આત્માની માતૃભાષા/34

From Ekatra Wiki
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


‘ગામને કૂવે’: લોકસાહિત્યના કુળની કવિતા

દલપત પઢિયાર

ગામને કૂવે

ગામને કૂવે પાણીડાં નહિ ભરું,
કૂવે કળાયલ મોર, મોરી સૈયરું,
ગામને કૂવે પાણીડાં નહિ ભરું.
ગામને સરવરિયે ઝીલણ નહિ કરું,
સરવરિયે ચિત્તડાનો ચોર, મોરી સૈયરું,
ગામને…
ગામની વાડીમાં કદી નહિ ફરું.
વાડીમાં પિયુનો કલશોર, મોરી સૈયરું,
ગામને…
ગામને ચૌટે ઘડીભર નહિ ઠરું,
ચૌટામાં ચમકે ચકોર, મોરી સૈયરું,
ગામને…
ગામમાં રહીને જઈ ક્યાં ઠરું?
ઠાલો એકે ન મૂકે ઠોર, મોરી સૈયરું,
ગામને…
ગામમાં માતી હું ન'તી ઘૂમતાં,
તોડ્યો એણે મનડાનો તોર, મોરી સૈયરું,
ગામને કૂવે પાણીડાં નહિ ભરું.
અમદાવાદ, ૨૨-૫-૧૯૪૫


