હનુમાનલવકુશમિલન/પેટ

From Ekatra Wiki
Revision as of 01:59, 26 February 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

પેટ

—વાઉં, વાઉં, વાઉં. ઓટલી પર બેઠેલા ખડસૂલિયા કૂતરાને પગની એક લાત પડે. જાળીનો આગળિયો વસાય. મોંમાં અદૃશ્ય થયેલા ‘શિવકવચ’ની જગા લેવા ‘શિવ, શિવ’ આવે. વળી ‘શિવકવચ’ દાખલ થાય. ખભા પર નાખેલ ધોતલી વતી ગોરબાપા મોં પરથી પરસેવો લૂછે ને અંદર રસોડા તરફ વળે. ત્યાં પહોંચતાં ખાસ્સો વખત લાગે. વિશાળ કાયા બંને બાજુ લયબદ્ધ ડોલે. એની તોલે પગ તો સાવ વામણા લાગે, ભરાવદાર આંચળની ડીંટડી જેવા. નીરસ રીતે પાછળ પાછળ ઘસડાયે જાય. રસોડા સુધી પહોંચતામાં ઠેરઠેર પરસેવાનાં ઝરણાં ફૂટી નીકળે. છાતી પરના વાળમાંથી છટકીને નીચેના વિશાળ ગોળાકાર પર એ પોતાની સફર શરૂ કરે. ઘૂંટણ પર હાથ ટેકવી બાપા ધીમેકથી બેસે. ભીંતને અઢેલે. ઘોતલી વતી આખા ડિલેથી પરસેવો લૂછે. બાજુમાં પડેલો પાણીનો મોટો કળશિયો ઊંચકે એટલે પાછું મોંમાંથી ‘શિવકવચ’ વળી જરા વાર માટે અદૃશ્ય થાય ને પાણી દાખલ થાય. પાણી પી ફાંદ પર હાથ ફેરવે. ઉપર ચડતા વાયુમાંથી થોડોક રસ્તો શોધી સહેજ આંચકા સાથે મોંમાંથી બહાર નીકળે. સામેની થાળીમાં તૈયાર કરેલી સામગ્રીને હાથ પર લે. પ્રજાપતિની તન્મયતાથી બે હાથ વતી લાડુ તૈયાર કરતા જાય. દરેક લાડુ એમની કાયાને અનુરૂપ જ ઘાટમાં બરાબર ગોળાકાર થવો જોઈએ. કુશળતાપૂર્વક બે હાથ વચ્ચે ચૂરમું દબાતું જાય, ઘાટ ઊતરતા જાય. એક પછી એક લાડુ તૈયાર થતા જાય ને બાજુની કોરી થાળીમાં મુકાતા જાય. લાડુની એક નાનકડી ટેકરી રચાતી જાય. ઠીક છે, ચાલ્યા કરે છે. બાકી જજમાનોમાં પહેલાં જેવો ધરમ હવે રહ્યો નથી. સીધાં ને દક્ષિણામાં હવે ખાસ સવાદ નથી. રસોડામાંથી એક ટૌકો ઊઠે ને દેવ પૂજી ચૂકેલા ગોરબાપા હોંકારો ભણતા ઊભા થાય. ચોખ્ખા ઘીની સુગંધથી તરબતર થઈ જાય. ઓહોહોહો, એ જમાનો...... ત્યાં બારણે અવાજ થાય. કેડભાંગ્યો માગણ લાકડી પર કાયા ટેકવી હાથમાંની વાટકીમાં પૈસા ખખડાવી બાપાનું ધ્યાન ખેંચે ને બાપાનો પિત્તો જાય. માગણ કીધા એટલે હાંઉ. બરાબર ટાણું જોઈને નીસરે છે. ને મોંમાંથી ગાળને વરસાદ શરૂ થઈ જાય. હાથ ખંખેરી ઝડપથી ઊભા થઈ જાય ને પરસાળ તરફ ધસે. લાકડી પર ઠેકતો લોટમંગો એટલામાં જ ભાગી જાય ને ગોરબાપા હોઠ ફફડાવતા પાછા ચાલુ કામમાં લાગે. કામમાં મન લગાવતાં સહેજ વખત લાગે. હજુ માંડ બધું થાળે પડવા આવ્યું હોય ત્યાં બૂમ ઊઠે, ‘બમ ભોલે.’ ગોરબાપાની આંખ ઊંચે ઊઠે. ભભૂતગર બાવો એનાં લટૂરિયાં ઉડાડતો રામપાતર ધરીને ઊભો હોય. આંખમાં થોડી ધતુરાવાળી ભાંગ તરતી દેખાય. બાપા ઊઠે ને એક ત્રાંબિયો આપી પાછા આવે. બાવો આગળ ચાલ્યો જાય. ભિક્ષા પૂરી કરી રૂંઢનાથમાં વળી ભાંગ ગટગટાવી એ પડ્યો રહે તે સાંજે છેક ઝાલરટાણે ઊઠે. ગોરબાપા મોંસૂઝણાટાણે નદીસ્નાન પછી ને સાંજે ઝાલરટાણે અચૂક રૂંઢનાથમાં હાજર. —હીહીહીહીહી. બાપાને જંપ નથી. હજુ માંડ અડધે પહોંચ્યા હોય ત્યાં ગાભા વીંટેલી નાગબાઈ હાજર. બાપા પાછળ વળીને જુએ. નાગબાઈ આખો દિવસ ગામ આખામાં રખડ્યા કરે. ફાવે તે ઘર સામે જઈને ઊભી રહે ને ‘હીહીહીહી’ કરે. ચૂરમાની ગંધ માળી બધે પહોંચે છે. બાપાના હોઠ ફફડવા માંડે. પાછળ વળીને જુએ. નાગબાઈ ‘હીહીહીહી’ કરે ને શરમાઈને ગાભાવતી મોં ઢાંકી દે. ‘શિવકવચ’ની ગતિ વધી જાય. ઝડપથી રસોડામાં પહોંચી અડધો લાડુ લઈ બાપા જાળી આગળ પહોંચે. બ્રાહ્મણવાસના છેવાડાનો આ ભાગ બપોરટાણે શાંત બની જાય તોય બાપા આસપાસ ડોક ફેરવી લે. નાગબાઈને ઇશારાથી ઓટલીની ઉપર આવવા કહે ને લાડુ એના હાથમાંની ભાંગેલી માટલીમાં મૂકી, મોં ફેરવી, જાળી વાસી ‘શિવ, શિવ’ કરતા પાછા ફરે ને ધોતલીથી આખી કાયા લૂછી નાખે. મીંદડીનાં બચોળિયાં જેવડા લાડુ. ખુશીમાં નાગબાઈ પાછી ‘ખીખીખીખી’ કરે ને આગળ વધે. રસ્તામાં એકલી એકલી જ વાતો કર્યા કરે. લડે, રડે, ઘુમટો તાણે. કોઈવાર કોઈ ખોરડા આગળ ઊભી રહે ને ‘હીહીહીહી’ કરે તો કોઈવાર અચાનક ગાવા માંડે. સોન-હલામણ કે ઊજળી-મે’ના દૂહા લલકારી દે— હાલો બાની!* વનરા ઢૂંઢીએ, મળી ઉડાડિયેં મોર; ટૌકે હલામણ સાંભરે, કટકા કાળજ કોર. બપોર થયે નિશાળ છૂટે. તેમાંથી એક ટોળકી પાછા ફરતાં એને ગોતતી આવે. બે ફળિયાના ગામમાં એને ગોતવી અઘરીયે નહીં. એ આમ જ મીઠું મીઠું ઝઘડતી હોય કાં તો કશુંક લલકારતી હોય– કારેલાં કડવાં રે, રૂડી રસપોળી પિવ હેતે જમાડું રે ઘીમાં ઝબકોળી –કાં તો ગામના કાઠીની ડેલીની ટોચે ફડફડતાં પારેવાંના ટોળાંને ટગટગ નીરખ્યા કરતી હોય. ડેલીની