સિગ્નેચર પોયમ્સ/હવે તું – રામચંદ્ર પટેલ

From Ekatra Wiki
Revision as of 02:08, 21 April 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
હવે તું...

રામચન્દ્ર પટેલ


તમે પ્હેલાંવ્હેલાં મુજ સમય મોંઘો બની અહીં
વહી આવ્યાં ત્યારે જડ પથર હું ઉંબર હતો
પડેલો દ્વારે : ત્યાં કુસુમ સરખાં કંકુપગલાં
અડ્યાં; જાગી ઊઠયો તરત થઈને મોર કલગી
જઈ બેઠો સાખે : પછી નીરખું તો તોરણ તમે
રહ્યાં મ્હેકી,... પાછો હું સરકી જઈ કુંજર સમ
થયો પાણિયારું... ઉતરડ બની તામ્રવરણી
ઊગી મોરી ઉઠ્યાં, ઝગુંમગું થઈ ચોક ટહુક્યો.

વલોણું, સાંબેલું, જલ-સભર બેડું, વળગણી,
તવી, ચૂલો, ઘંટી, વળી દહીંની દોણી, નિસરણી.
બધાંની વચ્ચે તું ઊજળું ઊજળું છાપરું થઈ
ઠરે એ પ્હેલાં તો ઊતરી ગઈ લૂખા લીંપણમાં..

હવે તું લોહીમાં હલચલી પછી લિસ્સું સરતી
ચિતા બે આંખોની નિત સળગી ચિત્કાર ભરતી.