હરીશ મીનાશ્રુની કવિતા/પર્જન્યસૂક્ત : ૧૦

પર્જન્યસૂક્ત : ૧૦

નયન થકી રે નેહ
નીતરે નેવાં પરથી નીર
ઘરમાં પલળ્યાં પ્રિયજન
કુંજે ભીંજ્યાં કોયલકીર

જરકશી મેઘબિજુલી ઊડે
આજ પધારે ચડી ગરુડે

બંશીવટને પુંજ પાંદડે
ઝગમગતો આહીર

સ્તનમંડળ પર મેહુલમોતી
ત્રફડે તગતગ જળની જ્યોતિ

ગોપવનિતાનાં લયવ્યાકુળ
ચળકે ચરણાં ચીર

જળઝૂલણા વન વૃંદાવનનું
બુંદ બિલોર ઝરે કંચનનું

સ્યાહી ઝબોળી જીર્ણ દ્વારિકા
ઝૂરે, નરી કથીર