ઉપરની ઉક્તિ પૂર્વના અનુસંધાન વિનાની નિરાધાર રહી ગઈ જણાય છે. મૂળ પુસ્તકમાં તે પહેલા ભાગના ‘પ્રમાદધન અને કુમુદસુંદરી'વાળા ૧૭મા પ્રકરણમાં બનતો વર્ણવાયો છે. આ પ્રકરણનું વસ્તુ, સંક્ષેપના ૮મા ‘ખંડિત કુમુદસુંદરી’ના પ્રકરણમાં આવે છે, ત્યાં તે પ્રસંગને મૂળ બનતો વર્ણવાય તો વાંચનારની અપેક્ષા પૂર્ણ સંતોષાય એમ માનું છું. તેમ જ એ પ્રકરણમાં પ્રમાદધન દરબારના વિવિધ સમાચાર કહે છે તે સાથે પોતે રાજ્યને કામે લીલાપુર જવાનો છે એ મતલબની ઉક્તિ પણ ત્યાં આવી જાય તો પછીના (9મા) પ્રકરણમાં કુમુદસુંદરી મેડીમાં તે રાતે તે એકલી હતી તેનો ખુલાસો પણ થઈ જાય. આ વસ્તુસંક્ષેપ છે, અને છતાં એ માત્ર બનાવોની હારમાળાનો સંગ્રહ નથી. મેં હાડપિંજરનું દૃષ્ટાંત આપ્યું તેથી આ કહેવાની ખાસ જરૂર રહે છે. સંક્ષેપની પ્રક્રિયા એ માત્ર બાદબાકીની પ્રક્રિયા જેવી યાંત્રિક ક્રિયા નથી. એક મોટા વર્તુળની અંદર બરાબર વચમાં એક બીજું નાનું વર્તુળ દોરવું હોય, તો મોટા વર્તુળનું મધ્યબિન્દુ શોધીને જ ટૂંકી ત્રિજ્યાથી દોરી શકાય, તેમ સંક્ષેપની પ્રક્રિયા માત્ર ટાંચણ કે સાર જેવી નથી, પણ મૂળનું રહસ્ય પકડી ટૂંકી ત્રિજ્યાએ આખી વાર્તા ફરી લખવાની ક્રિયા જેવી છે. તેથી મૂળ લેખકની બધી કલા સંક્ષેપને અનુરૂપ થઈ આવે જ. આ સંક્ષેપમાં પણ ગોવર્ધનરામની કલાનાં ઉત્કૃષ્ટ લક્ષણો, જેવાં કે તેમનો વાગ્‌વૈભવ, તેમની પ્રૌઢિ, અર્થગાંભીર્ય, પાત્રાલેખન, સંવાદકલા, વર્ણનશક્તિ, અલંકારસમૃદ્ધિ, સ્વાભાવિક રીતે જ ઊતરી આવ્યાં છે. એટલે કે આ પુસ્તક એક સ્વતંત્ર નવલકથા જેટલું જ સુવાચ્ય અને આસ્વાદ્ય બન્યું છે. વાર્તારસિક વર્ગ આને રસપૂર્વક વાંચશે એવી આશા પડે છે. આ સંક્ષેપની યોજનામાં, આનાથી વધારે મોટો એક બીજો સંક્ષેપ પણ તૈયાર કરવાનો નિર્ધાર છે, એ જોતાં, અને હવે ગુજરાતમાં જ બે વિશ્વવિદ્યાલયો કામ કરતાં થયાં છે એ જોતાં જણાય છે કે ‘સરસ્વતીચંદ્ર'નો અભ્યાસ વધશે. તો ‘સરસ્વતીચંદ્ર'ના પ્રકાશનને માટે મારે એક-બે સૂચનો કરવાનાં છે તે અહીં કરું છું. ‘સરસ્વતીચંદ્ર’ને પચાસ વરસ થવા આવ્યાં. તેની અનેક આવૃત્તિઓ થઈ છે. આપણા દેશમાં સો ટકા શુદ્ધ પ્રૂફ તપાસનારા વિરલ છે, તો આ લાંબી આવૃત્તિ-પરંપરામાં કેટલીય ભૂલો ગુણાતી ગઈ હશે. એટલે આ સંક્ષેપ થયા પહેલાં, પ્રથમ પાઠશુદ્ધિનું કામ, આ કામના રસિયા ઉત્સાહી અભ્યાસીઓ પાસે કરાવવું જોઈએ. અને બીજું એ કે આ મહાનવલની જૂની આવૃત્તિઓની બને તેટલી નકલો ગુજરાતીના શિક્ષણનાં જુદાં જુદાં કેન્દ્રોમાં આવેલાં પુસ્તકાલયોમાં મુકાઈ તેના સંરક્ષણ માટે યોગ્ય વ્યવસ્થા થવી જોઈએ. રામનારાયણ વિ. પાઠક
અમદાવાદ 
તા. ૧૭-૭-૫૧