ઉમાશંકરભાઈએ આપેલી માતબર ગીતરચનાઓ પૈકીની આ પ્રતિનિધિ રચના છે. ગ્રામ-પરિવેશના મનોહર ચિત્રણ સાથે નાયિકાના મધુર મનોભાવોનું અને વ્યાકુળતાનું ભાવવાહી નિરૂપણ આ ઊર્મિરચનામાં થયું છે. કૃતિના સર્જક તરીકે, ઘડીભર, ઉમાશંકરભાઈનું નામ કાઢી નાખીએ તો સીધેસીધું આપણાં લોકગીતની શ્રેણીમાં ગોઠવાઈ જાય તેવું આ ગીત છે. એનું આખું વાતાવરણ અને સમગ્ર રૂપવિધાન જોતાં આ લોકસાહિત્યના કુળની કવિતા છે. ઉમાશંકરભાઈ પ્રકૃતિ, સંસ્કૃતિ અને લોકના મોટા ઉદ્ગાતા છે. પર્વતો જેમ મોઢું ખોલ્યા વગર વર્ષાજળને પીતા હોય છે અને એનો સંચય પછી પથ્થર ફોડીને વહેતો હોય છે તેમ ઉમાશંકરભાઈએ પ્રકૃતિને, લોકને, લોકસંસ્કૃતિને, લોકચેતનાને અવિરત ઝીલ્યાં છે અને ભરપૂર ગાયાં છે. આપણી સમૃદ્ધ લોકપરંપરા, તેના સંસ્કારો, આપણાં લોકગીતો, તેના લય-ઢાળ, તેનાં વહેણ-વલણ, તેનાં છાંટ-છટા તેમણે આત્મસાત્ કરેલાં છે. ‘ગામને કૂવે’ કૃતિ આ લોકપરંપરાની સમૃદ્ધિ, સંસ્કાર અને સૌંદર્યની ઝાંખી કરાવતી નોંધપાત્ર કૃતિ છે. ‘ગામને કૂવે પાણીડાં નહીં ભરું’ પંક્તિથી થતો રચનાનો ઉપાડ, તેનાં માંડણી-મરોડ, તેનાં લય-લઢણ, તેનો પટવિસ્તાર અને વિકાસ, તેનો વળાંક-વિરામ અને તેનું સમગ્ર વાતાવરણ પૂર્ણત: લોકગીતના પરંપરાગત રૂપબંધ અને ભાવસંસ્કારનો અનુભવ આપે છે. ‘મોરી સૈયરું’ ઉદ્બોધના પણ લોકપરંપરામાં પ્રચલિત સંવાદ કે ગોષ્ઠીના પ્રયોગનું સ્મરણ કરાવે છે. અહીં સહિયરોને સંબોધન છે પણ તેમની ઉપસ્થિતિ સૂચિત પ્રકારની છે. સરવાળે કૃતિનું સ્વરૂપ નાયિકાની સ્વગતોક્તિ પ્રકારનું છે. ઉપાડની પંક્તિ રચનાની ધ્રુવપંક્તિ છે. રૂઢ રીતે આવર્તન પામતી રહે છે પરંતુ અરૂઢ રીતે પડઘાતી રહે છે. વાંચતાંની સાથે જ એ ભાવકના ચિત્તમાં લોકગીતના નૈસર્ગિક લયહિલ્લોળને અને તાલને પણ રચી આપે છે. રચનામાં ગામ અને ગામનાં કેટલાંક સ્થળોનો સ્થાનવિશેષ અને સ્થિતિવિશેષ તરીકે અનન્ય મહિમા થયો છે. નાયિકાના દિલનો કબજો લઈને બેઠેલું આખું ગામ અને તેનાં પ્રતિનિધિ સ્થાનો સાથેનું નાજુક જોડાણ તીવ્ર અને ઘેરી ઉત્કટતાથી નિરૂપાયું છે. ગામનો કૂવો, ગામનું સરોવર, ગામની વાડી, ગામનું ચૌટું એ નાયિકાના હૃદયમાં કાયમી રીતે વસી ગયેલાં, વસી રહેલાં મુગ્ધ, મનોહર મંગલ સ્થાનો છે. અહીંથી કેટલુંબધું છોડીને જવાનું થયું છે અથવા અહીંનું કેટલુંબધું એમનું એમ, અકબંધ છે જે છૂટ્યું નથી. આજે આ બધું ઊમટ્યું છે, ઊભરાયું છે અને ઘેરી વળ્યું છે. નાયિકાની વ્યાકુળ, મધુર મન:સ્થિતિનું આસ્વાદ્ય કાવ્યરૂપ હવે અહીં પ્રગટ્યું છે. રચનાના બધા પંક્તિ-એકમોમાં ‘ગામ’ આવર્તન પામ્યા કરે છે. આ આવર્તન લોકપરંપરાની શૈલીને તો સચિત કરે છે તે સાથે નાયિકાના ચિત્તમાં ‘ગામ’ અને ગામ સાથેનો અનુરાગ સ્થાયી ભાવે પડેલો છે તેને પણ ઘનીભૂત કરે છે. નાયિકાના મુખમાં મુકાયેલો ‘પાણીડાં નહીં ભરું'માંનો ‘નહીં'નો પ્રયોગ લાક્ષણિક છે. વસ્તુત: અહીં ‘નહીં’ એ નકારનો વાચક કે સૂચક નથી. ‘ઝીલણ નહીં ઝીલું', ‘વાડીમાં નહીં ફરું', ‘ચૌટે નહીં ઠરું’ એમ વિવિધ પંક્તિઓમાં તેની પ્રયોજના છે. આ પ્રયોજના નાયિકાના મનની