મેડીયે એ રોજ એને ચણ નાખતી. એને જોઈને છોકરાંઓ રાજીના રેડ થઈ જાય ને ‘નાગડી નાગડી’ની બૂમાબૂમ કરી મૂકે. પણ એનું એમાં ક્યાંય ધ્યાન નહીં. ધીમે ધીમે છોકરાંઓ એને ‘હાંકવા’ માંડે. એની ઉપર કાંકરીઓ પડતી જાય ને એ ધીમે ધીમે ત્યાંથી હાલતી જાય. પાછળ પાછળ છોકરાંઓની ટોળી. છોકરાંઓને એ કશું કહે નહીં. પોતાની ધૂનમાં જ કાંક બોલ્યે જાય ને કાંકરી માથા પર ન લાગી જાય એ માટે માથા પાછળ હાથમાંનો ગાભો એક હાથે પકડી રાખે. નિશાળ આવી પહોંચે ત્યાં છોકરાંની એક બીજી ટોળી પણ ઉમેરાય. એ બધાં થોડેક છેટે સુધી એને વળાવી પાછાં ફરે. આગળ વળી એક ખેતર આગળ એ ઊભી રહે. શેઢે ઊગેલો આંબો એણે વાવેલો. લીલોછમ બનીને હવે એ કાળ્યો હતો. એની નીચી નમેલી ડાળ એ હાથમાં ઝાલીને ઊભી રહી જાય. પવનમાં આંબો ખખડે તે સાંભળ્યાં કરે ને ઉપર ઊડતાં-હીંચતાં પંખીને જોયા કરે. એની કોઈ ડાળ પર ક્યાંક માળો બંધાયો હોય તો તો એ ભારે ખુશ. અચાનક એકાદ વરત એ ત્યાં ફેંકી દે– જે થડ પવન ન સંચરે, પંખી ન બેસે કોય; તાસ-તણાં+ ફળ મોકલો, સાચા સાજણ હોય. ને આગળ ચાલે. એમ કરતાં નદીતીરે રૂંઢનાથ મહાદેવ દેખાય. એના પગની ગતિ વધી જાય. મહાદેવની સામેના વડના ઝાડ હેઠે બેઠી હોય. વેજી નદીની પેલી દૂર ક્ષિતિજ તરફ તાકીને કશુંક જોઈ રહી હોય. નાગબાઈ એની નજીક આવી પહોંચે. તોય એ તો જેમની તેમ જોયા જ કરે. રાતે સૂઈ જાય પણ તે સિવાય બસ આમ જોયા જ કરે. કોઈ બોલાવે તો એની તરફ ડોક ફેરવે પછી ટગર ટગર જોયા કરે. આજુબાજુ ક્યાંક પંખી બોલે, મંદિરમાં ઘંટ વાગે, નદીમાં ધુબાકો થાય તો એ તરફ ડોક ફેરવે. બસ ટગર ટગર જોયા જ કરે. સાવ શાંતિ હોય ત્યારે આમ ક્ષિતિજ તરફ નજર રાખીને બેસી રહે. સીધી સટ નજર ક્યારેક રૂંઢનાથ મહાદેવ તરફ, ક્યારેક ગામ તરફ. ક્યારેક આમ નદી તરફ. જે તરફ મોં કરી બેઠી હોય એ તરફ બસ આમ જોયા જ કરે. ભૂખ લાગી હોય કે કંઈ શરીર સારું ન હોય તો નાના બાળકની જેમ રડવા માંડે, ડર લાગે તો રડવા માંડે. ભારે મોટો અવાજ થાય તો એને ડર લાગે. વરસાદ પડવા માંડે ને એ ભીંજાવા માંડે તો ડર લાગે, એવું થાય તો જેમતેમ ભાંખોડિયા ભરતી રૂંઢનાથ તરફ એ જવા માંડે. એનાં છાપરાં નીચે ઓટા પર લપાઈ જાય ને સ્થિર જોયા કરે. કશું બોલે નહીં કે ચાલે નહીં. નાગબાઈ એની પાસે આવીને અજાણ્યાને તરત ન સમજાય એવી રીતે બૂમ પાડે – ‘વેજી.’ અવાજ સાંભળીને વેજી આંખ ફેરવી એના પર ખોડે. નાગબાઈ એના વાળ હાથ વતી સરખા કરે, એની પીઠે હાથ ફેરવે. વેજીને પાછા ગમા-અણગમાયે ખરા. આવું કોઈ કરે તો એને ગમેય ઘણું ને એ ખીલખીલ હસી પડે ને હાથ ઉછાળે. નાગબાઈયે ‘ખીખીખીખી’ કરીને હસે. વેજીએ ક્યાંક ઝાડો-પેશાબ, ઊલટી કર્યાં હોય તો એને બાજુ પર ખસેડી લે ને વડનાં સૂકાં પાંદડાં વેજીના ગંદા થયેલા ગાભા પર ભભરાવી એ બધું લૂછી નાખે. પછી માટલી પર એક હાથ ઢાંકી રાખે, ક્યાંક કાગડો આવી કશું ઉપાડી ન જાય. ને બીજે હાથે એમાંથી બધું મિશ્રણ કાઢી વેજીબેટીને ખવાડતી જાય. એ ખાઈ રહે પછી બાકી વધ્યું હોય તે પોતે ખાય, નહીંતર જય ભોલે. પછી ખાલી માટલી લઈ નદી તરફ જાય. ત્યાં ઢોરાં ચરતાં હોય, તેમાંથી એકાદ ગાય દોડતી એની પાસે આવે. એને ચાટવા માંડે. એ એને હાથ ફેરવવા માંડે. એનું નામ એણે ગવરી પાડેલું. ત્યારે તે એ નાની વાછડી હતી. એને ગળે એણે નાનકડી ઘૂઘરીઓ બાંધી’તી. ત્યાં તો એના તરફ વંકાતી આંખે જોતો રબારી ત્યાંથી ગાયને હાંકી મૂકે ને એનેયે હડે કરી દે. ફરી એ ‘હી હી હી હી’ કરે. નદીમાંથી માટલી ભરીને પાણી પીએ, પાછી માટલી ભરી વેજી પાસે આવે. વેજી પાણી પી લે તે જોયા કરે. વેજી સામે ટગર ટગર જોયા કરે પછી વેજીને ખોળામાં સુવડાવી દે. વેજી આંખ મીંચી જાય પછી વેજી સામે ટગર ટગર જોઈને કંઈક બબડ્યા કરે. ફરતો ફરતો એનો હાથ વેજીના પેટ પર ઠરે. આ તો જાણે ટેટી જ જોઈ લ્યો. ને એ જરા શરમાઈ જાય. ધીમેથી આસપાસ જોઈ લે. ભરબપોરે અહીં કોણ હોય! વળી એ ‘ખીખીખીખી’ કરે. અચાનક મોં ખૂબ ઠાવકું બની જાય. હાથ જ્યાં-નો-ત્યાં જ સ્થિર થઈને અવાજ સાંભળે ને બીજે હાથે હડપચી ઝાલીને એ કોઈ ભાવિનાં સોણાંમાં બૂડી જાય.*


  • દાસી + તેના
  • વાર્તામાં આવતાં પદ્ય કે પદ્યપંક્તિઓ ક્રમશ: નીચેનાં પુસ્તકોમાંથી ઉતારેલ છે. બીજા પદ્યમાં મૂળ ‘હરિ’ શબ્દને સ્થાને ‘પિવ’ ફેરફાર કરેલો છે.

(૧) ‘સોરઠી ગીતકથાઓ’, લે. ઝવેરચંદ મેધાણી, (પહેલી આવૃત્તિ) પૃ. ૨૫. (૨) ‘પ્રાચીન ગુજરાતી છંદો’, લે. રામનારાયણ વિશ્વનાથ પાઠક, (પહેલી આવૃત્તિ) પૃ. ૨૮૩. (૩) ‘સોરઠી ગીતકથાઓ’, પૃ. ૭.