સોરઠી સંતવાણી/શેઠ નગરમાં છે


શેઠ નગરમાં છે

રૂડા રામ વાણિયા રે, તારો શેઠ નગરમાં છે,
શેઠ નગરમાં છે, રે તારો ધણી નગરમાં છે. — રૂડા રામ.
આ કાયામાં દસ દરવાજા, પચાસ લાખ માંઈ પ્રેમી,
અઠ કુળ પરવત વસે અવલિયા નવ લાખ માંઈ નેમી. — રૂડા રામ.
આ કાયામાં દેવકચેરી, સોળ પુરુષ માંઈ સાજે,
અનહદ વાજાં શે’રમાં વાજે, નવરંગ પાતર નાચે. — રૂડા રામ.
હાટ હવેલી દલ્લી ચૌટા ધ્રુ-દીપક માંઈ ધરિયા,
નવસે નવાણું નદી વાવડી, દલ ભીતર માંઈ દરિયા. — રૂડા રામ.
ઘેર ગાંધીડો, હીરલો મળિયો, મહાજનમાં મન મોશે,
પારખ હશે તે રતન પારખશે, જોનારને જડશે. — રૂડા રામ.
આશા તૃષણા સૌની પૂરી, મનથી ભ્રાંતિ ભાગી,
જોધા પ્રતાપે ભણે ભવાનીદાસ, ત્યાંથી લગની લાગી. — રૂડા રામ.

[ભવાનીદાસ]