ઇચ્છાને, માગણીને બીજે છેડેથી સમર્થન આપે છે. ગામનાં સંભારણાં જે અમીટ સ્મૃતિ રૂપે ચિત્તમાં સ્થપાઈને પડેલાં તે આજે તાજાં થયાં છે. આ સંભારણાંનું અને આ સમયનું સુખ કઈ પેરે ગાવું, કઈ રીતે વ્યક્ત કરવું એની અહીં મથામણ છે. પોતાના જે ભાવમાં પડેલું છે તેને મહત્ત્વ આપવાની, મોટી બતાવવાની આ નિર્દોષ પ્રયુક્તિ છે. કૂવે પાણી ભરવા જતાં આખો કૂવો ઊભરાઈ આવે એવું છે. ‘કૂવે’ તો ‘કળાયેલ મોર'નો મુગ્ધ, મધુર મામલો છે. કૂવે પાણી ભર્યાં છે તેનું તો દખ છે! ઘણી વાર સુખ પણ આમ જુદી રીતે દુખતું હોય છે. કૂવે ‘કળાયેલ મોર’નું કામણ છે તો સરવરિએ ‘ચિત્તડાના ચોર'નો પીછો છે. વાડીમાં ‘પિયુનો કલશોર’ ઘેરી લેનારો છે તો ચૌટે ‘ચકોર’ ટકવા દે તેમ નથી. આ બધે કાવ્યનાયક કેન્દ્રમાં છે અને કનડી રહ્યો છે. નાયિકાની ઉત્કટ, આતુર ભાવસ્થિતિનું નિરૂપણ ભાવકને પણ અંદરના તાણમાં લે છે. દીકરીને માટે પિયરગામ ઉપરાંત સાસરિયું ગામ પણ ભાગ્યમાં લખાયેલું હોય છે. પહેલાને એ હૃદયમાં સાચવીને રાખતી હોય છે અને બીજાને એમાં સમાવતી હોય છે. પિયરગામની ભૂમિની એક પણ જગ્યા એવી નથી. જ્યાં કોઈ ને કોઈ સંભારણું પડેલું ન હોય. આ બધું કેડો મૂકતું નથી. અંદરથી નર્યો સુખનો અજંપો ઊઠ્યો છે. અહીં જે માયા બંધાયેલી છે તેનો જુદા પ્રકારનો તકાદો પ્રગટ્યો છે. કેમ કરીને સ્થિર થવું? ‘ઠાલો એકે ન મૂકે ઠોર’ — ક્યાં જઈને ઠરાપો લેવો તેનો મૂંઝારો છે. એક સમય હતો જ્યારે અહીં જમીનને પગ છબતો નહોતો, ઊછળતી-કૂદતી આખા ગામમાં પોતે માતી નહોતી અને તોરમાં ફર્યા કરતી હતી. ત્યારે એમ હતું કે જાણે આ બધું છૂટવાનું નથી, આ સમય ક્યારેય બદલાવાનો નથી. આજે ગામ ત્યાંનું ત્યાં છે, સ્થળો ત્યાંનાં ત્યાં છે પણ સમય ત્યાંનો ત્યાં નથી, પોતે પણ ત્યાંની ત્યાં નથી. ગામની આ ભૂમિને તો ત્યારે પણ ખબર હશે કે આ આજે અહીં હરખની મારી માતી નથી પણ કાલે આના પગ બંધાઈ જવાના છે. ‘તોડ્યો મારો મનડાનો તોર’ પંક્તિમાં એ સૂચન બરાબર ઝિલાયું છે. ગામ સાથેનો અંદરનો દોર બંધાયેલો જરૂર રહ્યો છે પણ ગામ ખાતેનો, ત્યારનો તોર તૂટી ગયો છે. કવિએ બહુ વ્યંજનાથી આખી ભાવપરિસ્થિતિને અહીં બાંધી છે. આ કૃતિ બહુ ઓછી ભાષાસામગ્રી સાથે અભિવ્યક્તિનું ઊંચું કામ પાર પાડે છે તે તેની સમગ્ર સંરચનાની અને નિરૂપણની ખૂબી છે. ‘ગામ’નું આવર્તન ગણી જોવા જેવું છે. એ જ રીતે ક્રિયાપદો, સ્થળનામો, પ્રીતમનાં રૂપો, ‘મોરી સૈયરું'નાં આવર્તનો, વગેરેની સામાન્ય ગણતરી ધ્યાનમાં લેતાં કેટલી ઓછી ભાષાસામગ્રી ખપે લેવાઈ છે તેનો ખ્યાલ આવશે. આમ છતાં આ બધાંમાંનું એકેય અંગ હેતુ વગરનું કે હેતુ બહારનું નથી. આવર્તનો ક્યાંય મંદ, વધારાનાં કે એકવિધ નથી. ક્રિયાપદો કેટલાં કારગત નીવડી આવ્યાં છે તે આમાં જોઈ શકાશે. ‘કળાયેલ મોર'થી આરંભી ‘તોડ્યો મારો મનડાનો તોર’ સુધીની પંક્તિએ પંક્તિએ રચાયેલી પ્રાસયોજના કાવ્યની વ્યંજનાસભર રમણીય સૃષ્ટિ રચે છે. આખી રચના તેની સરલતા, પ્રવાહિતા, ભાવવાહિતા, સૌંદર્યલક્ષિતા અને લોકસાહિત્યના રૂપસંસ્કારની નૈસર્ગિક ફોરમને લઈને ભાવકના ચિત્તમાં કાયમ રમ્યા કરે એવી છે.