સોરઠી સંતવાણી/6

પ્રેમલક્ષણા ભક્તિ

આત્મા અને પરમાત્મા વચ્ચેનો સંબંધ પ્રિયા–પ્રિયતમના સંબંધના રૂપકમાં ફક્ત એક નારી મીરાંએ જ નહીં, ઘણા નર-ભક્તોએ પણ ઘટાવ્યો છે. કબીરની વાણીમાં વિરહિણીના વલવલાટ છે. મહારાષ્ટ્રી સંત જ્ઞાનેશ્વરના અભંગોમાં તો એક ઠેકાણે વિરહ-વેદનાનું સંપૂર્ણપણે સ્થૂળ આલેખન છે. ચાંગદેવે માનવદેહને વધૂ લેખે અને આત્માને વર લેખે વર્ણવ્યાં છે. પરંતુ આત્મા–પરમાત્મા વચ્ચેના દંપતી-સંબંધની પરાકાષ્ઠા અને પરમાવધિ તો યુરોપીય સંત-વાણીમાં આવી છે. બાઈબલનાં ‘પેરેબલ્સ’માંથી અને ઈસુનાં અમુક ઉચ્ચારણોમાંથી એવો અર્થ ઊઠે છે કે, ઈસુ વર છે ને ‘ચર્ચ’ વહુ છે. સેન્ટ જૉનના બોલ છે કે “પ્રિયતમાનો સ્પર્શ કેમ જાણે અંગાર પડ્યો હોય તેમ હૃદયમાં પ્રેમ-જ્વાલા પ્રગટાવે છે. એટલે પછી પલકમાં સૂતેલી હૃદયેચ્છા જાગી ઊઠે છે, કામાગ્નિયે સળગી ઊઠે છે, પ્રભુને માટે તલસે છે, અને એનો આભાર માને છે. પિયુ જે મીઠા વ્રણે ઘાયલ કરે છે, તે આત્માના અંતરતમ મર્મસ્થળને ભેદીને વધુ મિષ્ટ બને છે’. આ જ્વલન અને આ જખ્મ, એ સંત જૉનને મતે જીવનની ઉત્કૃષ્ટ અવસ્થા છે. એ જ રીતે સેન્ટ જૉન ઑફ ધ ક્રોસ નામના ખ્રિસ્તી સંતમણિ આત્મા પરના પ્રભુજીના પ્રણયાક્રમણની વાત કરતાં કહે છે કે ‘અને આત્માને પૂર્ણતાએ પહોંચાડવા તેમજ એને દેહથી વધુ ને વધુ ઊંચે લઈ જવા પ્રભુ એના પર દિવ્ય આક્રમણ કરે છે, અને આ પ્રણયાક્રમણોમાં પ્રભુ આત્મન્નું મર્મવેધન કરે છે. એના ચિત્તત્વને દિવ્યતા અર્પીને એને પ્રભુવત્ દિવ્ય બનાવે છે. “બન્નેની વચ્ચે વારંવાર પ્રવહમાન બની રહેતો આ પ્રણય — સંપર્ક શબ્દાતીત છે. આતમ-વધૂ તે ટાણે પ્રભુ-પિયાના ગુણગાનમાં અને પ્રભુ તે ટાણે આતમને ઊર્ધ્વીભૂત કરવામાં, એના ગુણગાનમાં અને એના ધન્યવાદ ગાવામાં તલ્લીન હોય છે.” આ બધાં શાસ્ત્રપ્રમાણો ટાંકીનુ હિન્દી સંતસાહિત્યના અભ્યાસી શ્રી રાનડે એવું કહે છે કે ‘આત્મા–પરમાત્મા વચ્ચેના જાતીય સગપણનું આથી વધુ વિપુલ કે ઉત્કટ નિરૂપણ જગત-સાહિત્યમાં બીજે ક્યાંય થયું હોય તેમ હું માનતો નથી.’ (‘ઇન્ડિયન મિસ્ટીસિઝમ’, પ્રસ્તાવના, પા. 23.) એટલે આ ગુર્જર લોકસંતોની વાણીમાં પડેલું પ્રમાણસરનું પ્રેમલક્ષણા-સાહિત્ય આપણને આંચકો પમાડે તેવું નહીં લાગે. પ્રમાણસર શબ્દ એટલા માટે વાપર્યો કે આ લોકસંતો જાતીયતાના રૂપકને શૃંગારરસની આખરી કક્ષા સુધી ઉપાડી ગયા નથી. સંભોગ કે સુરત-સંગ્રામ એમણે ગાયો નથી. ગાયો છે ગરવો પ્રણયરસ. પ્રશ્ન એ ઊઠે છે કે, આ સંતો કઈ દૃષ્ટિએ આત્મા–પરમાત્માના સંબંધને પ્રિયા–પ્રિયુ સંબંધરૂપે નિહાળે છે? એ શું તેમનાથી અન્યથા ન ઉચ્ચરી શકાય તેવા પોતાના જ જાતીય વિકારોનું એક ઓઠા હેઠળ યોજેલું પ્રદર્શન છે? કે શું ફ્રોઈડ અને યુંગની માન્યતા મુજબ, દરેક સર્જનાત્મક પ્રવૃત્તિના મૂળમાં રહેલો આ ‘લિબિડો’ નામનું તત્ત્વ જ અહીં કામ કરી ગયું છે? ‘નહીં, આ તો આપણે માત્ર સરખામણી (‘એનેલજિ’) રૂપે જ સમજવાનું છે. આત્મા–પરમાત્માના સંબંધને ઓળખાવવાને સારુ આ સ્ત્રીપુરુષ-સંબંધ એ એક માત્ર સચોટ સરખામણી છે.’ એવું વિધાન કરીને શ્રી રાનડે શાસ્ત્રની શાખ ટાંકે છે — तद् यथा प्रियया स्रित्र्या स्वंपरिष्वक्तो न बाह्यम् किंचन वेद नानन्तरम यद् पुरूषः प्राज्ञेनात्मना स्वयंपरिष्वक्तो न ब्राह्यम् किंचन वेद नान्तरम्। (बृहदारण्यक 4-3-21)