સ્ટેચ્યૂ/આકાશને કાગળ લખવાની મોસમ

Revision as of 01:05, 2 May 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)




આકાશને કાગળ લખવાની મોસમ



મકરસંક્રાંતિનો દિવસ જેમ જેમ નજીક આવતા જાય છે એમ પતંગનો કાગળ થઈને ઊડી જવાનું મન થાય છે. પતંગ અને દોરીના સંબંધ તલના લાડુ જેટલો ક્ષણજીવી નથી. કાગળના એક ટુકડાને આકાશ જોતો કરવો. આકાશમાં ઊડતાં કરવો એ મકરસંક્રાંતિના દિવસનો મહિમા છે. આખા વરસના ૩૬૫ દિવસમાં આ એક જ દિવસ એવો છે કે, આપણે આકાશમાં જોતા થઈએ છીએ. ઊડતી પતંગ તો આકાશ જોવાનું બહાનું છે. આપણે અગાસી ઉપર ચડીએ છીએ ત્યાં રંગબેરંગી પતંગો જોઈએ છીએ, પણ આકાશ નથી જોતા. આકાશની વાત તો છોડો પણ અસંખ્ય પતંગોમાં હું મારી પતંગને જ જોયા કરું છું એટલે આકાશને જોવામાં મને મારો પતંગ જ આડો આવે છે. હું આકાશ જોઉં છું ત્યારે ખોવાઈ જાઉં છું. મને મારું સરનામું યાદ નથી રહેતું. જે દિવસે આપણું સરનામું ભૂલી જઈએ તે દિવસે એમ સમજવું કે આકાશ સાથે આપણી ભાઈબંધી થઈ ગઈ છે. પણ ભાઈબંધી ભારે પડે એવી છે. કોઈ માણસ ખોવાઈ જવા માટે રાજી નથી કારણ કે ખોવાઈ જવામાં ભય છે. અસલામતી છે. આ ભયને કારણે પોતાના સરનામાની ફીરકી હાથમાંથી છોડતો નથી. આપણે મુંબઈગરાઓ ભલે સ્કાયસ્ક્રેપરમાં રહીએ પણ આકાશ જોવાનું આપણું ગજું નથી. કોઈવાર હેલીના ધૂમકેતુ કે ઉલ્કાવર્ષા જોવા અગાશી ઉપર ચડીએ પણ આકાશનો સૂનકાર જોવા માટે આપણે દૂરબીનો માંડતાં નથી. કોઈની આંખે મોતિયો આવ્યો હોય તો સમજી શકાય કે મોતિયો ઊતરાવ્યા વિના નહીં જોઈ શકાય. પણ મુંબઈગરાની અંધારામાં પણ ભાળી શકે એવી તેજસ્વી આંખોને અકાળે મોતિયો આવી ગયો છે. આપણી આંખોને રેલ્વેના ઈન્ડિકેટરોનો મોતિયો આવ્યો છે. વિઝિટિંગ કાર્ડનો મોતિયો આવ્યો છે. રિલાયન્સના ડિબેન્ચરોનો મોતિયો આવ્યો છે. અમિતાભ બચ્ચનનો મોતિયો આવ્યો છે. ટેલિવિઝનનો મોતિયો આવ્યો છે. જાહેરખબરોનો મોતિયો આવ્યો છે. પોસ્ટરોનો મોતિયો આવ્યો છે. થોકબંધ સામયિકોનો મોતિયો આવ્યો છે. હવે તમે જ નક્કી કરો કે આ મોતિયાના ઑપરેશન કરાવવા કોની પાસે જવું? આ મોતિયાનું ઑપરેશન થાય તો પણ આપણી આંખોમાં મકરસંક્રાંતિનું આકાશ માળો બાંધે. મકરસંક્રાંતિનું આકાશ કંઈક જુદી જ અનુભૂતિ કરાવે છે. બ્લ્યૂ રંગના આકાશમાં લટાર મારતી આછી સફેદ વાદળીઓ અનેરું સૌંદર્ય સર્જે છે. વિવિધ રંગના ઊડતા પતંગોને જોતાં એમ લાગે છે કે આકાશને સરનામે આજે ઘણી બધી ટપાલ આવી છે. પતંગ ડોલતી હોય કે ગોધ ખાતી હોય ત્યારે આકાશ પણ ડોલતું દેખાય છે. આપણે હાથમાં ફીરકી પકડી હોય અને સડસડાટ દોરી ખેંચાતી જતી હોય ત્યારે આપણે આકાશને ઉડાડતા હોઈએ એવી લાગણી થઈ આવે. આ ઉત્તરાયણનું આકાશ કેટલું બધું સુંદર લાગે છે કે એને ફીરકીમાં વીંટી લેવાનું મન થાય. પણ આકાશને ફીરકીમાં વીંટવા જતા આપણી ફીરકી ઊતરી જાય છે. આપણી પહોંચ પતંગ સુધી છે એટલે પતંગિયો ઉત્સવ ઊજવીને રાજીના રેડ થઈ જઈએ. મુંબઈગરાના નસીબમાં અગાસી નથી. એ બારીની તિરાડમાંથી આકાશ જુએ છે. બારીના ચોકઠામાંથી આકાશ જુએ છે. સ્ક્વેરફીટના ચોકઠામાંથી આકાશ જુએ છે. જેમ કોઈ ઘોડાને ઘોડાગાડી સાથે જોડી દેવામાં આવે ત્યારે એની આંખ આડે ડાબલા ચડાવી દેવામાં આવે છે. ઘોડાની આંખે એનો માલિક કહે એટલું જ જુએ. એનાથી વધારે જોવાની એને મનાઈ છે. આપણે બધી જ શક્તિથી ઊભરાતા અશ્વો છીએ. ચૈતન્યથી ધબકતા છીએ. પણ ઘોડાગાડીમાં જોડાયેલ અશ્વો છીએ એટલે મુંબઈ જેટલું કહે એટલું જ જોવાનું અને જેટલું બતાવે એ જ જોવાનું. આ પરિસ્થિતિમાં જો આકાશ જોવાનો ચાળો કરીશું તો આપણે ખોવાઈ જઈશું. ખોવાઈ જવાનો આનંદ આપણે જાણ્યો નથી કે માણ્યો નથી એટલે મકરસંક્રાંતિના દિવસે તલના લાડુની આપલે કરીને આપણી હયાતીને ઊજવીએ. ઘરમાં અગાસી હોય તો પતંગ ચગાવીએ અને આપણી ઘરવખરીમાં આપણા સિવાય કંઈ જ ન હોય તો રખડવા નીકળીએ. સૂર્ય ઉત્તરાયણમાં જાય તો આપણે દક્ષિણાયનમાં જઈએ. પણ એક વાત કહું? આકાશ આપણને છોડતું નથી. એ આપણી સાથે જ હોય છે. એ પડછાયાની જેમ પાછળ પાછળ આવે છે. આપણે બધાં જ ખાલીખમ વડા જેવા પોતપોતાનું આકાશ લઈને ફર્યા કરીએ છીએ. કોઈવાર આપણો ઘડો ફૂટી જાય છે ત્યારે એમાંથી ઢોળાઈ જતું આકાશ જોઈને કૃષ્ણ હસે છે ને કહે છે 'તારો ઘડો સલામત નથી.' મકરસંક્રાંતિ એ આકાશને પત્ર લખવાની મોસમ છે. અગાસી કે ખુલ્લું મેદાન એ આપણું સરનામું છે. અને આકાશને તો કોઈ સરનામું હોતું નથી. જે સર્વત્ર હોય એનું સરનામું શું લખવું.